કૂતરું તેના માલિક જેટલું જ સારું કે ખરાબ હોય છે

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

કૂતરાંની પ્રકૃતિ અનુસારની વર્તણૂંક અને માનવ સાથેના તેના સંબંધો વિશે થયેલા અમેરિકન અભ્યાસ વિશે ગયા સપ્તાહે આ કટારમાં લખાયું. દરમિયાન આ તથ્યની પુષ્ટિ કરતી એક ઘટના દિલ્હીમાં બની. ઘટના ગંભીર હતી અને અખબારે ચડી એટલે તેના પ્રત્યાઘાત પણ પડવા જોઈએ એવા જ પડ્યા. ઘટનાનું મુખ્ય પાત્ર ના આમ તો એક આઈ.એ.એસ. અધિકારી છે, પણ ખરેખર તો કેન્‍દ્રમાં તેમનું પાળેલું એક કૂતરું છે.

ઘટનાની પૃષ્ઠભૂમિ એવી છે કે દિલ્હીના સરકાર સંચાલિત ત્યાગરાજ સ્ટેડિયમમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના અનેક રમતવીરો રોજ પ્રેક્ટિસ કરવા આવે છે. અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આ સ્ટેડિયમ

2010માં, કોમનવેલ્થ ગેમ્સ વખતે બાંધવામાં આવ્યું હતું. અહીં રોજેરોજ અનેક રમતવીરો અને તેમના પ્રશિક્ષકો સૂર્યાસ્ત પછી પણ રાતના આઠ-સાડા આઠ સુધી પ્રેક્ટિસ કરે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી તેમણે સાંજના સાત પહેલાં બધું ફટાફટ સમેટી લેવું પડતું હતું. સ્ટેડિયમના સલામતી રક્ષકો સિસોટીઓ મારી મારીને સૌને સ્ટેડિયમ ખાલી કરાવી દેતા હતા. આનું કારણ એ કે દિલ્હીના મુખ્ય રેવન્યુ સચિવ સંજીવ ખિરવાર તેમના કૂતરાને લઈને અહીં ફેરવવા માટે આવતા હતા. સાથે તેમનાં પત્ની રીન્‍કુ દુગ્ગા પણ આવતાં. આ દંપતિ આઈ.એ.એસ. થયેલું છે.

‘ઈન્‍ડિયન એક્સપ્રેસ’ના ફોટો જર્નલિસ્ટ અભિનવ સહાએ ત્રણ ત્રણ દિવસ સ્ટેડિયમના ચક્કર લગાવીને આ બાબતની ખાતરી કરી હતી અને સ્ટેડિયમની બાજુમાં બંધાઈ રહેલી એક ઈમારતના દસમા માળે પહોંચીને તેમની તસવીર લીધી હતી. અખબારમાં આ પ્રકરણ પ્રકાશિત થતાં જ ખિરવારે આ આરોપને ‘બિનપાયેદાર’ જણાવ્યો હતો, સાથે એમ પણ સ્વીકાર્યું હતું કે પોતે ‘ક્યારેક’ કૂતરાને લઈને આવે છે ખરા, પણ એનાથી રમતવીરોને કશી ખલેલ પહોંચતી નથી.

પ્રકાશિત થયેલા અહેવાલને પગલે સ્ટેડિયમને રાતના દસ સુધી ખુલ્લું રાખવાનો તેમજ આ બાબતે પગલાં લેવાનો આદેશ અપાયો. આખરે શિક્ષાત્મક પગલાં તરીકે સંજીવ ખિરવારની બદલી લદાખ અને તેમનાં પત્ની રિન્‍કુની બદલી અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવી છે.

આપણા દેશના આઈ.એ.એસ.અધિકારીઓ, સામંતશાહી માનસિકતા ધરાવતું તેમનું બાબુશાહી વલણ ચોક્કસ ટીકાનો વિષય છે, પણ આ લેખનો હેતુ તેમના કૂતરા વિશે વાત કરવાનો છે. અગાઉ લખેલું એમ કૂતરું- ખાસ કરીને પાલતૂ કૂતરું કદી સારું કે ખરાબ નથી હોતું. તેનો સંપૂર્ણ આધાર તેના ઉછેર પર હોય છે. એટલે કે કૂતરું તેના માલિકથી વધુ સારું કે વધુ ખરાબ હોઈ શકે નહીં. સંજીવ ખિરવાર આવડા મોટા સ્ટેડિયમમાં પોતે ચાલવા નહીં, પણ પોતાના કૂતરાને ફેરવવા માટે આવતા હતા. કૂતરાએ કદી એવી માંગણી કરી ન હોય કે પોતાને ‘પગ છૂટો કરવા માટે’ સ્ટેડિયમ જેવી વિશાળ જગ્યા જોઈશે. પણ પાલતૂ કૂતરો લોકોને પોતાનો મોભો પ્રદર્શિત કરવાનું માધ્યમ લાગે છે. સંજીવ ખિરવાર કદાચ કૂતરાને એમ ને એમ સ્ટેડિયમ પર ફેરવવા લાવતા હોત તો ભાગ્યે જ કોઈનું ધ્યાન જાત! એ વાત અલગ છે કે રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાના રમતવીરો જ્યાં પ્રેક્ટિસ કરતા હોય એ સ્ટેડિયમ પર કૂતરો લઈને જઈ શકાય નહીં. શું બીજા કોઈ નાગરિકને આ રીતે કૂતરા સાથે અહીં પ્રવેશ મળી શકત ખરો? આમ છતાં, આઈ.એ.એસ.અધિકારી તરીકેના વિશેષાધિકારને પોતાનો જન્મસિદ્ધ અધિકાર માનીને તેઓ માત્ર આટલું જ કરતા હોત તો કદાચ ચર્ચામાં ન આવત, પણ સત્તા મગજ પર ચડે એટલે એ અવનવા તરંગોને શરણે જાય છે. પોતાના કૂતરાને આરામથી ટહેલવા મળે એ માટે આખું સ્ટેડિયમ ખાલી કરાવવાનો તુક્કો તેમને આવ્યો હશે, યા તેમને વહાલા થવા તેમની હાથ નીચેના કર્મચારીઓએ આમ કર્યું હશે, જેનો અમલ કરાવવો આપણા દેશમાં ખાસ અઘરો નથી, કેમ કે, દરેકને પોતાની નોકરી વહાલી હોય છે.

આખી ઘટનામાં કૂતરો પોતે સાવ નિર્દોષ હોવા છતાં ઘટનાના કેન્‍દ્રમાં આવી ગયો એનું કારણ તેના માલિકની ઉદ્દંડતા. કૂતરાંના માલિકો પોતાના મોભાનો પ્રભાવ પાડવા માટે થઈને પોતાના પાલતૂ કૂતરાને લાડ લડાવે ત્યાં સુધી ઠીક છે, પણ પોતાના હાથ નીચેના અન્યો પાસેથી સુદ્ધાં તેઓ એવી અપેક્ષા રાખે છે. આવી અપેક્ષા રાખવાનું કારણ એટલું કે એ ઘણે અંશે સંતોષાતી જોવા મળે છે. તેમને ખાત્રી હોય છે કે પોતાના હોદ્દા થકી તેઓ આ રીતે બરાબર ધોંસ જમાવી શકશે. માલિકોની આવી માનસિકતાનો ભોગ ઘણા કિસ્સામાં કૂતરાએ બનવું પડતું હોય છે.

અલબત્ત, આ માનસિકતા આજકાલની નથી. તેને પ્રતિબિંબીત કરતી આ કહેવતમાં એ સચોટ રીતે વ્યક્ત થયેલી છે. ‘કાજીના કૂતરાની મૈયતમાં આખું ગામ જોડાય, પણ કાજીની મૈયતમાં કોઈ ન જોડાય.’

સંજીવ ખિરવારને શિક્ષાત્મક પગલાંના ભાગરૂપે લદાખમાં બદલી કરવામાં આવી, પણ એનાથી એમની અને એમના જેવા અનેક બાબુઓની માનસિકતામાં કશો ફરક આવશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. કેમ કે, બદલીઓ ઘણી સરકારી નોકરીઓની જેમ તેમની નોકરીનો એક હિસ્સો હોય છે, જે તેમણે માનસિક રીતે સ્વીકારેલો હોય છે.

બદલી કરાયેલા અધિકારી દંપતિ અને તેમના કૂતરા વિશે સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર અનેક ટીકાટીપ્પણીઓ થઈ. કૂતરો હવે અરુણાચલ પ્રદેશ જશે કે લદાખ એ બાબતે ઘણી મજાક કરવામાં આવી. એ કૂતરા બાબતે એટલો જ અફસોસ કરવાનો કે તેણે સતત પોતાના માલિકની વિચિત્રતાઓનો ભોગ બનતા રહેવું પડશે. તેની સામે એટલું આશ્વાસન ખરું કે ચાહે તે અરુણાચલ જાય કે લદાખ, દિલ્હીની પ્રદૂષિત હવાની સરખામણીએ તે અતિ શુદ્ધ હવા મેળવી શકશે.

એ યાદ રાખવાની જરૂર છે કે ખિરવારનો કિસ્સો એક અંતિમનો છે. પણ આપણે પોતે કોઈ પાલતૂ પશુના માલિક હોઈએ તો ક્યાંક આપણી વિચિત્રતાઓનો ભોગ આપણું પાલતૂ પશુ નથી બનતું ને એ વિચારવું રહ્યું.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૯-૦૬ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

1 thought on “કૂતરું તેના માલિક જેટલું જ સારું કે ખરાબ હોય છે

  1. So many years before there was TV serial by jashpal bhatti on same topic

    This shows mentality of well educated people

Leave a Reply

Your email address will not be published.