ગીત ગાયા બરતનોંને

સોરઠની સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ

સોસીયલ અને અન્ય માધ્યમોમાં સક્રિય અંકિત ત્રિવેદીની એક ઓડિયોક્લિપની ઓરણીએ આ વાતનું બીયારણ મારા ભેજામાં લાંબા વખત પે’લાં ઓર્યું પણ જેમ કોક પાકને ઉગાડતાં-ઉગતાં, વાઢતાં, લણતાં, વાવલતાં ને છેલ્લે બજારમાં લીયાવતાં વાર લાગે એમ આ વાતનું છે કારણ કે હું જે કાંઈ લખું છ ઈ શક્ય એટલું મારા ખુદના અનુભવે જ હોય છ. તો, મારી આ વાતનો મૂળ મુદ્દો વાસણો ઉપર નામ અને અન્ય વિગતો લખાવાની ભૂંસાયેલ પરમ્પરાનો છે. અલબત્ત, જેને જીવનના પાંચેક દાયકા કાઢ્યા છ એને આ શિરસ્તો જોયો છે, જીવ્યો છે.

હવે છસાત દાયકા પે’લાં તાલુકાના ગામડાઓમાં સામાન્ય રીતે એક ઘાયજાની, સુતારની, દરજીની, કરીયાણાની, કંદોઈની ને કંસારાની હાટ ને લુહારની કોઢ ગામના પાદરેથી હવેડા આગળ જમણે જઈને ગામકોર હાલો એટલે મોટીબજારમાં, કણબીફળિયે, પીરની દરગાહ સામે, બાફઈની ગલીમાં, મા’જનની વંડી પાછળ, લીમડાચોકમાં, ખેતસીભાઇની ખડકીમાં, ધણશેરીમાં એવી ક્યાંક બેચાર જગ્યાએ હોય. જો આ હાટો ન હોય કે બીજી ચીજવસ્તુ લેવાની હોય તો ઈ ગામ હટાણું કરવા પાસેના તાલુકાના મોટા ગામમાં જાય. અમારે મેંદરડામાં લોકો હટાણે સમઢીયાળા, અણિયાળા, બરવાળા, ચીરોડા, ગીરખોરાસા, બગડુ, કનડીપૂર, માનપુર, નાજાપુર, આલીધ્રા એમ ગામડેથી આવતા તો ચોરવાડમાં કાણેક, ગડુ, કૂક્સવાડા, વિસણવેલ ને બંદરેથી ખારવાઓ આવતા. જો હટાણું છેટું હોય તો લોકો ગાડે કે ઘોડે ચડીને આવે ને પાંચસાત નાડાવા હોય તો કાંટારખાં પે’રીને ખેપ નાખે. જિલ્લાનાં મોટા ગામોમાં તો આવી ને બીજી ઘણી દુકાનો એકથી જાજી હોય એટલે વેપારીઓ આગળ ભાવતોલ પણ કરાવાતો ને “મેં તમારા કરતાં ઓછા ભાવે લીધું” એવો ગર્વ પણ લેવાતો. હવે આજની મારી વાત વાસણો ઉપર નામ લખાવાની છે એટલે હું કંસારા બજારે આંટો મારું.

નાનપણમાં હું જે જે ગામડાઓમાં રયો ઈ બધાં જૂનાગઢ જિલ્લાના ગામ ને જૂનાગઢ મારું વતન એટલે હું ઉનાળાની રજામાં મોસાળે એકદોઢ મહિનો સુગલો કરવા જાતો. જૂનાગઢમાં ત્યારે ઘણાખરા કંસારા માળીવાડા રોડે ને બીજા થોડા ડબ્બાગલીમાં, મોટીબજારે ને ઢાલરોડે બેસતા. ઈ દસકાઓમાં હજી સ્ટીલનાં વાસણો નો’તાં આવ્યાં એટલે કંસારાની દુકાને ત્રાંબાનાં, કાંસાનાં, પિત્તળનાં ને જર્મનનાં વાસણો જેવાં કે જાજરમાન ખુમચા, થાળ, ત્રાંસ, કાથરોટ, ટોપ, તાસળાં, છાલીયાં, બંબા, રંગાડી, ચરૂ, દેગડા, દેગડી, હાંડા, ગાગર, ત્રાંબાકુંડી, ત્રાંબડી કે વટલોઈ, નારણીયા લોટા, ગડુ, એવું બધું મળે. પછી ૧૯૫૦ના મધદાયકાથી જે કારણ હોય પણ જેમજેમ માણસના મન ટૂંકા થાવા મંડ્યાં એમ નાનાંનાનાં સ્ટીલનાં વાસણો જેવાં કે ખુમચાને બદલે થાળી, તાસળાંને બદલે વાટકા, છાલીયાં ને બદલે કટોરી, લોટા ને ગડુને બદલે કળસા ને ત્રાંબાકુંડીને બદલે ડોલ, વ. ઘુસ્યાં.

વાસણ કોઈ પણ ધાતુનાં હોય પણ ખરીદનારા એના ઉપર નામ કે નામાવલી, તારીખ, કયા પ્રસંગે કોને દીધું એવી વિગતો કંસારા આગળ લખાવતા કે જે પ્રથા પણ છેલ્લા ચારેક દાયકાથી લુપ્ત થઇ ગઈ છ. બાકી ઘણાને યાદ પણ હસે કે પે’લાં આ નામ અને વિગતો કંસારો એરણે વાસણ મૂકીને જીણી છીણી ને હથોડીએ ટાંકતો ને ખરીદનારને બીજેત્રીજે દી’ ઈ નામ લખેલ વાસણ આપતો. પછી ૧૯૬૦ના દસકે ઇલેક્ટ્રિક છીણી આવી ને વાસણે “ઘરરરર…” અવાજે ઉભાઉભ નામ ટંકાતું થ્યું. જો કંસારાના અક્ષર સારા ન હોય તો નામ બરોબર વંચાય નહીં પણ નામ તો હોય, હોય ને હોય. મારા મતે આ નામ અને વિગતો દરેક પેઢીના સ્મૃતિપટે જે તે સમયનો ઇતિહાસ બેઠો કરે છ ને એની સામાજિક જ્ઞાનવ્રુધી માટે ઈ એક અક્ષીર ઔષધ છે. હવે જો હું વાસણ ઉપરના નામ અને અન્ય વિગતથી મને જ થયેલ ઇતિહાસની ઝાંખી આપ સૌને સમયક્રમે કરાવું તો:

(૧) ગંગાજમનાનો લોટો

પે’લા ફોટામાં પાંચ ધાતુનો “ગંગાજમનાનો” લોટો છે. એનો ઇતિહાસ મને મારા પપ્પા અને મામાએ કીધેલ. ઈ મુજબ મારા નાનાના (વડવાના) કાકા ડો. હીરાલાલ મુંબઈ પછી વધુ દાક્તરીનું ભણવા ૧૯૨૦ના દાયકે વિલાયત ગ્યા ને ભણીને અમદાવાદમાં દાક્તરીના ધંધા અર્થે સ્થાયી થ્યા. ઈ ટાણે આખા અમદાવાદમાં ફક્ત બે જ ખ્યાતનામ દાક્તર, એક હીરાલાલ ને બીજા ડો. મંકોડી એટલે ઈ બેય ધનિક પણ બન્યા. હવે હીરાલાલ દિરયાપારથી પરત થ્યાતા એટલે અમારી નાતે એને વટલાયેલ ગણ્યા ને નાતબાર મુક્યા. પરિણામે ઈ નાતમાં એના છોકરાં ન વરાવી સકે, નાતના એકેય સારાનરસા પ્રસંગમાં ભાગ ન લઇ સકે, નાતમાં જમવા ન જઈ સકે કે નાતના કોઈને એને આંગણે નોતરી ન સકે. હીરાલાલ પણ નાતની આ આકરી સજાથી મુંજાણા એટલે એને નાતપંચને પાછા નાતમાં સ્વીકારવા કાલાંવાલાં કર્યાં. ઈ દરમ્યાન નાતપંચને પણ એના ધનની ગંધ આવી ગઇતી એટલે પંચે હીરાલાલ સામે પ્રસ્તાવ મુક્યો કે ઈ નાતની માફી માગી, નાતને જમાડી ને નાતમાં પાછા લેવા બદલ અને વિલાયત ગ્યા એના પ્રાયશ્ચિત રૂપે ભેટસોગાદ દે.

દાક્તરે પ્રસ્તાવ ૧૯૩૨માં હસ્તે મોઢે સ્વીકાર્યો, ઈ જમાને ૧૨૦૦૦થી વધુ નાતબંધુઓની ધુંવાડાબંધ જમણવાર કરી ને પછી મારા બેય મામાઓ અને અન્ય કુટુંબના જુવાનીયાઓ પિતામ્બર પે’રીને ઘર દીઠ એક એમ નાતમાં આ “ગંગાજમનાના” લોટા દેવા નીકળ્યા. હવે વધુમાં, ડો. હીરાલાની પૌત્રી યુ.એસ. સ્થિત હતી અને કમનસીબે ૨૦૧૬માં ઈ ટાઢે શરીરે થઇ ગઈ. એની હારે દસેક વરસ પે’લાં વાત કરતાં મને ખબર પડી કે અમારી સમસ્ત નાતમાં આ “ગંગાજમનાના” ફક્ત બે જ લોટ બચ્યા છ, એક મારી આગળ, કે જે મેં મારાં માં-પપ્પા આગળથી મેળવ્યો, અને બીજો ઈ પૌત્રી આગળ કે જે એને અમદાવાદની એક પોળોમાં એની પાટણની સહેલીને મળવા ગઈ ત્યારે અનાયસે મેળવ્યો. બાકીના ઘેરેઘરથી હજારો લોટા અને એની હારેનો ઇતિહાસ ભંગારમાં વે’ચાઈ ગ્યાં છ.

(૨) કાંસાનો થાળ

બીજા ફોટામાં જે કાંસાનો થાળ છે એવા ચાર થાળ મારાં માંના લગન ૧૯૩૨માં બાર વરસની ઉંમરે ત્યારે મારા બાવીસવીસ વરસના પપ્પા હારે થ્યાંતાં ત્યારે એને માંનાં માતાપિતાએ કન્યાદાનમાં આપેલ. ત્યાર પછી દાયકાઓ લગી આ થાળો ઘરના પટારામાં ઢબૂરીને રાખેલ તે હું એમાંથી એક થાળ ૧૯૯૫માં યાદગીરી માટે યુ.એસ. લીયાવ્યો. આ થાળ પછી અમે ૨૦૧૮માં જયારે મારી દીકરીનાં લગન થ્યાં ત્યારે મંડપમૂહર્તની વિધિમાં વાપર્યો અને પછી ઈ લગ્નમંડપમાં આવી યાં લગી આ જ થાળમાં ગણેશ પધરાવી એને પૂજ્યા. અમારાં છોકરાંઓનો ઉછેર અને કુટુંબભાવના જોતાં અત્યારે તો અમને લાગે છ કે આ થાળ અમારી દોહીત્રીઓ અને પૌત્રીઓના લગ્નમાં પણ શુભકાર્યોમાં વપરાસે, ભલે અમારી હૈયાતી હોય કે ન હોય. સદનસીબે અમારાં બાળકોને આ થાળના ઇતિહાસનની પણ ખબર છે એટલે ઈ પણ આશા છે કે ઈ ઇતિહાસ એના બાળકોને કઇને જીવંત રાખસે.

(૩) પુજાસામાન અને સત્યનારાયણનો ફોટો

ત્રીજા ફોટામાં પુજાસામાનમાં પાણી ભરવા કમંડળ, દૂધ ભરવા લોટી, આચમની, દીવીઓ, ફૂલ ભરવા જાંપી, ફુલને ડાંડી સહિત સજાવા ફુલદાની, ધૂપીયું અને સુકનનો સત્યનારાયણ ભગવાનનો ફોટો છે. ભગવાન પધરાવા એક પાલખ અને મૂર્તિઓ નવરાવા ત્રભાણું અને પંચપાત્ર પણ એક સમયે હતાં. આ પુજાસામાન મારાં માં-પપ્પાએ લગન પછી ઘર માંડયું ત્યારે મારાં નાના-નાનીએ દીધેલ અને સત્યનારાયણના ફોટા ઉપર કાચ પાછળ ત્રણ ચાંદલા દેખાય છે ઈ પણ મારાં માંએ જ કરેલા છે. મારી સાંભરણમાં દેલવાડામાં ૧૯૫૪થી મછુન્દ્રી નદીના કાંઠેથી લઈને મેંદરડામાં મધુવંતીના કાંઠે અને ચોરવાડમાં ૧૯૬૩ લગી હું આખો શ્રાવણ મહિનો પપ્પા ભેગો મહાદેવની પૂજા કરવા પિતાંબર પે’રીને જાતો. ઘરથી મંદિર સુધી પપ્પા પાણી ભરેલ કમંડળ અને દૂધની લોટી ને હું ફૂલથી ભરેલ જાંપી ઉપાડતો.

વધુમાં મારી છ વરસની ઉંમરથી મેં જોયેલ કે આવું જ ધૂપીયું મારા નાના બપોરના જમણ પે’લાં ધૂપ હારે રોજીંદુ પ્રગટાવતા અને એમાંનાં છાણાં ઉપર ચોખા અને ઘીની આહૂતી દેતા. ત્યાર પછી ઈ ભૂમિપૂજન અને ભૂમિભોજન કરતા- કરાવત . નાનપણમાં મેં જોયેલ આ વિધિની મારા ઉપર એક અસર ઈ પડી છ કે જે ધરા આપણેને ખાવા ધાન દે છ એની પૂજાવિધિ કરીને આપણે જમીયે તો અન્નનો આદર કર્યો ગણાય. આજ ભલે હું ટેબલખુરસીએ બેસીને જમું છ, ભૂમિપૂજન પણ નથી કરતો પણ મેં કોઈ દી’ અન્ન વખોડીને નથી ખાધું. હા, કોઈ કારણસર ઓછું ભાવે તો ઓછું ખાંવ. અલબત્ત, ધૂપીયાનો ફાયદો ઈ પણ છે કે ધૂપના ધુંવાડાને લીધે ઘરમાં માખીઓ ન આવે અને સુગંધી ધુંવાડાને લઈને ચોતરફી વાતાવરણ પ્રફૂલિત્ત થઇ જાય. અમે હવે ૧૯૯૫થી આ ધૂપીયું નવરાત્રીના નવે દિવસ શક્રાદય, વ.નું વાંચન મારા પત્ની કરે છ ત્યારે ધૂપ કરવામાં વાપરીએ છ.

(૪) પવાલું અને લોટનો ડબ્બો

ચોથા ફોટામાં રોજની રોટલી સારુ ડબ્બા માંથી લોટ કાઢવાનું જાડા પતરાનું પવાલું છે. જો હું ન ભુલતો હોઉં તો આ કે આવું પવાલું સનખડામાં લુહારે બનાવેલ. સનખડાથી અમારી બદલી દેલવાડા થઈતી ને મેં દેલવાડામાં ૧૯૫૪થી માંની હૈયાતીમાં એને વાપરતાં જોયેલ. ઈ જમાને “મેઝરિંગ કપ” કે “સ્પૂન” નો’તા એટલે મસાલાનાં માપ ચપટીથી અને અનાજનાં માપ ચપટો, મુઠી, ખોબા, પવાલાં, પાલી ને ખાંડીથી મપાતાં. અચરજની વાત ઈ છે કે આ માપણીથી વસ્તારી કુટુંબમાં ખાવાનું ખૂટી ન પડતું ને નાના કુટુંબમાં વધી ન પડતું એટલું જ નહીં પણ ગાયનો ગૌગરાસ, કામવાળીની થાળી, માગણની રોટલી ને દાળનો વાટકો ને કૂતરાની રોટલી અચૂક ઘરના જમણમાંથી નીકળતાં. આજ આ પવાલું મારાં પત્ની વાપરે છ કારણ ૨૦૦૬માં અમારા વતનના ઘરને કાયમી તાળું લાગ્યું ત્યારે માંની પ્રસાદી રૂપે અમે એને સ્વીકાર્યું.

(૫) પિત્તળનો ટોપ

પાંચમા ફોટામાં પિત્તળનો નાનો ટોપ ૧૯૫૫માં દેલવાડાથી અમારી બદલી મેંદરડા થઇ ત્યારે દવાખાનાના સ્ટાફે પપ્પાને ભેંટમાં દીધેલ. આ પ્રસંગે પપ્પાના કમ્પાઉન્ડર ઉનાના રામભાઈ બક્ષીનાં માં મોંઘીબેન અને પત્ની સરલાભાભીએ આવા જ એક ટોપમાં દૂધપાક બનાવેલ અને દવાખાનાના સૌ પરિવારે દૂધપાક-પુરીનું જમણ માણ્યુંતું ઈ મને હજરાહજુર આજે પણ યાદ છે. ત્યાર પછી આ ટોપમાં દર છ મહિને અમારા મેંદરડાના આંગણે કલાઈ કરવાવાળો જમનાદાસ એને કલાઈ કરતો. ઈ પે’લાં તો ટોપ કે અન્ય વાસણ ધગાવા એક ખાડો ખોદતો, ખાડામાં એની ચામડાની પખાલનું ભુંગળુ મુકતો, એના માથે કોલસા ગોઠવતો અને સળગાવતો, પખાલથી કોલસે હવા નાખતો ને કોલસા જગે એટલે એના ઉપર ટોપ ઉંધો મુકી એને ધગાવતો. આ ધગેલ ટોપમાં કલાઈના ગુચળાંમાંથી જરીક જ કલાઈ ચોપડતો, એમાં ટંકણખાર નાખતો, ધુંવાડા કરતો, ટોપને ઠંડા પાણીમાં જબોળી “છમમમ…” અવાજ કરતો ને ટોપ અંદરથી ચાંદી જેમ જગારા મારતો થઇ જાતો. આ અતીથી ઈતી ક્રિયા હું કુતુહુલતાથી જોતો ને જમનાદાસ દર છ મહિને મને જાદુગર કે.લાલની ઝાંખી કરાવતો.

આ ટોપમાં માં શ્રાદ્ધમાં ખીર, ચોમાસે દુધપાક, શિયાળે દુધીયો બાજરો અને અડદિયાનો લોચો ને વારતે’વારે અને મહિમેમાને મીઠોભાત ને પૂરણપોળીનું પુરણ બનાવતાં. આ ટોપમાં માં કોઈ દી’ શિખંડનું દહીં ન મેળવતાં કારણ એમાં ખટાસ હોય. ટુંકમાં, આ ટોપ અમુક મિષ્ટાનો બનાવા જ વપરાતો ને ઈ “ગળપણનો ટોપ” તરીકે જ ઓળખાતો. મેંદરડાથી અમે ૧૯૫૮માં ચોરવાડ આવ્યા ત્યારે પણ આ ગળપણના ટોપને કલાઈ થાતી અને નિર્ધારિત કામમાં જ વપરાતો. હવે આ ટોપ ૨૦૦૫થી મારા ઘરમાં છે પણ વપરાતો નથી કારણ યુ.એસ.માં જમનાદાસ મને ગોતે નથી જડતો.

(૬) બેસરામણીનો ડબ્બો

છઠ્ઠા ફોટામાં સ્ટીલનો ડબ્બો છે ઈ મારા જૂનાગઢના મોસાળેથી મામીએ ગુરુવાર માર્ચ ૧૭, ૧૯૭૭ના મારાં પત્નીને “બેસરામણી”નો અમને ખીર-પુરીના જમણઅંતે દીધેલ. બેસરામણી, પીરસામણી, રંધામણી અને કાકાકચોળું, વ. ઈ અમારી જ્ઞાતિપરમ્પરા છે. બેસરામણીમાં નવી વહુને અંગત કુટુંબો એને ઘેર બોલાવે, એના ઘરના મંદિરમાં પગે લગાડી વહુને કંકુનો ચાંદલો કરી ચોખાથી વધાવે ને જાજમે બેસાડે. પછી ઘઉં અને ગોળ ભરીને એક વાસણ વહુને આપે. અમે આ ડબ્બો આજ છેલ્લા પીસ્તાલીસ વરસથી પાપડ ભરવામાં વાપરીએ છીયેં.

અમે ૧૯૯૫માં મારાં માંએ પંચ્યોતેર વરસનું આયુ પૃરુ કર્યું એટલે ઈ ઉજવવા જૂનાગઢ ગયેલ. ઈ વખતે માંની ઈચ્છા અનુસાર પટારો ખાલી કરી એમાંથી બીનજરુરી વાસણો ભંગારમાં દેવાનું કામ મેં અને મારાં પત્નીએ ઉપાડ્યું. પટારો ખાલી થ્યા પછી અમે કેટલાંક વાસણો ઉપર નામ અને અન્ય વિગતો વાંચતાંતાં ત્યારે અમારી જાણકારી માટે માંને થોડાક સવાલો પણ પૂછ્યા. દા.ત. એક કાંસાની તાંસળી ઉપર લખેલ “કા.બ.વ. તરફથી.” માંને પૂછતાં ખબર પડી કે ઈ તાંસળી મારાં ફઈના ૧૯૩૪માં મરણ પછી મારા ફુવા કાંતીરાય બળવંતરાય વસાવડા (કા.બ.વ.) તરફથી આવેલ. મારા મોટાભાઈના ૧૯૫૪માં યજ્ઞોપવીત પ્રસંગે એક જર્મનનો નારણીયો લોટો આવેલ. આ લોટો મારા પપ્પાના ત્રણ કાકા માંથી એકના દીકરાએ બે વાર લગન કરેલ ને એમાનાં પે’લાં પત્નીના બે દીકરા તરફથી ઈ ભેંટ હતી પણ બીજાં પત્નીના બે દીકરા તરફથી કાંઈ જોયું નહીં. ત્યારે મારાં સ્પષ્ટવક્તા માંને પૂછતાં જાણ્યું કે “બીજાં પત્નીના બેય દીકરા “સુઘરા” છે ને લેવે લાંબા ને દેવે ટુંકા હાથે છે.” આમ જ વાસણો ફંફોળતાં એક અનામી નવીનક્કોર દુધ-છાસ ભરવાની પિત્તળની પવાલી જોઈ. એના વિષે પૂછ્યું તો માંએ કીધું કે ઈ એના પિતરાઈ મોસાળેથી આવેલ ને એમાં જાણીજોઈને નામ નથી કારણ કે ઈ પે’લેથી જ કાંણી હતી.

મિત્રો, જે કોઈ ઘટના ઘટે ઈ પછીની ઘડીએ જ ઇતિહાસ થઇ જાય છે પણ જયારે ઈ ઘટી ત્યારે કોક એકને પણ યોગ્ય ઈ યોગ્ય લાગીતી ને એટલે જ પછીના કાળે એને સંપૂર્ણ પુરાવા અને સાબીતી વીના યોગ્ય કે અયોગ્ય ઠરાવી ઈ યોગ્ય નથી. હા, આપણે ઇતિહાસ માંથી એનું પુનરાવર્તન કરવું કે નહીં ઈ પાઠ જરૂર શીખી સકીયેં. અગાઉ કીધું એમ ડો. હીરાલાલને નાતબાર મૂક્યા કારણ ઈ વખતની અજ્ઞાનતાના કારણે એવું માની જ લીધતું કે વિલાયતમાં એને માંસ-મચ્છી-દારૂ ખાધાંપીધાં હસે કે જે નાતની ઈ સમયની પ્રણાલીથી વિરુદ્ધ હતું. પછી તો “ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કાઢ્યાં કાઠાં” ઈ રુહે એને નાતમાં લેવા ગજવે મોંઘો કીમિયો એને સ્વીકારી ફળીભૂત કર્યો. બીજું, મારા નાનાની ભૂમિપૂજન જેવી વિધિથી રાંધેલ અન્નનો આદર કરતાં ને અનાજનો વ્યય ન કરતાં શીખીસું.

“ગળપણનો ટોપ” તો મારા ઘરનો દખલો છે પણ ઈ જમાને સંયુક્ત ઘરોમાં પણ સામાન્ય રીતે દસપંદરથી વધુ રસોઈ ઉપીયોગી વાસણો નો’તાં છત્તાં નિર્ધારિત વાસણ કે વસ્તુ નિર્ધારિત કામમાં જ વપરાતાં કે જે ઈ વખતના નિયમબદ્ધ વર્તન કે ડિસિપ્લીનનું ઉદાહરણ છે. બીજું, બેસરામણી, પીરસામણી, રંધામણી કે આવી પરમ્પરા ઈ નવોઢાનું સાસરા પરિવારમાં “વન-ઓન-વન ઓર્યન્ટેશન” છે. મારા મતે તો આવું ક્યાંક નવા જમાઈ માટે પણ એના સાસરે થાવું જોયેં કારણ આજના તકલાદી જમાને આજીવન ટકાઉ લગ્ન તો જ શક્ય છે જો ઈ લગ્ન બે પરિવાર વચ્ચેનું હશે. ત્રીજું, અમે જયારે બીનજરુરી વાસણોનો નિકાલ કરતાંતાં ત્યારે ઈ વાસણો એક જરૂરી વાત કેતાંતાં કે ઈ જમાને પાંચછ પેઢી દૂરના સગાસંબંધીઓ પણ સારામાઠા અવસરનો હિસ્સો બનતા. કમનસીબે આજ આપણે “અમે આધુનિક છીયેં, લગ્નહોલ મોટો ન મળ્યો, ઈ બધો પૈસાનો બગાડ છે, એને પોસાય” જેવી બાનાબાજીમાં બે પેઢીને પણ પ્રસંગે નથી નોતરતાં. મારા મતે અવસરનું આભૂષણ માણસો અને મીઠો આવકારો છે, સંપત્તિના તોરણે સજેલ માંડવો નહીં.

જુના જમાને તકલાદી વસ્તુ બનતી નહીં ને એટલે જ આજે અમારા વતનના ઘરની પ્રસાદી રૂપે મારા યુ.એસ.ના ઘરમાં આજ આઠથી જાજા દાયકા જોયેલાં વાસણો એનો આગવો ઇતિહાસ પચાવીને બેઠાં છે અને રણકે છે. આજ કોઈ પણ ચીજ્વસ્તુથી લઈને માણસમાણસ વચેના સબંધો ડિસ્પોઝેબલ “મેઈડ ઇન ચાઈના” થઇ ગ્યા છ પણ જો આપણે અનુકરણીય ઇતિહાસનું પુનરાવર્તન કરવું હસે તો પે’લાં પોતાના ઘરમાં જ સાચવા જેવો ઇતિહાસ સાચવતાં શીખવું પડશે, ભલે ઈ પછી જુનાં વાસણો હોય, વડીલોના ફોટા હોય કે આપણે નાનપણમાં જોયેલી, જીવેલી ચીજવસ્તુ હોય.


ડૉ. દિનેશ વૈષ્ણવનો સંપર્ક  sribaba48@gmail.com   પર થઈ શકે છે

 

Author: Web Gurjari

1 thought on “ગીત ગાયા બરતનોંને

  1. વાહ મઝા આવી….કંસારા બજારનો ઈ રણકો કાને પડયો…તમે ઝગારા મારતા તાંબા પીત્તળના હાંડા..ઘડા..બેડાં ની માંડ યાદ કરાવી દીધી…અમારા પરિવારમાં પહેલેથી ટૂંકાક્ષરી ટંકાવતાં….જેમ કે…. અ.છો.જી. એટલે અવાશિયા છોટાલાલ જીવણજી…અભિનંદન

Leave a Reply

Your email address will not be published.