‘એ લોકો’ ગરમીથી નહીં ગરીબીથી મરે છે.

નિસબત

ચંદુ મહેરિયા

આ વરસનો ઉનાળો બહુ આકરો હતો. કહે છે કે ઓણની ગરમીએ પાછલા સવાસો વરસનો વિક્રમ તોડી નાંખ્યો છે. વિક્રમી ઠંડી પછી ભીષણ ગરમીની સંભાવના તો હતી જ પરંતુ આ તો આરંભથી જ બહુ અસહ્ય બની હતી.

ગરમીના આરંભ સાથે જ ગરમીથી થતા મૃત્યુના પણ ખબર આવતા રહે છે. માનવશરીર આમ તો બદલાતી ઋતુઓ સાથે સંતુલન સાધી લેતું હોય છે.પરંતુ તીવ્ર ઠંડી-ગરમી-વરસાદ સામે ગરીબી અને અભાવોમાં જીવતા લોકો ઝીંક ઝીલી શકતા નથી.જે મૃત્યુ ગરમી કે ઠંડીને કારણે થયાનું કહેવાય છે તે વાસ્તવમાં તો ગરીબી અને અભાવોનું પરિણામ છે.

વિશ્વખ્યાત આરોગ્ય  સામયિક ‘ધ લૈન્સેટ’માં પ્રગટ એક સંશોધન લેખ મુજબ કાતિલ ઠંડી અને ભીષણ ગરમીથી દુનિયાભરમાં દર વરસે ૫૦ લાખ લોકોના મોત થાય છે.તેમાં સૌથી વધુ એશિયામાં થાય છે. એશિયા ખંડના દેશોમાં પ્રતિવરસ ઠંડીથી ૨૪ લાખ અને ગરમીથી ૨.૨૪લાખ લોકોના મરણ થાય છે.ભારતમાં દર વર્ષે ૮૩,૭૦૦ લોકોના મોત ગરમીને કારણે થાય છે. જે કદાચ આખી દુનિયામાં સૌથી વધુ છે. એક અન્ય અભ્યાસ મુજબ ભારતમાં ખરાબ વાતાવરણને કારણે ૧૯૭૧ થી ૨૦૧૯માં ૧,૪૧,૩૦૮ લોકોના મોત થયા હતા. તેમાં એકલી લૂ લાગવાથી થયેલા મોત ૧૭,૩૬૨ હતા.

સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ ગરમી માનવ શરીર માટે સહ્ય ગણાય છે. ભારતીય હવામાન વિભાગના માપદંડ મુજબ દેશના પર્વતીય પ્રદેશોમાં ૩૦ અને મેદાની વિસ્તારોમાં ૪૦ ડિગ્રી ગરમી સામાન્ય ગણાય છે. તેમાં થતો વધારો સાવધાનીથી ખતરાનો સંકેત આપનાર છે. હવામાન  વિભાગ માનવ અને પશુ-પંખી માટે તેથી વધુ ગરમીને લૂ, ગ્રીષ્મ લહેર કે હીટ વેવ ગણે છે અને તેનાથી સાવધાની માટે યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરે છે. અસામાન્ય ગરમી અને બફારાની આ લૂ ગરીબો, બીમાર, અસહાય, વૃધ્ધો, બેઘર અને કામદારો માટે જીવલેણ બની શકે છે.

લૂ કે હીટ વેવ ત્રીજી સૌથી મોટી કુદરતી આફત છે. હવે તેની તીવ્રતા અને દિવસોમાં વધારો થયો છે. આઈઆઈટી ,દિલ્હી અને કેલિફોર્નિયા યુનિવર્સિટીના અધ્યયન પ્રમાણે દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં ૧૯૬૦-૮૪ના વરસોની તુલનામાં ૧૯૮૫- ૨૦૦૦માં હીટવેવની ઘટનાઓમાં પચાસ ટકાની અને દિવસોમાં પચીસ ટકાની વૃધ્ધિ થઈ છે.

ગરમીથી બફાઈને, ઠંડીથી ઠુંઠવાઈને અને પૂરમાં તણાઈને થતા મોતના ખબર સમાજના એક વર્ગ માટે બહુ સામાન્ય બીના છે. વરસે એકાદ લાખ ગરમીથી અને સવા બે લાખ લોકો ઠંડીથી મરે છે પરંતુ તે રાજકીય ચર્ચાનો કે આંદોલનનો વિષય બનતો નથી. શહેરી બોલકા વર્ગ માટે તો આટલા બધા મોત માટે પણ હવામાનની વિષમતાનું સરળ કારણ હાથવગું છે. એટલે કુદરત આગળ માનવી લાચાર હોવાનું કહી દઈને આ મોત માટે આપણી સામાજિક આર્થિક અનવસ્થા અને અસમાનતા જવાબદાર છે તે બાબત આબાદ રીતે ભૂલાવી દેવાય છે.

જ્યાં સૌથી વધુ ઠંડી-ગરમી-વરસાદ હોય ત્યાં મૃત્યુ આંક ઓછો હોય અને અન્યત્ર મૃત્યુ આંક વધુ હોય એવું બને છે. દક્ષિણ ભારતના મોટાભાગના રાજ્યોના નગરો-મહાનગરો સમુદ્ર તટે કે તેની નજીક છે અને ત્યાં ગરમી ઓછી હોય છે. ઉત્તર ભારતમાં ગરમી વધુ હોવા છતાં કેટલાક વરસોથી દક્ષિણના રાજ્યો, આંધ્ર અને તેલંગાણામાં, ગરમીથી વધુ મોત થાય છે. એટલે ઉષ્ણતામાનમાં અસાધારણ વધારો-ઘટાડો થવાથી લોકો મરતા નથી પરંતુ આની પાછળ સામાજિક-આર્થિક કારણો જવાબદાર છે.

ગરમીથી થતા મોતની સમસ્યા માત્ર હવામાનની વિષમતાની નથી. આપણા દેશમાં પ્રવર્તતા અને દિનબદિન વકરતા સામાજિક-આર્થિક ભેદભાવ ખરી સમસ્યા છે. આ મોત ઠંડી-ગરમીને લીધે નહીં રોટી-કપડા-મકાનની પ્રાથમિક જરૂરિયાતના અભાવને કારણે થતા હોય છે. જે મરે છે તે ગરીબ, અશક્ત, વૃધ્ધ, લાચાર અને બીમાર લોકો છે. કુપોષણ, નબળું શરીર, ગરીબી, અભાવગ્રસ્ત જિંદગી – જેમાં ખાવાને રોટલો, પહેરવા લૂગડાં અને રહેવા મકાનનો અભાવ, તેમના મોતનું ખરું કારણ છે, નહીં કે ગરમી-ઠંડી-વરસાદ. દેશના અસંગઠિત શ્રમિક વર્ગના મોટા હિસ્સાને તો ધોમધખતા તાપ, કાતિલ ટાઢ અને વરસતા વરસાદમાં ઉપર આભ અને નીચે ધરતીની સ્થિતિમાં રોજી રળવી પડે છે એટલે આ કહેવાતી ભીષણ ગરમી એનો જ ભોગ લે છે.

હવામાનની વિષમ સ્થિતિથી થતાં મોત માટે સરકારો બાપડી શું કરે એવો નાદાન સવાલ પણ થતો હોય છે. તો સરકારો શું કરે છે તે જાણીને રંજ અને રમૂજ થાય છે. સરકાર ગરમી સામે લડવા જે પગલાં લઈ રહી છે કે લોકોને જે પગલાં લેવા જણાવી રહી છે તે ગરીબોની ક્રૂર મજાક સમાન છે.મોટા ભાગની રાજ્ય સરકારો  અને સ્થાનિક વહીવટી તંત્રો લોકોને બપોરના બારથી ચાર ઘરની બહાર ન નીકળવા, છાંયડામાં રહેવા, તરસ ન હોય તો પણ ભરપૂર પાણી પીવા, છાસ, લીંબુ, શરબત અને લસ્સી જેવાં ઘરનાં પીણાં પુષ્કળ માત્રામાં પીવા, લાઈટકલરના, ખુલતાં સુતરાઉ કપડાં પહેરવા, માથે ટોપી, છત્રી કે ભીનું કપડું રાખવા સલાહ આપે છે.

જે દેશનો મોટો કામદાર-કિસાન વર્ગ ભરબપોરે મહેનત-મજૂરી કરવા વિવશ હોય તેને છાંયડામાં રહેવા કે બપોરે આરામ કરવાનું કહેવું કેટલું વાજબી છે ? જો સરકારોને તેના નાગરિકોના ક્ષેમકુશળની ખરેખર ફિકર હોય, તો તેણે ઉનાળામાં કમ સે કમ ‘મનરેગા’ મજૂરોને પગાર સહિતના આરામની સવલત આપવી જોઈએ. આમ ન કરતાં તંત્રોની ઉનાળુ બપોરે આરામ ફરમાવવાની સલાહ તેમની મજાક છે.

દેશમાં પાણીની તીવ્ર તંગી હોય, મહિલાઓને પીવાના પાણી માટે બળબળતા બપોરે  બેચાર ગાઉ ચાલીને જવું પડતું હોય અને માંડમાંડ તરસ મિટાવી શકાતી હોય ત્યારે ગરમી સામે રક્ષણના ઉપાય તરીકે વગર તરસે ભરપૂર પાણી પીવાની સલાહ સંવેદનહીન લાગે છે. આપણા આપદાપ્રબંધકો અને નીતિનિર્માતાઓ સામાન્ય માણસની વાસ્તવિક સ્થિતિથી કેટલા વિમુખ છે તે આવી માર્ગદર્શક સૂચનાઓથી જણાઈ આવે છે. આવી જ સલાહ કપડાં વિશેની છે. ખરેખર તો લોકોને રહેવા યોગ્ય ઘર અને ઠંડીગરમી સામે ટકી શકે  તેવો ખોરાક મેળવી શકે તેવી રોજીની જરૂર છે .તે ખરો ઉપાય કેમ દેખાતો નથી. ?

અગાઉનાં વરસો કરતાં હવે વધુ ઠંડી  કે ગરમી કેમ પડે છે અને વરસાદ ઘટી ગયો છે તે શોધવાનું ખરું અગત્યનું કામ કોઈ કરતું નથી. એ હકીકત જગજાહેર છે કે શહેરોની ઈમારતોનાં બાંધકામમાં કાચ અને લોખંડનો વપરાશ હવે વધ્યો છે એને કારણે ગરમી વધુ લાગે છે એટલે તેનાથી બચવા એરકંડિશનરોનો મોટાપ્રમાણમાં ઉપયોગ થાય છે. બીજી તરફ કહેવાતા વિકાસ માટે વૃક્ષોનું છેદન થાય છે. તેણે શહેરોને વધુ ગરમ બનાવ્યા છે.  પરંતુ શહેરી આયોજનમાં સુધાર કરવાનું સુઝતું નથી.

ઇન્ટરનેટ પરથી લીધેલ પ્રતિકાત્મક તસવીર

શહેરી સત્તાધીશોને સૂઝે છે તો કેવું તે જાણવા જેવું છે. છેલ્લા કેટલાક વરસોથી અમદાવાદ મહાનગરપાલિકા ગરમીથી ગરીબોને બચાવવા ચાલીઓ અને ઝૂંપડાઓના લોખંડના પતરાં કે છાપરાંને  સફેદ ચૂનાથી રંગે છે. આ વરસે કમિશનર સાહેબે કોરર્પોરેશનના બાબુઓને ચૂનાનો ખર્ચ અ.મ્યુ.કોના બદલે કંપનીઓના સી.એસ આર ફંડ માંથી મેળવવા આદેશ કર્યો છે. હજી શહેરમાં હજારો- લાખો લોકો કેમ આવી અવસ્થામાં રહે–જીવે છે, તે સવાલ વિસારે પાડીને,  તંત્રની કોઈ જવાબદારી કે સામાજિક-વહીવટી નિસબતની લગીરે ફિકર કર્યા વિના, ગરીબોના પરસેવે તગડો નફો રળતી ખાનગી કંપનીઓના કોર્પોરેટ સોશ્યલ રિસ્પોંન્સિબિલિટી ફંડમાંથી, ગરીબોના છાપરે ચૂનો લગાવવાનો આઈડિયા વાસ્તવિકતા પર ચૂનો લગાવવા બરાબર છે.

કથિત ગરમીને કારણે થતા ગરીબોના મોત કુદરતસર્જિત નહીં માનવ, વ્યવસ્થા કે સમાજસર્જિત છે. ગરમીનો કાળો કેર સામાજિક આર્થિક ભેદભાવને ઉઘાડા પાડે છે, તેને ઢાંકવા છાપરે ચૂનો લગાવવાથી તે ઢંકાશે નહીં.

ઠંડી અને વરસાદ જેવી બાર કુદરતી આપદાઓમાં ગરમીનો સમાવેશ થતો નહોતો. છેક ૨૦૧૫માં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પ્રથમ વખત હીટ વેવ એકશન પ્લાન ઘડ્યો હતો. તેણે હીટવેવને કુદરતી આપત્તિ ગણવાનું રાજ્યો પર છોડ્યું છે. નાણા પંચે .સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ફંડમાંથી દસ ટકા ખર્ચની મંજૂરી આપી હતી.

ગરમીથી થતાં મોત નક્કી કરવા મુશ્કેલ હોવાનું જણાવીને આપદા પ્રબંધન કાયદા અને નિયમોમાંથી તેને બાદ કરવામાં આવેલ છે. તડકામાં કામ કરતાં બીમાર પડે, સારવાર દરમિયાન સરકારી હોસ્પિટલમાં મોત થાય, પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ગરમી કે લૂ દર્શાવેલ હોય, સિવિલ સર્જન, સ્થાનિક પોલીસ અધિકારી અને મામલતદારની બનેલી સમિતિ સંમતિ આપે, એ સઘળું મળીને  ૧૨૪ પાનાંનો રિપોર્ટ તૈયાર થયેથી ગરમીથી થયેલું મોત ગણાય અને આર્થિક સહાય મળી શકે.! અન્ય કુદરતી આફતના જેવું આર્થિક સહાયનું ધોરણ પણ એકસરખું નથી. કોઈ રાજ્ય માત્ર ત્રીસ હજાર જ આપે છે તો કોઈ ચારલાખ.

સરકારો ગરીબોના મોત અંગે ભાગ્યે જ સંવેદનશીલ હોય છે. ગરમીથી ભલે ગરીબો મરે પણ એ શાસનની નાલેશી બને છે એટલે આંકડાઓની રમત આદરવામાં આવે છે. પહેલાં તો હીટવેવ કે એલર્ટ જાહેર જ કરાતું નથી. અને જાહેર કરાય તો યલો કે ઓરેન્જ જ કરાય છે. રેડ એલર્ટ જાહેર કરવું જ પડે તો તેનો સમય ઘટાડી દે છે. મરણના આંકડા છૂપાવીને ઘટાડી દેવાય છે. ૨૦૧૫માં તેલંગાણામાં ૫૪૧, ૨૦૧૬માં ૩૨૪ મોત થયા હતા. પણ ૨૦૧૭માં માત્ર ૧૨ જ થયા. આટલો મોટો ઘટાડો તંત્રની કરામત જ છે. આંધ્રએ પણ ૨૦૧૫નો ૧૪૨૨ અને ૨૦૧૬નો ૭૨૩ મૃત્યુ આંક ૨૦૧૭માં ૧૦ કરી દેખાડ્યો હતો. માનવીની જિંદગીની જ જે દેશમાં કિંમત નથી ત્યાં ગરીબના મોતની તો શી ચિંતા ?


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.