સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ – (૧૬) સમયના વહેણમાં વીસરાયેલા

નલિન શાહ

{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬) નો  અનુવાદ}

અનુવાદ: પિયૂષ મ. પંડ્યા

 નૂરજહાંએ ભારતિય ફિલ્મ સંગીત સાથેનો નાતો છોડ્યો તે પહેલાંની ફિલ્મ ‘જૂગનુ’ (૧૯૪૭)માટે તેણે ગાયેલું આજ કી રાત સાઝ એ દિલ એ પૂરદર્દ ના છેડ એક યાદગાર ગીત હતું. નૂરજહાંના અવાજમાં રહેલા દર્દને અસરકારક રીતે માવજત કરીને યાદગાર અને માધુર્યસભર ગીતો આપવા માટેનું શ્રેય તે સમયના અસાધારણ ક્ષમતાવાન સંગીતનિર્દેશકોને આપવામાં આવે છે. પણ, એક સવાલ મારા મનમાં ઘોળાયા કરતો હતો કે ખરેખર આ મધુર અને લાગણીસભર ગીતને કોણે સ્વરાંકિત કર્યું હશે?

જેમના નામે આ સ્વરબાંધણીનું શ્રેય બોલતું હતું તે ફીરોઝ નિઝામીએ આ તર્જ નહોતી બનાવી એમ માનવા માટે મારી પાસે કારણ હતું. નૂરજહાંએ ફિલ્મ ‘દોસ્ત’(૧૯૪૪) માટે એક લોકપ્રિય ગીત કોઈ પ્રેમ કા દે કે સંદેસા ગાયું હતું. મશહૂર સિતારવાદક અબ્દુલ હલીમ જાફર ખાને મને જણાવેલું કે આ ગીતની તૈયારી તેમણે પહેલાં સંગીતકાર અલી બક્ષ (મીના કુમારીના પિતા) સાથે  કરી હતી., નહીં કે જેમને તે બાબતે બોલે છે એ સજ્જાદ હુસૈન સાથે.

સી. રામચન્દ્રે પણ એવો દાવો કર્યો હતો કે તેમણે ફિલ્મ ‘લાલ હવેલી’(૧૯૪૪)માં સંગીતનિર્દેશક મીર સાહબના સહાયક તરીકે નૂરજહાં માટે સ્વરાંકન કર્યું હતું. પણ દેખીતી રીતે જ તેમને એ માટેનું શ્રેય મળ્યું નહોતું. પોતાના મોટાભાઈ પંડીત અમરનાથનું અચાનક અવસાન થતાં તેમનું અધૂરું રહી ગયેલું કામ પૂરું કરવા માટે (હિન્દી ફિલ્મોની) પ્રથમ સંગીતકાર જોડી હુશ્નલાલ-ભગતરામે પણ ૧૯૪૭ની ફિલ્મ ‘મીરઝા સાહિબાં’ માટે નૂરજહાંનાં ગાયેલાં ગીતો સ્વરબદ્ધ કર્યાં હતાં. એમ તો મારી પાસે છ-સાત વર્ષની નૃત્ય કરી રહેલી એક બાળકીની છબી પણ હતી, જે નૂરજહાંની હોય એમ મને લાગતું હતું. પણ એ બાબતની પુષ્ટી કરવાવાળું કોઈ નહોતું.

બાળવયે નૂરજહાં, પશ્ચાદભૂમાં તેમની બહેન

મારે આ બધા જ મુદ્દાઓની સ્પષ્ટતા નૂરજહાં પાસે જ કરવી હતી. મને આશા હતી કે તેને પોતાનો માધુર્યસભર ભૂતકાળ યાદ હશે અને તે અંગેના મારા સવાલોના જવાબ આપવામાં નૂરજહાંને વાંધો નહીં હોય. લાહોરમાં રહેતા મારા મિત્ર કવિ કાતિલ શીફાઈ એક સમયે મુંબઈ આવ્યા હતા ત્યારે તેમણે નૂરજહાં સાથેના પોતાના ઘનિષ્ઠ સંબંધને અનુલક્ષીને મારી પ્રશ્નાવલી તેની સુધી પહોંચાડવાની તૈયારી બતાડી, જેથી જવાબો શક્ય ઝડપથી મળે. એ ચોખવટો અપેક્ષા કરતાં પણ વહેલી આવી ગઈ.

કાતિલ શીફાઈનો પત્ર

નૂરજહાંએ ખાત્રીથી જણાવ્યું કે ગીત ‘આજ કી રાત’ તેને માટેનો યશ જેમને મળ્યો હતો તે ફીરોઝ નિઝામીએ નહીં પણ જી.એ.ચિશ્તીએ રેડીઓ માટે સ્વરબદ્ધ કર્યું હતું. નૂરજહાંએ ફિલ્મ ‘જૂગનુ’(૧૯૪૭) માટે તે ગીતની માંગણી કરી ત્યારે ચિશ્તીએ તે ગીત ભેટ તરીકે આપી દીધું હતું.

ફિલ્મ ‘દોસ્ત’ના ગીત ‘કોઈ પ્રેમ કા દે કે સંદેસા’ માટે તેણે ખાત્રીપૂર્વક જણાવેલું કે (એ ફિલ્મ માટે) સંગીતનિર્દેશક તરીકે અલી બક્ષ નક્કી નિમાયા હતા અને તેમણે એક ગીત સ્વરબદ્ધ કર્યું હતું. જો કે કયું ગીત તે તેને યાદ નહોતું. મેં મોકલેલી નાની બાળકીની તસવીરમાં ખરેખર પોતે જ અને પાછળ પોતાની બહેન હોવાનું તેણે વિશ્વાસપૂર્વક કહ્યું. જો કે અન્ય મુદ્દાઓ એની યાદગીરીમાંથી એ હદે ભૂંસાઈ ગયા હતા કે નૂરજહાંને જેમના નિર્દેશનમાં પોતે ૧૯૪૪ની ફિલ્મ ‘લાલ હવેલી’ માટે ગાયું હતું તે સંગીતકાર મીર સાહબ જ યાદ નહોતા.

નૂરજહાંની જેમ જ જોહરાબાઈ અંબાલેવાલી અને કાનનદેવી જેવાં ઘણાં (ગાયક) કલાકારોને વિસ્મૃતિ લાગુ પડી ગઈ હતી. એક ઉદાહરણ જોઈએ તો ફિલ્મ ‘મુક્તિ’(૧૯૩૭)નાં ગીતોના સંગીતનિર્દેશક તરીકે પંકજ મલ્લિકનું નામ છે. પણ તેના એક હ્રદયને હચમચાવી દે તેવા કાનનદેવીએ ગાયેલા ગીત કૈસા ઉજડા ચમન ખુશી કા ની રેકોર્ડ ઉપર સંગીતકાર તરીકે આર.સી.બોરાલનું નામ છે. આ બાબતની ચકાસણી કરવા માટે હું કાનનદેવીને બંગલા નં.૧, રીજન્ટ ગ્રૂવ કલકત્તા ખાતેના તેમના નિવાસસ્થાને મળ્યો ત્યારે તે ગીતને ગવાયે ત્રીસ વરસ વિતી ગયાં હતાં. તેમનો જવાબ એકદમ ઉડાઉ હતો_ “મારાં મોટા ભાગનાં ગીતોની તર્જ બોરાલબાબુએ બનાવી હતી તેથી આ ગીત પણ તેમનું જ બનાવેલું હોવું જોઈએ.”

ફિલ્મોમાં, તેમને લગતી પુસ્તિકાઓમાં અને ગ્રામોફોન રેકોર્ડ્સ ઉપર સુસંગત માહીતિના અભાવને લઈને, કેટલાક કલાકારોના દેહવિલયને કારણે કે પછી જીવિત હોય તેવા કલાકારો કાં તો વિસ્મૃતિનો ભોગ બન્યા હોય અથવા તેમના દ્વારા જાણ્યે અજાણ્યે કરાતા ખોટા દાવાઓને કારણે કેવડું મોટું નૂકસાન થયું છે! આ બધાં કારણોને લઈને કેટલાયે કલાકારોના પ્રદાન ફરતે ઘેરાયેલા રહસ્યના ધૂમ્મસને ઓગાળીને  યોગ્ય શ્રેય આપવાની બાબતે શંકાના દાયરાને વટાવીને આગળ વધવાની તકો પછીની પેઢીને નથી મળતી.

ફિલ્મ બસંત(૧૯૪૨)નું એક ગીત મેરે છોટે સે મન મેં છોટી સી દુનિયા એ જ ફિલ્મમાં બાળકલાકાર તરીકે કામ કરનાર મધુબાલાએ ગાયું હોવાની વ્યાપક માન્યતા હતી. આ ફિલ્મના સંગીતકાર તરીકે પન્નાલાલ ઘોષનું નામ છે, પણ એમ મનાય છે કે હકીકતમાં એનું સંગીત અનિલ બિશ્વાસે આપેલું. અનિલ બિશ્વાસના કહેવા અનુસાર આ ગીત મધુબાલાએ ગાયું હતું. સંગીતકાર પન્નાલાલ ઘોષની ભત્રીજી અને તેમના ભાઈ પંડીત નીખિલ ઘોષની દીકરી તુલિકા ઘોષ તે ગીત (પન્નાલાલ અને પારુલ ઘોષની દીકરી) શાંતિસુધા ઘોષે ગાયું હોવાના દાવાને વળગી રહે છે. તુલિકાને આ વાત તેનાં કાકી પારુલ ઘોષ પાસેથી જાણવા મળી હતી. આ બાબતની ખાત્રીબદ્ધ ચકાસણી કરવા માટે હવે તેમાંનું કોઈ જ હયાત નથી.

હરમંદિર સિંઘ હમરાઝ હિન્દી ફિલ્મી ગીતોનો માહીતિકોષ બનાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા હતા ત્યારે એક રમૂજી બિના બની હતી. તેમણે મને ૧૯૪૫ની ફિલ્મ ‘લયલા મજનૂ’નું ગીત તુમ્હારી જાન એ તમન્ના સલામ કહેતી હૈ કોણે ગાયું હતું તેની તપાસ કરવા માટે કહ્યું.

મને યાદ હતું કે એક વાર જોહરાબાઈ અંબાલેવાલીએ મને જણાવેલું કે તે ગીત પોતે ફિલ્મમાં લયલા માટે ગાયું હતું. આથી મેં યાદ તાજી કરાવવા માટે મારી પાસે હતી તે 78 RPMની આ ગીતની રેકોર્ડ તેમને સંભળાવી અને પૂછ્યું કે એ તેમણે જ ગાયું હતું કે કેમ. તેમનો હકારમાં જવાબ મળતાં મેં આ માહીતિ હરમંદિર સિંઘને પહોંચાડી દીધી.

એક મહિના પછી વરિષ્ઠ ગાયિકા રાજકુમારી મારા ઘરે આવ્યાં. મેં ઉક્ત ગીત બાબતે પૃચ્છા કરતાં તેમણે કહ્યું કે એ નસીમ અખ્તરે ગાયું હતું. મેં પૂછ્યું કે ખુદ જોહરાએ તે પોતે ગાયું હોવાનું ખાત્રીથી કહ્યું હોય તો તે નસીમનું ગાયેલું કેવી રીતે હોઈ શકે? જોહરાનાં ગાઢ મિત્ર એવાં રાજકુમારીએ ફોન જોડ્યો અને જોહરાને ખોટો દાવો કરવા માટે સહેજ ઠપકો આપ્યો. જોહરાએ ભારે સંકોચ સાથે કહ્યું, “તમારી યાદશક્તિ મારી કરતાં બહેતર છે. તમે કહો છો એમ ગીત મેં નથી ગાયું તો મેં નહીં ગાયું હોય.” છેવટે મેં નૌશાદને આ બાબતે પૂછ્યું ત્યારે એમણે એકદમ સાફ શબ્દોમાં કહ્યું કે ‘તુમ્હારી જાન એ તમન્ના’ માં નસીમને સાંભળ્યા પછી જ તેમણે પોતાનું સંગીત ધરાવતી ફિલ્મ શાહજહાં(૧૯૪૬) માટે તેના અવાજનો ઉપયોગ કર્યો હતો. આ ગીતમાં નૌશાદનું સ્વરનિયોજન નહોતું પણ મને તેમની તીવ્ર યાદશક્તિ ઉપર પૂરો ભરોસો હતો.

અભિનેત્રી બેગમ પારાએ અજાણતાંમાં મને ગેરમાર્ગે દોર્યો હતો. મેં તેમને ફિલ્મ ‘મહેંદી’(૧૯૪૭)નું ગુલામ હૈદરે સ્વરબદ્ધ કરેલું ગીત અબ દિલ મેં હૈ બરબાદ તમન્ના કે સિવા ક્યા ની ગાયિકાનું નામ પૂછ્યું. એ ફિલ્મમાં બેગમ પારાએ નરગીસ સાથે કામ કર્યું હતું. મારા ટેપ રેકોર્ડર ઉપર તે ગીત સાંભળ્યા પછી તેમણે ધારી લીધું કે એ શમશાદ બેગમ હશે કેમ કે અવાજ તેમના જેવો હતો. જો કે મને વિશ્વાસ હતો કે એ ગીતમાં શમશાદનો અવાજ નહોતો. આખરે મેં કરાંચી સ્થિત મુશ્તાક અબ્દુલ્લાને ફોન કરીને પૂછ્યું. તેમણે મને જણાવ્યું કે તે ગીત મુનાવર સુલતાનાએ(અભિનેત્રી મુનાવર સુલતાના નહીં) ગાયું હતું. પુરાણા ફિલ્મ સંગીતના બારામાં મુશ્તાકના જ્ઞાન ઉપર મને વિશ્વાસ હતો.

આ બધી કાંઈ છૂટી છવાઈ ઘટનાઓ નથી. એવાં અગણિત ગીતો છે, જેના ગાયકો અને/અથવા સ્વરકારોના પ્રદાનની નોંધ નથી લેવાઈ. વળી, એ વિગતોની ખાત્રી કરવા માટે હવે કોઈ અધિકૃત વ્યક્તિ હયાત નથી.


નોંધ:

ગીતોની લિંક્સ યુ ટ્યુબ પરથી સાભાર લેવામાં આવી છે.

મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.