પગદંડીનો પંથી : ભાગ ૧ – ૧૫ : Foot Notes……………….as important as main text

પુરુષોતમ મેવાડા

“હવે ઊંઘવાના સમયે શું કરો છો? વાંચ્યા જ કરશો તો ઊંઘશો ક્યારે?”

પત્નીની ટકોર સાંભળી ડૉ. પરેશે ઊંચે જોયું, અને સહેજ હસતાં કહ્યું, “તું સૂઈ જા. મારે કાલે કિડનીની પથરીનું ઑપરેશન છે, મારે જરા ફરીથી જોઈ લેવું છે.”

“પણ તમે તો આવાં ઘણાં ઑપરેશનો કર્યાં છે, હજી પણ વાંચવું પડે?” બોલતાં એ સૂવા જતી રહી.

ડૉ. પરેશને ટેવ હતી કે કોઈ પણ ઑપરેશન પહેલાં એના વિશે બધું જ ફરીથી વાંચી લેવું. વર્ષોનો અનુભવ તો હતો, પણ ટેવ હતી!

દર્દી એક મંદિરનો પૂજારી હતો. ખાઈ-પીને તગડો થયો હતો. પેટ શરીરમાં સૌથી વધારે મોટું અને ચરબીથી જામ હતું, ચાર-પાંચ ઇંચ જેટલું ચામડી નીચે પહોંચવું અઘરું હતું.

સવારે ઑપરેશન વખતે એનીસ્થેટિસ્ટને પણ શ્વાસનળીમાં ઓસ્કિજન આપવા Endotracheal Tube નાખતાં દમ નીકળી ગયો. આખરે ઑપરેશન શરૂ થયું, બધી તૈયારી સાથે. બ્લડ ટ્રાન્સ્ફ્યૂઝનની પણ બે બોટલ તૈયાર હતી.

ડૉ. પરેશનો આસિસ્ટન્ટ ઇન્ટર્ની ડૉક્ટર હતો (MBBS પછી એક વર્ષની ટ્રેનિંગ હોય.)

બધું કામ સરસ ચાલતું હતું, ત્યાં જ ઇન્ટર્નીને પકડાવેલ ક્લેમ્પ છૂટી ગયો, અને કિડનીને લોહી પહોંચાડતી નળીઓ ખૂલી ગઈ. જોતજોતામાં આખું પેટ ભરાઈ ગયું. ડૉ. પરેશ પણ ગભરાયો. પણ આગલી રાતનું વાંચન કામ આવ્યું.

Any bleeding can be stopped by locally applied pressure. ઑપરેટિવ મેન્યુઅલમાં ફૂટનોટ તરીકે આ લખાયેલું હતું, અને એનો ઉપયોગ કર્યો. ફટાફટ મોટા Gauze Pieces (Abdominal Packs) તે જગ્યાએ ખૂબ જ સિફતથી દબાવી દીધા, અને લગભગ પાંચથી સાત મિનિટમાં ઑપરેશનનું બધું કામ બંધ કરી દીધું. દર્દી સ્ટેબલ થયો એટલે ધીરે-ધીરે પેક હટાવતાં ફરીથી લોહી વહેતી નળીઓને પકડી, Clamp કરી શક્યો. હાશ, ઑપરેશન પૂરું. (Nephrectomy)

દર્દીને જમણી કિડનીમાં ૧૦૦થી વધારે પથરીઓ એકઠી થઈ ગઈ હતી. એક કિડની તો આખી ફુગ્ગો થઈને નાશ પામી હતી, એટલે એને આખી જ કાઢવી પડી. (Nephrectomy) જો કે બીજી કિડની બરાબર કામ કરતી હતી, એટલે આ શક્ય બન્યું હતું.

અભ્યાસ દરમ્યાન, પુસ્તકમાંનો એકેએક શબ્દ સમજાય નહીં ત્યાં સુધી આગળ ન વધવાની ટેવ ડૉ. પરેશને હતી. Medical Dictionary, English Dictionary અને ગુજરાતી Dictionary ત્રણેય લઈને વાંચવાની ટેવ કેટલી કામ આવે છે તે ડૉ. પરેશને સમજાઈ ગયું હતું. ઑપરેશન પછી દર્દીનાં સગાં પગમાં પડે એ તેને ગમતું તો ખરું, પણ ડૉ. પરેશ જાણતો હતો, કે ભગવાને જ તેને બચાવ્યો હતો.

God is always with me.


ડૉ. પુરુષોતમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.