કેતાનજી બ્રાઉન જૈકસન અને સારા સની : નારીશક્તિનાં નવાં મુકામ

નિસબત

ચંદુ મહેરિયા

અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં પ્રથમવાર શ્યામવર્ણી મહિલાની ન્યાયાધીશ તરીકે નિયુક્તિ અને ભારતમાં પહેલીવાર બધીર મહિલાનો કાયદાની અદાલતમાં ધારાશાસ્ત્રી તરીકે બાકાયદા પ્રવેશ-કાળઝાળ ગરમીના આ દિવસોના સૌથી શાતાદાયી સમાચાર છે.

બન્ને તસવીરો નેટ પરથી

કેતાનજી બ્રાઉન જૈકસન લગભગ સવા બસો વરસ જૂની અમેરિકી સુપ્રીમ કોર્ટના પ્રથમ શ્યામવર્ણી મહિલા જજ બન્યા છે. કર્ણાટક બાર કાઉન્સિલનું સભ્યપદ મેળવીને સારા સની ભારતમાં પહેલા બધીર મહિલા વકીલ બન્યા છે. કેતાનજી અને સારાએ નારીશક્તિના નવા મુકામ હાંસલ કર્યા છે.

સંયુક્ત રાજ્ય અમેરિકાની સુપ્રીમકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયા ભારત કરતાં જુદી છે. ભારતમાં સુપ્રીમકોર્ટ કોલેજિયમ ન્યાયાધીશોની પસંદગી કરે છે અને સરકારની મંજૂરી મેળવે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની પસંદગી તો કરે છે પણ તેને અમેરિકી સંસદની મંજૂરી મેળવવી પડે છે. અમેરિકાની સુપ્રીમકોર્ટમાં કુલ નવ ન્યાયાધીશો હોય છે અને તેઓ અનિશ્ચિત મુદતનો કે આજીવન કાર્યકાળ ધરાવે છે.

કેતાનજીની નિયુક્તિ પૂર્વેની અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં ત્રણ જ મહિલા ન્યાયાધીશો હતા.હવે તે વધીને ચાર થશે. નવ જજોમાં રિપબ્લિકન પક્ષ નિયુક્ત છ જમણેરી કે રૂઢિવાદી અને ડેમોક્રેટિક પાર્ટી નિયુક્ત ત્રણ ઉદારવાદી જજો છે. રંગભેદગ્રસ્ત અને દુનિયાની અનેક પ્રજાના વસવાટથી બનેલા અમેરિકામાં ગોરાઓ અને પ્રોટેસ્ટંટ ખ્રિસ્તીઓ જ સત્તાસ્થાને રહ્યા છે તેવું  અદાલતોમાં પણ હતું. ધીરે ધીરે સ્થિતિ બદલાઈ રહી છે. હાલ સુપ્રીમકોર્ટમાં છ રોમન કેથોલિક, બે યહુદી, એક-એક આફ્રો અમેરિકન અને હિસ્પૈનિક જજ પણ છે. જોકે ખૂબ જ ઓછાં પ્રમાણમાં મહિલાઓ સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ બની શક્યાં છે. અત્યાર સુધીના ૧૧૫ જજોમાં પાંચ જ મહિલા જજ છે.

જો બાઈડેને અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચારમાં તેમના કાળા મતદારોને દેશની સુપ્રીમ કોર્ટમાં પહેલા શ્યામવર્ણી મહિલા ન્યાયાધીશની નિમણૂકનું વચન આપ્યું હતું. કેતાનજી બ્રાઉન જૈકસનની નિયુક્તિ કરીને બાઈડેને તેમનો ચૂંટણી વાયદો પૂરો કર્યો છે. બાઈડેન અને ડેમોક્રેટિક પાર્ટી માને છે કે અમેરિકી અદાલતો અમેરિકા જેવી વિવિધતાસભર અને મહાન લાગવી જોઈએ. તેમાં અમેરિકામાં વસતા અલગ અલગ સમુદાયોનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. બાઈડેનના પહેલા જ વરસના કાર્યકાળમાં તેમણે પસંદ કરેલ અને સંસદે મંજૂર રાખેલ ૪૦ ન્યાયાધીશોમાંથી ૮૦ ટકા મહિલાઓ અને ૫૩ ટકા કાળાઓ છે.

અમેરિકી રાષ્ટ્રપતિની જજોની પસંદગી પક્ષીય ધોરણે નહીં પણ અસાધારણ યોગ્યતા, ચરિત્ર અને સત્યનિષ્ઠા પર આધારિત હોય છે. કેમ કે ભલે રાષ્ટ્રપતિ ન્યાયાધીશની પસંદગી કરે  પણ અમેરિકી નાગરિકો અને પ્રેસની ઉપસ્થિતિમાં પસંદ થયેલા ન્યાયાધીશે સેનેટની ન્યાયપાલિકા સમિતિની કઠોર કસોટીમાંથી પસાર થવું પડે છે. જો બાઈડેન નિયુક્ત કેતાનજીને ચાર દિવસ સુધી અમેરિકી સેનેટનો સામનો કરવો પડ્યો હતો. તે પછીના મતદાનમાં ૫૩ વિરુધ્ધ ૪૭ મતોથી તેમની પસંદગી થઈ હતી. નોંધપાત્ર બાબત એ હતી કે દેશની સર્વોચ્ચ અદાલતમાં પ્રથમ શ્યામવર્ણી સ્ત્રીની ન્યાયાધીશ તરીકે નિમણૂક ભલે સર્વાનુમતે ન થઈ હોય પણ ત્રણ રિપબ્લિકન સેનેટરોએ  પાર્ટીની વિરુધ્ધ જઈને કેતાનજીના પક્ષમાં મતદાન કર્યું હતું.!

એકાવન વરસના  જૈકસન મિયામી-ફ્લોરિડામાં ઉછર્યા-ભણ્યા છે. હાવર્ડના તેઓ લો ગ્રેજ્યુએટ છે. જસ્ટિસ સ્ટીફન બ્રેયરના સહાયક તરીકે તેમણે કારકિર્દીનો આરંભ કર્યો હતો.  આ જ જસ્ટિન બ્રેયરે ૮૩ વરસે સુપ્રીમકોર્ટના જજ તરીકે આપેલા રાજીનામાથી ખાલી પડેલી જગ્યાએ જૈકસનની નિમણૂક થઈ છે. એ રીતે તેઓ બ્રેયરનો વારસો સંભાળશે. ૨૦૧૩ થી ૨૦૨૧ સુધી કેતાનજી કોલંબિયા જિલ્લા માટે સંયુક્ત રાજ્ય અમેરિકાના જિલ્લા જજ હતા. અમેરિકી સજા આયોગના સભ્ય  અને ફેડરલ જજ તરીકે પણ તેમણે કામ કર્યું છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માટે પ્રવેશનો માર્ગ ગણાતી ડી.સી. સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સમાં ગયા વરસે જ તેમને બઢતી મળી હતી અને હવે તેઓએ સુપ્રીમ કોર્ટના પહેલા શ્યામવર્ણી મહિલા જજ બનીને ઈતિહાસ રચ્યો છે.

અમેરિકી સુપ્રીમ કોર્ટના તેઓ છઠ્ઠા મહિલા જજ, ત્રીજા શ્યામવર્ણી જજ અને પ્રથમ શ્યામવર્ણી મહિલા જજ બન્યા છે. સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત તેઓ એવા પહેલા ન્યાયાધીશ છે જેઓ પબ્લિક ડિફેન્ડર રહી ચૂક્યા છે.પ્રતિભાશાળી કાનૂની દિમાગ અને દીર્ઘ અનુભવ  ધરાવતા તથા કઠોર ચુકાદા માટે જાણીતા  જસ્ટિસ જૈકસને સેનેટ સમક્ષની સુનાવણીમાં સંપૂર્ણ નિર્ભયતાથી નિષ્પક્ષ  ન્યાયની બાંહેધરી આપી છે. અમેરિકાની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં હયાત રંગભેદી પૂર્વગ્રહો અને અદાલતોમાં વિભિન્ન સમુદાયોના પ્રતિનિધિત્વના અભાવમાં જસ્ટિસ જૈકસનની ન્યાયિક કામગીરી પર વિશ્વ સમાજની પણ નજર મંડાયેલી રહેશે.

અમેરિકામાં જસ્ટિસ જૈકસનની નિયુક્તિના ગાળામાં ભારતના કાયદા ક્ષેત્રમાં પણ  ઈતિહાસ સર્જાયો છે. સારા સની દેશના પહેલા બધીર મહિલા વકીલ બન્યાં છે. મૂળે કેરળના કોટ્ટાયમના સારા જન્મથી બધીર છે. ચાર્ટડ એકાઉન્ટન્ટ પિતાના  જોડકા  સંતાન તરીકે જન્મેલા સારાએ બધીર બાળકો માટેની અલગ કે ખાસ શાળાને બદલે સામાન્ય શાળામાંથી જ શિક્ષણ મેળવ્યું છે. પહેલાં કોમર્સ ગ્રેજ્યુએટ થયા અને પછી બેંગલોરની સેન્ટ જોસેફ કોલેજ ઓફ લોના ગ્રેજ્યુએટ થયાં.

કાર્નેલિયા સોરાબજી(૧૮૬૬- ૧૯૫૪) દેશના પહેલા મહિલા વકીલ છે. બ્રિટિશ રાજમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી તેમણે ૧૮૯૨માં લો કર્યું હતું. પરંતુ મહિલાઓનો વકીલ તરીકે પ્રવેશ બંધિત હોવાથી તેઓ વકીલાત કરી શકતાં નહોતા. ૧૯૧૯માં કાયદામાં સુધારો થયો ત્યારે જ તેઓ વકીલાત કરી શક્યા અને દેશના પહેલાં મહિલા ધારાશાસ્ત્રી બન્યા. તેની એક સદી પછી એક બધીર મહિલા ધારાશાસ્ત્રી બન્યાં છે.

કુદરતી શ્રવણ શક્તિ નહીં ધરાવતા સારા સનીએ દ્રઢ ઈચ્છાશક્તિ અને કઠોર પરિશ્રમથી આ સિધ્ધિ મેળવી છે. પોતાની વિકલાંગતાને તેમણે કમજોરી બનવા દીધી નહીં. બાળપણથી જ તેમને સવાલો કરવાની, તર્ક-વિતર્ક કરવાની અને સાચા-ખોટાનો ભેદ પારખવાની આદત હતી. માતા-પિતાએ તેમની આ ટેવને કારણે તે મોટાં થઈને વકીલ બનશે એમ કહ્યું શું, સારાએ વકીલ બનવાનું સપનું સંજોયું. અત્યાર સુધી તેઓએ ટ્રિબ્યુનલ કે મધ્યસ્થી અદાલતોમાં  કામ કર્યું છે હવે તેઓ હાઈકોર્ટમાં વકીલાત કરશે. સક્રિય શ્રવણ કૌશલથી તેમનું કામ ચાલે છે પણ પોતાની શારીરિક મર્યાદા અંગે પણ તે સભાન છે. કોઈના હોઠો ફફડતા જોઈને તેઓ સામેની વ્યક્તિ શું બોલે છે તેનો અંદાજ લગાવી શકે છે. પરંતુ બોલવાની ગતિ ધીમી હોય ત્યારે જ તે શક્ય છે.એટલે તેઓ અદાલતોમાં દુભાષિયા કે સહાયકની મદદ ઈચ્છે છે. તેમનું કામ આસાન નથી પણ સાવ અશક્ય પણ નથી.

સારા સની અને કેતાનજી બ્રાઉન જૈકસનનો નવો મુકામ નવી, ન્યાયી અને સમાવેશી દુનિયાની દિશામાં એક મજબૂત કદમ છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “કેતાનજી બ્રાઉન જૈકસન અને સારા સની : નારીશક્તિનાં નવાં મુકામ

Leave a Reply

Your email address will not be published.