નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૭૦

બધી પ્રથાઓ  અનુસરવા જેવી નથી હોતી

નલિન શાહ

રતિલાલના મૃત્યુ પછી સવિતાની તબિયત કથળી ગઈ હતી. એ શશીને ઘરે જ રહેતી હતી. ઉંમરના કારણે અતિશય નબળાઈ અનુભવતી હોવાથી એ લગભગ પથારીવશ જેવી જ હતી. ઉદ્‌ઘાટનના પ્રસંગે તો ઊઠી શકવાની સ્થિતિમાં નહોતી રહી એટલે જ ઇચ્છા હોવા છતાં શશીએ જવાની ના કહી અને બાઈને એમની સંભાળ રાખવાનું કહી બધાં ગયાં. રાજુલ એમની પાસે અઠવાડિયું રહેવાની હતી પણ સુનિતા અને સાગરનો પ્રસંગ પતે એટલે સીધાં મુંબઈ ભણી નીકળી જવાના હોઈ ઉદ્‌ઘાટન પહેલાં જ આવીને તેઓ એમને મળી ગયાં હતાં. સવિતાને ઊંડે ઊંડે પણ આશા હતી કે ધનલક્ષ્મી એની પૃચ્છા કરશે અને એ ગામમાં જ છે જાણી કદાચ મળવા પણ આવે. જ્યારે એણે ધનલક્ષ્મીની ગંભીર માંદગીના સમાચાર સાંભળ્યા ત્યારે એણે એને જોવા જવાની જીદ પકડી. ‘હવે મારી જિંદગીનો કોઈ ભરોસો નથી. જતાં પહેલાં એક વાર દીકરીને મળી લઉં. કેટલાંયે વર્ષો વીતી ગયાં એને નિહાળી નથી. એના દીકરાનું મરણ થયું ત્યારે પણ માંદગીનાં કારણે મને કોઈએ જવા ના દીધી. પણ આ તો અહીં ગામમાં જ છે.’ શશીએ એની વાતનો કોઈ વિરોધ ના કર્યો. ફક્ત એટલું જ કહ્યું કે અત્યારે તો એ ભાનમાં પણ નહોતી ને સ્થિતિ ગંભીર હતી. એના સદ્‍નસીબે વડોદરાના નિષ્ણાત ન્યુરોલોજીસ્ટ ઉદ્‌ઘાટનના કારણે હાજર હોવાથી જરૂરી ઉપચારો તરત લેવાયા. થોડા દિવસ ગયા પછી વાત. શશીએ બાને સાંત્વન આપ્યું.

અઠવાડિયા બાદ માનસી અને શશી સવારે બાને મોટરમાં લાવી ખુરશીમાં બેસાડી બીજે માળે વી.આઈ.પી. પેશન્ટની રૂમમાં લઈ ગયાં ને દીકરીના પલંગ પાસે ખુરશી મૂકી. ધનલક્ષ્મી હલનચલન કરવાની સ્થિતિમાં નહોતી. તાત્કાલિક ઉપચાર થવાથી ઊગરી તો ગઈ હતી, પણ હજી કટોકટીની સ્થિતિમાંથી સંપૂર્ણ બહાર નહોતી આવી. એણે સવિતા સામે જોયું. અતિશય વૃદ્ધ થયેલી માને એ ઓળખી ના શકી. ‘તમારાં બા છે.’ માનસીએ કહ્યું. ધનલક્ષ્મી એની સામે ટગર ટગર જોઈ રહી. સવિતાની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. ‘કેમ છે દીકરી?’ જેવું કાંઈક બોલવાનો પ્રયત્ન કર્યો, પણ સ્પષ્ટ બોલી ના શક્યાં. ધનલક્ષ્મીનો હાથ પકડી થોડી વાર બેસી રહ્યાં. કશું કહેવા-પૂછવાનું સામર્થ બંને ખોઈ બેઠાં હતાં. સવિતાએ આખરી ઇચ્છાની પૂર્ણતા અનુભવી હોય એમ માથું ખાટલાની ધાર પર ઢાળી દીધું. માનસીએ ત્વરિત આવીને નાડી તપાસી સ્ટેથોસ્કોપ છાતી પર લગાવ્યું, આંખના પોપચાં ઉપર કર્યાં ને ડોકું ધુણાવીને મૂક વદને જોતી રહી. ‘બા ગયાં.’ માનસીએ નરમાશથી કહ્યું, ‘તમને મળવાને જ ટકી રહ્યાં હતાં.’ ધનલક્ષ્મી ટગર ટગર જોઈ રહી. પ્રત્યાઘાત આપવાની શક્તિ તે ખોઈ બેઠી હતી.

રાજુલે ફોન કરી સુનિતાને જાણ કરીને સવિતાના મૃત શરીરને ઘરે લઈ ગયાં. કોઈએ આક્રંદ કે રૂદન ના કર્યું. સૌને એક પ્રકારનો સંતોષ હતો કે બાની આખરી ઇચ્છા સંજોગોવશાત્‍ પૂર્ણ થઈ હતી.

તેમની અંતિમ વિધિ સાંજે ઠેરવી હતી. સુનિતા અને સાગર પણ આવી ગયાં હતાં. રાજુલને ઘરે રહી અભ્યાસ કરતો શશીનો પુત્ર અર્જુન ફંક્શનના બહાને હજુ ત્યાં જ હતો.

શશીની માનું મરણ ગામ માટે એક મહત્ત્વની ઘટના હતી. નદી-તટે ચિતા ખડકવાની પ્રથા હજી યથાવત્ હતી. અંતિમ ક્રિયા માટે ઉમટેલી માનવ મેદની શશીની પ્રતિષ્ઠાનો ચિતાર આપતી હતી. અર્જુન પિતાની સાથે ઊભો હતો. રૂઢિવાદીઓએ શાતા અનુભવી કે અગ્નિદાહ માટે દીકરીનો દીકરો હાજર હતો. મરનારના આત્માની અવગતિ ના થાય એ માટે એના હાથે આગ ચાંપવી જરૂરી મનાતી હતી. બ્રાહ્મણે મંત્રો ભણ્યા ને બળતું લાકડું આગળ કર્યું. સાહજિક રીતે શશી અને રાજુલે આગળ આવી લાકડું થામ્યું ને આગ ચાંપી. સમાજની પ્રાચીન સંસ્કૃતિની અવગણના એક વિસ્મયભરી ઘટના હતી. શશીએ વર્ષોના પરિશ્રમથી લોકોનાં ને ખાસ કરીને નવી પેઢીની પ્રજાનાં માનસમાં એવી જાગૃતિનો સંચાર કર્યો હતો કે એ જે કાંઈ નવું કરતી એમાં એક નવી પ્રથા સર્જાતી હતી.

દીકરીઓના હસ્તક થયેલો અગ્નિદાહ કેટલાંક જૂનવાણી લોકોને ના જચ્યો, પણ તેઓ ચુપ રહ્યાં જ્યારે આધુનિક વિચારધારાના હિમાયતીઓએ મુક્ત કંઠે શશીની પ્રશંસા કરી અને એને ક્રાંતિકારી કહીને બિરદાવી. પણ શશી ટીકા અને પ્રશંસા બંનેથી અલિપ્ત હતી.

બીજે દિવસે શોક પ્રગટ કરવા આવેલી મહિલા મંડળની આગેવાન સ્ત્રીઓએ શશીની હિંમતને દાદ આપી, ‘ તમે તો રાજા રામમોહનરાયની હરોળમાં બેસવા લાયક છો. સમાજને સુધારવા અને અંધશ્રદ્ધા દૂર કરવા તમારા જેવા લડવૈયાની જરૂર છે.’

‘હું જે કાંઈ કરું છું એ મારા અંતરાત્માને અનુસરીને કરું છું, સમાજની સામે લડવા નહીં.’ શશીએ શાંતિથી જવાબ આપ્યો. મરનારના આત્માની ગતિ અને અવગતિ થાય એ બધું જો સાચું હોય તો પાપ અને પુણ્યનું કોઈ મહત્ત્વ ના રહે. પ્રથાઓ બધી અનુસરવા જેવી નથી હોતી. જેને લોકો શુદ્ર કહી ધુત્કારે છે એ જો જ્ઞાની હોય તો હું એને અજ્ઞાની બ્રાહ્મણ કરતાં પણ ઊંચી કક્ષામાં મૂકું છું. હું કાંઈ સમાજની ગુલામ નથી કે નથી સમાજ સામે લડવા મેદાને પડી. હું તો કેવળ મારા મનને યોગ્ય લાગે તે કરું છું. આ માનસી એક સેવાભાવી ડૉક્ટર છે ને રાજુલ પ્રખ્યાત કલાકાર છે. ફાયદો તો છેવટે સમાજને થયો ને? સમાજના રીતિ-રિવાજોને અનુસરી ચાલ્યાં હોત તો આજે ઘરના કોઈ ખૂણામાં ઘૂમટો કાઢીને ચૂલો ફૂંકતાં હોત અને તમે બધાંએ સ્વાવલંબી થઈને મહિલા મંડળની સ્થાપના કરી એ પણ એક પ્રકારની ક્રાંતિ જ કહેવાય ને!’

‘પણ એ ક્રાંતિનાં મૂળમાં તો તમે જ હતાં ને !’ એક મહિલા બોલી.

શશી હસી પડી, ‘મને આટલી ના ચઢાવો કે મારામાં અભિમાનની ભાવના પ્રકટ થાય. પેલી કવિતા છે ને ‘તારી હાક સુણીને જો કોઈ ના આવે તો એકલો જાને રે’ એમ હું પણ મારા અંતરાત્માના અવાજને અનુસરીને એકલી જ ચાલી હતી ને તમારા બધાંનો સાથ સાંપડ્યો ને કાફલો બન્યો એ જ મારું સૌભાગ્ય. તમે બધાં આજે આવ્યાં એ માટે તમારો આભાર. સ્વજનની વિદાય દુઃખદાયક તો હોય પણ અમને કોઈ અફસોસ નથી. બા પાકી ઉંમરે ગયાં છે અને અગત્યની વાત તો એ છે કે એમની કોઈ ઇચ્છા બાકી નહોતી. સંજોગવશાત્‍  બધી દીકરીઓની હાજરીમાં ગયાં.’

વિખરાતી વેળા બધાંનાં મનમાં એક જ વિચાર હતો કે ધરમનું ઢોલ પિટનારાઓનાં વ્યાખ્યાનો કરતાં શશીબેનના વિચારો હંમેશાં વધુ પ્રેરણાદાયક હતા.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.