આઈ સાવન કી બહાર રે…

વેબગુર્જરી વિશેષ

નિયમિત શ્રેણી પુરી થઈ ગઈ હોય અને નવી શ્રેણીની શોધ ચાલતી હોય ત્યારે થોડો સમય નિયમિત સમયપત્રકમાં જગ્યા ખાલી પડે.

આવી સ્થિતિમાં એ જગ્યા ક્યાં તો ખાલી જ મુકી દેવી પડે અથવા તો કોઈ લેખ મુકીને એ જગ્યા ભરી લેવી પડે.

આજે એક નવો વિકલ્પ જ સામે આવે છે.

સમયની માંગ અનુસાર માત્ર આ સ્થિતિ માટે જ એક ખાસ લેખ લખાય, જે લેખકને માટે પણ અચાનક જ સ્ફુરેલ વિષયમાંથી હોય.

આમ આ પ્રકારના લેખ સામાન્યપણે અસામાન્ય નીવડે છે.

આવા લેખો માટે આપણે એક ખાસ વિભાગ શરૂ કરીએ છીએ, જેને આપણે ‘વેબ ગુર્જરી વિશેષ‘ કહીશું.

આવો પહેલવહેલો પ્રયોગ પ્રસ્તુત છે.

સંપાદક મંડળની આ માંગને સ-રસ રીતે પુરી કરી આપવા બદલ શ્રી બીરેનભાઈનો ખાસ આભાર.

– સંપાદક મડળ, વેબ ગુર્જરી

આઈ સાવન કી બહાર રે…

બીરેન કોઠારી

અમુક ગીત વરસો અગાઉ સાંભળવામાં આવ્યું હોય, છતાં મનમાં એવું છપાઈ ગયું હોય કે સહેજ રજ ઊડાડીએ એ સાથે જ તે આખેઆખું નીકળી આવે. વિવિધભારતી યુગમાં બપોરે બાર વાગ્યે બીજી સભા આરંભાયા પછી સાડા બારથી એક દરમિયાન ગૈરફિલ્મી ગીતોનો એક કાર્યક્રમ આવતો હતો, જે પૂરો થાય પછી એક થી બે ‘મનચાહે ગીત’ પ્રસારિત થતો. ગૈરફિલ્મી ગીતો તરફ એટલો ઝુકાવ ન હોવાથી આ અડધો કલાક મોટે ભાગે જમવા-પરવારવાનો રહેતો, અને પાંચ-સાત મિનીટ વહેલો રેડિયો ચાલુ કરી દેવાતો. આ ગાળામાં એક ગીત કાને પડ્યું. સૌથી પહેલા કાન ખેંચાયા તેની ધૂનને કારણે, જે ‘બંદિની’ના ‘અબ કે બરસ ભેજ ભૈયા કો બાબુલ’ની જ હતી. પણ એ પછી ગાયિકાનો અવાજ અને શબ્દોએ અસર કરી. ગીત પૂરું થયા પછી કાન સરવા કર્યા તો જાણવા મળ્યું કે સુધા મલ્હોત્રાએ આ ગીત ગાયેલું, જેનું સંગીત પં. શિવરામે તૈયાર કર્યું હતું. ગીતના શબ્દો ભૂલી ન જવાય એ માટે હું અને ઉર્વીશ એક કાગળ પર તે લખી દેતા. એ ક્રમમાં મેં લખી દીધું, ‘નિમ્બુઆ તલે ડોલા રખ દે મુસાફિર’ (સુધા મલ્હોત્રા- સંગીત: પં. શિવરામ, ‘અબ કે બરસ’ જેવું, )’.

આ ગીત પછી કદી સાંભળવા મળ્યું નહીં. યૂ ટ્યુબના જમાનામાં અલાદ્દીનના ચિરાગની જેમ ટેરવું ઘસતાં જોઈએ એ હાજર થઈ જાય એ જમાનામાં એકાદ બે વાર એ ગીત શોધવા વ્યર્થ પ્રયત્નો કર્યા, પણ સફળતા ન મળી.

થોડા દિવસ અગાઉ સુધા મલ્હોત્રાનાં ગીતો સાંભળતાં અચાનક તે દેખાયું, અને વરસો જૂનો કોઈ મિત્ર અચાનક મળી આવ્યો હોય એવી લાગણી થઈ. હવે એ ગીત વિશે થોડી વાત.

(સુધા મલ્હોત્રા વિશે તેમની મુલાકાતના આધારે મુંબઈસ્થિત સંશોધકમિત્ર શિશિરકૃષ્ણ શર્માનો લેખ તેમના બ્લૉગ પર અહીં વાંચી શકાશે.)

http://beetehuedin.blogspot.in/…/kashti-ka-khamosh…)

આ ગીતમાં વિરહભાવ બહુ પ્રબળ છે. તેના શબ્દો ‘પારંપરિક’ અથવા ‘લોકગીત’ હોવાનું જણાવે છે, પણ એક શક્યતા અમીર ખુસરો તરફ આંગળી ચીંધે છે. ઢીંગલા-ઢીંગલી રમવાની ઉંમરે પરણાવીને સાસરે વળાવાતી કન્યાના મનમાં વરસાદના આગમનની એંધાણીએ જે ભાવ સ્ફુરે છે, તેને સુધા મલ્હોત્રાએ અદ્‍ભુત રીતે વ્યક્ત કર્યા છે. આ જ ગીતનું પાકિસ્તાની ગાયકોએ ગાયેલું વર્ઝન શબ્દોના મામૂલી ફેરફારવાળું છે. મુખ્ય ફેરફાર ‘નીમ્બુઆ’ને બદલે ‘અમ્બુઆ’નો છે.

કોક સ્ટુડિયોમાં તે જાવેદ બશીર અને હમેરા ચન્નાના સ્વરમાં સાંભળી શકાશે.

રોશનઆરા બેગમે પણ તે અદ્‍ભુત અંદાજમાં ગાયું છે.

એ તો સ્પષ્ટ છે કે આ ગીતની ધૂન પણ પારંપરિક છે, અને ‘બંદિની’માં બર્મનદાદાએ તેનો જ ઉપયોગ કર્યો છે. આમ છતાં, બર્મનદાદાનો કલાવિવેક (તેમના માટે આ શબ્દ રજનીકુમાર પંડ્યાએ ગુજરાતી ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’માં આવતી પોતાની ‘ગુંજન’ નામની કટારમાં પ્રયોજ્યો હતો.) આ ગીતની ધારી અસર ઉપસાવી શક્યો છે. વાદ્યોને તેમણે એવી રીતે વગાડ્યાં છે કે શૈલેન્દ્રે લખેલા શબ્દો એકદમ પ્રભાવક બની રહે. શૈલેન્દ્રની કમાલ એ છે કે તેમણે મૂળ ગીતમાં આવતા ‘સાવન’, ‘બહાર’, ‘અમ્બુઆ’, ‘ગુડિયા’ જેવાં પ્રતીકોનો ઉપયોગ કર્યો છે, છતાં તેનો સંદર્ભ તદ્દન અલગ છે.

‘બંદિની’નું એ ગીત અહીં સાંભળી શકાશે.

આ તમામ ગીતો એક પછી એક સાંભળવા જેવાં છે.

આખરે સાંભળીએ સુધા મલ્હોત્રાએ ગાયેલું મારું પ્રિય, એ અદ્‍ભુત ગીત, જેણે આ લેખની પ્રેરણા આપી.

 


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

1 thought on “આઈ સાવન કી બહાર રે…

  1. ખૂબ જ રસપ્રદ.વરસાદની છડી પોકારી જાણે.જુદેજુદે રસ્તે એક ઠેકાણે પહોંચડતી રજૂઆત…આભાર.

Leave a Reply

Your email address will not be published.