કોઈનો લાડકવાયો – લેખશ્રેણી પરિચય

દીપક ધોળકિયા

ગાંધીજીએ દેશને અહિંસાને માર્ગે આઝાદી અપાવી એ સત્ય દુનિયાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલું રહેશે.  આ કારણે એવી છાપ ઊભી થઈ છે કે આપણે લોહીનું એક પણ ટીપું રેડ્યા વિના આઝાદી મેળવી. પરંતુ આ અર્ધુંપર્ધું ચિત્ર છે. એ સાચું કે સેનાની સામે આપણે સેના બનાવીને લડ્યા નથી, એટલે આપણે આઝાદી મેળવતાં સામા પક્ષનું લોહી નથી રેડ્યું, પણ આપણું પોતાનું લોહી બહુ રેડ્યું છે.  આપણે જ્યારે હિંસાનો રસ્તો લીધો ત્યારે પણ એ બે સમોવડિયા પક્ષોની હિંસા નહોતી. એટલે જનતાને પક્ષે પોતાનું લોહી જ રેડતાં મા ભારતીનાં સંતાનોએ પાછી પાની નથી કરી.

કોણ હતા એ?

કોઈનો લાડકવાયો... શ્રેણીમાં વાત કરવી છે એવા કોઈના લાડકવાયાની…એનું આજે કોઈ નામ નથી. પણ અહીં એની ખાક પડી છે.

આ શ્રેણીમાં અંગ્રેજ સત્તા સામે લડનારા, લડતાં લડતાં એમની ગુમનામ ગોળીઓનો શિકાર થનારા, અત્યાચારો સહન કરીને પણ પોતાની ટેક ન મૂકનારા અને એમના ધૂર્ત ન્યાયનો ભોગ બનનારાઓને યાદ કરવાનો પ્રયત્ન કરવાનો વિચાર છે કારણ કે જેમણે વીરગતિ પ્રાપ્ત કરી તેમના સિવાય પણ અનેક એવા હતા કે જે વીરગતિથી વેંત છેટે રહી ગયા, પરંતુ એનાથી એમના પરાક્રમનું મહત્વ ઓછું નથી થતું. આથી આપણે છેક પ્લાસી અને બક્સર સુધી ઇતિહાસમાં પાછળ જઈને અંગ્રેજો સામે  જંગ લડનારાઓને આ શ્રેણી દ્વારા અંજલિ આપીને  કૃતકૃત્ય થઈશું. આમાંથી ઘણી વાતો મારી શ્રેણી “ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ’માં પણ છે, એટલે કોઈને પુનરાવર્તન લાગે ખરું. પરંતુ એ સળંગ ઇતિહાસ છે; અહીં આપણે વ્યક્તિગત કે સામૂહિક સંઘર્ષમાં અંગ્રેજોને લલકારનારા વીરોની વાત  કરીશું. આમ પણ, આ વાતોનું સતત પુનરાવર્તન થતું રહે તે ઇચ્છવાયોગ્ય જ માનવું જોઈએ.

તો મળીએ છીએ આવતા મહિનાથી દર મહિનાના બીજા અને ચોથા ગુરુવારે….

 એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કો કવિતા લાંબી;
લખજો: ખાક પડી અહીં
કોના લાડકવાયાની

(ઝવેરચંદ મેઘાણી)


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

8 thoughts on “કોઈનો લાડકવાયો – લેખશ્રેણી પરિચય

 1. નવી શ્રેણીનું સ્વાગત. દીપકભાઈની કલમે આ શ્રેણી રસપ્રદ બની રહેશે.

 2. આઝાદીની લડતમાં અનેક નામ લોકો સુધી પહોંચ્યા છે પણ એવા કેટલીય અનામી વ્યક્તિઓ ગુમનામીની ગર્તામાં ખોવાઈ ગઈ, જેનો અછડતો ઉલ્લેખ પણ આજ સુધી નહીં થયો યોય. એવી વ્યક્તિઓના પરાક્રમની વાત પ્રકાશમાં લાવીને એમને અંજલિ આપ્યા જેવું થશે.

  આ નવી શ્રેણીને આવકાર છે દીપકભાઈ.

 3. સમયસરની શ્રેણી છે, જે મિત્રોને પસંદ પડે તેમને ફેસબુક સહિત જુદા જુદા વોટસેપ ગ્રૂપમાં શેર કરવા જેવી છે.

 4. નવી શ્રેણી નું સ્વાગત છે. ભુલાઈ ગયેલ વીરો ને યાદ કરવા તે જ એમની સાથે સાચો ન્યાય છે. બાકી આપણે ઇતિહાસ ને ભૂલી જાવા માં અને તેમાં થી ન શીખવા માં માહિર છીએ !

 5. Welcome once again, Dipakbhai, with your new series on Webgurjari. I pray for your good health. Keep on your work with same spirit. ‘Koi no Ladakvayo’ was just like own independent creation of Zaverchand Meghani based on English poem ‘Somebody’s Darling’.

 6. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંપાદિત કોઈ નો લાડકવાયો થી ભુલાઈ ગયેલ વીરો ને યાદ કરતી નવી લેખ શ્રેણી નું હાર્દિક સ્વાગત
  આશા રાખીએ કે આ નવી શ્રેણી ખૂબજ માહિતી સભર હોય
  ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ

 7. Wonderful Initiative. A request, don’t try to please any body, even Gadhiji, as it is well known fact that, mare enij Talvar hoi. There can’t be any negotiations between Powered people’s and deprived one etc

Leave a Reply

Your email address will not be published.