ગુજરાતી સાહિત્યકારોનાં જીવંત શબ્દચિત્રો : શબ્દનાં સગાં

પુસ્તક પરિચય

પરેશ પ્રજાપતિ

ખ્યાતનામ સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાના પુસ્તક `શબ્દનાં સગાં`માં આડત્રીસ સાહિત્યકારોનાં લેખકની આગવી શૈલીમાં કરાયેલાં શબ્દચિત્રો સમાવિષ્ટ છે.

શાળા- કોલેજના સમયથી જ રજનીકુમાર પંડ્યાનો લેખન શોખ કેળવાયો હતો. વ્યવસાયે તેઓ બેંક મેનેજર હતા. પરંતુ, છોડને ખીલવવા ખેડૂત નિંદામણ દૂર કરે તેમ પોતાના લેખન શોખને પોષવા, વિકસવવા અને પૂરતી મોકળાશ આપવા 1989માં સ્થાયી તેમજ નિશ્ચિત આવક ધરાવતી નોકરી ફગાવી; ત્યારથી લઇ આજ પર્યંત તેમની કલમે વિરામ પાળ્યો નથી.રજનીકુમાર પંડ્યાના જણાવ્યા મુજબ,` `તેમને `માણસ`માં ખૂબ રસ પડે છે.“લેખકને તેમના જીવનના વિવિધ પડાવે અનેક નામી-અનામી વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવવાનું થયું. મોહંમદ માંકડના આગ્રહથી રજનીકુમારે સંદેશમાં `ઝબકાર` શિર્ષક હેઠળ વ્યક્તિચિત્રોનું આલેખન શરૂ કર્યું. તેમના આ પ્રકારના સર્જનથી તેઓ ખૂબ પોંખાયા. અનેક ચંદ્રકો -માનપદકો તેઓ મેળવી ચૂક્યા છે. સાહિત્ય ક્ષેત્રે તેમણે ટૂંકી વાર્તાઓથી લઇ નવલકથાઓ સુધી બહોળા ફલકમાં ખેડાણ કર્યું છે. તેમણે આલેખેલાં અનેક વ્યક્તિચિત્રોમાંથી સાહિત્યકારોનાં શબ્દચિત્રોને અલગ તારવીને તૈયાર કરાયેલું આ પુસ્તક એટલે `શબ્દનાં સગાં`.

આ પુસ્તકમાં લેખક સાથે સંપર્કમાં આવેલા અમૃત `ઘાયલ`, રમેશ પારેખ, મોહંમદ માંકડ, વિનોદ ભટ્ટ, શેખાદમ આબુવાલા, હરકિશન મહેતા, વીસમી સદીવાળા હાજી મહમ્મદ જેવા 38 સાહિત્યકારોનાં જીવનચિત્રો સમાવિષ્ટ છે. તેમાં આ સાહિત્યકારોના જીવનની રસપ્રદ ઘટનાનાં; સંઘર્ષનાં; જીવનનાં વિવિધ રસોનાં; તેમની ખૂબીઓ અને ખાસિયતોનાં રસાળ આલેખનો છે. પ્રસ્તાવનામાં ઉલ્લેખ કર્યા મુજબ આ આલેખનો સંપૂર્ણ જીવનચરિત્રો નથી; કેટલાંક લખાણો એવાં પણ છે કે જે સ્મરણરેખાઓ પર યા લેખક સાથેના એકલદોકલ પ્રસંગો પર આધારિત હોય! પરંતુ એ જે પણ લખાણ હોય તેમાંથી લસરકા જેવું રેખાચિત્ર ઉઘડે ચોક્કસ.

આવાં ચિત્રોમાં માત્ર પાંચ ધોરણ ભણી, એક નાનકડા ગામમાંથી આગળ આવેલા કવિ ખલિલ ધનતેજવી તેમજ જરદોશી કામ કરતાં કવિતા રચતા  અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા ઉર્ફે `ગની દહીંવાલા`નાં પ્રેરણાદાયક આલેખનો છે. એક સમયે રજવાડું ધરાવતાં પાજોદ દરબાર રુસ્વા મઝલુમીની કથા `મારોય એક જમાનો હતો` શીર્ષક હેઠળ આલેખાઈ છે. આવાં કથાનકો વચ્ચે કવિયત્રી કમલાબહેન પરીખના અંગત સુખદુઃખની કથાને પણ સ્થાન મળ્યું છે.  ભગવદગોમંડળના નવ મહાગ્રંથોનાં સંપાદક અને ગોંડલ સ્ટેટના વિદ્યાધિકારી ચંદુલાલ બહેચરલાલ પટેલ ઉતરતી અવસ્થાએ હાથમાં પેન પકડવા અશક્તિમાન થતાં તેમની વેદનાને લેખકની કલમે અદ્‍ભુત રીતે  વાચા આપી છે. ભૂલકણા સ્વભાવના કાકાસાહેબ કાલેલકર તથા મશ્કરા ચં.ચી મહેતા વચ્ચેના એક કિસ્સાની રસપ્રદ રજૂઆત છે. ચીનુ મોદી, બાળવાર્તાઓ લખનાર જીવરામ જોશી જેવા સાહિત્યકારોનાં  રેખાચિત્રો પણ સમાવિષ્ટ છે. સાથેસાથે  દિલીપ રાણપુરાના અંગત પ્રસંગ તેમજ તારક મહેતા સાથે લેખકના સંબંધો પર આધારિત પ્રસંગોનું સંવેદનાસભર આલેખન છે. લેખકે બાળપણમાં જયમલ્લ પરમારનું એક લખાણ વાંચતાં તેમના પર એની નકારાત્મક છાપ પડી હતી એ વિશે ટિપ્પણી કરતાં એ સજ્જ લેખક કેવો સકારાત્મક પ્રત્યાઘાત આપે છે તેની વાત આલેખી છે. વન્યજીવોના અભ્યાસી હરિનારાયણ આચાર્ય- `વનેચર`ની તત્પરતાની કથા રસપ્રદ રીતે  આલેખાઈ છે.

આ લખાણો વાંચતી વખતે એમ અનુભવાય કે લેખકે આલેખેલાં વ્યક્તિચિત્રો જ નહીં, ખુદ લેખક વંચાય છે- લખાણોમાં તેમની વિચારધારા પ્રતિબિંબિત થતી હોય છે. જેમ કે એક સ્થળે તેમણે ‘લઘુતાગ્રંથી’ને આમ વ્યાખ્યાયિત કરી છે: `વગર પાપે પ્રાયશ્ચિત કરે તેનું નામ લઘુતાગ્રંથી`; શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની પાતળી ભેદરેખામાં તેમણે ‘શ્રદ્ધા’ને આમ સમજાવી છે, `દરિયાના પાણીને આપણે ગળે ઉતારી શકતા નથી, પણ એના પાણીપણાને નકારી શકાતું નથી, તેમ મૃગજળ ગણી અવગણાતું પણ નથી`  આ પુસ્તક વાંચતાં આવા ટૂંકા પણ સચોટ  વાક્યોથી વાચક વિચારસમૃદ્ધિ અનુભવે છે. લખાણોમાં ઓછા પણ અર્થસભર શબ્દોની મદદથી પાત્રની ઉર્મીઓ, લાગણી કે ખાસિયતોને ઉભારવાની કળા રજનીકુમારની આગવી ઓળખ ગણી શકાય. જેમ કે ચિનુ મોદીના આલેખનમાં તેમણે લખ્યું છે, `સણકા તો જેટલા ઓછા આવે તેટલું સારું.` આવાં ‘વનલાઇનર્સ’ માણવા ગમે છે, પણ તે કેવળ ચબરાકિયાં બની રહેવાને બદલે મર્મસભર બની રહે છે. આ પુસ્તક માં માત્ર ચાર-પાંચ પાનમાં સમાઇ જતા વસુબહેન કે ચંચી મહેતા જેવા સાહિત્યકારો વિશે ટૂંકા લખાણો છે, તો મકરંદ દવે કે રમેશ પારેખનાં આલેખનો પુસ્તકના 25 થી 30 પાનાઓમાં પથરાયેલા છે.

વિવિધ વ્યક્તિઓની ખાસિયતો, લાક્ષણિકતાઓ, ધ્યાનાકર્ષક સદગુણો, જે-તે ક્ષેત્રમાં તેમનાં પ્રદાન અને તેમના સંઘર્ષ વગેરેને ઉજાગર કરી તથ્યોને રસાળ વાર્તાત્મક શૈલીમાં ઢાળવાની રજનીકુમારની આગવી શૈલી છે. વાચકની લાગણીના તંતુ ઝણઝણાવતાં આ લખાણો ઉપરાંત લેખના સચોટ મથાળાં તથા વિશિષ્ટ વ્યક્તિઓના વિવિધ પાસાંઓને આવરી સચોટતાથી ઉજાગર કરવા એ રજનીકુમાર પંડ્યાની ખાસિયત તેમજ ઓળખ છે; જે આ પુસ્તકમાં માણવા મળે છે.

*** * ***

પુસ્તક અંગેની વિગતો:

શબ્દનાં સગાં : રજનીકુમાર પંડ્યા

પૃષ્ઠસંખ્યા : 340‌
કિંમત : ₹ 525
પ્રથમ આવૃત્તિ, એપ્રિલ 2022

મુદ્રક અને પ્રકાશક : ઝેન ઓપસ, અમદાવાદ
વિજાણુ સંપર્ક: contact@zenopusl.in
વિજાણુ સરનામું:www.zenopus.in


લેખક સંપર્કઃ rajnikumarp@gmail.com
Mob. No.: +91 95580 62711; +91 79- 25323711


આ શ્રેણી માટે કોઈ પુસ્તક મોકલવા ઈચ્છે તો શ્રેણી સંપાદક પરેશ પ્રજાપતિને તેમના વિજાણુ સરનામા pkprajapati42@gmail.com પર સંપર્ક કરી પુસ્તકો મોકલવા વિનંતી.

Author: Web Gurjari

1 thought on “ગુજરાતી સાહિત્યકારોનાં જીવંત શબ્દચિત્રો : શબ્દનાં સગાં

Leave a Reply

Your email address will not be published.