નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૬૯

જે નર્સિંગ હોમનું ઉદ્‌ઘાટન એને હસ્તક થયું હતું એની જ એ પહેલી પેશન્ટ બની

નલિન શાહ

ધનલક્ષ્મીને જાણીને ઘણો આનંદ થયો કે શાળા માટે હવેલીનું સમારકામ નવું બાંધકામ અને પરાગના નામના નર્સિંગ હોમનો પ્લાન સાગરની દેખરેખ હેઠળ તૈયાર થયો હતો. જ્યારે એણે જાણ્યું કે એક સફળ આર્કિટેક્ટ તરીકે હંમેશાં કામમાં અટવાયેલો રહેતો હોવા થતાં પત્નીની બહેન તરીકેના સંબંધનાં કારણે તેણે નિઃશુલ્ક સેવા આપવાનું સ્વેચ્છાએ કબુલ કર્યું હતું ત્યારે ધનલક્ષ્મીનો ઉત્સાહ બમણો થઈ ગયો ને માનસીને વગર સંકોચે પૈસા ખરચવાની છૂટ આપી દીધી. એક વર્ષમાં બંને સંસ્થાઓ તૈયાર થઈ ગઈ. શશિએ નર્સિંગ હોમનું ઉદ્‌ઘાટન ધનલક્ષ્મીના અને શાળાનું શિક્ષણમંત્રીના હસ્તક કરવાની જાહેરાત કરી દીધી, અને દિવસ નક્કી કરીને ધનલક્ષ્મીને આમંત્રણ મોકલ્યું. પ્રચારમાં કે આમંત્રણ પત્રિકામાં ક્યાંય શશીએ પોતાનાં નામનો ઉલ્લેખ નહોતો કર્યો. સર્વત્ર એની સંસ્થાના નામનું જ આપ્યું હતું. ધનલક્ષ્મીને વિનંતી કરવામાં આવી હતી કે એના મિત્રો અને લાગતાં-વળગતાંઓનાં નામ-સરનામાં મોકલે, જેથી એ બધાંને અલગ આમંત્રણ મોકલી શકાય. એ બાબતમાં જ્યારે ધનલક્ષ્મીએ માનસીને પૂછ્યું ત્યારે એણે જણાવ્યું કે એની સહેલીઓને આમંત્રણ સંસ્થા તરફથી જાય એ વધારે માન ભરેલું લાગે અને સુનિતાબેનનાં કુટુંબને આમંત્રણની આવશ્યકતા નહોતી કારણ એ સંસ્થા સાથે સંકળાયેલાં હતાં ને આ પ્રસંગમાં એ ઘણો રસ ધરાવતાં હોવાથી એ તો સહકુટુંબ આવવાનાં જ હતાં.

પ્રસંગ ટાણે ધનલક્ષ્મીએ એની સહેલીઓ માટે અલગ કારની વ્યવસ્થા કરી. એ પોતે માનસીની સાથે જવાની હતી જ્યારે સુનિતા, રાજુલ ને સાગર અલગ જવાનાં હતાં.

ધનલક્ષ્મી લગભગ ચાળીસ વર્ષ પછી ગામમાં પગ મૂકી રહી હતી. ગામની બદલાયેલી સૂરતે એને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધી. સર્વત્ર નવીનતા અને આધુનિકતાનો ભાસ થતો હતો. લોકોના પહેરવેશમાં પણ બદલાવ આવ્યો હતો. જુવાનીને આરે ઊભેલી છોકરીઓ આધુનિક પહેરવેશમાં મુક્ત થઈ ફરતી હતી. પતિ-પત્ની પણ સાથે સાથે ફરતાં દેખાતાં હતાં. શહેરની જેમ ગામમાં પણ ઠઠ્ઠા-મશ્કરી ને જાહેરમાં ગાવાનું પણ સાહજિક વાત હતી. ઘૂમટાઓ અને નાના મોટા વચ્ચે સંકોચનું વાતાવરણ હવે ખાસ નહોતું દેખાતું. એણે જાણ્યું કે ક્યાંક ક્યાંક તો સાસુઓ વહુની ઓશિયાળી થઈને જીવતી હતી અને એ વહુઓના પતિઓ કહ્યાગરા કંથ કહેડાવવામાં શરમની લાગણી નહોતા અનુભવતા. આ યુગમાં એ જન્મી હોત તો એના કેટલાયે દુઃખનું નિવારણ થયું હોત. સાસુના ડરથી છુપાઈને ‘ઓ ભાભી, તમે થોડાં થોડાં થાઓ વરણાગી’ સાંભળતી ધનલક્ષ્મીને એ ગુલામીના દિવસો યાદ આવ્યા. હવે તો એ નણંદો અને ભાભીઓ વગર થયે વરણાગી થવાનો આનંદ લેતી હતી.

આ સર્જાયેલી ક્રાંતિમાં શશીનો ભાગ નાનોસૂનો નહોતો. એ શિક્ષણ અને સ્વાલંબનની ભાવના પેદા કરવા સફળ થઈ હતી. એના પ્રયત્ને વીજળી, વાહન-વ્યવહાર અને ટેલિફોન જેવી સગવડો ઉપલબ્ધ થઈ હતી. લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું હતું અને રોજગારનાં સાધનો પણ પેદાં થયાં હતાં. એના પ્રભાવના કારણે રાજકારણીઓ પણ આવતા થયા હતા. આ બધું જાણીને જોઈને ધનલક્ષ્મીએ ઇર્ષ્યા અને આશ્ચર્યની લાગણી અનુભવી. એની સંકુચિત બુદ્ધિમાં એને એ ખ્યાલ ન આવ્યો કે એ બદલાયેલા સંજોગોમાં એની હવેલી અને આજુબાજુની વિશાળ ખાલી જગ્યાની કિંમત એણે ધાર્યા કરતાં અનેક ઘણી વધુ પેદા થઈ શકી હોત.

શાળા અને હોસ્પિટલની વચ્ચે વિશાળ હરિયાળી છવાયેલી ખાલી જગ્યા હતી અને એક બાજુ પથ્થરની બેન્ચો પેશન્ટના મુલાકાતીઓ માટે મૂકાઈ હતી.

ખાલી જગ્યાની એક બાજુ ઐતિહાસિક લાગે એવી હવેલી અને બીજી બાજુ સામે અદ્યતન નર્સિંગ હોમ ગામની શોભામાં અભિવૃધ્ધિ કરતાં હતાં. કોઈ પણ પ્રકારની જાહેરાત વગર આખું રાજાપુર અને  નજદીકનાં ગામોના રહેવાસીઓ જાણતા હતા કે આશીર્વાદરૂપ એ સગવડો શશીબેનના પ્રભાવનાં પરિણામ હતાં.

સમારંભ શરૂ થતાં પહેલાં જ બધી ખુરશીઓ ભરાઈ ગઈ હતી. ગામના પ્રતિષ્ઠિત અગ્રણીઓ આગળની હરોળોમાં બેઠા હતા. ઘણાંય એવાં હતાં જે આજુબાજુની જગ્યામાં લોન પર બેઠાં હતાં. વિદ્યાર્થીઓ પણ સારી એવી સંખ્યામાં હતાં. ગ્રામ્યજીવનના આ સૌથી વધુ અગત્યના પ્રસંગો હતા.

મંચ ઉપર કેવળ મિનિસ્ટર, ધનલક્ષ્મી અને નગરશેઠનું બિરુદ પામેલી એક વયોવૃદ્ધ વ્યક્તિને બેસવાની વ્યવસ્થા હતી. શશી, માનસી અને સુનિતાનો પરિવાર પહેલી હરોળમાં બેઠો હતો. ધનલક્ષ્મીની સહેલીઓને પણ પહેલી હરોળમાં સ્થાન આપ્યું હતું. રાજુલની દેખરેખમાં શિક્ષણ પામી રહેલો શશીનો દીકરો અર્જુન પણ હાજર હતો.

એ સમારંભનો સૂત્રધાર હતો અને શશીએ એને ખાસ સૂચના આપી’તી કે બંને સંસ્થાઓના નિર્માણની બાબતમાં કેવળ ધનલક્ષ્મીની વાહવાહ બોલાય જેના થકી મિનિસ્ટરને પણ એનો ઉલ્લેખ કરવાનું પ્રોત્સાહન મળે. કાર્યક્રમની સફળતા એની સંસ્થાને ફાળે જાય એ જરૂરી હતું, પણ ક્યાંય શશીનું નામ ના લેવાય એની તકેદારી રાખવી પણ એટલી જ જરૂરી હતી. અર્જુનની હિંદુસ્તાનીમાં કોમેન્ટ્રી સાંભળી લોકો બહુ પ્રભાવિત થયા, જ્યારે ધનલક્ષ્મીએ જાણ્યું કે એ શશીનો દીકરો હતો ત્યારે મનોમન એણે શશીને આશીર્વાદ આપ્યા.

નર્સિંગ હોમનું ઉદ્‌ઘાટન પહેલાં થયું. જ્યારે ધનલક્ષ્મીએ રિબન કાપી ત્યારે શશી અને કાર્યકર્તાઓએ એના પર ફૂલોની પાંદડીઓ વરસાવી. ત્યાર બાદ તેણે મંચ પર સ્થાન ગ્રહણ કર્યું. ધનલક્ષ્મી જ્યારે મંચ પર આવી ત્યારે શશીએ ઉપર આવી એને પગે લાગી ફુલોનો હાર પહેરાવ્યો. મિનિસ્ટરે પણ એને બુકે ર્પણ કર્યા. મિનિસ્ટરના અભિવાદન બાદ સૂત્રધારે સંસ્થાની કાર્યપ્રણાલિનો ઉલ્લેખ કરી ધનલક્ષ્મીએ કરેલા દાનના ભરપુર વખાણ કર્યા. છેલ્લે શિક્ષણ અને તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવિ ગામને આપત્તિમાંથી ઉગારવા માટે ધનલક્ષ્મીનો આભાર વ્યકત કર્યો. ધનલક્ષ્મીને બોલવાનો મહાવરો ના હોવાથી એ સંકોચ અનુભવશે એમ માનીને શશીએ મિનિસ્ટરને પહેલાં બોલવા આમંત્રવાનું સૂચન કર્યું હતું.

મિનિસ્ટરે પણ સૂત્રધારના સંબોધનમાંથી ઇશારો પામી ધનલક્ષ્મીના દાનને બિરદાવ્યું. ગામના ઉત્કર્ષ માટે અત્યંત જરૂરી એવી સેવાઓ નિઃસ્વાર્થ ભાવથી ઉપલબ્ધ કરાવવા માટે ધનલક્ષ્મીની સામે હાથ જોડી એનો આભાર વ્યક્ત કર્યો. ધનલક્ષ્મીને પહેલી વાર અનુભૂતિ થઈ કે પૈસા લેવા કરતાં આપવાનું સુખ પણ કાંઈ ઓછુ નહોતું.

ધનલક્ષ્મીની ઘરેણાં માટેની નબળાઈ જાણતી હોવાથી માનસીએ સાસુને આડકતરી રીતે સંજ્ઞા આપી હતી કે પ્રસંગની ગંભીરતાના કારણે ઘરેણાંનું પ્રદર્શન અસ્થાને કહેવાય, ને હીરાનાં ઘરેણાં તો દિવસે કદી ના શોભે. પણ ઉદ્‌ઘાટન પ્રસંગ ટી.વી. પર પણ બતાવવાનો હોવાથી માનસીના સૂચનની અવગણના કરીને ધનલક્ષ્મીએ ભડક રંગની રેશમી સાડી અને ધ્યાન ખેંચે એવા હીરાના ઘરેણાં પહેર્યાં હતાં. સાસુનો આડંબર જોઈને માનસી ડઘાઈ ગઈ. પણ રાજુલ ટકોર કર્યા વગર ના રહી શકી, ‘મમ્મી, ગધેડામાં પણ ક્યારેક અક્કલનો સંચાર થઈ શકે ને ગમાર પણ જ્ઞાની થઈ શકે, પણ તમને લાગે છે કે આ ધન્નોને કોઈ સુધારી શકે?’ સુનિતાએ કૃત્રિમ ગુસ્સાનો ભાવ મોઢા પર લાવી કહ્યું, ‘ચુપ, છે તો આખરે તારી જ બહેન ને!’ જ્યારે એને બોલવા માટે આમંત્રી ત્યારે માનસીએ લખી આપેલું ભાષણ ધનલક્ષ્મી અચકાતાં અચકાતાં બોલી ને ફોટોગ્રાફરો ફોટા લેતાં હોવાથી અને ટી.વી.નો કેમેરા પણ એની ઉપર ટક્યો હોવાથી એનું ટૂકું ભાષણ પત્યા પછી પણ થોડી વાર સ્થિર ઊભી રહી. રાજુલે શરારતભરી નજરે માનસીની સામે જોયું ને મનોમન બંને એકબીજાની રમૂજ પામી ગયાં.

ધનલક્ષ્મીએ માનસીને તાકીદ કરી હતી કે લોકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા લાલચરૂપે ખાવાપીવાની વ્યવસ્થા સારી રીતે થાય, ભલે થોડો ખર્ચો વધે. પૈસાનો ભાર એની સંસ્થાને માથે પડતો ન હોવાથી શશીએ બધી જરૂરી વ્યવસ્થા કરાવવાનો ભરોસો આપ્યો હતો. પરિણામસ્વરૂપ ખાવા-પીવાની અને સજાવટની બધી વ્યવસ્થા લગ્નપ્રસંગને અનુરૂપ લાગે એવા ભપકાથી કરવામાં આવી હતી.

મંચ ઉપર વચ્ચે બેઠેલી ધનલક્ષ્મીને લાગતું હતું કે લોકોનું ધ્યાન એના પર જ કેન્દ્રિત હતું અને એ જ એ પ્રસંગની શોભા હતી. એને મળી રહેલાં માનપાન એણે પહેલાં કદી નહોતાં અનુભવ્યાં. આટલી બહોળી માનવમેદની અને પ્રાપ્ત થયેલી પ્રશંસાએ એના મનમાં નવો ઉત્સાહ સંચર્યો. જિંદગીમાં પહેલી વાર એણે અનુભવ્યું કે પોતાનો મોભો વધારવા થોડો નમ્રતાનો ભાવ ને બીજાની પ્રશંસા કરવી જરૂરી હતું. આ વિચારે ઉત્તેજિત થઈ પ્રસંગ પૂરો થતાં પહેલાં એણે સંચાલક પાસે માઇક માગ્યું અને કહ્યા વગર ફરી બોલવા ઊભી થઈ. માનસી આભી બનીને જોઈ રહી. માઇકમાં પહેલી વાર બોલતી હોવાથી એની ઉપયોગિતાનો એને ખ્યાલ નહોતો. મોઢું માઇકની એકદમ નજદીક લાવી કોઈ પણ પૂર્વતૈયારી વગર બોલવાનું શરૂ કર્યું. ‘મારી વહુ ડૉક્ટર માનસી ને મારી બહેન શશીએ ગામની ભણતર અને બીમારીને લગતી જરૂરિયાતો અંગે મારું ધ્યાન ખેચ્યું ત્યારે મને થયું કે ગામની ભલાઈ માટે મારે કાંક કરવું જોઈએ, એટલે મેં આ ભવ્ય હવેલી અને સારા નર્સિંગ હોમની જોગવાઈ કરી આપી. જાણ્યું છે કે સારા ડૉક્ટર અને નર્સોની વ્યવસ્થા કરવામાં આવી છે અને વડોદરા ને સુરતના કેટલાક નિષ્ણાતો સેવાભાવથી પ્રેરાઇને પંદર દિવસે-મહિને આવતા રહેશે. મારી ચિંતા એ છે કે આ બધી સેવાઓ ચાલુ રહેવી જોઈએ. અડધાથી વધુ પેશન્ટોને મફત સેવાઓ અપાશે ને એના ખર્ચા પણ ભોગવવા પડશે.’

શશી ને માનસી અચંબામાં પડી ગયાં એમને સમજાયું નહીં કે જે ધનલક્ષ્મીએ પહેલાં જાહેરમાં બોલતાં અચકાતી હતી એ વગર તૈયારીએ હિમ્મતથી બોલી રહી હતી, પણ એનો આશય શું હતો એ તેઓને ના કળાયું.

ધનલક્ષ્મીએ એનું ભાષણ ચાલુ રાખ્યું, ‘આ નર્સિંગ હોમ અને સ્કૂલ મેં ચાલુ કરાવ્યાં હોવાથી એ કદી બંધ ના થાય એ જોવાની જવાબદારી મારી છે એમ હું માની લઉં છું. એ જ કારણે હું દર વર્ષે એક લાખ રૂપિયાનું દાન જાહેર કરું છું જે વ્યવસ્થાપકો જરૂરિયાત પ્રમાણે વાપરી શકે. હું બાંહેધરી આપું છું કે મારી હયાતી ના હોય ત્યારે પણ એ પૈસા સંસ્થાને મળતા રહે એની જોગવાઈ કરીશ.’ એટલું બોલીને તાળીઓના ગડગડાટ વચ્ચે ધનલક્ષ્મી બેસી ગઈ. એ તાળીઓનો ગડગડાટ બહુ વાર સુધી સંભળાયા કર્યો અને એ સાંભળીને એને લાગ્યું કે જાહેર કરેલું એ દાન એને લેખે લાગ્યું હતું. સુનિતાએ માનસીને એને ખભેથી પાસે ખેંચીને ચાંપીને રાજુલ ભણી જોઈને ધીમેથી બોલી ‘કેમ, તું કહેતી હતી ને કે એને કોણ સુધારે, હવે શું કહે છે?’

રાજુલ માનસીને ઉદ્દેશીને બોલી, ‘તેં સારો એવો પાનો ચઢાવ્યો છે તારી સાસુને, પણ સંભાળજે કે એ ટકી રહે.’

‘કાલ કોણે જોઈ છે!’ માનસી હસીને બોલી, પણ જેટલું થયું છે એટલું પણ સંતોષ લેવા જેવું છે.’

પ્રસંગની પૂર્ણાહુતિ થઈ કે લોકો ખાવા-પીવા ઉઠ્યાં અને એક મેળાવડા જેવું વાતાવરણ સર્જાઈ ગયું. ધનલક્ષ્મી એની ખુરશીમાં બેસી રહી. કેટલાકે આવીને એની સેવા માટે ધન્યવાદ આપ્યા. બધાને પ્રત્યુત્તર આપવાની આવડત ધનલક્ષ્મીમાં નહોતી. આજે પહેલી વાર એને લાગ્યું કે રાજુલ ને શશીની  માફક એ પણ ભણતર પામી હોત તો લોકોને આંજવા કામ આવત. અરે! મુંબઈ જઈને પણ થોડું ઘણું ભણતર પામી શકી હોત. એની પતંગિયા જેવી સહેલીઓનાં વર્તુળની બહાર પણ કોઈ દુનિયા હતી. એ જાણવાનો કદી પ્રયત્ન ના કર્યો. હવે એ વાતનો અફસાસ કરવો એ તો ‘રાંડ્યા પછીના ડહાપણ’ જેવી વાત કહેવાય. રાજુલ કલાકાર બની, અમીર કુટુંબમાં સ્થાન પામી, શશીએ વગર પૈસે નામના મેળવી જ્યારે એણે પોતે શું કર્યું? દીકરો પણ ગયો અને દીકરાની ખ્યાતિનું અભિમાન પણ ઓસરી ગયું. જેવી વહુની કલ્પના સેવી હતી એ તો ના મળી ને જે મળી એ પણ લોકોમાં માન પામી હતી ને હવે એ જ એનો એક માત્ર સહારો હતી. એને ડર હતો કે જે ગામમાં શશીની આટલી મોટી શાખ હતી એ ગામમાં એણે કરેલાં દાનનું શ્રેય એ ખૂંચવી જશે; પણ એવું એણે કશું ના કર્યું. એ તો ભાષણ કરવા પણ ના આવી કે ના મંચ પર બેઠી. બધું માન એને પોતાને ફાળે જ આવ્યું. વિચારોથી ધનલક્ષ્મીનું મગજ ઘેરાઈ ગયું. ખુરશીમાં બેઠાં બેઠાં જ એના ડાબા હાથ અને ડાબા પગમાંથી ચેતન ચાલી ગયું ને માથું પાછળ ઢાળી દીધું. માનસીએ જોયું ને કંઈક અજુગતું લાગ્યું ને દોડીને ઉપર આવી સાસુને બેઠાં કરવા પ્રયત્ન કર્યો. એ સમજી ગઈ ને બૂમ પાડીને બીજા કાર્યકર્તાઓને બોલાવ્યા. ધનલક્ષ્મીને પક્ષાઘાતનો હુમલો આવ્યો હતો. જે નર્સિંગ હોમનું ઉદ્‌ઘાટન એને હસ્તક થયું હતું એની જ એ પહેલી પેશન્ટ બની. એ ઉપલબ્ધિ કહેવાય કે સંજોગ એ તો કળવું મુશ્કેલ હતું, પણ એક વાત જરૂર હતી કે નર્સિંગ હોમનો પહેલો લાભ ધનલક્ષ્મીને જ અનાયાસે પ્રાપ્ત થયો હતો.

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.