નીતિન વ્યાસ
આપનું પૂરું નામ રાવજી છોટાલાલ પટેલ, એક કવિ, વાર્તાકાર અને નવલકથા લેખક, જીવન યાત્રા ૧૯૩૯ થી ૧૯૬૮. વાર્તાકાર અને કવિ શ્રી રાવજી પટેલે જીવન દરમ્યાન , કૃષિ-ચેતના તેમજ આધુનિક ચેતનાનાં ખેંચાણવાળી – લાગણી અને સમજના અદ્ભુત સમન્વયવાળી કવિતા લખી. અવસાન પછી એનો, કવિમિત્રોએ, સંગ્રહ કર્યો : ‘અંગત’ (૧૯૭૦). એ ઉપરાંત બે નવલકથા લખી ‘અશ્રુઘર’(૧૯૬૬) અને ‘ઝંઝા’ (૧૯૬૭). વાર્તાઓ લખી – ‘વૃત્તિ અને વાર્તા’ (૧૯૭૭). એક રોગગ્રસ્ત અશક્ત વ્યક્તિ, એક સશક્ત સર્જક એટલે કવિ રાવજી પટેલ
ડાકોરથી એક કાચી સડક જાય છે વલ્લવપુરા. એ નાનું સરખું ગામ એટલે રાવજી પટેલનું વતન. રાવજી એટલે વેદનાને હૈયામાં દાટીને જીવતો માણસ. ક્ષયથી પીડાતું શરીર, ધરીને બેસી ગયેલી ગરીબી, દાંપત્યમાં ઓછો મનમેળ. વ્યર્થ નીવડેલા સંબંધોના ત્રાસદાયક જીવનથી રાવજી કંટાળી ગયેલો. એ કહેતો, ‘મને સ્થિતિ ખોદે છે’ અને ‘એક નહીં પણ એકસામટા હજારો શાપ મળ્યા’. આદિએ ખડા કરેલા બળબળતા રણમાં રાવજી નામના માણસને કવિતા જ વીરડો થઈ શકે અને કવિતાને કારણે નિસાસા આસોપાલવ થાય. રણમાં છાંયો થાય, સૂની આંખોમાં માળા બંધાય. અને એથી જ એ કવિતા લખતો રહ્યો –
(શ્રી રઘુભાઈ જોશી :ડાકોર)
વિદારક દ્વૈત
આભાસી મૃત્યુનું ગીત
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વ્હેલ શંગારો વીરા, શગને સંકોરો રે
અજવાળાં પહેરીને ઊભા શ્વાસ |
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા.
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો,
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.
– રાવજી પટેલ
એક આવકવેરા અધિકારી શ્રી હિતકારી ભારતીય કવિઓનાં કાવ્યો એમના હસ્તાક્ષરમાં એકઠાં કરતા હતા. કવિ રાવજી ત્યારે હયાત ન હતા. મેં મારી પાસે સચવાયેલ રાવજીની હસ્તલિખિત સામગ્રીમાંથી ઉપર્યુક્ત ગીત શોધી આપ્યું. મેં, ચંદ્રકાન્ત શેઠ અને બીજા કેટલાક મિત્રોએ આ ગીત રાવજીના કંઠે સાંભળેલું. હરિકૃષ્ણ પાઠક અને બીજા મિત્રોને અસલ ઢાળ યાદ. હું પણ ગાતો. અહીં નોંધવા જેવી વિગત આ છે; પ્રથમ પંક્તિનો પ્રથમ શબ્દ મૂળ હસ્તપ્રતમાં ન હતો. ‘આંખે કંકુના સૂરજ આથમ્યા’ એ ચાર શબ્દ હતા. ‘મારી’ સર્વનામ સ્વીકારવા જાણે કે રાવજીની તૈયારી ન હતી. પણ રાવજીનું સંગીતનું જ્ઞાન પાકું હતું. લયની ખોટ પૂરી કરવા આથમતા રંગોમાં એણે જાતને ઉમેરવાનું જોખમ ખેડ્યું અને પછી એ રીતે ગાયું કે સાંધો કે રેણ વરતાય જ નહીં.
શીર્ષકમાં તટસ્થતા છે બલ્કે પરાયાપણું છે – ‘આભાસી મૃત્યુનું ગીત’ – કોઈ પણ / નવલોહિયાના મૃત્યુના આભાસનું ગીત. પણ ગુજરાતી કવિતાના સહૃદયોને મૃત્યુની ઘટના એટલી સ્પર્શી નથી, જેટલી કલાપી, મણિલાલ કે રાજવીના મૃત્યુની ઘટના સ્પર્શી છે. વાત મૃત્યુની નહીં, કવિના મૃત્યુની છે, સર્વશ્લેષી સંવેદનાના મૃત્યુની છે – જેની વસંત વીતી નથી એવા કવિના મૃત્યુની. મણિલાલ વિશેના કાવ્યમાં રાવજીને આ અનુભૂતિ હતી – ‘મીઠા વિષના સર્પ મણિધર ડસવાનું તું છોડ.’
આમ તો ‘મારા ખેતરને શેઢેથી ઊડી ગઈ સારસી’નું ગતિશીલ ચિત્ર કવિતાના ઉદયકાળનું કલ્પન કંઈક આવો જ ફફડાટ સૂચવતું હતું. પણ ‘આભાસી મૃત્યુ’ ની માંડણી કરી ત્યાં સુધીમાં તો પ્રતીતિ થઈ ગઈ હતી, વહેલી વિદાયની. અને જીવવું હતું. અનેક અધૂરાં અરમાન પૂરાં કરવા. મરણ અને જીવનના તાણાંવાણાથી રચાયું છે આ ગીત.
ગીત સહૃદયોને સવિશેષ સ્પર્શ્યું છે એમાં આ અંગત સંદર્ભ બિનંગત કલ્પનોની જેમ નિમિત્ત બન્યો છે. રોગો અને દારિદ્રથી સેંકડો જોજન દૂર કોઈક શબ્દના કસબીએ આ પદ રચ્યું હોત તો સંપ્રેષણ આ કક્ષાએ થયું હોત ખરું? જૂની પેઢીના સર્જકો અને વિવેચકો અનુભવની સચ્ચાઈ પર ભાર મૂકતા હતાં, કેમકે કવિ-કર્મ એ માત્ર ભાષિક સંરચના નથી, ચૈતસિક ઘટના છે. સર્જક અને ભાવક વચ્ચેનો એક અદીઠ પણ અતૂટ પુલ છે. કલાના આસ્વાદમાં સમૂહસ્મૃતિની મૂડી પણ ભાગ ભજવતી હશે.
સંગીતકારો આ રચનાને મૂળ ઢાળથી કંઈક દૂર લઈ ગયા છે. કવિ રાવજીના ચિત્તમાં લગ્નગીતનો ઢાળ જાગ્યો છે અને સઘળી કલ્પનાવલી લગ્નમંડપમાં જોવાયેલા જીવનસ્વપ્નના સંકેત ધરાવે છે. કાવ્યનાયક અહીં વરરાજા છે. એ વ્હેલ શણગારવા કહે છે, એ જ વાક્યમાં શગ સંકોરવા કહે છે. નામણ દીવડો કન્યાને તેડી જવાનો સંકેત ધરાવે છે. શ્વાસ અશ્વની જેમ ખેંચાયેલી વાંભે તત્પર છે ઊપડવા. અજવાળું કુંકુના સૂરજનું છે, તેમ પેલા દીવડાની શગનું પણ છે.
બીજા ચરણમાં મૃત્યુનો સંદર્ભ સુરેખ ઊપસી આવે છે. આ મૃત્યુ નૈસર્ગિક નથી, અકાળ છે. લીલા ઘોડા ‘પીળા રે પાંદે’ ડૂબે એ તો મધ્યાહ્ન કરતાં પણ આગોતરો સૂર્યાસ્ત કહેવાય. કેટકેટલાં કામ કરવા ધાર્યા હતાં! ચિત્તમાં કેવી કેવી સ્વપ્નસૃષ્ટિઓ લહેરાતી હતી. ભાવસમૃદ્ધિની એ સઘળી સિલક એકાએક ડૂબી જાય, એનું ડૂલ થવું યૌન ઊર્જાના અશ્વના હણહણાટ રૂપે સંભળાય છે. એ હણહણાટ છે કામ્ય કાયાની સુવાસનો.
આ કલ્પન પહેલી વાર રચાયું ગુજરાતી કવિતામાં, અન્ય ભાષાની કવિતાની ખબર નથી, રાવજીને નહોતી. પૌરુષસૂચક હણહણાટ અને સૌમ્ય સુવાસના એ અંતિમોને અહીં લય સંયોજે છે. લય કવિતાની એક ઇન્દ્રિય છે.
ગીતના છેલ્લા ચરણમાં મિલન પૂર્વેની વિદાયનો નિર્દેશ છે. મધ્યકાળમાં ચાકરીએ જતા પતિને સંબોધોતી નવવધૂના કેટકેટલા ઉદ્ગાર અહીં યાદ આવી જાય છે ! ગીત લોકગીતની સહજતા પામે છે. પણ હાંકનાર કોઈ માંસલ આકૃતિ નથી, પડછાયો છે. સ્પષ્ટ સંવાદ શક્ય નથી. બોલ અને ઝાંઝર પાછા વળવા મનવર કરે એમ નહીં પણ ઝાલે છે. પ્રેતગ્રસ્ત કરે એવી ક્ષણ પણ પ્રેતનો ઉલ્લેખ નથી કરવો. સઘળો પરિવેશ જીવંત છે, જે સજીવી હળવાશ વાગે છે. કાયાનો ભાર ભૂલી જવાયો છે. આછું ભાન છે નાયિકાની ઉપસ્થિતિનું.
ભારતીય કવિતામાં મૃત્યુની મંગલ અનુભૂતિ નિરૂપાઈ છે, કબીરસાહેબથી ગુરુદેવ રવીન્દ્રનાથ સુધી એનાં દૃષ્ટાંત મળે છે. રાવજીની કવિતામાં મૃત્યુની અનુભૂતિ મંગલમય નથી. અહીં અદ્વૈત નથી. દ્વૈત છે, વિદારક દ્વૈત. વિચ્છેદની વેદના મુખર થયા વિના વ્યક્ત થઈ હોઈ વધુ માર્મિક બની છે.
– રઘુવીર ચૌધરી
આજની પ્રસ્તુતિ. પ્રથમ સાંભળીયે કવિ શ્રી રાવજી પટેલ રચિત સદાબહાર રચના. “મારી આંખે કંકુના સૂરજ આથમ્યા”.
શ્રી રઘુવીર ચૌધરી સંપાદિત કાવ્ય સંગ્રહ “અંગત” કવિ નાં મૃત્યુ બાદ પ્રકાશિત થયેલો. આ રચના તે કાવ્ય સંગ્રહ પૈકીની એક છે.
શરૂઆત કરીયે કવિ શ્રી માધવ રામાનુજથી; તારીખ ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૭, ડાકોર ખાતે કવિ શ્રી રાવજી પટેલ સ્મારક નાં ઉદ્દઘાટન પ્રસંગે અંજલિ આપતાં:
પંડિત અતુલભાઈ દેસાઈ શાસ્ત્રીય સંગીત અને કથ્થક નૃત્ય ના ગુરુ, પંડિત શ્રી ઓમકારનાથ ઠાકુરના શિષ્ય. એક સંગીતનાં જલસા માં “મારી આંખે કંકુ ના સુરજ આથમ્યા” પંડિતજીએ રાગ પટદીપ માં ગાયું છે.
રાવજી પટેલના આ નીવડેલા કાવ્યને એક લોક ગાયકનું ગળું મળે…શ્રી અરવિંદ બારોટના કંઠે..
જીવતર ના છેલ્લા શ્વાસે જીવનમૂલ્ય ની કવિતા : શ્રી ચક્ષુદાન ગઢવી
“કાશીનો દીકરો”: શ્રીમતી વિનોદીનીબેન નિલકંઠની ટૂંકી વાર્તા “દરિયાઈ દિલ” પર આધારિત આ ફિલ્મ ની પટકથા શ્રી પ્રબોધ જોશી એ લખેલી.અને શ્રી કાંતિ મડિયાનાં ડાયરેક્શનમાં સાલ ૧૯૭૯ માં બનેલી. એક મહત્વ જમા પાસું ફિલ્મનું હતું તે તેનું યાદગાર સંગીત.
સંગીત નિર્દેશક હતા શ્રી ક્ષેમુભાઇ દિવેટિયા, તેમણે કવિ બાલમુકુન્દ દવે, અનિલ જોશી. માધવ રામાનુજ, રમેશ પારેખ અને રાવજી પટેલ લખેલા ગીતો સ્વરબદ્ધ કરી `કૌમુદી મુનશી, હર્ષિદા રાવળ, વિભા દેસાઈ, જનાર્દન રાવળ અને રાસબિહારી દેસાઈ પાસે ગવડાવ્યાં હતાં. શ્રી ક્ષેમુભાઈને શ્રેષ્ટ સંગીતકાર નો એવોર્ડ આ ફિલ્મ માટે મળેલો.
ફિલ્મ કાશીનો દીકરો”, કવિ રાવજી પટેલ ની રચના “મારી આંખે કંકુના સૂરજ આથમ્યા” રાસબિહારી દેસાઈ ના સ્વરમાં સાંભળો:
રાવજી પટેલનાં આ ગીતને ‘૯૦નાં દાયકામાં જીવનદાન મળ્યું. સંગીતકાર શ્રી અજિત શેઠ દ્વારા. તે સમયે સ્ટિરિયો અને LP નો જમાનો હતો. ગુજરાતી કવિઓ ની આઠ ચુનંદી રચાનાઓ ને તે સમયના ખ્યાતનામ ગાયકોના કંઠે સ્વરબદ્ધ કરી, ખ્યાતમાન ઉદબોધક શ્રી હરીશ ભીમાણીના અવાજમાં દરેક ગીત પહેલાં કવિ અને ગીત પરિચય ધ્વનિત કર્યો. સાથે દ્રશ્ય-શ્રાવ્ય રજૂઆત તૈયાર કરી ગુજરાતમાં ઘણાં શહેરોમાં તેના કાર્યક્રમો ગોઠવેલા. આવો એક કાર્યક્રમ ભાવનગરમાં મહિલા કોલેજના પ્રાંગણ માં પણ યોજાયેલો.
અજિતભાઈએ આ ગીત ગાયક શ્રી ભુપેન્દ્ર સિંહના કંઠે સ્વરબદ્ધ કરેલું.
હવે સાંભળીયે કવિ, કેળવણીકાર, નાટ્યકાર, પ્રેરક વક્તા,લેખક એવી બહુમુખી પ્રતિભા ધરાવતા ડો. નિષાદ ઓઝા અહીં તેમના આ પ્રિય કાવ્ય વિશે શું કહે છે:
ગુજરાત લિટરરી અકાદમી દ્વારા ન્યુ જર્સી માં આયોજિત એક સમારંભમાં શ્રી સોલી કાપડિયા
પ્રસિધ્ધ ગાયક શ્રી સૌરભ મહેતા:
ગુજરાતી ફિલ્મ નાં જાણીતા સંગીતકાર અને ગાયક શ્રી અમન લખડીઆ
અમદાવાદ નિવાસી જાણીતા ગાયક શ્રી પંકજ પાઠક, સાથે શૈલેષ ઠાકર નું વાદ્યવૃન્દ

શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.
રાવજી પટેલની એક ભાવવાહી અને હૃદયસ્પર્શી કવિતા ને જુદી જુદી બંદિશો ને શસોધન કરી રજૂ કરવા માટે શ્રી નીતિન ભાઈનો આભાર.
સાથેજ શ્રી રઘુવીર ચૌધરીનો અનુરૂપ લેખ, કાવ્યને સમજવાને અને મણવા પ્રેરે છે.