(૧૦૭) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૫૩ (આંશિક ભાગ –૨)

બહુત સહી ગ઼મ-એ-ગીતી શરાબ કમ ક્યા હૈ

(શેર ૪ થી ૫)

– મિર્ઝા ગ઼ાલિબ

વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

કટે તો શબ કહેં કાટે તો સાઁપ કહલાવે
કોઈ બતાઓ કિ  વો જ઼ુલ્ફ઼-એ-ખ઼મ-બ-ખ઼મ ક્યા હૈ (૪)

[શબ= રાત્રિ; સાઁપ= સાપ; ખ઼મ= વાંકાપણું; ઝુકાવ; જ઼ુલ્ફ઼-એ-ખ઼મ-બ-ખ઼મ= વાંકડિયા બાલ]

ગ઼ાલિબનો આ શેર પ્રથમ દૃષ્ટિએ ઉખાણા કે કોયડા જેવો લાગશે, પણ  વાસ્તવમાં એમ નથી; જેની પ્રતીતિ આપણને બીજા મિસરાથી થશે. ઉખાણામાં ચાવીરૂપ વર્ણન દ્વારા જે તે પદાર્થ કે વસ્તુ કઈ હશે તે પૂછવામાં આવતું હોય છે, જ્યારે અહીં બીજા મિસરામાંની હકીકત પહેલા મિસરાની બે બાબતો પૈકીની કઈ સમજવી તે  માશૂક દ્વારા ભાવકને  પૂછવામાં આવ્યું છે. વળી ગ઼ાલિબની પોતાના ઘણા શેરમાં ‘કોઈ બતાઓ’ કે ‘કોઈ બતલાઓ’ જેવા પ્રશ્નો મૂકવાની ખાસિયત છે.  મને યાદ આવે છે, આ  શેર : “પૂછતે હૈં વો કિ ‘ગ઼ાલિબ’ કૌન હૈ, કોઈ બતલાઓ કિ હમ બતલાએઁ ક્યા”

હવે આ શેરને સમજવા માટે આપણે બીજા મિસરાને પહેલો હાથ ધરવો પડશે. માશૂક પોતાની માશૂકાના વાંકડિયા બાલ એ શું છે, તેનો જવાબ મેળવવા માટે પહેલા મિસરામાં બે વિક્લ્પ આપી જ દે છે. વળી ‘વાંકડિયા બાલ’ એ તો માત્ર પ્રતીકાત્મક છે, પરંતુ એ દ્વારા વાત તો થઈ રહી છે માશૂકા પરત્વેની મહોબ્બતની. હવે આ મહોબ્બત કેવી હોઈ શકે, તેના માટેની બે શક્યતાઓ છે;  હકારાત્મક અને નકારાત્મક. હકારાત્મકમાં  માશૂકા માશૂકને એટલી જ ચાહે કે જેટલો માશૂક તેને ચાહે છે. નકારાત્મકમાં માશૂકનો એકતરફી જ ઇશ્ક હોય અને માશૂકા જરાય ભાવ ન આપે.

બીજા મિસરાની ઉપરોક્ત ચર્ચા પછી આપણે પહેલા મિસરા ઉપર આવીએ તે પહેલાં રાત્રિના મહત્ત્વને સમજી લઈએ. સામાન્ય રીતે રાત્રિને તો સુખાદાતા જ  તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ એ કોના માટે કે જેનું ચિત્ત શાંત હોય; ઉદ્વેગયુક્ત મનને એ રાત્રિ ગોઝારી જ લાગતી હોય છે. હવે આપણે બંને મિસરાને સાંકળીને સમજીએ તો માશૂક એમ કહેવા માગે  છે કે જો માશૂકા સાથેનો સંબંધ સુમેળભર્યો હોય તો રાત આસાનીથી ચિર નિદ્રામાં પસાર થઈ જાય છે. અહીં ‘કટે’ એટલે ‘રાત્રિનું પસાર થઈ જવું’, જેનો અભિપ્રેત અર્થ તો એ જ છે કે રાત્રિ એ રીતે સુખચેનથી પસાર થઈ જાય, તો જ તેને રાત્રિ કહેવાય. હવે આ મિસરાના ઉત્તરાર્ધને આપણે સમજીએ તો એ જ રાત્રિ માશૂકા તરફની અવહેલના હોય તેવા સંજોગોમાં સાપની જેમ ડંખ દેતી હોય છે અને કરવટો બદલવામાં જ તે પસાર થતી હોય છે. આમ માશૂકાના વાંકડિયા બાલની ખૂબસૂરતીને માશૂકે સુખચેનથી પસાર થતી રાત્રિ સમજવી કે પછી એ જ રાતને  ડંખીલા સાપ સમાન ગણવી તેવી મૂંઝવણનો ઉત્તર ‘કોઈ’ પાસેથી અપેક્ષિત છે. ગ઼ાલિબની ‘કટે’ અને ‘કાટે’ની શબ્દરમત વળી પાછી આ શેરમાં જોવા મળે છે. ઉપર પહેલા ફકરામાંના મક્તા  શેરવાળી એ જ ગ઼ઝલનો અન્ય એક શેર જોઈએ : લાગ હો તો ઉસ કો હમ સમઝેં લગાવ, જબ ન હો કુછ ભી તો ધોકા ખાએઁ ક્યા’ આમાં પણ આપણા માટે ‘લાગ’ અને ‘લગાવ’ની શબ્દપ્રયોજના આનંદપ્રદ બની રહે છે.

* * *

લિખા કરે કોઈ અહકામ-એ-તાલા-એ-મૌલૂદ
કિસે ખ઼બર હૈ કિ વાઁ જુમ્બિશ-એ-ક઼લમ ક્યા હૈ (૫)

[અહકામ=આજ્ઞાઓ; હુકમો, નિયમો ફરજપાલન; તાલા= તાળું, (અહીં) પાબંધી, મનાઈ; મૌલૂદ= જન્મેલું બાળક; અહકામ-એ-તાલા-એ-મૌલૂદ= કોઈ શુકનવંતી પળે જન્મેલા બાળક માટેની પાબંધી; જુમ્બિશ-એ-ક઼લમ= કલમનું કંપવું કે તેની હલચલ]

હું અગાઉ કહી ચૂક્યો છું કે ગ઼ાલિબ માત્ર ઇશ્ક-મહોબ્બતના શાયર નથી, પરંતુ તેમની કલમ માનવજીવનનાં વિવિધ પાસાંઓને પણ ખેડી ચૂકી છે. અહીં આ ગ઼ઝલમાં ગ઼ાલિબે બાળમાનસને તેમની અજીબોગરીબ કલ્પના વડે એવી રીતે આપણી સમક્ષ ધર્યું છે કે આપણે તેમના ઉપર વારી જઈએ. અહીં એવા બાળકની વાત કરવામાં આવી છે કે તે ધન્ય એવી કોઈ પળે જન્મ્યું છે અને તેનાં વાલદૈન (માતાપિતા) તેને શુકનવંતુ સમજીને તેની સલામતી અને આરોગ્ય માટેના કેટલાક નીતિનિયમો દ્વારા તેના ઉપર કોઈ  પાબંધીઓ લાદે છે. હવે અહીં આપણે એ વિચારી શકીએ કે એ શુકનવંતા બાળકને  પોતાને  તો કોઈ એવી કોઈ ખબર ન હોય  કે તે શુકનવંતુ છે અને તેને કોઈ હાનિ ન પહોંચે એટલા માટે તેના ઉપર નિયમન લાદવામાં આવી રહ્યું છે. એને તો બસ  મોકળી રીતે ધિંગામસ્તી કે તોફાનો કરવાં છે, દોડધામ કે કૂદાકૂદ  કરવી છે અને બાલસહજ આનંદ લૂટવો છે.

હવે બીજા મિસરામાં સજીવારોપણ અલંકારમાં ગ઼ાલિબે પેલી કલમ કે જે પેલા બાળકની સ્વતંત્રતાને નિયમનમાં રાખવા માટેના જે નીતિનિયમો લખે છે તેને કંપતી કલ્પી છે. પેલા નિર્દોષ બાળક માટેના સખ્તાઈના હૂકમો લખતી એ કલમ પણ ધ્રૂજી ઊઠે છે એ વિચારીને કે આ તો એ બાળક ઉપર જૂલ્મ થઈ રહ્યો છે. આમ એક તરફ જીવંત એવાં એ બાળકનાં વાલદૈન કે અન્ય કોઈ છે, તો બીજી તરફ અચેતન એવી એ કલમ છે. આ બંને પૈકી શાયરે અચેતન એવી કલમને વધારે સંવેદનશીલ બતાવી છે. આવી કલ્પનાઓ કરવી એ શાયરો કે કવિઓને મળેલા વિશિષ્ટ અધિકારો છે. તેઓ જડને ચેતન અને ચેતનને જડ પણ બનાવી શકે છે. અહીં આપણે ગુજરાતી કવિ નિરંજન ભગતના કાવ્ય ‘પથ્થર થરથર ધ્રૂજે’ને યાદ કરી શકીએ.

                                                                                    (ક્રમશ: ભાગ-૩)

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

* * *

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577

 

નેટજગતનું સરનામુઃ

William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) ||  વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો | | હળવા મિજાજે    

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.