નદી ગંધાય છે, નદી સુકાય છે, નદી મરે છે

નિસબત

ચંદુ મહેરિયા

તાજેતરના એક જ દિવસના અખબારના પાને લગભગ બાજુબાજુમાં પ્રગટ થયેલા બે સમાચાર : ગુજરાત હાઈકોર્ટે અમદાવાદંની સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે કરેલી સુઓમોટો પીઆઈએલમાં અમદાવાદ  મહાનગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે વિગતવાર અહેવાલ માંગ્યો છે. અને સાબરમતી રિવરફ્રન્ટ પરથી કાર ડ્રાઈવ કરતી વખતે પાણીથી ભરેલી નદીનું સોંદર્ય માણી શકાય તેવું સરકારી આયોજન અમલના તબક્કે છે. એક જ શહેરની નદી વિશેના આ બે સમાચાર શાસન અને લોકોનું નદી વિશેનું વલણ આબાદ રીતે છતું કરે છે.

લોકમાતા કે જીવનદાયી ગણાતી નદીઓને માનવીએ તેના સ્વાર્થવશ ગટરગંગા બનાવી દીધી છે. નદીઓમાં પ્રદૂષણ એ હદે ફેલાયું છે કે તેનું પાણી પીવાના તો ઠીક નહાવાના પણ કામનું રહ્યું નથી. શહેરોની ગટરોનું પાણી, માનવ મળ સહિતનો કચરો, ઉધ્યોગોનું કેમિકલયુક્ત પાણી, ખેતરોનું રાસાયણિક ખાતરો અને જંતુનાશકો મિશ્રિત માટીનું વરસાદી પાણી , ધાર્મિક આસ્થાના નામે નદીઓમાં વિસર્જિત કરાતી પ્રતિમાઓ અને માનવીના મૃતદેહ કે તેના અવશેષો વહાવીને નદીઓના નિર્મળ નીરને પ્રદૂષિત કરવામાં આવ્યું છે.

૨૦૧૫માં દેશના ૩૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૨૭૫ નદીઓના ૩૦૨ પ્રવાહો પ્રદૂષિત માલુમ પડ્યા હતા. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે ૨૦૧૮માં ૩૫૦  નદીઓને પ્રદૂષિત ઘોષિત કરી હતી. મહારાષ્ટ્રની નદીઓ દેશમાં સૌથી પ્રદૂષિત છે. દેશની પ્રદૂષિત નદીઓમાં ગુજરાતની નદીઓ પાંચમા ક્રમે છે. મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત અસમ, મધ્યપ્રદેશ, ઓડિસા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને કેરળની નદીઓ પણ સૌથી વધુ પ્રદૂષિત છે. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાંથી પસાર થતી ગંગાના શુધ્ધિકરણના પ્રયત્નો એકાદ દાયકાથી ચાલતા હોવા છતાં ગંગા હજુય ગંદી ગોબરી જ છે. પવિત્ર ગણાતું ગંગાજળ હવે પવિત્ર તો નથી જ રહ્યું ચોખ્ખું પણ નથી. ચોમાસા પછીના તરતના દિવસોમાં પણ ગંગાનું પાણી નહાવાલાયક નહોતું જણાયું. કોરોના મહામારીના તાળાબંધીના દિવસોમાં દેશના અનેક ઠેકાણે પ્રદૂષણ ઘટ્યું હતું પણ ગંગા-જમનાનું જળ પ્રદૂષણ યથાવત હતું.

નદીઓના પાણીને દૂષિત કરવામાં અનિયંત્રિત અને અનિયોજિત ઔધ્યોગિકરણનો મોટો ફાળો છે.યુનાઈટેડ કિંગડમની યૉર્ક યુનિવર્સિટીએ ભારતના બે સહિત દુનિયાના ૧૦૪ દેશોના ૨૫૮  શહેરો નજીકની નદીઓની ૧૦૫૨ સાઈટ્સના નમૂના એકત્ર કરીને આ નદીઓના પાણીમાં દવાના અંશો શોધ્યા હતા. સંશોધકોને નદીઓના પાણીમાં ઉત્તેજક દવાઓ સહિતની અનેક દવાઓના અંશો જોવા મળ્યા હતા. આ સંશોધનમાં દિલ્હીની યમુના અને હૈદરાબાદની કૃષ્ણા તથા મુસી નદીઓના નમૂના એકત્ર કર્યા હતા.ભારતનો દવા ઉધ્યોગ વિશ્વમાં અગ્ર હરોળમાં ગણાય છે. ફાર્માસ્યુટિકલ ઈન્ડ્રસ્ટ્રીઝને લીધે નદીઓના જળ પ્રદૂષણનો ખતરો સમયસર ઉકેલ માંગે છે.

પ્લાસ્ટિકનો પ્રદૂષણના પ્રસારમાં પ્રમુખ હિસ્સો છે.પાંચ સેકન્ડમાં ઉત્પન્ન કરી શકાતા માઈક્રો કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ભલે પાંચ જ મિનિટનો હોય તેને નાશ પામતા પાંચસો વર્ષ લાગે છે.! ૫૦૦ એમ.એમ ની ઈલેકટ્રોનિક ટેગવાળી પ્લાસ્ટિકની બોટલોને ભારતના સમુદ્રમાં ફેંકી દીધા પછી તેના પ્રવાસની તપાસ કરતાં જણાયું કે તે ૯૪ દિવસો પછી ૨૮૫૪ કિલોમીટરનો પ્રવાસ કરીને હેમખેમ હતી. માઈક્રો પ્લાસ્ટિક દરિયામાં પહોંચતા પૂર્વે નદીઓના તળિયે સાત વરસ રહી શકે છે. તેના પરથી તે કેટલું ખતરનાક પ્રદૂષણ જન્માવી શકે છે તેનો થોડો અંદાજ મળે છે. ભારતની ૧૧૬૯ નદીઓ મારફતે વાર્ષિક ૧,૨૬,૫૧૩ મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરો દરિયામાં પહોંચે છે. દુનિયાની મુખ્ય નદીઓમાં ૧૪,૦૪,૨૦૦ ટન પ્લાસ્ટિક કચરો હોવાનો અંદાજ છે. ચીનની યાંગત્જે નદીમાં વિશ્વમાં સૌથી વધુ (૩,૩૩,૦૦૦ ટન) પ્લાસ્ટિક કચરો છે તે પછીના ક્રમે ભારતની ગંગામૈયા છે.જેમાં ૧,૧૫,૦૦૦ ટન પ્લાસ્ટિક કચરો જમા છે.

નદીની પ્રકૃતિ તો અવિરત અને અવિરલ વહેતા જળની છે.પરંતુ મુક્ત રીતે વહેતી,સાફ-ચોખ્ખું પાણી ધરાવતી નદીઓ દુનિયામાં માત્ર ૧૭ ટકા જ બચી છે અને તેનું કારણ તે સંરક્ષિત વિસ્તારમાં આવેલી હોવાનું છે. ૬૪૦ લાખ કિલોમીટરની નદીઓ કે તેના પ્રવાહમાંથી ૬૦ ટકાએ સમયાંતરે વહેવાનું બંધ કરી દીધું છે. છેલ્લા ચાળીસ વરસોમાં નદીઓના જળ પ્રવાહમાં ત્રણ ટકાનો અને છેલ્લા દાયકામાં દસ ટકાનો ઘટાડો થયો છે. લોકસભા પ્રશ્નના જવાબમાં જણાવાયું હતું કે ૨૦૧૧માં દેશમાં પ્રતિવ્યક્તિ સરેરાશ વાર્ષિક પાણીની ઉપલબ્ધતા જે ૧૫૪૫ ક્યુબિક મીટર આંકવામાં આવી હતી. તેમાં ૨૦૨૧માં ૧૪૮૬ ઘનમીટર ઘટવાની સંભાવના છે. વળી નદીઓના પાણીને આંતરીને ડેમ બાંધવામાં આવ્યા છે એટલે નદીઓ સુકાઈ રહી છે. ગંગા નદી પર નાનામોટા ૭૯૫ બંધો છે તેને કારણે ગંગાનો સ્વાભાવિક પ્રવાહ ક્ષીણ થયો છે. ઉનાળાના આરંભે જ ઠેકઠેકાણે ગંગામાં ઘૂંટસસમું પાણી પણ નથી હોતું. બારમાસી નદીઓ જાણે કે બચી જ નથી. આ ઉનાળે ગુજરાતના ૨૦૭માંથી મોટાભાગના બંધો અડધોઅડધ ખાલી છે. એટલે નદીઓ સુકાઈ રહી છે અને બંધો ખાલી પડ્યા છે.

નદીઓમાં વધતા જળ પ્રદૂષણથી ભૂગર્ભ જળ પણ દૂષિત થયા છે. દેશની એંસી ટકા ગ્રામીણ અને પચાસ ટકા શહેરી વસ્તી ભૂગર્ભ જળ પર આધારિત છે. નદીનું પાણી શુધ્ધ કરવું જેટલું આસાન  છે તેટલું ભૂગર્ભ જળ નથી. પાંચ નદીઓના પ્રદેશ પંજાબમાં પીવાનું પાણી હવે ઝેરી થઈ ગયું છે. પંજાબના કેટલાક વિસ્તારોમાં કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે તેમાં દૂષિત પાણી પણ મોટું કારણ છે. આર્સેનિકયુક્ત પાણીની દેશના પાંચ કરોડ લોકો પર અસર થઈ છે  અને ત્રીસ વરસોમાં દસ લાખ લોકોના મરણ થયા છે. પરંતુ પ્રદૂષિત પાણી ચૂંટણી મુદ્દો બનતો નથી.

સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલ મુજબ વિશ્વમાં શુધ્ધ પીવાનું પાણી ન મળતું હોય તેવા લોકો સૌથી વધુ ભારતમાંછે. ભારતના ૧૨ કરોડ ઘરોને આજે ય પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી.પીવાના શુધ્ધ પાણીને સર્વોચ્ચ અદાલતે નાગરિકનો મૂળભૂત અધિકાર ગણ્યો છે અદાલતોએ નદી સહિતની પ્રકૃતિને જીવિત વ્યક્તિનો દરજ્જો આપ્યો છે. પરંતુ સરકારની રહેમ નજર અને લોકજાગ્રતિના અભાવે ફેલાતા જળ પ્રદૂષણથી જીવનદાયી નદી જીવન હણનાર બની રહી છે.

ગંગા કાંઠાના રાજ્યોના ગામોને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરવાની જાણે કે સ્પર્ધા ચાલે છે.પરંતુ માત્ર ઘેરઘેર સંડાસ તાણી બાંધવાથી ગંગા શુધ્ધ થઈ જવાની નથી. ગટરના પાણી કરતાં મળ વધુ પ્રદૂષક હોવા છતાં મળના નિકાલની કોઈ ઠોસ યોજના ઘડાતી નથી. ખાળકૂવા સાથેના જાજરૂ કે ટ્વિન પિટ શૌચાલયોના મળના નિકાલની બાબત ગંભીરતાથી વિચારી ન હોઈ ઘરેઘરે શૌચાલય ખાલી નારો જ બની રહ્યો છે.

૨૦૧૧ થી ૨૦૧૮ દરમિયાન ગંભીર જળ પ્રદૂષણ ફેલાવતા ઉધ્યોગોમાં ૧૩૫ ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં ૭૮ ટકા ઉધ્યોગો પ્રદૂષણ ફેલાવે છે. દિલ્હીના ૨૮૧૧૫ કારખાના યમુનામાં ૩.૫ કરોડ લીટર ગંદુ પાણી છોડે છે. આ ઉધ્યોગો પ્રદૂષણ નિયંત્રણના કોઈ કાયદા-કાનૂન પાળતા નથી અને ભ્રષ્ટતંત્ર અમલ કરાવતું નથી. તેથી પણ સમસ્યા વકરી છે. ઉધ્યોગો કે શહેરી શાસન તંત્ર પાસે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોતા નથી કે તેમની ક્ષમતા ખૂબ ઓછી હોય છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કબૂલે છે કે ભારતમાં માત્ર ૩૭ ટકા જ ગંદા પાણીનું યોગ્ય પધ્ધતિથી શુધ્ધિકરણ થાય છે. એટલે ગંદા પાણી અને કચરાના નિકાલ અને શુધ્ધિકરણની યોજના પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત ન થાય ત્યાં સુધી નદીઓનું પ્રદૂષણ ઘટાડી શકાશે નહીં.

લખનૌની ગોમતી કે અમદાવાદની સાબરમતી નદીના શહેરી કાંઠાને મજબૂત દીવાલથી બાંધીને નદી કિનારા વિકાસ યોજના બનાવીને ન તો શહેરને રૂપાળુ બનાવી શકાશે કે ન તો નદીને બચાવી શકાશે. નદીઓના સૌંદર્યીકરણના ખોટા ખ્યાલોમાંથી બહાર આવી નદીઓને પ્રદૂષિત થતી બચાવવાની છે. નમામિ ગંગે પ્રોજેકટની સરકારી ગંગા પ્રહરી યોજના કે નદીની આરતીથી નહીં લોકભાગીદારીયુક્ત સાચી જન જાગ્રતિથી ઉભા કરાતા જળ આંદોલનથી જ આ શક્ય બનશે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

2 thoughts on “નદી ગંધાય છે, નદી સુકાય છે, નદી મરે છે

  1. Other major reason this article missed out is of pollution by Butcheries and animal skin industries!

Leave a Reply

Your email address will not be published.