શાણો સમાજ – એરિક ફ્રોમ : આપણે કેટલા શાણા? :: કેટલાક અન્ય ઇલાજો

સમાજ દર્શનનો વિવેક

કિશોરચંદ્ર ઠાકર

લેખકે બતાવેલા સમાજને સ્વસ્થ બનાવવા માટેના કેટલાક ઇલાજોના ક્રમમાં  આપણે રાજકીય અને સાંસ્કૃતિક પરિવર્તન સ્વરૂપે ઇલાજોની વાત આ પ્રકરણમાં કરીશું.

એક વાત પર લેખક  સતત ભાર મૂકે છે કે સમાજની માનસિક અસ્વસ્થતાનાં મૂળ વ્યક્તિની પરાયાપણાની લાગણીમાં છે અને આપણું આજનું લોકશાહીનું માળખું તો પરાયાપણાની લાગણીને વેગ આપે તેવું છે. એવું માની લેવામાં આવ્યું છે કે મત આપનાર દરેક વ્યક્તિની ચોક્કસ માન્યતા અને ઈચ્છાશક્તિ હોય છે. પરંતુ આ ધારણા તો મૂળથી જ ભૂલભરેલી છે. જાહેરખબરો અને પ્રચારનાં શક્તિશાળી સાધનો જેમના હાથમાં છે તેમના દ્વારા તેમની મરજી મુજબ માણસની રુચિ, તેના ગમાઅણગમાઓ, પૂર્વગ્રહો તથા અભિપ્રાયોને મનગમતો ઘાટ આપવામાં આવે છે. પરિણામે તેની પોતાની આગવી માન્યતાઓ કે ઇચ્છાશક્તિ જેવું કશું રહેતું નથી.

લોકશાહીમાં નિર્ણય કરવાની સત્તા બહુમતીના આધારે આપવા પાછળ માત્ર એવી  ધારણા જ છે કે બહુમતીનો અભિપ્રાય સાચો જ  હોય. અગાઉ આપણે જોયું કે અભિપ્રાય તો પ્રચારનાં સાધનો દ્વારા ઘડવામાં આવે છે જેમાં લોકોની સાચી ઇચ્છાશક્તિનું પ્રતિબિંબ પડતું નથી. એ સિવાય પણ બહુમતીનો નિર્ણય લઘુમતી પર ઠોકી બેસાડવો એ યોગ્ય તો નથી જ. ઇતિહાસમાં તો રાજકારણ, તત્વજ્ઞાન, ધર્મ કે વિજ્ઞાનમાં લઘુમતીના વિચારો જ સાચા ઠર્યા છે.

લગભગ બધા જ દેશોની સંસદનાં મતદારમંડળોમાં લાખોની સંખ્યામાં મતદારો  હોય છે. આથી નાગરિકો એકબીજાની સમસ્યાઓથી વાકેફ નથી હોતા. વળી દેશ અને સમાજની હકીકતોથી પણ મોટાભાગના મતદારો અવગત હોતા નથી. જો વાસ્તવિક પરિસ્થિતિનો  ખ્યાલ જ ન હોય તો સાચો નિર્ણય સંભવી જ ના શકે. આથી લેખક જેમાં પાંચસો થી વધારે સભ્યો ના હોય એવાં ગ્રામસભા જેવા નાનાં નાનાં મંડળોનું સૂચન કરે છે. દરેક મંડળમાં મોઢામોઢ, મુકતપણે અને વિસ્તૃત ચર્ચાઓ થવી  જોઈએ, જેથી દેશ અને દુનિયાના બનાવોની માહિતીની આપલે થવા ઉપરાંત તેના પ્રત્યેના ભિન્ન ભિન્ન  દૃષ્ટિકોણો પણ જાણવા મળે. પરિણામે માણસ આજની જેમ ગમાર નહીં રહેતા જાગૃત નાગરિક બની શકે, વળી આ પ્રકારની ચર્ચાને અંતે લેવાયેલા નિર્ણયોની અસર પાર્લામે‌ન્ટ પર થવાની સંભાવના પણ છે.

વાચકમિત્રોને લાગશે કે અહીં પણ ઉદ્યોગોની જેમ વિકે‌ન્દ્રીકરણ અને કે‌ન્દ્રીકરણનો મેળ બેસાડવાની વાત થઈ. વાત સાચી જ છે. જો આ સૂચનનો યોગ્ય અમલ કરવામાં આવશે તો આજે નિર્ણય લેવાની પ્રક્રિયા ઉપરથી નીચે છે તેને બદલે નીચેથી ઉપરની થતા લોકોની ઇચ્છા અને આકાંક્ષા પ્રમાણેના નિર્ણયની શક્યતા વધી જાય છે. લોકશાહી દેશોની સંસદોની આમસભા(આપણા દેશમાં લોકસભા) તો કહેવા ખાતર જ આમસભા હોય છે. કારણ કે આમસભાઓમાં લોકોની ઈચ્છા અને આકાંક્ષાનો પડઘો પડતો નથી. પરંતુ આ નાનાં મંડળો તો ચોક્કસપણે લોકોની ઇચ્છાનો પડઘો પાડતા હોઈ સાચી આમસભાઓ બનશે. આપણો ગ્રામસ્વરાજ્યનો ખ્યાલ કદાચ આ પ્રકારનો જ છે.

આ પ્રમાણેનાં રાજકીય પરિવર્તન ઉપરાંત  લેખક સાંસ્કૃતિક પરિવર્તનને પણ આવશ્યક માને છે. સાંસ્કૃતિક પ્રવૃતિઓનું ધ્યેય માત્ર મનોરંજનનું જ નથી, તેનાથી માનવીના  ચૈતસિક વિકાસની  સાથે  તેનું પોતાના આત્મા સાથે જોડાણ થવું જરૂરી છે. આપણા આધ્યાત્મિક ધ્યેયો પણ આ પ્રકારના જ  છે. આથી જ દુનિયાની જુદી જુદી પ્રજાની સાંસ્કૃતિક ઓળખ તેના ધર્મનાં મૂળ તત્વોને આધારે થતી હોય છે. માનવજાતના મહાન ધર્મગુરૂઓએ આધ્યાત્મિક ધ્યેયોને શાણાં જીવનના આદર્શો તરીકે રજૂ કરી જ દીધા છે. ક્યારેક આપણને તેમનાં મંતવ્યોમાં ભિન્નતા કે  વિરોધાભાસ જે દેખાય છે તે તો  વિવિધ દેશકાળને કારણે અને તે પણ માત્ર તેનાં બાહ્યસ્વરૂપમાં જ હોય  છે. અનુયાયીઓએ તો આ બાહ્યસ્વરૂપોને જ મૂળ ધર્મ માની લીધા અને ભેદભાવો ઊભા કર્યા. આધ્યાત્મના મૂળ ઉપાસકોએ પ્રતિપાદિત કરેલાં સત્યને ભોંમા દાટીને તેના ઉપર જેમણે ધાર્મિકસ્થાનો, સંસ્થાનાં માળખાઓ અને  રાજકીય સંગઠ્ઠનો રચ્યા છે તેમણે તો દાટ જ વાળ્યો છે. પરંતુ હકીકત તો એ છે કે માણસ જ્યારથી પશુજીવનથી જુદો પડ્યો ત્યારથી તેના મૂળ આદર્શો અને વિચારો એકસરખા જ છે. નવાઈ લાગે છે કે સેંકડો વર્ષ પહેલા જ્યારે પરસ્પર સંપર્કોનાં સાધનો ન હતા ત્યારે પણ એકમેકથી હજારો માઈલો દૂર હોવા છતાં જુદા જુદા ચિંતકોએ કે ધર્મગુરૂઓએ એક સરખા આદર્શો કઈ રીતે રજૂ કર્યા હશે? આનો જવાબ એક જ હોઈ શકે કે જેમ સ્થળકાળના ભેદ વિના વિજ્ઞાનનાં સત્યો એક સરખા હોય છે, તેમ માનવજીવનના સત્યો પણ આખરે એક સરખા જ હોય છે.

લગભગ તમામ ધર્મો માણસને તેના આત્મા સાથે જોડાયેલા રહીને તેના માનવબંધુઓ સાથે જોડાવાની વાત જુદી જુદી રીતે કરતા હોય છે. આ ધ્યેય કોઈપણ જાતના સભાન પ્રયત્ન વિના આપણે અપણી સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા હાંસલ કરી શકીએ તેમ છીએ. દેશદેશનાં લોકમેળાઓ, લોકનૃત્યો કે સમૂહમાં ગવાતાં લોકગીતો  જેને આપણે સામૂહિક કળાઓ કહીએ છીએ તે બીજું કશું નથી પણ જગત પ્રત્યે કળામય અને સર્જનાત્મક રીતે સક્રિય થઈને પરસ્પર સહકારની ભાવનાથી આંદોલિત થવું એ જ છે.

આપણી આજની  સાંસ્કૃતિક પ્રવૃતિઓ આ માટે ઉપયોગી પુરવાર થઈ નથી.  આપણાં સીનેમા, નાટકો, સંગીતના જલસાઓ વગેરેમાં થોડાક વ્યવસાયી કલાકારો કામ કરે છે અને બાકીના માત્ર પ્રેક્ષકો કે શ્રોતાઓ હોય છે. ક્રિકેટ, ફૂટબોલ સહિત મોટાભાગની રમતગમતોમાં પણ વ્યવસાયનું તત્વ પેસી ગયું છે. પ્રેક્ષકોને કે શ્રોતાઓને મનોરંજન મળતું હશે. પરંતુ પોતે સક્રિય ભાગ લીધા વિનાનું મનોરંજન તો થોડા સમયમાં ગાયબ થઈ જાય છે. આપણી જાત સાથે તો ત્યારે જ જોડાઈ શકીએ જ્યારે આપણે તેમાં સક્રિય ભાગ લઈએ. આપણા ધાર્મિક ઉત્સવોમાં પણ શોરબકોરથી વિશેષ કશું દેખાતું નથી. રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી એ તો માત્ર કર્મકાંડ જ હોય છે.

લેખક સૂચવે છે કે  ઉદ્યોગ કે કામનાં સ્થળે, શાળામાં, ગામમાં તેમ જ અગાઉ જેની વાત કરી તેવા મંડળો સુદ્ધામાં એવા  કલાકે‌ન્દ્રો સ્થાપવા જોઈએ જેમાં દરેકને પોતાની કળાની અભિવ્યક્તિ કરવાની તક મળે અને લોકો સામૂહિક રીતે સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં ભાગ લઈ શકે. જૂના વખતમાં ગામોગામ ભજન મંડળીઓનું સ્વરૂપ કાંઇક આવું જ હતું

સાંસ્કૃતિક પ્રવૃતિઓના માર્ગદર્શક આદર્શો અને સિદ્ધાંતો લોકજીવનમાં ઉતારવાની જવાબદારી શિક્ષણની છે. વળી શિક્ષણ પોતે જ એક સાંસ્કૃતિક પ્રવૃતિ છે. આજનાં આપણાં શિક્ષણમાં સૈદ્ધાંતિક અને વ્યવહારુ જ્ઞાન વચ્ચે મોટી ખાઈ પડેલી છે. આ ખાઈ દૂર કરવા સૈદ્ધાંતિક શિક્ષણ અને વ્યવહારુ કામનો સમ‌ન્વય સાધીને ધરમૂળથી ફેરફાર કરવો રહ્યો. *લેખક સૂચવે છે કે ગ્રેજ્યુએટ થતા પહેલા દરેકે દરેક વિદ્યાર્થીએ કોઈપણ હસ્ત-ઉદ્યોગ અર્થપૂર્ણ રીતે શીખી લેવો જોઈએ. જ્યાં સુધી વિદ્યાર્થી આપણા ઉદ્યોગની મૂળભૂત ટેક્નીકલ પ્રક્રિયા બરાબર સમજતો ના થાય ત્યાં સુધી તેનું શિક્ષણ અધૂરું લેખાવું જોઈએ. આલ્વિન  જોંન્સન (અમેરિકન અર્થશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી ૧૮૭૪થી ૧૯૭૧)ને ટાંકીને શિક્ષણની વય અંગે આપણને આશ્ચર્ય થાય એવો મત વ્યક્ત કરતા લેખક જણાવે છે કે લેખન, વાચન, ગણિત, તેમ જ ભાષાઓનાં શિક્ષણ માટે બાળકની ૬ થી ૧૮ વર્ષ સુધીની ઉંમર ભલે સર્વોત્તમ ગણીએ પરંતુ  ઈતિહાસ, તત્વજ્ઞાન, ધર્મ, સાહિત્ય, માનસશાસ્ત્ર વગેરે શીખવા માટે જીવનનો અનુભવ જરૂરી હોવાથી આ ઉંમર કાચી ગણાય. આ વિષયો શીખવા માટે શાળા-કોલેજની ઉંમર નહિ પરંતુ ૪૦ વર્ષની ઉંમર જ યોગ્ય ગણાય!

ફરી પાછા આપણે ધર્મની ચર્ચા તરફ વળીએ. મોટાભાગના ધર્મોએ માનવગૌરવ, બંધુત્વ, ન્યાયબુદ્ધિ વગેરેની વાત કરવા ઉપરાંત ભૌતિકજીવન ઉપર  આધ્યાત્મિક જીવનની સર્વોપરિતાને જ વધારે મહત્વ આપ્યું છે. આ બધા જ નૈતિક આદર્શોને તેમણે ઈશ્વર વિષેની કલ્પનાઓ સાથે જોડી દીધાં. જેમને આપણે નાસ્તિક કહીએ છીએ તેમને પણ આ નૈતિક મૂલ્યોનું મહત્વ તો છે જ. તેમનો વાંધો ઈશ્વરની કલ્પના સામે છે. ધર્મે પ્રબોધેલા  નૈતિક મૂલ્યો બાબતે આજે  લગભગ તમામ ધર્મના અનુયાયીઓમાં અધ:પતન જોવા મળ્યું છે. નાસ્તિકોએ ખરેખર કરવા જેવું કામ તો આ આદર્શોની પુન:સ્થાપના માટે જહેમત ઉઠાવવાનું છે. ઈશ્વરવાદીઓ અને નાસ્તિકોએ ઈશ્વરનાં અસ્તિત્વ અંગેની અર્થહીન અને અંતહીન ચર્ચામાં પડવાને બદલે નૈતિક મૂલ્યોની પુન:સ્થાપના માટે સહિયારો પ્રયાસ કરવો જોઈએ. જો આ લક્ષ્ય સાધવામાં તેઓ સફળ થશે તો ઈશ્વરની કલ્પનાનું ઝાઝું મહત્વ રહેશે નહિ. ઈશ્વરવાદીના ઈશ્વરને કોઈ પરેશાન નહિ કરે તથા નાસ્તિકો ઈશ્વરની કલ્પનાથી પરેશાન નહિ થાય. જો આ દિશામાં પ્રયાસ થાય તો  લેખક એવી આગાહી કરે છે કે ભવિષ્યમાં એક નવો વિશ્વવ્યાપી ધર્મ પાંગરશે જેમાં ઈશ્વરની માન્યતાને કોઈ સ્થાન જ નહિ હોય. વળી આ ધર્મ માનવજાતના વિકાસને અનુરૂપ તો હશે જ ઉપરાંત તેમાં બધા જ ધર્મોના માનવતાવાદી ઉપદેશોનો સમાવેશ પણ થયો હશે.

આ પ્રમાણે લેખકે બતાવેલા જુદા જુદા  ઉપાયોને  રામબાણ માનવાની જરૂર નથી. વળી ઉપાયો તો પછીની વાત છે, સૌ પ્રથમ આપણને સમજાવું જોઈએ કે આપણો સમાજ માનસિક રીતે સ્વસ્થ નથી. લેખકનો પ્રયાસ પણ આ દિશામાં જ છે. એક વાર આપણે બીમાર છીએ એમ સ્વીકારીશું તો ઉપાયો બાબતે વિચાર કરતા  થઈશું.

       ‘શાણો સમાજ’નુ આઠમું અને છેલ્લું પ્રકરણ સમાપ્ત કરતા કેટલીક સ્પષ્ટતા કરી લઉં. મૂળ પુસ્તક તો અંગ્રેજીમાં લખાયેલું છે પરંતુ મેં તેના પરિચય માટે આધાર  સ્વ. કાંતિભાઈએ કરેલા તેના અનુવાદનો લીધો છે. આ અનુવાદના આધારે જે વાત હું સમજ્યો છું તે બને તેટલી સરળ ભાષામાં સમજાવવા પ્રયાસ કરતી વખતે એ વાતનો ખ્યાલ રાખ્યો છે કે લેખકના મૂળ વિચારથી ક્યાંય ચાતરી ના જવાય. આથી જરૂર પડ્યે ગૂગલ પરથી મૂળ અંગ્રેજી પુસ્તકના કેટલાક મુદ્દાઓનો સહારો લીધો છે. અલબત મૂળ પુસ્તક તો અમેરિકા અને યુરોપના સમાજને ધ્યાનમાં રાખીને લખાયું હોવાથી ક્યાંક ક્યાંક આપણા સમાજમાંથી ઉદાહરણો મૂક્યા છે. શરૂઆતમાં લાગેલું કે આ પુસ્તકનો પરિચય બે કે ત્રણ પ્રકરણોમાં આપી શકાશે, પરંતુ તેમ થઈ શક્યું નહિ અને  સંપાદક મિત્રોએ મને છૂટો દોર આપ્યો જેથી આઠ પ્રકરણો હું લખી શકયો. તે માટે તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું, સાથે વાચકમિત્રોનો આભાર તો માનવો જ રહ્યો.

  • યાદ કરીએ આપણી નઈ (બુનિયાદી) તાલીમ

સમાપ્ત


શ્રી કિશોરચંદ્ર ઠાકરના સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in । મો. +91 9714936269

Author: Web Gurjari

1 thought on “શાણો સમાજ – એરિક ફ્રોમ : આપણે કેટલા શાણા? :: કેટલાક અન્ય ઇલાજો

  1. Sorry to comment on the work of an authentic thinker. But kindly permit me to express myself, with a full understanding that I am likey to err…

    Platonic society was a dream of Plato and will always remain so for all thinkers.

    Whatever exists is always a mix of good as well as evil. Percentages may vary.

Leave a Reply

Your email address will not be published.