કેરીનું એક લીલું રજવાડું – તલાલા ગીરનો કુરેશી બાગ

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

‘ઓણ સાલ કેરીનો પાક પોર કરતાં માત્ર વીસ ટકા!’

હાલ જ્યારે ૪૪ થી ૪૬ ડીગ્રી સુધીની ગરમી આકાશમાંથી વરસી રહી છે ત્યારે ઉપર ઉતારેલા ઉદ્‍ગારોમાં છૂપો નિ:શ્વાસ વરતાય છે, કારણ કે  એ ઉદ્‍ગારો જગમશહૂર ગીરના એવા જ જગમશહૂર ‘લીલા રજવાડા’ના ૬૦ વર્ષના‘નવાબ’ ગફારભાઇ કુરેશીના છે. અગાઉ એમના વિષે અહીં જરા જુદા અંદાજમાં પરિચયલેખ આપ્યો હતો.

પણ ઓણ સાલની ગરમીએ એ કાળો કેર કેરી ઉપર વરતાવ્યો. સિઝન તો દરેફ ફળની હોય, પણ લોકો સિઝન પહેલાં એની અપેક્ષા રાખતા નથી,. મુંબઇના ક્રાફર્ડ માર્કેટ (હવે જ્યોતિબા ફૂલે માર્કેટ)માં કમોસમી ફળો મળી જાય ખરાં, પણ એમાં સીઝનીયા જેવો ‘સા’ (સ્વાદ) ક્યાંથી આવે? લોકો એની કાંઇ અગાઉથી રાહ જોતા હોતા નથી. કેરીની સિઝન શરુ થાય મે માસથી, પણ સવાદીયા લોકો તો માર્ચના મધ્યથી જ એની રાહ જોતા થઇ જાય છે.

ગફાર કુરેશી કેરીના પાક વિશે કહે ત્યારે એ માનવું પડે, કેમ કે, એમણે આ છ એકર ભૂમિ પર નિપજાવેલા  ચમત્કારે ભલભલા કૃષિવિજ્ઞાનીઓને અચંબામાં નાખી દીધા છે. ૧૯૮૫માં એમને રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘના હસ્તે દેશના વનસ્પતિવર્ધન અને આર્થિક વિકાસની કામગીરી બદલ વિશેષ એવૉર્ડ એનાયત થયો હતો. ભારત સરકારે એમને ૨૦૦૦ની સાલમાં અને એ પહેલા ગુજરાત રાજ્યે એમને ૧૯૯૮ માં સન્માનિત કર્યા. બી.બી.સી.ની ટીમ અને વિશ્વ બેંકની ટીમ પણ અહિંની મુલાકાત લઇ ગઇ છે. થોડા વખત પહેલાં ‘ટાઇમ્સ ઓફ ઇન્ડીયા’એ તાલાળા જઇને એમની મુલાકાત લીધી. એમના વિશેષ અંકમાં પત્રકાર નિમેષ ખાખરીયા એમાં લખે છે:

‘પીટર એંડ્રુઝ, કાવસજી પટેલ, મલ્લિકા અર્જુન,  જી,ના. આ બધા માણસોના નામ નથી. પણ આ કુરેશી ફાર્મમાં જોવા મળતી કેરીની બસો માંહ્યલી કિસમમાંથી કેટલીક કિસમોના નામ છે. ગફારભાઇ, એમનાં બેગમ જેબુનબેન, એમના પુત્રો આદિલ અને જાહેદ, ઉપરાંત બીજા ચાલીસ મદદગારો આ સવાસો વર્ષ જૂના કુરેશી બાગમાં બીજી અનેક વનસ્પતિઓ સાથે કેરીની આ બધી લુપ્ત થઇ રહેલી કિસમો(પ્રજાતિઓ)ને જાળવી લેવા અને ઉછેરવા અને ગ્રાહકોને સંતોષવા રાત દિવસ તનતોડ પ્રયત્નો કરી રહ્યા છે. જેથી કરીને આવનારી પેઢીઓ સુધી તેનો સ્વાદ પહોંચેઅને પછી ત્યાંથી આગળ પણ જાય.

નવાબી યુગમાં  કેરીઓના પ્રકારોના નામ પણ કોઇ જુદા જુદા સંદર્ભથી પાડવામાં આવતા. જેમ કે : ‘દૂધ-પેંડો’, ‘બેગમ પસંદ’, ‘આમીર પસંદ, ‘બાદશાહ પસંદ’ અને ‘દિલપસંદ’. એમ કહેવાય છે કે ‘દૂધ-પેંડો’ જાતની કેરીના સ્વાદમાં દૂધનો ટેસ્ટ આવતો કારણ કે નવાબ સાહેબ એ આંબાને સિંચાતા પાણીમાં દૂધ પણ ભેળવવાનો હુકમ કરતા. ‘બેગમ પસંદ’ કેરીની તો ચીરીઓ ત્રણ ત્રણ દિવસ સુધી તાજી રહેતી. ( એ વખતે ફ્રીજ ક્યાં હતાં ?) ‘આમીર પસંદ’ કેરીનો માવો બહુ મૂલાયમ રહેતો. તો વળી ’બાદશાહ પસંદ’નો રસ ચમચમતો કેસરી અને સ્વાદ માખણ જેવો રહેતો. ‘દિલપસંદ’ની તો વાત જ જુદી. એનું એકે એક ફળ મબલખ રસ આપતું. એ નવાબી કાળની કેરીની જાતો અહીં સલામત છે.

આ બાગમાં એક સવાસો વર્ષ કરતાં જૂનો આંબો છે, જે નવાબ સાહેબના સાળા, વજીર સાલેહભાઇએ વાવેલો. એમનું નામ એટલા માટે લેવું પડે કે સૌથી પહેલાં કેસર કેરીની જાત તરફ એમનું ધ્યાન પડેલું. આવી બધી વિવિધતાની કારણે આ કુરેશી બાગ કેરીઓના ડીઝનીલેન્ડ સમો બની ગયો છે. આ ફાર્મના કુલ ૫૨૦૦ વૃક્ષોમાંથી ૫૦૦ ઉપરાંત તો એકલા આંબાની જ વિવિધ જાતોના છે. એમાં અમુક તો ૭૦ થી ૯૦ વર્ષ જૂના છે. જે દેશના વિવિધ રાજ્યોમાંથી અહીં લાવીને રોપવામાં આવ્યા છે. જેમ કે ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી જાત મલિહાબાદ અને ચૌંસા.

ગફારભાઈ સાથે લેખક (જમણે)

મધ્યમાં પણ મધ્ય ગીર અને એમાં સોમનાથ જિલ્લાનું નાનું એવું ગામ તાલાલા, અને એની કાંખમાં નાનકડું છોકરું તેડ્યું હોય એવું ગામ રમળેચી. બસ, ત્યાં આ લીલું રજવાડું છે. એ એટલું ફેલાયેલું છે કે હવે એ સમુચું ગામ ગુમ થઇ ગયેલું લાગે. આગંતુકની નજર લસરીને સીધી એ સમગ્ર ગામને છાવરી અને આવરી લેતા આ લીલાછમ્મ એવા વિશાળ પટ પર જઇને પડે છે કે જે જોનારના આત્માને સ્વર્ગીય શીતળતાનો ભરપૂર અહેસાસ કરાવે. ચાર એકર જમીનના એ પટ ઉપર કોઇ માણસ નકરી-નકોર જમીનને જોવા ચાહે તો ભાગ્યે જ થોડા ચોરસ ફૂટ જેટલી જોવા પામે. એમ કહી શકાય કે માણસ પગ મૂકીને ચાલી શકે એટલી જમીન જ એના માલિક ગફારભાઇ કુરેશીએ કોરી છોડી છે.

ગફારભાઇ કુરેશીએ કૃષિવિજ્ઞાનનું કોઇ શિક્ષણ લીધું નથી, પણ કોઇ પણ વનસ્પતિ, પછી તે નાનકડો છોડ, વેલી કે વિરાટ વૃક્ષ હોય, પણ ગફાર મહમ્મદ કુરેશી એના વિષેની ઝીણામાં ઝીણી જાણકારી હૈયે રાખે છે. એમને કોઇ પુસ્તકના પાનાઓમાં આથડવું પડતું નથી. એટલે તો એમની આ જગ્યા આજુબાજુના વિદ્યાર્થીઓ તો ઠીક પણ ખેડૂતો માટેય મહાવિદ્યાલય સમાન બની ગઇ છે. આ બાગની મૂલાકાત લેવા આવનારા જિજ્ઞાસુઓને એ ખરેખર વિના મૂલ્યે પોતાના સમયનો ભોગ આપીને વનસ્પતિ અને બાગાયતની પ્રત્યક્ષ તાલીમ આપે છે, સજીવ ખેતીના ફાયદા, ખેતીનું પરંપરાગત અને આધુનિક જ્ઞાન,પર્યાવરણની જાળવણીની સમજ, જમીનના પ્રકારોની જાણકારી. કૃષિના સાધનોનું અને જળસંચયની વિવિધ પધ્ધતિઓનું જ્ઞાન આપી રહ્યા છે.

પિતા મહમ્મદભાઇ કુરેશીના અવસાન પછી ૧૯૭૦માં ગફારભાઈએ આ વાડીની જવાબદારી સંભાળી લીધી. આજે જ્યાં બાવનસોથીય વધુ વૃક્ષો લુંબેઝૂંબે છે. એકસો અઠ્ઠાવન જાતનાં ફળાઉ વૃક્ષો છે. એમાં દસ પ્રકારના લીંબુથી માંડીને અનેક જાતનાં મોસંબી, સંતરાં, નારંગી, જામફળ, જમરૂખ, દાડમ, બોર, અનેક જાતનાં આંબળા, દ્રાક્ષ, સોપારી, જાંબુ, સીતાફળ, ખજૂર, ખારેક, અંજીર, ફાલસા, ચીકુ, કરમદાં, બદામ, કાજુ, નાળીયેર, ગુંદાં, બિલીપત્ર અને લખવા જતાં આખા લેખની જગ્યા રોકાઇ જાય તેટલાં વૃક્ષો છે. પણ ના, એટલી જગ્યા પણ ઓછી પડે તેવું છે. ફળાઉ વૃક્ષો ઉપરાંત રોડસાઇડ ફૂલઝાડ અને મિશ્ર વેરાઇટી છોડમાં ત્રણસો નેવું જેટલા વૃક્ષો પણ ગફારભાઇની અને તેમના પરિવારની માવજતથી લહેરાઇ રહ્યા છે. પાર વગરનાં ઔષધીય વૃક્ષો છે તો ગીરની હવે લુપ્ત થવાના આરે ઉભેલી સેંકડો વનસ્પતિઓ આ બાગમાં જળવાઇ રહી છે. વેલી,વેલા અને કંદમૂળની સો ઉપરાંત જાતો આ લીલા લહેરાતા રજવાડામાં જોવા જ નહીં, આંગણે વાવવી હોય તો કૂંપળ, છોડ, મૂળીયાં, કલમો કે બિયારણરૂપે વાવવા પણ મળે. બીજા રોપાઓ તો રખાયેલી નોંધ પ્રમાણે ત્રીસેક લાખ જેટલાં !

આવા ચમત્કારો રાતોરાત થયા હોતા નથી. એને માટે પર્યાવરણ જાળવણી અને ચુસ્ત ઓર્ગેનિક (સજીવ) ખેતીના નિયમો  પાળવા પડે છે. રાસાયણીક ખાતર તો નહીં, જંતુનાશક દવાઓ પણ નહીં. દેશી છાણીયું ખાતર કેરીની ગુણવત્તાને જાળવી રાખે છે. અને એને  સામાન્ય કેરી કરતા વધુ મિઠાશવાળી બનાવે છે. છાણીયું ખાતર એ અળસિયાનો ખોરાક છે અને તેની હગાર એ ઉત્તમ ખાતરનું કામ કરે છે.

કેરીના ફાલ, ગુણવત્તા અને વૈવિધ્યમાં તો કુરેશી બાગ બેમિસાલ છે અને આ લેખ પ્રકાશિત થશે એ વખતે તો અહીં કેસર અને બીજી કેરીઓના ઢગલા ખડકાયા હશે. કુરેશી બાગની બીજી એક અતિ મહત્વની પાંખ તે ઔષધીય ખેતીની પણ છે.

હવે તો ગફારભાઇના પરિવારે પોતાની આ કુરેશી બાગ એન્ડ નર્સરીથી પંદર કિલોમીટરના અંતરે પ્રભાસ પાટણ પાસે સરકારમાન્ય હાઈબ્રિડ જાત ટી.ડી નારીયેળીનું ફાર્મ બનાવ્યું છે. ત્યાં ચોકસાઈપૂર્વક ટી.ડી નારીયેળીનો ઊછેર વૈજ્ઞાનિક ધોરણે થઇ રહ્યો છે. આ નારીયેળી (ટી.ડી)ની અનેક વિશેષતાઓ છે. રોપ્યા પછી એ નારીયેળી ત્રણ જ વર્ષમાં ઉત્પાદન આપવા માંડે છે. એનાં ઘેરા લીલા રંગના પાન એકદમ ચમકદાર હોય છે. એના ફળનું પાણી મીઠું અને કોપરૂં દળદાર હોય છે. અને એમાં તેલનું પ્રમાણ બીજી જાતના નાળીયેરની સરખામણીમાં વધારે હોય છે. એની એક લુમમાં ઓછામાં ઓછા 60 થી 80 નારીયેળ લાગે છે.

કશા પણ રસાયણિક ખાતર કે જંતુનાશકોના ઉપયોગ વગર શુધ્ધ સજીવ ખેત-પધ્ધતિથી જો  આ પર્યાવરણીય સિધ્ધિ પ્રાપ્ત કરી શકાઇ હોય તો એવો પ્રશ્ન મનમાં ઉગ્યા વગર રહેજ  નહિં કે પૂરા રાષ્ટ્રમાં આ કેમ ના બની શકે ?

કોઇ પ્રયોગવીર, ખેતીવાડીનો કોઇ વિદ્યાર્થી આવે તો ગફારભાઇ કુરેશી નિઃસ્વાર્થભાવે એક પણ પૈસાની અપેક્ષા રાખ્યા વગર આતિથ્ય સાથે મદદ કરવા તૈયાર છે.


સંપર્ક: કુરેશી બાગ, મુકામ- રમળેચી, તાલુકો-તાલાલા (ગીર) જિ. જૂનાગઢ- 362150

ફોન -+91 94264 65358  અને +91 99790 24675 , અને લેંડ લાઇન- +91 2877-223209

ઇમેલ – info@qureshifarms@gmail.co/ info@qureshifarmas.com/વેબસાઇટ – www.qureshifarms.weebly.com / www.qureshifarms.com


લેખકસંપર્ક
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક, મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

1 thought on “કેરીનું એક લીલું રજવાડું – તલાલા ગીરનો કુરેશી બાગ

  1. I hate Janab Rajnikumar Pandya There are so many prominent personalities in Hindu community. Why should he write and highlight about a Non-Hindu ?

Leave a Reply

Your email address will not be published.