કાવ્યાનુવાદ – The End and the Beginning : અંત અને આરંભ

વિસલાવા શિંમ્બોર્સકાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી તેમને ૧૯૯૬માં નોબેલ પુરસ્કાર મળ્યો તે પછી. ત્યાર બાદ તેમનાં બહુ ઘણાં કાવ્યોના અગ્રેજીમાં અનુવાદ થયા છે.

સૂક્ષ્મ વિનોદ,વક્રોક્તિ કે ભામક સાદગી તેમનાં પદ્યની આગવી લાક્ષણિકતાઓ છે, જેમકે, આજનાં કાવ્યમાં જ તેઓ (દાઢમાં કાંકરો રાખીને) સાવ જ સહજ પણે કહે છે –

“After every war                   દરેક યુદ્ધ પછી
someone’s got to tidy up.” કોઈકે બધું સમુંસૂતર કરવું પડે

 

: અંત અને આરંભ :

– વિસલાવા શિંમ્બોર્સકાનાં મૂળ પોલિશ કવિતાના અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતીકરણ : ભગવાન થાવરાણી

દરેક યુદ્ધ પછી
કોઈકે બધું સમુંસૂતર કરવું પડે
વેરવિખેર બધું એમનેમ તો ઠીક થાય નહીં.

કોઈકે કાટમાળ
બાજુએ ખસેડવો પડે
જેથી મૃતદેહો લાદેલી ટ્રકો
આગળ જઈ શકે.

કોઈકે કાદવ અને રાખ વચ્ચેથી
રસ્તો કાઢવો પડે
કોઈકે લોહીવાળા ગાભા અને
કાચની કરચો ખૂંદવી પડે.

કોઈકે થાંભલાઓ ઘસડવા પડે
જર્જર દીવાલોને ટેકા મૂકવા પડે
બારીઓની મરામત કરવી પડે
દરવાજાઓને બારસાખમાં બેસાડવા પડે.

અવાજોનું ધ્વનિમુદ્રણ નહીં, કેમેરાઓની ઝાકઝમાળ નહીં
આને તો વર્ષો લાગે
બધા ખબરપત્રીઓ તો બીજા યુદ્ધોનો અહેવાલ લેવા જતા રહ્યા હોય.

પુલો નવેસરથી બાંધવાના
રેલવે સ્ટેશનો પણ
કેટલાય લોકોએ કમર કસી પસીનો વહાવવો પડે

હાથમાં સાવરણો પકડેલ કોઈક જણ
એ બધું યાદ કરશે
જેનું માથું સાબુત બચી ગયું હોય એવું કોઈક
એની વાત સાંભળશે
પણ આજુબાજુમાં જ ઘોંઘાટ મચાવતા કોઈકને
આ બધી વાતો કંટાળાજનક લાગશે.

સમયાંતરે કોઈને કોઈ
યુદ્ધની વિભીષિકા બાબતે કોઈક
કટાયેલી દલીલ શોધી કાઢશે

જેમણે એ બધું નજરોનજર જોયેલું
એમણે એવા લોકોને રસ્તો કરી આપવો પડશે
જે એ ઘટનાઓથી અનભિજ્ઞ છે અથવા ઉદાસીન

જે મેદાનની નીચે યુદ્ધના અવશેષો દટાયેલા છે
ત્યાં ચત્તુંપાટ સૂતેલું કોઈક
મકાઈનું ડૂંડું ચગળતું
વાદળોને મૂર્ખામીપૂર્વક તાક્યા કરશે ..

The End and the Beginning

Wislawa Szymborska,  from the anthology Miracle Fair –  translated by Joanna Trzeciak.

After every war
someone has to clean up.
Things won’t
straighten themselves up, after all.

Someone has to push the rubble
to the side of the road,
so the corpse-filled wagons
can pass.

Someone has to get mired
in scum and ashes,
sofa springs,
splintered glass,
and bloody rags.

Someone has to drag in a girder
to prop up a wall.
Someone has to glaze a window,
rehang a door.

Photogenic it’s not,
and takes years.
All the cameras have left
for another war.

We’ll need the bridges back,
and new railway stations.
Sleeves will go ragged
from rolling them up.

Someone, broom in hand,
still recalls the way it was.
Someone else listens
and nods with unsevered head.
But already there are those nearby
starting to mill about
who will find it dull.

From out of the bushes
sometimes someone still unearths
rusted-out arguments
and carries them to the garbage pile.

Those who knew
what was going on here
must make way for
those who know little.
And less than little.
And finally as little as nothing.

In the grass that has overgrown
causes and effects,
someone must be stretched out
blade of grass in his mouth
gazing at the clouds.

શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

 

 

Author: Web Gurjari

2 thoughts on “કાવ્યાનુવાદ – The End and the Beginning : અંત અને આરંભ

    1. વીસલાવા શિમ્બોર્સ્કાની અનેક કવિતાઓ મુખેથી અનાયાસ અરેરાટી સરી પડે એવી હોય છે સુરેશભાઈ !

Leave a Reply

Your email address will not be published.