દૂધરાજ/ શાહી બુલબુલ

ફરી કુદરતના ખોળે

જગત કીનખાબવાલા

દૂધરાજ/ શાહી બુલબુલ /Indian Paradise Fly Catcher/ Common Fly Catcher/Terpsiphone paradisi*
કદ: મધ્યમ ૭.૫ –૮.૭ ઇંચ/ ૧૯ –૨૨ સે.મી./ નર: વચલા બે પીંછા ૧૨ ઇંચ – ૫૦ સે.મી સુધી.

નર દૂધરાજ દેખાવે ખુબજ ધ્યાનાકર્ષક હોય છે. રંગ અને રૂપે તેમજ મધ્યમ કદ અને શરીર શૌષ્ટવ જુવો એટલે બસ જોતાજ રહો, જોતાજ રહો! જો જોનારમાં શુષ્ક્તા ભરાઈ ગઈ હોય તો  તેને જોતા તરતજ  શુષ્કતા હવામાં ઉડી જાય તેટલું સુંદર પક્ષી. ખાસ કરીને શિયાળાની ઋતુમાં જોવાની વધારે મઝા આવે.

યાયાવર દૂધરાજ શિયાળાની ઋતુમાં છેક હિમાલય જેવા સ્થળેથી સ્થળાંતર કરીને અનુકૂળ હવામાનમાં પોતાના બીજા નિર્ધારિત પ્રદેશમાં પહોંચી જતા હોય છે. પાણીના સ્તોત્ર નજીકની ઘટાદાર વનરાજી તેમને વધારે માફક આવે અને બાગબગીચામાં તેમજ ફળની વાડીમાં પણ જોવા મળે. ઘેઘુર વગડો તેમને વધારે પસંદ કરે છે.

જીવડા, ડ્રૅગન ફ્લાય, માખી, ફુદા અને પતંગિયા તેમનો મુખ્ય ખોરાક છે. મુખ્યત્વે વૃક્ષની ઘટામાં અંદરના ભાગમાં વધારે જોવા મળે જયાં બેસીને તેનું ધ્યાન જીવડાને  શોધવામાં હોય. જેવું જીવડું  દેખાય કે આંખના પલકારામાં ચપળતા પૂર્વક તેને ઝાપટી જાય. હવામાં ઉડતા જીવડાને પણ પકડી લે તેવી કાબેલિયત ધરાવે છે. વૃક્ષમાં બેસે ત્યારે જીવડા શોધતું  ટટ્ટાર બેઠું હોય અને તેની બેસવાની રીતમાં તેનો રુઆબ દેખાય અને જીવડાને પકડવા ઉડે ત્યારે તેની ઉડાન ભવ્ય દેખાય, ખાસ કરીને ઊડતી વખતે નરની હવામાં લહેરાતી લાંબી પૂંછડી મનમોહક લાગે. જીવડાને પકડવા માટે આડાઅવળા ઉડાન વખતના તેના લહેરાતા શરીરના વળાંક કમનીય લાગે.

તેમનું ઘાટીલું શરીર અને તેમના સુંદર રંગ દેખાવને વધારે આકર્ષક બનાવે છે. તેમના રંગની રચનામાં સફેદ, કાળો અને ભૂખરો કેસરી તેમના મુખ્ય રંગ. નર અને માદા લગભગ સરખા કદના હોય છે પરંતુ નરની પૂંછડીના બે લાંબા પીંછા નર તરીકે એક જુદો દેખાવ ઉભો કરે છે. ગરદન/ ડોક અને માથે ચમકીલો કાળો રંગ અને માથાની પીંછાથી બનેલો મુગટ અને કલગી કાળા હોય છે.

માદાનું ગળુ અને ગાલ આછા ભૂખરા રાખોડી હોય છે જ્યારે આખું શરીર ઉપરના ભાગે ખુબજ સુંદર લાલાશ ઉપર કેસરી હોય છે. માદાની છાતી ગળા તરફ ઉપર વધારે રાખોડી હોય છે જે ઉપરથી નીચે તરફ જતા તેમાં સફેદી વધારે દેખાય છે.

નર દૂધરાજ વધારે દેખાવડોહોય છે. નરનો મુખ્ય રંગ રાખોડી સફેદ હોય છે અને કાળો હોય છે. ભૂખરા સફેદ શરીરમાં ચડાઉતરી પીંછાના ભાગે સફેદમાં કાળા પટ્ટા ખુબજ આકર્ષક દેખાય છે. આંખો અને ચાંચ ઘેરા કાળા હોય છે. સખત ચાંચ ગોળાકાર હોય છે. આંખ અને ચાંચને ફરતે આછો ભૂરો રંગનો સમન્વય આકર્ષકતા વધારે છે. નરની પૂંછડી તલવાર જેવી લાંબી હોય છે. ગુજરાતમાં તેને ચપળતાને કારણે તેને તરવરિયો કહે છે  જ્યારે  ભીલ લોકો તેને તેજિયો ગોવાળ કહે છે.

તેઓની જુદીજુદી પેટા જાતિઓ હોય છે જેમાં મુખ્યત્વે પૂંછડીમાં પીંછામાં સફેદ ઝાંયથી ખાસ જુદા પડે છે. ભારતમાં કાશ્મીર, ઉત્તર ભારત, પંજાબ, બિહાર, તુર્કસ્તાન, સિક્કિમ, નેપાળ, અફઘાનિસ્તાન, બલુચિસ્તાન, તુર્કસ્તાન અને મ્યાનમાર જેવા વિસ્તારમાં તેમનો કાયમી નિવાસ હોય છે અને તેઓની જુદી જુદી પેટા જાત શિયાળામાં જુદાજુદા પ્રદેશમાં સ્થળાંતર કરી જાય છે.

તેઓના સુંદર દેખાવને કારણે વિશ્વના ઘણા અને નામી કુદરતના અભ્યાસ માટેના સંગ્રહાલયમાં તેમાં કેમિકલ ભરીને રાખવામાં આવેલા છે.

પ્રજનનની ઋતુ મે મહિના થી જુલાઈ મહિનો હોય છે. પ્રજનની ઋતુમાં કી….કી….કી…..કી જેવો અવાજ કાઢે છે જે કાને સાંભળવો ગમે છે જ્યારે બાકીની ઋતુમાં અવાજ ધીમો કર્કશ હોય છે.

તેઓ જાતે વૃક્ષમાં સળીઓ વાળીને, રેસાઓ અને ઘાસના તણખલા વગેરેનો ઉપયોગ કરીને ગોળાકાર કપ/ વાડકી આકારનો માળો બનાવે છે. માળાને મજબૂતી આપવા માટે કરોળિયાના જાળા ચોંટાડી દે છે. માળામાં માદા ૩ થી ૪ ઈંડા મૂકે છે. ઈંડા સફેદ રંગના હોય છે જેની ઉપરના ભાગમાં લાલાશ રંગના  છાંટા હોય છે. ઈંડાને નર અને માદા બંને વારાફરતી ૧૨ થી ૧૪ દિવસ સુધી ઈંડા સેવે છે. બચ્ચા ૦૯ થી 12 દિવસમાં સક્ષમ બની જાય છે.

ઈંડા અને માળાને શિકારી પક્ષીઓથી બચાવવા માટે ખાસ કરીને કાળો કોશી/ ડ્રોન્ગો ના માળા પાસે પોતાનો માળો બનાવે છે જેથી કાળો કોશી શિકારી પક્ષીઓથી તેમનું રક્ષણ કરે છે.

તેઓના નર અને માદા બચ્ચા દેખાવે સરખા લાગે છે. નર બચ્ચું મોટું થતું જાય તેમતેમ તેની પીંછાની ટૂંકી પૂંછડીના બે પીંછા પુખ્ત થતા સુધીમાં મોટા થતા જાય છે. ૩ વર્ષની ઉંમરથી નરનું શરીર સફેદ થવા માંડે છે.

ભારતના સૌથી સુંદર પક્ષીઓમાંથી એક છે. લોકોમાં એવી પણ માન્યતા હોય છે કે જો સવારે જોવા મળી જાય તો દિવસ શુભ જશે એવું માને છે.

એક બહુ પ્રચલિત વિડિઓ અને તેના ફોટા જોવા મળે છે જેમાં દૂધરાજ શ્વેતનયના / Indian Whiteeye ના બચ્ચાને પરગજુ બની ખોરાક ખવડાવે છે.


(ફોટોગ્રાફ: શ્રી સેજલ શાહ ડેનિયલ/ શ્રી કિરણ શાહ)


*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
*Love – Learn  – Conserve*


લેખક: જગત.કિનખાબવાલા – Ahmedabad
Author of the book: – Save The Sparrows
Email: jagat.kinkhabwala @gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.