લોકશક્તિ ૨૨૯૨૮

ગિરિમા ઘારેખાન

આજે તો ઓડિટનું કામ સમયસર પતી ગયું. સ્ટેશન પહોંચ્યો ત્યારે મારી ટ્રેઈનને આવવાની હજુ થોડી વાર હતી. મેં સમય પસાર કરવા માટે ચા પીધી, થોડો નાસ્તો કર્યો, પ્લેટફોર્મ ઉપર બે-ચાર આંટા માર્યા, પણ વાતાવરણમાં બફારો બહુ હતો એટલે ચાલવાની મજા ન હતી આવતી. છેવટે એક સામયિક ખરીદીને એક બાંકડા ઉપર બેઠો અને સામયિકના પાનાં ઉથલાવવા માંડ્યો.  જો કે  એમાં પણ મન ચોંટ્યું નહીં એટલે આંખોએ નજરને  ચારેબાજુ ફરવા મોકલી.

આ નાના ગામના સ્ટેશન ઉપર નજરને પણ કંઈ બહુ ખોરાક મળતો ન હતો. એક બાંકડા ઉપર એક વૃદ્ધ પતિ-પત્ની બેઠેલાં હતાં અને એ લોકો પણ મારી જેમ જ બગાસાં ખાતાં ખાતાં ચારેબાજુ જોયા કરતાં હતાં. એની બાજુના  બાંકડા ઉપર ત્રણ યુવાનો પોતપોતાના મોબાઈલમાં ધ્યાન પરોવીને આંગળીઓની કસરત કરતાં હતા. પ્લેટફોર્મ ઉપર ખાસ કંઈ અવર-જવર પણ ન હતી. વાતાવરણ એકદમ શાંત હતું. પ્લેટફોર્મના છાપરાની નીચે ગોઠવાઈ ગયેલા શાંતિના દૂતોની પાંખોનો ફડફડાટ ક્યારેક ક્યારેક એ શાંતિનો ભંગ કરતો હતો.

હું થોડી થોડી વારે મારી કાંડા ઘડિયાળમાં નજર નાખતો રહેતો હતો, જાણે એમ કરવાથી સમય જલ્દી પસાર થવાનો હોય! હું ઊભો થઈને ફરીથી આંટા મારવાનું વિચારતો હતો ત્યાં તો પ્લેટફોર્મ ઉપર એક ટોળું દાખલ થયું. મારું ધ્યાન તરત એમાં એક યુવતી તરફ ખેંચાયું. એના કપડાંથી માંડીને હાથની મહેંદી અને આંખના આંસુથી માંડીને એની સાથેનો સામાન—–બધું જ બોલકું થઈને કહેતું હતું કે આ છોકરી પહેલીવાર સાસરે જઈ રહી છે. એની બદામી આંખોમાંથી દરિયો છલકાયા જ કરતો હતો. એની મમ્મી પણ એટલું જ રડતી હતી, વારંવાર એને ગળે વળગીને વહાલ કરતી હતી અને સાથે સાથે ધીમા અવાજે કંઇક કહ્યા કરતી હતી. આવા પ્રસંગે વર જેવા ઓશિયાળા લાગતા હોય એવો જ ઓશિયાળો લાગતો એનો વર એના થોડા સગાવહાલાં સાથે એક બાજુ ઉભો રહી ગયો હતો.

મારી નજર એ છોકરી ઉપરથી હટતી જ ન હતી. સાક્ષાત સુંદરતા જયારે નવોઢા સ્વરૂપ ધારણ કરે ત્યારે કોઈની પણ આંખો બીજું કંઈ શું કામ જુએ? એની સામે જોવામાં મને મારી ટ્રેઈન ક્યારે પ્લેટફોર્મ ઉપર આવી ગઈ હતી ખબર ન પડી. નસીબજોગે મારો સેકંડ એ.સી.નો ડબ્બો હું ઊભો હતો ત્યાં જ આવ્યો અને હું ફટાફટ ડબ્બામાં ચડી ગયો. અંદર જઈને મારો સીટ નંબર જોઇને હજુ  ગોઠવાતો હતો ત્યાં તો પાછળ પાછળ પેલું કપલ પણ મારી સામે જ આવીને બેઠું. હું હરખાયો—-ચાલો, આ નવ-પરિણીત યુગલની સાથે રાત્રિનો અંધકાર ખુશ્બુભર્યો લાગશે. છોકરાનાં સગા-વહાલાં કોઈ બીજા ડબ્બામાં બેઠા હશે. બધાની સેકંડ એ.સી.ની ટિકિટ પોસાઈ શકે એમ નહીં હોય, અથવા આ બન્નેને એકલાને  સમય આપવા માટે એવી ગોઠવણ કરી હશે.

ગાડી ચાલુ થઇ અને મેં મારું મેગેઝીન ખોલ્યું. મેં મેગેઝીનમાં માત્ર મારું મોં ખોસેલું હતું, મન તો કારણ વિનાનું પેલા લોકોનું ચોકીદાર થઈને બેઠું હતું. છોકરો થોડી થોડી વારે છોકરીના ગાલને, વાળને, કપડાંને,સ્પર્શ કરતો હતો, એની આંખોમાં હજુ પણ ડોકાઈ જતા ઝાકળબિન્દુને હળવેથી લૂછતો રહેતો હતો, ધીમેથી વાતો કરતો રહેતો હતો. જો કે છોકરીનો જીવ એની વાતોમાં હોય એવું બિલકુલ લાગતું ન હતું. છોકરાને અત્યારે હું ખલનાયક જેવો લાગતો હોઈશ? છોકરી ક્યારેક એની ધારદાર નજર મારી તરફ ફેંકતી રહેતી હતી. એ જેટલીવાર મારી સામે જુએ એટલીવાર મને એની આંખોમાં નવા નવા રહસ્યો દેખાતા હતા. જો કે લગભગ તો એ એની આંખો ઢાળેલી જ રાખતી હતી, પણ ક્યારેક ક્યારેક એની રૂ ની વાદળીઓ જેવી પલકો ઉઠાવે ત્યારે ચહેરા ઉપર બે ઊગતા સુરજની આભા પથરાઈ જતી હતી. એ લોકોનો રોમાન્સ કેટલો હશે અને કેવો હશે એ જાણવામાં મને કેમ એટલો રસ પડતો હતો એ મને સમજાતું ન હતું. મારી હાજરી કે પછી લમણામાં દેખાવા માંડેલા બે-ચાર સફેદ વાળ આ છોકરાને સભ્ય રહેવા મજબૂર કરતાં હશે?

એમના એ કાલ્પનિક રોમાન્સનો રોમાન્સ મારા મનમાં આગળ ચાલે એ પહેલાં તો એ છોકરીએ બગાસાં ખાવાના ચાલુ કર્યા અને ‘ઊંઘ આવે છે’ એમ કહ્યું. આ નવવિવાહિતા આવું કેમ કરતી હતી? પતિ પ્રેમના પડીકા જેવું હૃદય ખોલીને બેઠો હોય ત્યારે સામાન્ય રીતે તો વગડાની વાડ ઉપર પણ ચણોઠીઓ ઊગે. તો પછી આ? આંસુ રોકાયા પછી પણ એના ચહેરા ઉપર મોનાલિસાની આંખોમાંથી ઉપસતી વિષાદની છાયા કેમ છવાયેલી હતી?

છોકરાએ બે ત્રણ વાર પેલીને પૂછ્યું, ‘કંઈ ખાઇશ? તું ત્યાં પણ કંઈ જમી નથી.’

છોકરી દર વખતે ડોકું ધુણાવીને એમ જ કહેતી, ‘ના, મને ભૂખ નથી.’ છેલ્લી વાર તો એના અવાજમાં એટલી ચીડ ભળેલી હતી કે મને છોકરા માટે સહાનુભૂતિ થઇ આવી. બિચ્ચારો!

અમારાં બ્લેન્કેટ, ઓશીકાં, વગેરે અમારી જગ્યાએ પડેલાં જ હતાં. છોકરાએ નીચેની બર્થ ઉપર છોકરીની પથારી કરી આપી. પેલીએ તરત ત્યાં લંબાવીને પડખું ફેરવી લીધું. મારા જાગી ગયેલા કુતૂહલને કંઈ ખોરાક ન મળવાથી એણે  નિસાસા નાખવાના ચાલુ કર્યા. એને ટપલીઓ મારીને ફરીથી સૂવડાવવાનો પ્રયત્ન કરતા મેં સામેની બર્થ ઉપર મારી પથારી કરી લીધી અને નાછૂટકે એના ઉપર લંબાવ્યું. પણ પેલા બેચેન કુતુહલે  તો આજે જાગી ગયેલા કુંભકર્ણની તાજગી પહેલી લીધી હતી. મેં એને સમજાવ્યું કે આ લોકોને સૂવું હોય તો લાઈટ તો બંધ કરવી જ પડશે. છોકરો ઉપરની બર્થ ઉપર સૂવા ગયો. બે-ત્રણ વાર એણે ઉપરથી ડોક લંબાવીને છોકરી તરફ જોયું, પણ એ ઊંઘી ગઈ હોય એવું લાગ્યું એટલે એણે પણ નાછૂટકે બ્લેન્કેટ ઓઢી લીધો. થોડીવાર પછી એના ધીમા ધીમા નસકોરા પણ સંભળાવા માંડ્યા.

એટલામાં બહાર જોરદાર વરસાદ ચાલુ થઇ ગયો હોય એવું લાગ્યું. વરસાદ પવન સાથે અને ત્રાંસો હશે કારણકે મોટાં મોટાં ટીપાં બારીના કાચ સાથે અથડાતાં હોય એવો અવાજ આવતો હતો. મારી આંખોમાં પેલી વરસતી બદામી આંખો  આવીને બેસી ગઈ હતી એટલે મને તો ઊંઘ આવે એવો પ્રશ્ન જ ન હતો. એનું વર્તનમાં કંઇક એવું હતું જે મને ખૂંચ્યા કરતુ હતું.  જો એ.સી.નો ડબ્બો ન હોત તો હું બારીની બહાર હાથ નાખીને બેસી જાત અને ચહેરાને અને અડધા શરીરને ભીંજવી દે એવી વાછંટ ઝીલ્યા કરત. હું પરાણે આંખ બંધ કરીને પડ્યો રહ્યો હતો. જો કે કાન તો મેં કોઈ પણ હલચલ પકડવા માટે ખુલ્લા જ રાખ્યા હતાં.

આખા ડબ્બામાં સંપૂર્ણ શાંતિ હતી. એ.સી.ની ઠંડક ઓઢીને વરસાદી હાલરડું સાંભળતા સાંભળતા બધાં જ મુસાફરો જંપી ગયાં હોય એવું લાગતું હતું. થોડી વાર પછી મારી સામેની બર્થ તરફથી ધીમા ધીમા ડૂસકાંનો અવાજ સંભળાવા માંડ્યો. છોકરી કેમ આટલું બધું રડતી હશે? પહેલીવાર સાસરે જતી વખતે બધી જ છોકરીઓ રડતી હોય, પણ એ રૂદનની પણ એક સીમા હોય. પિયરિયાનો સાથ છૂટે પછી નવા જીવનનાં સ્વપ્નો અને પતિનો પ્રેમ એ રૂદન ઉપર હાવી થઇ જતાં હોય. આ છોકરીનું તો રડવાનું અટકતું જ ન હતું!  એની આંખોનો વરસાદ મને બહારના વરસાદનો આનંદ લેવા દેતો ન હતો. શું હશે? પતિ તો એને માથે વહાલનાં વાદળાં ધરીને બેઠો હતો, તો પછી? છોકરીને નહીં ગમતો હોય? પરાણે લગ્ન કરવા પડ્યાં હશે? ચોક્કસ પહેલાનું કોઈ લફરું હશે. એ કોઈ ફિકરના ધુમ્મસમાં ઘેરાયેલી હતી એ તો પહેલેથી સ્પષ્ટ દેખાતું જ હતું. એકવાર તો મને વિચાર આવ્યો કે હું એને ધીમેથી પૂછી જ લઉ કે શું થયું છે. પણ એમ સાવ અજાણી યુવતીને એવું કેવી રીતે પૂછાય એની અવઢવમાં હું એના ડૂસકાંનો અવાજ સાંભળતો રહ્યો અને એક ન વ્યક્ત થઇ શકે એવી બેચેનીને અંદર ને અંદર ઘૂંટતો રહ્યો.

થોડી વાર પછી છોકરી પોતાની જગ્યાએથી ઊઠી. બાજુના કમ્પાર્ટમેન્ટનું ઝાંખું ઝાંખું અજવાળું અમારા કમ્પાર્ટમેન્ટ સુધી આવતું હતું. હું ઝીણી કરેલી આંખોમાં જીજ્ઞાસા ભરીને છોકરીને જોઈ રહ્યો હતો. એણે માથું ઊંચકીને એકવાર એના ઘસઘસાટ ઊંઘતા પતિ સામે જોયું, એક અછડતી નજર મારા તરફ નાખી અને પછી નીચે બેસીને અવાજ કર્યાં વગર બર્થ નીચેથી બેગ ખેંચી. બેગ અડધી ખોલીને, એમાં નીચે હાથ નાખીને, એણે કંઇક ખેંચ્યું, એને સાડીના છેડામાં વીંટ્યું અને બેગ બંધ કરીને ધીમેથી બર્થ નીચે ધકેલી દીધી. હું કંઈ સમજું એ પહેલા તો એ આંખો લૂછતી લૂછતી કમ્પાર્ટમેન્ટની બહાર નીકળી ગઈ.

થોડી વાર સુધી તો મને કંઈ સમજાયું નહીં કે હું શું કરું. છોકરી વોશરૂમમાં ગઈ હશે? કંઈ લેડીઝ પ્રોબ્લેમ હશે? મારું મગજ એના સિવાય બીજું કંઈ વિચારતું જ ન હતું. કોઈ વળગાડની જેમ એ  મારા મન ઉપર સવાર થઇ ગઈ હતી. મેં થોડી વાર સુધી એના પાછા આવવાની રાહ જોયા કરી. સમય તો બહુ નહીં ગયો હોય, પણ મારા આશંકિત મનને એ સમય બહુ લાંબો લાગ્યો હતો. છોકરી હજુ કેમ પાછી નહીં આવી હોય? એને આગળના સ્ટેશન ઉપર ઉતરી જવું હશે? બેગમાંથી એનો દાગીનો લઇ લીધો હશે? એના બોયફ્રેન્ડને ત્યાં મળવાનું નક્કી કર્યું હશે કે પછી એ પણ આ ટ્રેઈનમાં જ હશે? કંઇક તો રહસ્ય હતું જ આ છોકરીમાં. ત્યારે જ આકાશમાં જોરદાર વીજળી થઇ અને એનો તેજલીસોટો બારીના મારી બાજુના થોડા ખુલ્લા પડદામાંથી અંદર પ્રવેશ્યો. એ સાથે મારા મગજમાં પણ એક ચમકારો થયો. વીજળીનો ચોટલો પકડીને આવેલા વાદળના ગડગડાટે મારા હૃદયમાં પણ એવો જ ગડગડાટ કર્યો અને વિચારોનું તોફાન ચાલુ થયું.

મને થયું કે છોકરીએ ચોક્કસ આ લગ્ન પરાણે કરવા પડ્યા હશે. કદાચ આગળના પ્રેમની નિશાની પેટમાં હોઈ શકે. એનો વર આટલો પ્રેમ  વરસાવતો હતો પણ એ ક્યાં જરા યે પ્રતિસાદ આપતી હતી? જો પ્રેમી સાથે ભાગી જવાની હિંમત હોત તો લગ્ન પહેલાં જ ન ભાગી ગઈ હોત? અત્યારે ચોક્કસ આપઘાત કરવા ગઈ હશે. ચાલુ ગાડીએ પડતું મૂકી દેશે. એનો વર સીધો સવારે જાગે કે પછી રાતમાં જયારે જાગે ત્યારે, આ ક્યાં ગઈ હશે અને ક્યારે ગઈ હશે એની ખબર એને કેવી રીતે પડવાની? સવારે ક્યાંક ટ્રેક પાસેથી લાશ મળી આવે ત્યાં સુધીમાં તો ટ્રેઈન માઈલો દોડી ગઈ હોય. છોકરીએ સાડીના છેડામાં ચોક્કસ એના  ઓળખપત્રો રાખ્યા હશે જેથી લાશની ઓળખાણ થઇ શકે.  અરેરે, પછી બિચારી આટલું રડે જ ને! જિંદગી માણવાના સમયે આમ જીવ કાઢી નાખવો એ કંઈ જેવી તેવી વાત છે?

બસ, આ વિચારનો કરોળિયો મારા મગજમાં જાળા ગૂંથતો રહ્યો, એને પગ ફૂટતા રહ્યાં અને થોડીક પળોમાં તો એ કાનખજૂરો બનીને મને કરડવા માંડ્યો. હું સ્થળ, કાળ, વિવેક, બધું જ ભૂલી ગયો. હું જાગતો હતો પણ મારી બુદ્ધિ સૂઈ ગઈ હતી. અવાજ થશે ને કોઈ જાગી જશે એની પરવા કર્યાં વિના હું ફટાક દઈને ઉભો થયો, પગમાં સ્લીપર્સ પહેર્યાં અને લગભગ દોડતો બારણા તરફ ગયો. આવું તો ન જ ચાલે. એક યુવાન જિંદગીને આવી રીતે ખતમ ન જ થવા દેવાય. જો એ હજુ ઊભી હોય તો એને સમજાવીશ કે ‘જે થયું એ બધું ભૂલીને નવેસરથી જિંદગી ચાલુ કર, તારો વર તને બહુ પ્રેમ કરે છે. ભૂતકાળ ભૂલી જા. તું એની સાથે સુખી થઈશ.’. મેં એવું પણ વિચારી લીધું કે જો એ ત્યાં નહીં ઊભી હોય તો સાંકળ ખેંચીને ગાડી ઉભી રખાવીશ. ભગવાન કરે ને જો બચી ગઈ હોય તો તાત્કાલિક સારવાર અપાઈ શકે .

માનસિક હિસ્ટેરિયા આવ્યો હોય એવી રીતે મારા મગજમાં માત્ર એ છોકરી જ હતી. મારી આંખોને માત્ર એ આંખો દેખાતી હતી અને કાનમાં માત્ર એના ડૂસકાં સંભળાતા હતાં. બીજી બધી ઇન્દ્રિયો શૂન્ય થઇ ગઈ હતી. બીજા સૂતેલા મુસાફરો કે મારા સ્લીપર્સના પટપટ અવાજની પરવા કર્યાં વિના હું દોડ્યો અને પલકારામાં બારણા સુધી પહોંચી ગયો. મારી ધારણા સાચી જ હતી. ડબ્બાનું બારણું ખુલ્લું હતું અને બારણાનું એક બાજુનું હેન્ડલ પકડીને છોકરી સહેજ આગળ ઝૂકીને ઊભી હતી. એમ કંઈ મરવું સહેલું છે?  પણ આ એની ફૂદવાની તૈયારી તો હતી જ.

‘નો, નો, નો, ડોન્ટ જમ્પ, આઈ વિલ હેલ્પ યુ’ બોલતો હું એની પાસે પહોંચી ગયો. મેં આગળ ઝૂકીને એનો લટકેલો હાથ પકડી લીધો. એ સાથે જ એના હાથમાંથી કંઇક નીચે જતું મેં જોયું. ત્યારે જ આકાશમાં વીજળી થઇ. વરસાદી ટીપાંની સાથે બુંદ બુંદ થઈને વિખરાતા વીજળીના પ્રકાશમાં મેં થોડા કાગળો અને ફોટાને નીચે પડતા જોયા .

એક પળમાં બની ગયેલી આ ઘટનાએ મને હતપ્રભ કરી નાખ્યો. શું આ બધું દુઃખ આ યાદોથી છુટા પડવાનું હતું! એ જ વખતે પાછળથી અવાજ આવ્યો, ‘શું થયું દેવાંગી?  કેમ અહીં ઊભી છે?’ અમે બન્નેએ એક સાથે પાછળ જોયું. ત્યાં એ દેવાંગીનો વર ઊભેલો હતો. એની ઊંઘ ભરેલી આંખોમાં થોડી મૂંઝવણ અને થોડો ગુસ્સો દેખાતો હતો. એણે  એક ગુસ્સા ભરેલી નજર મારા તરફ પણ નાખી. મેં દેવાંગી સામે જોયું –હવે એ શું કહેશે?

મારું મગજ અંતરીક્ષયાનની જેમ વિચારોના આકાશમાં ઝડપથી ઊડવા માંડ્યું – છોકરો ક્યારે ઊઠી ગયો હશે? મારી પાછળ પાછળ જ અહીં આવી ગયો હશે? એણે પેલા ફેંકાતા પત્રો જોઈ લીધા હશે? હું તો એક જિંદગી બચાવવા દોડ્યો હતો, પણ એક જિંદગી બગાડી બેઠો? છોકરાની આંખમાં કંઈ શંકા ડોકાતી હોય તો એ શોધવા હું એની તરફ તાકી રહ્યો. આ બધામાં મને તો શું કરવું એ સૂઝતું તું જ ન હતું. અરેરે! હું શું કામ દોડીને અહીં આવ્યો? અને આ દેવાંગી! આ બધું એ સાથે કેમ લાવી? લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે જ આ ભંગાર થઇ ગયેલી યાદોને ફેંકી દેવી જોઈએ ને?  આ તો પોતાની સાથે બીજાનું જીવન પણ ખરાબ કરવાનું ને?  અને જો લાવી તો આ કામ તો એ ચૂપચાપ વોશરૂમમાં જઈને પણ કરી શકી હોત, એને માટે આવું જોખમ?  ખરેખર, સ્ત્રીઓને ક્યારેય સમજી ન શકાય. પછી મેં જ જાતને ટપારી –અસ્થિ વિસર્જન ગમે ત્યાં તો ન જ થઇ શકે ને? વિસર્જનની સાથે આકાશની અશ્રુ અંજલી મળતી હોય એનાથી સારું બીજું શું? જે હોય તે, હું ત્યાં ચૂપચાપ સૂઈ રહ્યો હોત તો દેવાંગી એનું કામ પતાવીને આવી ગઈ હોત અને આને કંઈ ખબર જ ન પડી હોત. આત્મગ્લાનિથી મારું મન ભરાઈ ગયું .

‘દેવાંગી, કહે તો ખરી, આમ અડધી રાત્રે કેમ અહીં આવીને ઊભી છે?’

થોડી પળો સુધી સમય થંભી ગયો –હવે શું?

‘ચાલ અંદર, જો ને, ભીંજાઈ ગઈ છે, શરદી થઇ જશે.’

અવાજમાં ભારોભાર દરકાર હતી.

હાશ!

‘અરે તારણ, હું તો વોશરૂમમાં ગઈ હતી. પાછા નીકળીને જોયું તો આ અંકલ નીચે કૂદવા જતા હોય એવું લાગ્યું. એ તો સારું થયું મેં ઝડપથી આવીને એમનો હાથ પકડી લીધો, નહીં તો—–!’

દેવાંગી હવે બિલકુલ સ્વસ્થ હતી, પણ મને સહેજ લથડિયા જેવું આવી ગયું. જો તારણે એકદમ મારો હાથ પકડી ન લીધો હોત તો એ દિવસે મારો અનઈચ્છિત આપઘાત થઇ જાત.

વરસાદ હવે બંધ થઇ ગયો હતો. હું ક્યાંય સુધી ખુલ્લા બારણા પાસે ઊભો રહીને વળાંક લેતી ગાડીને જોઈ રહ્યો. મને મારા ડબ્બા સિવાય આગળના અને પાછળના બધા ડબ્બા દેખાતા હતા. આ આખી ઘટનાથી મને એટલું બધું છોભીલાપણું લાગતું હતું કે અંદર જવાનું મન જ ન હતું થતું. ખાસી વાર પછી મને લાગ્યું કે હવે પેલા બન્ને સૂઈ ગયા હશે એટલે હું મારી જગ્યા ઉપર પહોંચ્યો. ત્યાં જઈને જોયું તો દેવાંગીના ખોળામાં સુખડીનો ડબ્બો હતો અને બન્ને જણ એકબીજાને સુખડી ખવડાવી રહ્યાં હતાં. પેલા ડૂસકાં તો મહેમાન થઈને આવ્યા હોય એવી રીતે અદ્રશ્ય થઇ ગયાં હતાં. એની જગ્યા એક મોહક સ્મિતે લઇ લીધી હતી. તારણના હૈયામાં ઉડતો ગુલાલ ચહેરા ઉપરથી છલકાતો હતો. ચાલો, જે થયું એ સારા માટે થયું. એક ઘટનામાં મારું ખોટું નામ લેવાયું પણ એનાથી મને નુકશાન શું હતું?

તારણને પૂછીને હું ઉપર એની બર્થમાં સૂવા માટે જતો રહ્યો.

પણ ઊંઘ તો ક્યાંથી આવે? આખી રાત પેલા બે નું ‘ગૂટર ગૂ’ અને વચ્ચે વચ્ચે પાંખોનો ફડફડાટ સંભળાતો રહ્યો. મારું મન વિચારે ચડ્યું હતું. કાગળ પણ ક્યારેક કેટલો ભારે બની જતો હોય છે!  એનું વજન ગયા પછી  દેવાંગી કેવી સાવ હળવી પીંછા જેવી થઇ ગઈ હતી!  મૃતદેહને વિદાય કર્યાં પછી ઘરનું વાતાવરણ થોડુંક તો હળવું થઇ જ જતું હોય છે ને!

મેં ઊંઘવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ આંખ અને પાંપણો વચ્ચે આવીને બેસી ગઈ હતી એક નાની પોટકી, જે મારા લગ્ન થયા ત્યારથી મારી પત્નીના સાડીઓના કબાટમાં પાછળના ભાગમાં ટૂંટિયું વાળીને સૂતેલી હતી.


ગિરિમા ઘારેખાન
૧૦, ઇશાન બંગલોઝ
સુરધારા-સતાધાર રોડ, થલતેજ
અમદાવાદ-૩૮૦૦૫૪

Author: Web Gurjari

2 thoughts on “લોકશક્તિ ૨૨૯૨૮

  1. ખૂબ જ ગૂઢ વાર્તા… થીમ પણ જોરદાર..
    વાચકને અંત સુધી જકડી રખનારી રસપ્રદ નવલિકા 👌અભિનંદન ગિરીમાંબહેન

Leave a Reply

Your email address will not be published.