ફ્લોરેન્ટિનના નિયમો – ખો દઈ દેવાનાં વૈવિધ્યનો રોમાંચ

મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંતો

મર્ફીનો નિયમ અને તેનાં વિવિધ સ્વરૂપો

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

ફ્લોરેન્ટિનના નિયમો નિરાશાવાદ (મર્ફીના નિયમની નિપજ)અને આશાવાદ (પીટરના નિયમોની નિપજ)નું મિશ્રણ છે જેમાં રમૂજની પણ હાજરી રહે છે.

એટલે કે,

મર્ફીનો નિયમ

“જે કંઈ ખોટું થવાનું છે તે તો થઈને જ રહેશે.’

અને

પીટરનો નિયમ

‘જે કંઈ ખોટું થવાનું છે તેને સુધારી લો.’

ભળીને

ફ્લોરેન્ટિનનો નિયમ બને ત્યારે

તે બને છે

‘જે કંઈ ખોટું થઈ શકે છે તે બીજાં પર ઢોળી દ્યો.’

મૂળે વિરોધાભાસી હોવાને કારણે ફ્લોરેન્ટિનના નિયમો મર્ફીના નિયમ અને પીટરના નિયમનું મિશ્રણ કરીને ખાસ પ્રકારે આડે પાટે ચડાવે છે, સુધારે છે, સામાન્યીકરણ કરે છે, વિરોધોક્તિઓ કરે છે, વક્રોક્ત સ્વરૂપ કરે છે. તેજ રીતે રૂઢપ્રયોગો, કહેવતો, જાણીતાં વિચારકથનો, બહુ ચવાઈ ગયેલ રૂઢ કથનો, (ભૌતિકશાસ્ત્ર, ગણિત કે દર્શનશાસ્ત્ર વગેરેનાં) વૈજ્ઞાનિક પરિણામોના એ જ પ્રકારનાં મિશ્રણો છે. બીજા શબ્દોમાં કહીએ તો લોકબોલી, જાહેરાતો, સાહિત્ય કે જાણીતાં વ્યક્તવ્યોમાંના વિરાધાભાસી વિચારોની સરખામણી છે. [1]

જેમનાં નામથી ફ્લોરેન્ટિન નિયમ ઓળખાય છે તે ફ્લોરેન્ટિન સ્મરાન્ડાચેની બીજી મોટી ઓળખ ન્યુટ્રોસોફી (તટસ્થતાનું શાણપણ)[વિવાદશાસ્ત્રનું સામાન્યીકરણ]ના સ્થાપક અને છેક ૧૯૯૫થી ન્યુટ્રોસોફિક સેટ, તર્ક, સંભાવના અને આંકડાશાસ્ત્રનાં ક્ષેત્રમાં તેના સંદર્ભનાં સંશોધનોના સંદર્ભમાં કરવામાં આવે છે. [2]  ન્યુટ્રોસોફી એ દર્શનશાસ્ત્રની નવી શાખા છે જે તટસ્થતાનાં મૂળ, પ્રકાર અને વ્યાપનો  તેમજ  વિવિધ વૈચારિક માત્રાવિસ્તાર વચ્ચેની ક્રિયાપ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે. શબ્દવ્યુત્પત્તિશાસ્ત્ર અનુસાર ન્યુટ્રોસોફી એ તટસ્થ (ફ્રેંચમાં neutre, લેટિનમાં neuter)અને (ગ્રીક Sophia) કૌશલ્ય / શાણપણ – એટલે કે તટસ્થ વિચારોનું જ્ઞાનનું શાસ્ત્ર – છે. આ શબ્દપ્રયોગ પ્રયોજ્યો પણ ફ્લોરેન્ટિન સ્મરાન્ડાચેએ જ છે.

તત્ત્વતઃ આ સિદ્ધાંત દરેક વિચારબીજ/ વલણ <A>ની સાથે સાથે જ તેનું વિરૂદ્ધાર્થ કે નકારાત્મક <antiA> અને તેની વચ્ચે તેમના તટસ્થતાના સમગ્ર વિસ્તાર (એટલે કે <A> અથવા <neutA>ને સમર્થન ન આપતાં વિચારબીજ કે વલણ) ને વિચારણા માટે લે છે. <neutA> અને <antiA> મળીને જે વિચારબીજ ઉદ્‍ભવે તેમને <nonA> કહે છે. ન્યુટ્રોસોફીના સિદ્ધાંત અનુસાર દરેક વિચારબીજ <A>ને  <antiA>અને <nonA> તટસ્થ કરવાનું અને સંતુલિત કરવાનું વલણ ધરાવે છે અને એ રીતે એક પ્રકારની સમતુલાની સ્થિતિ પેદા કરે છે. [3]

ન્યુટ્રોસોફીના સિદ્ધાંત અને શબ્દપ્રયોગોની તડખડમાં ગયા સિવાય સરળ શબ્દોમાં એમ કહી શકાય કે ફોલોરેન્ટનના નિયમો મર્ફીના નિયમો જેવા નિરાશાવાદી કે પીટરના નિયમો જેવા આશાવાદી જણાવાને બદલે એક ભાગમાં થોડા નિરાશાવાદી અને થોડા આશાવાદી હોવાની સાથે, ન્યુટ્રોસોફીના તર્કને અનુસરીને બીજા ભાગમાં થોડા તટસ્થ (સંદિગ્ધાર્થક) જણાય.

તેમનાં ઉપરોકત પુસ્તક, Florentin’s Laws (If anything can go wrong pass it on to someone else!)  ,માં ફ્લોરેન્ટિન સ્મરાન્ડાચે જણાવે છે કે

તત્ત્વતઃ પીટરના નિયમો  વેબેરિયન (એવી માન્યતા કે સમર્થ સમાજનો પાયો તનતોડ મહેનતનું નીતિશાસ્ત્ર છે) જ્યારે મર્ફીનો નિયમ માલ્થુસ વિચારધારા (જે કંઇ ખોટું થવાનું છે તે નિયતિને કોણ ટાળી શકે)ને અનુસરે છે.   એ અર્થમાં, ફ્લોરેન્ટિનના નિયમો આ બે આત્યંતિક સ્થિતિઓ વચ્ચેની ઝેન અભિગમની નજદીકની પરિસ્થિતિ અનુસરતા કહી શકાય. એ અર્થમાં મહેનત કરવાની સાથે હળવાશ પણ માણતાં રહેવું  એવો અર્થ અભિપ્રેત થાય.

વિવેકસારનાં એક જાણીતાં વિચારકથનને થોડું જુદી રીતે કહીએ તો:

 “જે બદલી શકાય તે બદલવાની મને શક્તિ આપો
જે ન બદલી શકાય તે સહન કરી લેવાની શક્તિ આપો
પરિવર્તનો કરી શકવા માટે કોઈને વળગાડી દેવાની હિંમત આપો,
અને પરિવર્તન જાળવી રાખવા જેટલું શાણપણ આપો.”

ઍમૅલીઆ ગ્રિગોરેસ્કુ દ્વારા રજુ કરાયેલ વિડીઓ ક્લિપ, Florentin’s Law, માં ફ્લોરેન્ટિનના નિયમો બહુ સ્પષ્ટપણે જોવા મળે છે.

[1] Florentin’s Laws (If anything can go wrong pass it on to someone else!) – by Florentin Smarandache

[2] Florentin Smarandache

[3] Florentin Smarandache: Law of Included Multiple-Middle – Book Review

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.