દહેજની કુપ્રથા માત્ર કાયદાથી દૂર થશે નહીં

નિસબત

ચંદુ મહેરિયા

ગયા વરસના લગભગ આ જ દિવસોની એ દુર્ઘટના હતી. અમદાવાદની સાબરમતી નદીમાં ‘એ વહાલી નદી, પ્રાર્થું છું કે તું મને તારી ગોદમાં સમાવી લે” કહીને એક મુસ્લિમ મહિલાએ આત્મહત્યા કરી હતી. પરંતુ આ કોઈ સામાન્ય આપઘાતનો બનાવ નહોતો. આ યુવતીએ હસતાંહસતાં સ્વસ્થ ચિત્તે પોતાની સ્યુસાઈડ નોટ વીડિયો દ્વારા જારી કરી હતી. પતિ પ્રત્યે અગાધ પ્રેમ હતો પણ પતિ સહિતના સાસરિયાની દહેજની માગણીથી પિયરિયાં દુ:ખી હતા. આ બધાથી ત્રસ્ત થઈને એણે મજબૂરીમાં મરવાનું પસંદ કર્યું. હતું. દહેજમૃત્યુ  નહીં પણ ખરેખર તો દહેજહત્યા કે દહેજઆત્મહત્યાનો આ કોઈ એકલદોકલ બનાવ નથી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ દેશમાં દર કલાકે એક મહિલાને દહેજની કુપ્રથાને કારણે મરવું પડે છે.

ભારતમાં જ નહીં એશિયા, આફ્રિકા અને યુરોપના દેશોમાં દહેજની કુપ્રથાનું પ્રચલન છે. દહેજ એટલે લગ્ન પ્રસંગે કન્યા પક્ષે વર પક્ષને આપવા પડતાં ઘરેણા, રોકડ, બંગલો, કાર, ગૃહ ઉપયોગી જ નહીં મોજશોખની કહેવાય તેવી મોંઘી વસ્તુઓ વગેરે. આરંભે રાજીખુશીથી દીકરીને લગ્ન પ્રસંગે અપાતો કરિયાવર પછી વરપક્ષને ફરજિયાત આપવાનું દહેજ બની ગયો. તેણે એક એવી પ્રથાનું રૂપ લીધું કે પુત્રીના લગ્નમાં માબાપની જીવનભરની કમાણી ખર્ચાઈ જાય છે અને સામાપક્ષને જીવનભર ચાલે એટલું મળી જાય છે. દીકરી એ જાણે કે કોઈ ક્રય વસ્તુ હોય તેમ તેનો સોદો થાય છે. વર જેટલો શિક્ષિત અને મોભાદાર એટલું વધુ દહેજ ચુકવવું પડે છે. જાણે કે વહુએ સદાય માવતરના ઘરેથી માંગી લાવવાનું હોય તેમ દહેજની માંગણી લગ્ન પછી પણ ચાલુ રહે છે. માબાપ કે ભાઈ જો તે પૂરી ન કરે તો સાસરિયામાં દીકરીને મેણાટોણા કે શારીરિક-માનસિક અત્યાચાર જ નથી વેઠવા પડતા તેને મારી પણ નંખાય છે અને તેના મૃત્યુ પછી પેલો વર વધુ દહેજ લઈ આવતી અન્ય સ્ત્રી સાથે ફરી લગ્ન પણ કરી લે  છે.

રુરલ ઈકોનોમિક એન્ડ ડેમોગ્રાફિક સર્વે ૨૦૦૬ના આધારે વલ્ડ બેન્કે ૧૯૬૧ થી ૨૦૦૬ ના વરસો દરમિયાન થયેલા ચાળીસ હજાર લગ્નોનું અધ્યયન કરી ભારતની દહેજપ્રથા વિશે અભ્યાસ પ્રગટ કર્યો છે. વિશ્વ બેન્કના અભ્યાસ મુજબ ભારતમાં આજેય ૯૦ ટકા લગ્નો માબાપ અને વડીલો દ્વારા ગોઠવાય છે. ૧૯૬૦માં લગ્ન માટે છોકરા-છોકરીની પસંદગી અને સંમતિનું પ્રમાણ ૨૦ ટકા હતું જે ૨૦૦૫માં વધીને ૪૦ ટકા થયું છે. માબાપ અને વડીલોની પસંદગી પર ભારતીય લગ્ન સંસ્થા ઉભી છે. હાલમાં પણ ૯૫ ટકા લગ્નો ખુદની જ્ઞાતિ-પેટાજ્ઞાતિમાં અને ૮૦ ટકા લગ્નો ખુદના જિલ્લામાં થતા હોય ત્યારે દહેજનું ચલણ ઓછું થવું શક્ય નથી.

વિશ્વ બેન્કનું અધ્યયન જણાવે છે કે ભારતમાં ૧૯૪૦ પૂર્વે ૪૦ ટકા લગ્નોમાં જ દહેજ લેવાતું હતું. ૧૯૪૦ થી ૧૯૭૫માં તેમાં સતત વધારો થતો રહ્યો છે આજે ૯૦ ટકા લગ્નોમાં દહેજ લેવામાં આવે છે. દહેજની આ કુપ્રથા આજે ઘટી નથી પણ સ્થિર છે તેવું આ અભ્યાસનું તારણ છે. ‘મેરેજ માર્કેટ એન્ડ રાઈઝ ઓફ ડાવરી ઈન ઈન્ડિયા’ પુસ્તક અને વિશ્વ બેન્કના અભ્યાસમાં દહેજના આર્થિક મૂલ્યની પણ આંકણી કરવામાં આવી છે. ગ્રામીણ ભારતમાં ૨૦૦૭માં વાર્ષિક ઘરેલુ આવકના ૧૪ ટકા જેટલી રકમ દહેજ પાછળ ખર્ચાતી હતી. વરપક્ષ કન્યા પક્ષને ભેટ-પહેરામણી રૂપે સરેરાશ રૂ. ૫,૦૦૦ ખર્ચે છે પરંતુ કન્યા પક્ષને  વરપક્ષને આ જ પ્રકારની પહેરામણી અને ભેટ સોગાદ માટે સરેરાશ રૂ.૩૨,૦૦૦ એટલે કે વર કરતાં સાતગણી વધુ રકમ ખર્ચવી પડે છે.

લગ્નને જનમોજનમનું બંધન માનતા હિંદુ ધર્મ અને કરાર માનતા ઈસ્લામ સહિતના તમામ ધર્મોમાં દહેજની કુપ્રથા વ્યાપ્ત છે. દેશના સૌથી શિક્ષિત રાજ્ય કેરળમાં દહેજનું પ્રમાણ સર્વાધિક છે તો મુસ્લિમ બહુલ કશ્મીરમાં ગોપનીય વિષય રહીને પણ તે વ્યાપક ચલણમાં છે. ગુજરાત, હરિયાણા, હિમાચલ, પંજાબ અને કેરળમાં દહેજમાં વધારો થયો છે. દહેજને કારણે કન્યાના માતાપિતા સતત ચિંતામાં જીવે છે અને બેમોત મરે છે પણ તેમની દીકરી તો સાચેસાચ મરે છે.રાષ્ટ્રીય અપરાધ નોંધણી એકમના અહેવાલો મુજબ ૨૦૧૮માં ૭૧૬૭, ૨૦૧૯માં ૭૧૪૪ અને ૨૦૨૦માં ૬૯૬૬ મહિલાઓને દહેજને કારણે મરવું પડ્યું હતું.

આઝાદીના બીજા જ દાયકે ૧૯૬૧માં દહેજ પ્રતિબંધક કાયદો ઘડાયો હતો. ઈન્ડિયન  પિનલ કોડમાં ૧૯૮૩માં કલમ ૩૦૪-બી અને ૧૯૮૬માં ૪૯૮-એ ઉમેરવામાં આવી હતી. દહેજના દૂષણને ડામવા કરવામાં આવેલી કાયદાકીય જોગવાઈઓ મુજબ દહેજ આપવી કે લેવી બંને ગુનો છે. દહેજની વ્યાખ્યાને પણ વધુ વ્યાપક કરવામાં આવી છે. મહિલાઓને દહેજ ઉત્પીડન સામે રક્ષણ આપવાનો આ કાનૂની જોગવાઈઓનો ઉદ્દેશ છે. જોકે સઘળી કાયદાકીય જોગવાઈઓ બિનઅસરકારક રહી છે અને દહેજ બેરોકટોક લેવાય છે. તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે દહેજ પ્રતિબંધક કાયદાને વધુ કડક અને અસરકારક બનાવવા કાયદા પંચને પણ સૂચવ્યું છે. અદાલત કાયદાના થતા દુરુપયોગ અંગે પણ ગંભીર છે.

દહેજ જેવા દૂષણો માત્ર કાયદાથી દૂર થઈ શકે તેમ નથી. તે માટે સામાજિક વલણો પણ બદલવાની જરૂર છે. ભારતીય જનમાનસમાં દહેજપ્રથા લગ્નનો અવિભાજ્ય હિસ્સો અને અનિવાર્ય રસમ બની ગઈ છે. તેથી દહેજ વિરોધી જાગ્રતિ અને સમાજ સુધારાની વધુ જરૂર જણાય છે. દહેજને કારણે સ્ત્રી-પુરુષ  અસમાનતા, દીકરીને બોજારૂપ ગણવાનો ખ્યાલ દ્રઢ બની શકે છે. શિક્ષણ અને રોજગારમાં અવ્વલ રહેતી સ્ત્રીઓ લગ્નના બજારમાં દહેજને કારણે પાછળ રહે છે. સમાજમાં દહેજના લાભ ગણાવવાનું પણ વલણ જોવા મળે છે. દીકરીઓને પૈત્રુક સંપત્તિમાં વારસો આપવાને બદલે દહેજ આપીને સંતોષ મનાય છે.

લગ્નની ફરજિયાત નોંધણી અને સ્ત્રીને લગ્ન પ્રસંગે અપાતી તમામ ભેટ સોગાદોની નોંધણી પણ દહેજને ડામી શકે છે. દહેજ રૂપી સ્ત્રીધન પર એક માત્ર અધિકાર સ્ત્રીનો જ ગણાવો જોઈએ. કડક કાયદાનો અમલ કરાવનારું તંત્ર જ જો દહેજની તરફદારી કરનારું હશે તો ધાર્યું પરિણામ નહીં મળે દહેજની કુપ્રથા નાબૂદ કરવા માત્ર મહિલાઓનો જ નહીં સમગ્ર સમાજનો એક સૂરમાં વિરોધ ઉઠવો જોઈએ.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “દહેજની કુપ્રથા માત્ર કાયદાથી દૂર થશે નહીં

  1. ભેટસોગાદની નોંધણી ફરજિયાત કરવામાં આવે, અમુક હદથી વધુ રકમની ભેટ હોય તો કાયદેસર પગલાં લેવાય એવી જોગવાઈ હોય તો ફરક પડે. જો કે સરકારી અધિકારીઓ માટે બે નંબરી આવકનું એક વધુ સાધન ઉપલબ્ધ થઈ જાય એ પણ ધ્યાનમાં રાખવું રહ્યું. પણ કાયદા કરતાં જનજાગૃતિ થાય એની વધુ જરૂર છે.

Leave a Reply

Your email address will not be published.