પાગલ ઘરમાં આશાનો ઝળહળતો દીપક!

લ્યો, આ ચીંધી આંગળી

(પાગલ ગણાતાં મનુષ્યોની સંભાળ રાખતી સંસ્થાની કરુણા-કથા)

રજનીકુમાર પંડ્યા

છેક ૧૯૮૪ની સાલથી ટ્રક ડ્રાઇવરી કરીને ગુજરાન ચલાવતા વણધાભાઈ પરમાર જ્યારે અનેક ટ્રકમાલિકોની નોકરી કર્યા પછી પોતાની ખુદની ટ્રક ચલાવતા થયા, ત્યારે એમણે જેને ગુરુ ધાર્યા હતા તે વિરમદાબાપુએ એક લીટીનો ગુરુમંત્ર આ અલ્પશિક્ષિત શિષ્યને આપ્યો હતો: ‘વણધાભાઈ, જેનું કોઈ ન થાય, તેના તમે થાજો. તો તમારો ઉપરવાળો થાશે.’ –આ મંત્ર તો વણધાભાઈના મનમાં બેસી ગયો હતો, પણ એનો અમલ એટલે શું? અને ખબર પડે તોય એ કેવી રીતે કરવો? જેનું કોઈ ના થાય એવું તે કોણ અભાગિયું હોય અને એ ઓળખાણ-પિછાણ વગર આપણને શું કરવા મળે? આવા વિચારો એમને ટ્રક ચલાવતા ચલાવતા આવતા હતા. એવામાં એક દિવસ એ ટ્રક લઈને આ દરિયાકિનારાના હાઈવે પરથી પસાર થતા હતા. એક બાઈ આડી ઊતરી. વણધાભાઈએ ચિચિયારીનો અવાજ થાય એવી જબરદસ્ત બ્રેક મારી. બાઈ બચી તો ગઈ. વણધાભાઈ નીચે ઊતર્યાને બાઈને લાફો ઝીંકી દેવા જતા હતા, ત્યાં એમનો ઊપડેલો હાથ થંભી ગયો. બાઈ તો ખિખિયાટા કરતી હતી! લૂગડાંનું ઠેકાણું નહોતું ને દિનદશાનું પણ ભાન નહોતું. એટલી બધી ગંધ મારતી હતી, કે સો દહાડાથી નહાઈ પણ નહીં હોય. આની પર ખિજાવું તો ખિજાવું પણ કઈ રીતે? કોણ જાણે કેટલાય દિવસથી ખાધું-પીધું પણ નહિ હોય. બીજું કાંઈ ના સૂઝ્યું, એટલે વણધાભાઈએ ટ્રકમાંથી પાણી ભરેલો કેરબો (મોટું કન્ટેઈનર) કાઢ્યો ને રસ્તાને કોરાણે જઈને બાઈને માથે ઠાલવી દીધો. આ રીતે ‘નવડાવી’ બાજુમાં પરોઠા હાઉસ હતું ત્યાંથી ખાવાનું લાવીને ધર્યું, તો ખુશ ખુશ થઈને ઝાપટી ગઈ. ને પછી ‘ક્યાં જવું છે તારે?’એમ પૂછ્યું, ત્યારે એ સવાલ પોતે જ મોટી ‘કારુણી’ બની રહ્યો. કારણ કે, વાતે વાતે ખિખિયાટા કરતી એ બાઈ, આ સવાલ પછી એકદમ શૂન્યમનસ્ક બની ગઈ. છેવટે વણધાભાઈ એને પોતાને ગામ ગરધર-જે માધવપુરથી નવ કિલોમિટર દૂર છે, ત્યાં લઈ આવ્યા.

ગમે તેમ, પણ એ પોતાની ઓળખ ભૂલી ગયેલી- (આઈડેન્ટિટી) ગુમાવી બેઠેલી પ્રૌઢા વણધાભાઈને ‘મામા’, ‘મામા’ કહેવા માંડી અને ત્યાં જ રહી પડી.

(એકલોઅટૂલો રહેવા ઈચ્છતો આદમી)

આ વેરાવળ પોરબંદર કોસ્ટલ (દરિયાઈ કાંઠાનો) હાઈવે છે. જેવું ભુજનું, તેવું જ વેરાવળનું – ટ્રેનનું છેલ્લું સ્ટેશન! ક્યાંયથી પણ ગાડીમાં ચડી બેઠેલા અહીં છેલ્લે ઊતરી પડે. ભારતભરમાંથી પોતાની આઈડેન્ટિટી ગુમાવી ચૂકેલા ગાંડાઓ અહીં ઊતરી પડે ને કિનારે કિનારે ચાલતાં ચાલતાં અહીં માધવજીરાયના મંદિર એટલે કે માંગરોળ નજીકના માધવપર સુધી આવી પહોંચે ને પછી વણધાભાઈની આ ઝૂંપડી જેવી જગ્યા જુએ એટલે આશરો પામે. આ પ્રૌઢા પછીનો પહેલો પાગલ આવ્યો તે જીવરાજ નામનો એક હરિજન. સાવરકુંડલાનો હતો. થોડા દિવસ રહ્યો, રોટલા-પાણીને આશરો મળ્યો, માથે હાથ ફેરવનારા વણધાભાઈ મળ્યા– એટલે ધીરે ધીરે એના ઉન્માદમાં ઠારકો આવ્યો. ફાટી ગયેલા જૂના કાગળના ટુકડાના સાંધા કરો અને કાગળ કંઈક ઊકલે, એમ એની ઓળખ ઉકેલી. તો મૂળ મુકામ સાવરકુંડલા ઉપરાંત ઠામઠેકાણું પણ મળ્યું. વણધાભાઈ ટ્રકમાં એને ત્યાં જઈને મૂકી આવ્યા.

(શૂન્યમનસ્ક)

ધીરે ધીરે આજુબાજુના ગામોમાં ખબર પ્રસરવા માંડી કે આ વણધાભાઈ પરમાર નામનો એક ટ્રક ડ્રાઇવર – જેના બે છોકરાં સામાન્ય ખેતી કરે છે, તે પોતાના ગુરુ વિરમદાના બે લીટીના ગુરુમંત્રનું આ રીતે પાલન કરે છે, ત્યારે લોકોના મનમાં એ ‘રજિસ્ટર્ડ’ થવા માંડ્યું. મૂળ માંગરોળના, પણ મુંબઈ રહેતા વ્યાપારી જયંતીભાઈ શાહ અને બીજા એવા જ એમના જેવા જ શ્રેષ્ઠીઓ, કે જેમના માંગરોળમાં થોડાં સેવાકાર્યોનાં ટ્રસ્ટો ચાલે છે, એમણે દરિયાકિનારાની આ જગ્યા ઉપર આ આશ્રમને લાયક બાંધકામ કરાવી આપ્યું.

(મામા પાગલ આશ્રમના અંતેવાસીઓ)

આ વાત ધીરે ધીરે પહોંચી દૂરદર્શન સુધી. દૂરદર્શને જૂનાગઢ વિસ્તારના એમના પ્રતિનિધિ દિવ્યેશકુમારને આનો વૃત્તાંત આપવાની કામગીરી સોંપી. દિવ્યેશકુમારના દોસ્ત જૂનાગઢના સાઇકિયાટ્રિસ્ટ ડૉકટર બકુલ બૂચ. એ પણ એમની સાથે ત્યાં ગયા ને વણધાભાઈને જોયા. ઓગણીસ ગાંડાઓને ત્યાં જોયા ને પૂછ્યું, ‘આ લોકોને તમે કેવી રીતે સાચવો છો?’ જવાબ મળ્યો: ‘રોટલાં-પાણી દઈએ, એમને બને તેટલાં સાફ-સૂથરા રાખીએ. એમના ઉધામા જરાય ગરમ થયા વગર સહન કરી લઈએ. બીજું શું?’ (એક આડવાત. આજે અહીં પચાસ જેટલાં સ્ત્રી-પુરુષ દર્દીઓ છે.) ડોકટર બૂચે કહ્યું: ‘જુઓ, આ બધા જ નરાતાર ગાંડા (ઇન્સેઇન) નથી. કેટલાંક માનસિક અવિકસિત, કેટલાંક સ્ક્રિઝોફેનિક, તો કેટલાંક સાવ પાગલ છે. એમને સાચવી લેવાં, એ તો લૂગડાંને મેલાંના મેલાં કબાટમાં ડૂચાની જેમ ઘાલી રાખવા જેવું છે. એને ધુઓ તો એ પહેરવા લાયક બને. નહિ તો આપણને માત્ર એને સંઘરી રાખ્યાનો સંતોષ મળે. ચાલો, એક કામ કરો. આજથી એ લોકોના નિદાનની અને દવા-સારવારની જવાબદારી મારી. હું એના રૂપિયાની જોગવાઈ મારા સર્કલમાંથી કરી લઈશ.’

ને ખરેખર એમણે બોલ્યું પાળ્યું. બધું જ કરી આપ્યું. આ વાત સાલ ૨૦૦૩ની.

નેધરલેન્ડની સરકારે ગુજરાતના માનસિક રોગીઓની સારવાર, સાચવણી અને પુનર્વસનના ક્ષેત્ર માટે સરકાર દ્વારા વાપરવા નિર્ધારેલું ફંડ તો જ વાપરી શકાય, કે જો એ પ્રાપ્ત કરનાર કોઈ એફ.સી.આર.એ (વિદેશથી દાન મેળવવા માટે મળતું લાઇસન્સ) ધરાવનાર સંસ્થા હોય. આ મામા પાગલ આશ્રમ કોઈ એવી નહોતી કે જેની પાસે આવું લાઇસન્સ હોય. પણ જૂનાગઢના મનોચિકિત્સક ડૉ. બકુલ બૂચની એક મુલાકાતે એ સુયોગ રચી આપ્યો. એ જૂનાગઢના ‘હાટકેશ હેલ્થ ફાઉન્ડેશન’ના ટ્રસ્ટી હતા જ. (અને છે જ.) વળી ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટની જે ટીમે સર્વે કરીને આ વિષયમાં ચારસો પાનાનો સ્ટડી રિપોર્ટ તૈયાર કર્યો હતો, તેના સંપર્કમાં પણ એ હતા. ગવન્મેન્ટના સાઇકિયાટ્રિસ્ટ ડૉ.આર.એસ. બાકરે, ડૉ.અનિલ શાહ, ડૉ.વણકર જેવા અન્ય મનોચિકિત્સકો ઉપરાંત સાઇકિયાટ્રિક સોશિયલ વર્કર્સ અને બીજા સોશિયલ વર્કર્સ સાથે એક નહિ, પણ શ્રેણીબદ્ધ બેઠકો કરી. ડૉ. બાકરેએ જ સૂચન કર્યું કે, નેધરલેન્ડથી આવેલા ફંડનો જો આ ‘મામા પાગલ આશ્રમ’ સાથે રહીને મનોરોગીઓના પુનઃ સ્થાપનના ક્ષેત્રે સંકલિત ઉપયોગ કરવો હોય, તો એફ.સી.આર.એ ધરાવનાર ‘હાટકેશ હેલ્થ ફાઉન્ડેશન’ દ્વારા ઍપ્લિકેશન કરાવી જોઈએ.

એ સૂચનનો બહુ સફળ રીતે અમલ થયો. ‘હાટકેશ હેલ્થ ફાઉન્ડેશન’ એ રીતે જૂનાગઢથી ૯૬ કિલોમીટર દૂર પોરબંદર જિલ્લામાં જ માધવરાયજી મંદિરથી સુવિખ્યાત એવા માધવપુરના દરિયાકિનારે આવેલા ગરસર ગામના ‘મામા પાગલ આશ્રમ’ સાથે ડૉ. બકુલ બૂચના માધ્યમથી સંલગ્ન થયું. અને એ રીતે આ બધાં એકમો વચ્ચે શરૂઆતમાં કડીરૂપ બન્યું. અલબત્ત, પાછળથી એની ભૂમિકાની ઝાઝી જરૂર ન રહી. જૂનાગઢના આઝાદ ચોક પાસે આવેલા રેડક્રોસ સોસાયટીના મકાનમાં જ એક ડે-કૅર સેન્ટરનો નવો કૉન્સેપ્ટ અમલમાં આવ્યો. એ ડે-કૅર સેન્ટર (માનસિક રોગીઓને દિવસભર સાચવી લેતું સેવા કેન્દ્ર)નું નામ છે ‘આશાદીપ’. એના માટે વર્ણનાત્મક શબ્દો છે ‘સાયકો સોશિયલ રિહેબિલિટેશન સેન્ટર’ જેનો સાવ સરળ અર્થ થાય છે કે આવા દર્દીઓ રાતે ભલે સ્વનિર્ભર, પોતપોતાના પરિવારમાં રહે. પણ દિવસ દરમિયાન જ્યારે ઘરનાં બીજાં સભ્યો પોતાના કામમાં વ્યસ્ત હોય અને આવા દર્દીઓને સંભાળવાનું બને તેમ ના હોય ત્યારે આ કેન્દ્ર એને પ્રેમથી સાચવી લે. એટલું જ નહીં, પણ તેમને કોઈ રચનાત્મક માર્ગે વાળે, યોગ્ય થેરપીથી એમના ઉન્માદો શમાવે અને ફરી એમને કુટુંબમાં રહેવાલાયક નોર્મલ મનઃસ્થિતિવાળા બનાવે, ને ઘરમાં એનું પુનઃસ્થાપન કરી આપે. આ માનસિક રોગીને હૂંફ આપતું ‘આશાદીપ ફાઉન્ડેશન.’

(ડૉ. બકુલ બૂચ)

લોકો જૂનાગઢના આ ડે–કૅર સેન્ટર ‘આશાદીપ’ને મધર સેન્ટર કહે છે. કારણ કે, મૂળભૂત રીતે એ આવા રોગીઓ માટેનું તાલીમ કેન્દ્ર અને સારવાર કેન્દ્ર એમ બન્ને હેતુઓ પાર પાડવા માટેનું કેન્દ્ર છે. અહીં દર્દીને સવારે દસ વાગ્યે એનાં ઘરવાળાં મૂકી જાય અથવા જાતે આવી શકે તેવા હોય એ જાતે આવે ને સાંજે છ વાગ્યા સુધી રહે.

આવું સેન્ટર ચલાવવું એ માટે માત્ર મનોચિકિત્સક હોવું જ પૂરતું નથી. બીજી અનેકવિધ કુશળતા જોઈએ. એ માટે ડૉ. બકુલ બૂચ નિમાન્સ ગયા અને અઠવાડિયાની ટ્રેનિંગ લઈ આવ્યા. એ ઉપરાંત બીજી અગત્યની વાત એ કે આ પ્રોજેક્ટમાં, ડે-કૅર પ્રોજેક્ટમાં કે મામા પાગલ આશ્રમ એની સાથેના જોડાયેલા પ્રોજેક્ટમાં દવા આપવાની જોગવાઈ નથી. કારણ કે મેન્ટલ હેલ્થ એક્ટ હેઠળ અધિકૃત હોસ્પિટલ સિવાય કોઈ પણ દ્વારા મનોરોગીની દવા કરી શકાતી નથી. પણ આ ડે-કૅર સેન્ટર ‘આશાદીપ’ એ રીતે લાઇસન્સ્ડ સાઇકિયાટ્રિસ્ટના સહયોગમાં હોવાથી એ પ્રશ્ન નડતો નથી. જૂનાગઢમાં રહેતા માનસિક ઉન્માદવાળા સ્ક્રિઝોફેનિક કે એવાં દર્દીઓને ડે-કૅર સેન્ટરમાં સંભાળી લેવામાં આવે અને માધવપુરના મામા પાગલ આશ્રમમાં રહેતાં પાગલોની સારવાર, સંભાળ ત્યાં નિયમિત મુલાકાત લઈને લેવામાં આવે. આ આખોય પ્રોજેક્ટ એની અંદર આવેલા એકબીજાના પૂરક એવા બે પ્રોજેક્ટોનો બનેલો છે, જેને સરકારનું નિયંત્રણ અને મદદ બન્ને સ્પર્શે છે.

(ડૉ. બકુલ બૂચ અને એક મનોબધિર)

દર્દી ડે-કૅર સેન્ટરમાં રહે એ દરમિયાન એમને પ્રેમાળ, હૂંફાળા વાતાવરણમાં ટ્રેઈન્ડ સ્ટાફ દ્વારા થેરપીનો લાભ મળે. આવનારાં દર્દીની સ્થિતિનું વિશ્લેષણ કરીને એને કઈ થેરપીથી વધુ સુધારો થશે એ નક્કી કરવામાં આવે. હવે તો મુંબઈના જૈન વણિક જયંતીભાઈ શાહે દર્દીઓને લાવવા-મૂકવા માટે એક વાન પણ આપી છે, જે અન્ય કટોકટીમાં પણ કામ આવે. આ ડે-કૅર સેન્ટરમાં એક ફુલટાઇમ ક્લિનિકલ સાઇકૉલૉજિસ્ટ, એક પાર્ટટાઇમ ક્લિનિકલ સાઇકૉલૉજિસ્ટ, એક મૅનેજર-કમ-એકાઉન્ટન્ટ, એક ફુલટાઇમ ઑક્યુપેશનલ થેરપિસ્ટ ઉપરાંત બીજા આઠેક જણનો સ્ટાફ છે. સારવાર લઈ શકે અને પુનઃ સ્થાપિત થઈ શકે તેવા મંદબુદ્ધિ (મેન્ટલી રિટાર્ડેડ) દર્દીઓને પણ સારવાર અને તાલીમ આપવામાં આવે છે. સરકાર તરફથી પચ્ચીસેક દર્દીઓને સાચવી લેવાની જોગવાઈનું ફંડ મળે છે. પણ અહીં તો પાંત્રીસ જેટલાંને રાખવાનો બોજ ઉપાડવાનો આવ્યો છે. વળી આ ક્ષેત્રમાં કામ કરતા પ્રૉફેશનલ્સ, જેવા કે સાઇકૉલૉજિસ્ટ, ઑક્યુપેશનલ થેરપિસ્ટ, સોશિયલ વર્કર્સ, સાઇકિયાટ્રિક નર્સીસ જેવા લોકો માટે પણ અહીં તાલીમ મળી રહે છે. આવાં વીસેક જણનો સમાવેશ થાય તેવી જોગવાઈ છે. સરકારની મદદ મર્યાદિત જ હોય તે સ્વાભાવિક છે. પણ જ્યાં સુધી પેલા પ્રોજેક્ટનું ફંડ હતું, ત્યાં સુધી સવારે ચા-પાણી, બપોરે ભોજન અને સાંજે નાસ્તો આપી શકાતો હતો. પણ હવે નાણાંની ખેંચ છે. એ બધું પરવડે તેમ નથી, છતાં ડૉ.બકુલ બૂચ જાતે અને મિત્રો પાસેથી મદદ મેળવીને એ કરી રહ્યા છે. દર્દીઓનાં વાલીઓ સાથે અવારનવાર બેઠકો કરતા રહે છે, ને એ સૌની લાગણી ગમે તે ભોગે એ જારી રાખવાની છે. પણ એ શક્ય તો જ બને કે જ્યારે બહારના માનવધર્મી દાતાઓનો આર્થિક ટેકો મળે. દર મહિને પગાર, ભોજન, ભાડું વગેરે બધું થઈને રૂપિયા એક લાખનો ખર્ચ છે.

(દવાઓનું વિતરણ)

એક વાર કોઈના સૂચન પ્રમાણે, સમય સવારના દસથી સાંજના છને બદલે અગિયારથી પાંચ રાખવામાં આવ્યો. જેથી દર્દી સવારે તો ઘેરથી જમીને આવે. પણ તોય બપોર પછી તો ચા-નાસ્તો આપવો જ પડે. એના ખર્ચ માટે કોઈ દર્દીના વાલી મહિને બસો રૂપિયા આપે છે, તો કોઈ એટલા પણ ન આપી શકે એવી સ્થિતિનાં છે.

‘મામા પાગલ આશ્રમ, માધવપુર’ જે પણ આ પ્રવૃત્તિના એક અંગરૂપ છે, ત્યાં એવાં રખડતાં-ભટકતાં પાગલો આવે છે, કે જે આ પહેલાં કોઈ પણ સાઇકિયાટ્રિસ્ટની સારવાર નીચે નહોતાં. જ્યારે જૂનાગઢના આ ‘આશાદીપ ડે-કૅર સેન્ટર’માં દર્દીઓ એવાં આવે છે, કે જે નિષ્ક્રિય હોય અને જેમનું આત્મસન્માન બિલકુલ ‘ડાઉન’ થઈ ગયું હોય. એમનાં પરિવારમાં પણ એમની કોઈ કિંમત ન રહી હોય. અહીં આ સેન્ટરમાં બે-ત્રણ સાઇકિયાટ્રિસ્ટ અને થેરપિસ્ટની સારવાર અને દેખરેખ નીચે આવ્યા પછી એમનામાં કામ કરવાની ધગશ પેદા થાય છે. એટલે અહીં એમને જાતજાતની કામગીરી શિખવાડાય છે. ફિનાઈલ બનાવતાં, પગલૂછણિયાં બનાવતાં, મીણબત્તી જેવી લગભગ ત્રેવીસ જેટલી વસ્તુઓ દર્દીની વ્યક્તિગત રુચિ અને કુદરતી ક્ષમતા પારખીને બનાવતા શિખવાડાય છે. એ પછી એનું વેચાણ કરવાનું આયોજન પણ એમને એમાં સામેલ કરીને ગોઠવાય છે.

જૂનાગઢ જિલ્લાનાં નવસો ગામડાંઓમાં ૧૬.૫ (સોળ પોઈન્ટ પાંચ) ટકા વસતીને એક યા બીજા પ્રકારના માનસિક રોગો છે. એમાં કૉમન મૅન્ટલ ડિસૉર્ડર અને બીજો સિવિયર મૅન્ટલ ડિસૉર્ડર જેવા બે ભાગ છે. અકારણ વ્યગ્રતા, ડિપ્રેશન, હતાશા, નિરાશા જેવા રોગો વચ્ચે તો માણસ પોતાનું રોજિદું કાર્ય કરી જ શકે, પણ અચાનક આપઘાતને માર્ગે પણ જઈ શકે. વિશ્વમાં વરસેદહાડે દસેક લાખ લોકો આપઘાતથી મરે છે. જ્યારે સિવિયર મૅન્ટલ ડિસૉર્ડર એટલે નરાતાર પાગલ-ગાંડા. આવા લોકો ભારતમાં લાખોની સંખ્યામાં છે. એવા રોગીઓની કારુણી એ છે કે એ લોકો રોગી હોવા છતાં તેમની પાસેથી નીરોગી જેવા વર્તનની અપેક્ષા રાખવામાં આવે છે, જે પૂરી ન પડાતાં તેમને માર મારવામાં આવે છે અથવા ભૂવા-ભારાડીને હવાલે કરી દેવામાં આવે છે. જ્યાં તેમને અનેક રીતે સતાવવાથી માંડીને ડામ સુદ્ધાં દેવામાં આવે છે.

(મામા પાગલ આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓ)

ક્યાં એક અલ્પખ્યાત ગુરુના ગુરુમંત્રથી પ્રેરાઈને મામા પાગલ આશ્રમના આકસ્મિક સ્થાપક બનનાર ટ્રકડ્રાઇવર વણધાભાઈ પરમાર, ક્યાં જૂનાગઢના ડે-કૅર સેન્ટરના પ્રણેતા ડૉ. બકુલ બૂચ અને મિત્રો, ક્યાં નેધરલેન્ડ તરફથી મળેલી પ્રાથમિક સહાય! આ ત્રિભેટાની વચ્ચે ઊભા છે ત્રસ્ત, પીડિત, હડધૂત અને હડકારાયેલાં પાગલ-અર્ધપાગલ, હતાશાગ્રસ્ત, શૂન્યમનસ્ક એવાં શાપિત લોકો! આજ સુધીમાં ઓછામાં ઓછા સાતસોથી આઠસો દર્દીઓને સ્વસ્થ કરીને તેમના પરિવારોમાં પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યા છે અને એંસી જેટલા મનોરોગીઓ હાલ સારવાર અથવા તાલીમ હેઠળ છે.

મામા પાગલ આશ્રમ તો માધવપુર, માંગરોળ પાસે, જિલ્લો-જૂનાગઢના દરિયાકિનારે છે, પણ વધુ માહિતી મળે

‘આશાદીપ ડે-કૅર સેન્ટર’, રેડક્રોસ ભવન, ડૉ.બકુલ બૂચ, આઝાદ ચોક પાસે, જૂનાગઢ –૩૬૨૦૦૧. | ફોન સંપર્ક:+૯૧-૨૮૫-૨૬૫૪૦૬૭| મોબાઈલ-૯૯૦૯૨ ૨૦૩૩૦ અને ૯૮૨૫૨ ૨૦૩૩૦. | ઇ-મેઈલ સંપર્ક:bakubuch@gmail.com         //

મદદ:આશાદીપ ચૅરિટેબલ ફાઉન્ડેશન નામે મોકલી શકાય.


(નોંધ- લેખ થોડા વર્ષ અગાઉનો છે. આજની સ્થીતીમાં થોડો વધુ વિકાસ હોઇ શકે. એ જાણવા માટે ડૉ.બકુલ બુચનો સંપર્ક કરી શકાય.)


લેખકસંપર્ક
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

8 thoughts on “પાગલ ઘરમાં આશાનો ઝળહળતો દીપક!

 1. સૌથી અઘરું કામ કરે છે વણઘાભાઈ અને બુચ સાહેબ.જેમાં સતત સમય અને પૈસો જરૂરી છે.

 2. ડો. બુચસહેબ અને રજની ભાઈ આપ ઉભય ની જોડી ખૂબ સરસ કાર્ય કરી રહી છે.
  રાજનીભાઈ એ જ્યારે જ્યારે આંગળી ચીંધવાની વાત કરી છે ત્યારે ત્યારે કઈક ધૂણી ધખાવીને બેઠેલા સમજસેવી ની વાત જાણવા મળેછે.
  વણધાભાઈને વંદન અને તેમની આ સેવા પ્રવૃત્તિને સમાજનો સહકાર મળે તેવી શુભેછા

 3. Great social help by one mantra given by Virmada bapu & sincerity of Vandhabhai parmar & then Dr Bakul Buch & Netherland govt help & lastly Rajnibhai who spread widely any useful message like fire in his big readers group .many thx

 4. રજનીભાઈ ,
  ખૂબ સરસ.
  ગામ નું નામ *ગોરસર* છે. ગ ગોરજ અને ગોરસર નો ગ. અનુબેન ( ગોરજ ) અને વણઘા ભાઈ ( ગોરસર ) બંને એ જેમનું કોઈ નહીં તેમનો હાથ ઝાલ્યો અને ઇતિહાસ રચાયો.
  બાજુના કડછ ગામે મારા પપ્પા ડોકટર હતા અને હું 7 ધોરણ સુધી ત્યાં ભણ્યો. કડછ ના મારા એક મિત્ર જેસાભાઈ પણ ત્યાં સેવા આપે છે.
  વણઘા ભાઈ ( વિસ્તારમાં મામા તરીકે જ ઓળખાય છે, આવા નિરાધાર લોકોની ડબલ મા તરીકે કામ કરે છે એટલે નામ પણ અનાયાસે યોગ્ય જ મળ્યું છે)
  ડૉ બકુલભાઈ ના આશાદિપ ટ્રસ્ટમાં અમે થોડા મિત્રો ભલે ટ્રસ્ટી હોઈએ પણ મને કહેવા દો કે ડૉ બકુલભાઈ વન મેન આર્મી છે.
  માધવપુર પોરબંદર કોસ્ટલ હાઇવે પર , રોડ પર જ આવેલ આ મામા પાગલ આશ્રમ ની મુલાકાત લેવા જેવી છે. બાકીની સ્ફુરણા ઓટોમેટિક જ થશે.
  ડૉ સુરેશ કુબાવત
  ફિજીસિયન
  મુનિ સેવા આશ્રમ
  ગોરજ, વાઘોડિયા, વડોદરા , ગુજરાત.
  02668265300

 5. મનોરોગ શું છે એ જાણ્યા કે સમજ્યા વગર એને ભૂવા-ભારાડીને હવાલે કરતા અણઘડ લોકો છે તો વણઘાભાઈ અને બુચ સાહેબ જેવી સંવેદનશીલ વ્યક્તિઓ પણ છે જે આવા નિસહાય લોકોનું જતન કરે છે, ત્યારે થાય કે જેનું કોઈ નથી એનું કોઈ સ્વરૂપે ઈશ્વર જતન તો કરે જ છે.

 6. Dr Buch, Many congratulations for doing this noble work for the society! I m proud of Dr Soham also who’s working closely with such people!
  Keep doing this great work! God bless you all.

 7. This needs to be translated into English and submitted to Readers Digest for wider publicity
  because this is an extraordinary service by a ordinary truck driver

Leave a Reply

Your email address will not be published.