નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૬૬

નામ ગમે તેનું હોય, કહેવાય તો કુટુંબની સંપત્તિ!

નલિન શાહ

પરાગના મરણના પંદર દિવસ બાદ કુટુંબના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધર્મેશભાઇ માનસીનો સમય લઈ એને મળવા આવ્યા. પરાગની આવક અને એના પૈસાના રોકાણની બાબતમાં કદી માનસીએ રસ નહોતો લીધો. ધર્મેશભાઈ પૈસાની બાબતમાં માનસીની ઉદાસીનતાથી અજાણ નહોતા. જાણીતી કંપનીના શેરો અને પ્રોપર્ટીમાં કરેલાં રોકાણની કિંમત કરોડોમાં અંકાય એમ હતી. રોકાણને લગતાં જરૂરી કાગળો એમણે માનસીના હાથમાં મૂક્યા. પરાગની મિલકતની હકદાર કેવળ માનસી હતી. રજા લેતાં પહેલાં અચકાતાં અચકાતાં એમણે માનસીને જણાવ્યું કે પરાગે સારા એવા પૈસાનું રોકાણ સોનામાં કર્યું હતું જેની વિગતવાર જાણકારી એમની પાસે નહોતી, કારણ એ પરાગની ગુપ્ત બાબત હતી. માનસીને સમજવામાં વાર ન લાગી કે ધર્મેશભાઈનો ઇશારો પરાગની જાહેર ન કરેલી કમાણી તરફ હતો. સાંભળીને માનસીએ કોઈ કુતૂહલ કે ઉત્કંઠા ના બતાવી.

‘વર્ષોથી તમારા કુટુંબની સંપત્તિની જાળવણી અમારી કંપની કરતી રહી છે.’ ધર્મેશભાઈએ નરમાશથી કહ્યું, ‘એટલે તમારે કોઈ સલાહ-સૂચનોની જરૂરિયાત જણાય તો તમે અમારા પર અવલંબી શકો છો.’

‘હાલ પૂરતી તો કોઈ જરૂરિયાત જણાતી નથી, પણ જરૂર પડ્યે તમને જરૂર જણાવીશ.’ આભાર વ્યક્ત કરી માનસીએ એમને વિદાય આપી.

માનસીના હાથમાં સોંપાયેલા કાયદેસરના કાગળો અને હિસાબ પણ એના હાથને દઝાડતા હોય એવો ભાસ થયો. એણે એના રૂમમાં ખાટલામાં આડી પડેલી સાસુને કહ્યું, ‘મમ્મી, ધર્મેશભાઈ પરાગના પૈસાના રોકાણનો હિસાબ ને જરૂરી કાગળો આપી ગયા છે તે લાવી છું, તમારી તિજોરીમાં સંભાળીને મૂકી દ્યો.’

ધનલક્ષ્મીને નવાઈ લાગી, ‘કેમ? હશે તો બધું તારા નામે ને?’ ‘હા, પણ એનો શો ફરક પડે છે. નામ ગમે તેનું હોય, કહેવાય તો કુટુંબની સંપત્તિ!’

‘તો એમાંથી તારી બેંકની લોન ભરપાઈ કરી દે ને!’

‘ના મમ્મી, એ હિસાબ ભલે જુદો રહ્યો’ કહીને ધનલક્ષ્મી પાસે ચાવી લઈને તિજોરીમાં કાગળો મૂકી દઈ ચાવી સાસુના હાથમાં પાછી આપી.

પહેલી વાર માનસીએ ધનલક્ષ્મીના રૂમમાં મૂકેલી તિજોરીને હાથ લગાવ્યો હતો. ધનલક્ષ્મીએ જોયું કે કાગળો મૂકતી વેળા એણે અંદર બીજું શું પડયું છે જોવાની પણ પરવા ના કરી.

માનસીના ગયા પછી ધનલક્ષ્મી પલંગમાં પડી પડી વિચારતી રહી. એણે પરાગને માનસીની બાબતમાં જે કહ્યું હતું એ યાદ આવ્યું કે એના પૈસા જોઈને એની પાછળ પડી હશે પણ જ્યારે એણે પરાગ પાસે પૈસા લેવાને બદલે બેંક પાસે વ્યાજે લીધા ત્યારે એને અચરજ થયું હતું. માનસી માટે બંધાયેલા પૂર્વગ્રહ નિર્મૂળથી દૂર કરવા સહેલા નહોતા, પણ આજના પ્રસંગે એને માનસી માટે બાંધેલું મંતવ્ય બદલવાની ફરજ પાડી.

પરાગના મરણ પછી સંપત્તિની બાબતમાં પણ ધનલક્ષ્મીના ઉત્સાહમાં ઓટ આવી હતી. સંપત્તિનો વારસ એ બાળક ક્યારે મોટો થશે ને ક્યારે ભોગવશે એ બધું જોવા માટે એ પોતે હયાત ના પણ હોય! ક્શ્યપનો વિચાર આવતાં એને પોતાનું બાળપણ યાદ આવ્યું. પિયરની ગરીબી અને સાસરાની સમૃદ્ધિ એના મગજમાં શિલાલેખની જોમ કોતરાયેલ હતી. વર્ષો થયાં ગામ તરફ પાછું વળીને નહોતું જોયું. જમીન-જાયદાદ અને ધૂળ ખાતી વિશાળ હવેલી પ્રત્યે કોઈએ ધ્યાન નહોતું સેવ્યું. ના એણે પોતે, ના પરાગે અને કશ્યપ મોટો થાય ત્યાં સુધી એ જળવાશે એની શી ખાતરી! હવે માનસી સિવાય કોઈ નહોતું જેના પર એ અવલંબી શકે. એ સુનિતા સાથે ક્યારેક ક્યારેક ગામ જતી પણ હતી. કુટુંબનું નામ જાળવવા હવે જે કાંઈ કરવાનું જરૂરી હોય એ એણે જ કરવું રહ્યું. એને આશા હતી કે બીજું કાંઈ નહીં તો એના પોતાના દીકરાના લાભાર્થે માનસી એ જવાબદારી સ્વીકારશે.

એક દિવસ ધનલક્ષ્મીએ માનસી આગળ હવેલી અને જમીન-જાયદાદની વાત છેડી. વિચાર કરીને માનસીએ એ વાત સ્વીકારી કે હવે વધુ વિલંબ કરવો પાલવે તેમ નહોતો. વહેલી તકે ગામ જઈ એ દિશામાં જરૂરી પગલાં લેવાનું આશ્વાસન સાસુને આપ્યું. સમજીને એણે શશીનો ઉલ્લેખ ના કર્યો પણ ધનલક્ષ્મી મનમાં જાણતી હતી કે શશીની વગ મોટી હતી ને માનસીને બધી રીતે મદદરૂપ થાય એમ હતી. માનસી જો આ કામ હાથમાં લે તો એની નિષ્ઠામાં શંકા કરવાનું ધનલક્ષ્મીને કોઈ કારણ નહોતું રહ્યું.

**** **** ****

         સમય એની ગતિથી વહેતો રહ્યો. પરાગના વિયોગનો ધનલક્ષ્મીના માનસ પર પડેલો ઘા ઘણે ખરે અંશે રૂઝાઇ ગયો હતો પણ નિશાની રહી ગઈ હતી, જે મરતાં સુધી વાર-કવારે ડંખતી રહેશે.

ધનલક્ષ્મીની સૂચનાને અનુસરીને માનસી જમીન-જાયદાદની ભાળ કાઢવા ગામ ગઈ હતી. સુનિતા પણ હવાફેરના બહાને સાથે હોવાથી બન્ને કારમાં ગયાં હતાં. શશીનું ઘર અદ્યતન સગવડવાળું થયું હોવાથી કોઈની પણ અગવડનો સવાલ નહોતો ઉદ્‌ભવતો. સવિતા પણ લગભગ પથારીવશ હોવાથી એમની ભાળ કાઢવી પણ આવશ્યક હતી. સિમલામાં વેકેશનનો સમય ડિસેમ્બર જાન્યુઆરીનો હોવાથી આ વેળા માનસીએ કશ્યપને મુંબઈ બોલાવ્યો હતો. એના સાનિધ્યમાં ધનલક્ષ્મીને ઘણું સાંત્વન મળ્યું. પરાગનું દુઃખ પણ વિસારી દીધું. સંપત્તિની લાલસાની તીવ્રતા પણ હવે ઓછી થઈ ગઈ હતી. જમીન-જાયદાદ ને સંપત્તિની ભૂખ પહેલાં જેવી પ્રબળ નહોતી રહી. પૈસાની પાછળ પરાગની ભાગદોડ બધી વ્યર્થ ગઈ હતી. ‘માનસીએ કેટલો વાર્યો હતો પણ મારા જ શીખવાડેલા પાઠનું પરિણામ આવું આવશે એ તો સપનામાં પણ નહોતું ધાર્યું!’ આવા વિચારોએ ધનલક્ષ્મીનું મન ખાટું થઈ ગયું હતું. કશ્યપ આવ્યો ત્યારે એને ગળે લગાવ્યો, મનમાં વિષાદ અને વિચારો ધસી આવ્યા તેમજ આંખો ભીની થઈ ગઈ. ઘણો ખરો સમય એણે કશ્યપની સ્કૂલની પ્રવૃત્તિઓ જાણવામાં ગાળ્યો. એને ભાવતી વાનગીઓ બનાવવાની સૂચનાઓ આપીને ફ્લેટમાં રહેતાં બધાં જ ધનાઢય ઘરનાં લગભગ એની ઉંમરના છોકરાંઓને આમંત્રીને મીજબાની કરાવી, પણ ઉત્સાહ ઓસરી જવાથી કે માનસીના ડરથી એણે જે પાઠો પરાગને નાનપણમાં શીખવાડ્યા હતા એ કશ્યપના મગજમાં ઠાલવવાનું ટાળ્યું. માનસી આ બધું પામી ગઈ હતી એટલે જ એણે ધનલક્ષ્મીને આશ્વાસન આપ્યું કે દર વેકેશનમાં એ કશ્યપને ઘરે આવવાની ફરજ પાડશે.


(ક્રમશ: )

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.