ભગવાન થાવરાણી
લો, આવી પહોંચ્યા આ આખરી મુકામે અને એકવાર ફરીને ગાલિબ સમીપે, જ્યાંથી સફરનો આરંભ કર્યો હતો. બશીર બદ્રે કહ્યું હતું :
યે એક પેડ હૈ આ ઈસ સે મિલ કે રો લેં હમ
યહાં સે તેરે મેરે રાસ્તે બદલતે હૈં
કવિતા – માર્ગી લોકોના રસ્તા તો ખેર, શું અલગ થશે પરંતુ સફરનો આ હિસ્સો અહીં પૂર્ણ થશે. શરુઆત કરી ત્યારે બસ એટલું નક્કી હતું કે ૧૦૧ મણકાઓ દ્વારા નવાણું શાયરો અને એમના મારી પસંદગીના શેરોની વાતો કરીશું પરંતુ એ કલ્પના નહોતી કે એ શાયરોના હજારો બેહતરીન શેરોમાંથી પસાર થવાનું બનશે, એમાના અનેક શાયર અને શેર મારા માટે પણ નિતાંત અપરિચિત હશે અને એ બધાનો પરિચય આપ સૌ જોડે કરાવવાનું સૌભાગ્ય અને પુણ્ય મને હાંસલ થશે.
થોડાક વર્ષો પહેલાં મિત્ર અંબરીષ ગજ્જર સાથે હળવા લહેજામાં એવી વાત જરૂર થયેલી કે મિર્ઝા ગાલિબને વાંચનારા, ચાહનારા અને સમજવાનો સન્નિષ્ઠ પ્યાસ કરનારા મારા જેવા ગણતરીના શોખીનોને બોલાવીએ અને હું નાચીઝ ગાલિબના કેવળ દસ શેરો બાબતે એ વર્ગ – વિશેષ સમક્ષ એકાદ કલાક વાત કરું. આ ખ્વાહેશ તો બર ન આવી પણ આ લેખમાળા થકી એ અવસર સાંપડ્યો છે તો એળે નથી જવા દેવો. સાથોસાથ એક અફસોસજનક વાત પણ કરી લઉં. ‘ તુરત દાન મહાપુણ્ય ‘ ના આ વીજળીવેગી દૌરમાં ‘ સાયરી ‘ ના અનેક શોખીન પ્રસિદ્ધિ – ભૂખ્યાઓ બિચારા ગાલિબના અનેક શેરોની ક્યારેક ટાંગ તોડે છે તો ક્યારેક કમર, જેથી શેર ઊભો થવાને લાયક જ ન રહે! ક્યારેક તો વળી કોઈક બેહૂદી વાતને શેર કહીને એમના પ્રાત:સ્મરણીય નામ સાથે જોડી દેવામાં આવે. ગાલિબ એ બધું જોત અને વાંચત તો એ દુર્ગતિ બાબતે આમ કહેત :
હૈરાન હૂં કે રોઉં કે પીટું જિગર કો મૈં
મકદૂર હો તો સાથ રખું નૌહાગર કો મૈં
(મકદૂર = ક્ષમતા, નૌહાગર = ભાડાનો વિલાપ કરનારો)
ખેર ! મૂળ વાત પર આવીએ. આ શ્રેણીના શરુઆતી બે મણકામાં મિર્ઝા ગાલિબના બે શેરની ચર્ચા કરી ચુક્યા છીએ. બાકીના આઠ શેર અને એમનો અત્યંત સંક્ષિપ્ત અર્થઘટન હાજર છે .
૧. ખુલતા કિસી પે ક્યોં મેરે દિલ કા મુઆમલા
શેરોં કે ઈંતેખાબ ને રુસવા કિયા મુજે
માણસ જે શેરો ( અથવા મિત્રો ! ) ને પસંદ કરે છે અેનાથી એની પ્રકૃતિ અને ચારિત્ર્યનો ખ્યાલ આવી જાય છે. ‘ રુસવા ‘ શબ્દ આમ તો બદનામી સંદર્ભે વપરાય છે પરંતુ અહીં ખ્યાતિના અર્થમાં છે. મારી પ્રકૃતિનો ખ્યાલ લોકોને આવત જ નહીં પણ મારી પસંદગીએ બધું છતું કરી નાંખ્યું ! ગાલિબ સીધેસીધો જે વાતનો ઈનકાર કરે એ જ સત્ય હોય છે !
૨. બહરા જો હૂં તો ચાહિયે દૂના હો ઈલ્તેફાત
સુનતા નહીં હૂં બાત મુકર્રર કહે બગૈર
ઈલ્તેફાત એટલે તવજ્જોહ, ધ્યાન. ગાલિબની ખુદ્દારી અને સ્પષ્ટવાદિતાનું એક વધુ ઉદાહરણ. હું બહેરો છું ( અથવા જો તમે એવું માનો છો ! ) તો મારી વાત તમારે બેવડા ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ. એટલું નક્કી કે આપની અનુમતિથી મેં શરુ કરેલી વાત જ્યાં સુધી પૂરી નહીં કરું ત્યાં લગી તમારી વાત નહીં સાંભળું ! કહેવાનો મતલબ એ કે તમને વચ્ચે કૂદી પડવા કે ટોકવા નહીં દઉં .
૩. કોઈ મેરે દિલ સે પૂછે તેરે તીરે – નીમકશ કો
યે ખલિશ કહાં સે હોતી જો જિગર કે પાર હોતા
તારી આંખોના નીમકશ અર્થાત્ અડધી પણછે ખેંચાયેલા તીરનો આભારી છું કે એ તીર વાગ્યું તો ખરું પણ વીંધીને આરપાર ન ગયું, છાતી વચ્ચે જ અટકી ગયું . જો વીંધીને જાત તો હું મરી જાત અને તો જે જીવતેજીવત જ પામી શકાય એવું મીઠું દરદ ( ખલિશ ) ક્યાંથી પામત ? તીર જિગરની વચ્ચોવચ અટકી ગયું એટલે જ તો આ અણમોલ દર્દરૂપી જણસથી વાકેફ થયો .
૪. યે મસાઈલે તસવ્વુફ યે તેરા બયાન ગાલિબ
તુજે હમ વલી સમજતે જો ન બાદાખ્વાર હોતા
આ એક રીતે આત્મ – પ્રશંસા છે જે ગાલિબે પોતાના વિષે પોતાના અન્ય શેરોમાં પણ કરી છે અને એમને સાચી રીતે સમજનારાઓને એની સામે કોઈ વાંધો નથી. એ લાયક હતા પોતાની બાબતે આવું કહેવા માટે. યાર ગાલિબ, રહસ્યવાદ, સૂફીવાદ વિષયની તારી આ અદ્ભુત ટિપ્પણી સબબ અમે તારા પર ફિદા છીએ. આવી લાજવાબ વાતો તારા મુખે સાંભળીને તને બેશક વલી યાને અલ્લાહનો બંદો – મિત્ર માની બેસત જો એ ખબર ન હોત કે તું તો બાદાખ્વાર – શરાબી છો ! એક રીતે આ એક મૂંઝવણની વાત છે કે એક શરાબી માણસ આવી સરસ સમજણની વાતો કઈ રીતે કરી શકે તો બીજી તરફ એ સ્વીકારોક્તિ પણ છે કે શરાબી હોવું અને પ્રખર બુદ્ધિમતાની વાતો કરવી એ વિરોધાભાસી નથી !
૫. જલા હૈ જિસ્મ જહાં દિલ ભી જલ ગયા હોગા
કુરેદતે હો જો અબ રાખ, જુસ્તજૂ ક્યા હૈ
આ એક ચિત્ર છે. કોઈક છે જે રાખ ફંફોસી રહ્યું છે, કશુંક શોધવા માટે. સંભવ છે એ રાખ કોઈક એવા મનુષ્યની છે જે ક્યારેક જીવતો હતો. હવે નથી. અવશેષમાં કેવળ રાખ વધી છે. અચાનક એ ખતમ થઈ ચુકેલા ઈંસાનની રૂહ પોકારે છે ‘ હવે રાખ વીંખીને મારું દિલ – મારી અતૃપ્ત ઈચ્છાઓ શોધવાનો શો અર્થ ? બહુ વાર કરી દીધી. પહેલાં મને ખતમ થવા દીધો ( કે કર્યો ! ) અને હવે આ તલાશ ? શરીર ગયું તો દિલ ઓછું બચ્યું હોય ! કોઈ જાય છે તો પોતાની બધી ઈચ્છાઓ, અરમાન, સપનાઓ સાથે જ લઈ જાય છે.
૬. દાઈમ પડા હુઆ તેરે દર પર નહીં હૂં મૈં
ખાક ઐસી ઝિંદગી પે કે પત્થર નહીં હૂં મૈં
અહીં પણ એક તરફ અસલ ગાલિબાના ખુમારી છે તો બીજી તરફ દયાપાત્રતા પણ ! તારા દરવાજે તો પડ્યો છું અરસાથી, તારી મહેરબાની થાય અને તું અંદર બોલાવી લે એ આશાએ, પણ તું એટલું યાદ રાખ. હું પથ્થર – નિર્જીવ નથી, જો કે એનો મને અફસોસ પણ છે. જો પથ્થર હોત તો કાયમ અહીં જ પડ્યો રહેત અને તારી મહેરબાની માટે ચિર-પ્રતિક્ષિત રહેત. કમનસીબે જીવતો – જાગતો માણસ છું . અગર સમય બદલ્યો અથવા મારી પ્રતિક્ષાની અવધિ આવી ગઈ તો હું ચાલ્યો પણ જઈ શકું ! બેહતર છે, આ હકીકતને તું સમય રહેતાં સમજી લે.
૭. ન સિતાઈશ કી તમન્ના ન સિલે કી પરવા
નહીં હૈ ગર મેરે અશઆર મેં માની, ન સહી
બધા જાણે છે ગાલિબનું વ્યક્તિત્વ અને એમના શેર સમજવા એટલું સહેલું નહોતું. ઘણી વાર તો દરેક રસિક વિદ્વાન એમના એક શેરના અલગ અલગ અર્થઘટન કરે છે. ગાલિબના જમાનાના એક અન્ય શાયર હતા હકીમ આગાજાન ઐશ. એમણે ગાલિબના શેરો પર વ્યંગ કરીને લખેલું :
કલામે મીર સમજે ઔર ઝબાને મીર્ઝા સમજે
મગર ઈનકા કહા યહ આપ સમજે યા ખુદા સમજે
અહીં પહેલા મિસરામાં મીર તકી મીર અને મિર્ઝા સૌદા નામના ગાલિબના પૂર્વજ શાયરોનો ઉલ્લેખ છે. અર્થ એટલો કે દરેક શાયરને સમજી શકાય પણ ગાલિબને યા તો એ પોતે સમજે અથવા ખુદા ! ઐશ સાહેબના આ શેરના જવાબમાં મિર્ઝાએ જે શેર કહ્યો એ ઉપર ટાંક્યો છે. જવાબ સીધો છે કે મારે ન તો સિતાઈશ ( પ્રશંસા ) જોઈએ , ન સિલા ( વળતર ). મારા શેર ન સમજાય તો એ તમારી સમસ્યા છે. હું તમારા ખાતર સ્વયંને, મારા માપદંડને શા માટે બદલું ? હું મૂળભૂત રીતે નિજાનંદે લખું છું. આ નિર્ભેળ ખુમારી છે.
૮. સંભલને દે મુજે ઐ નાઉમીદી, ક્યા કયામત હૈ
કે દામાને – ખયાલે – યાર છૂટા જાએ હૈ મુજ સે
અહીં સંબોધન જ નાઉમીદી – નિરાશાને છે. હે નિરાશા ! હવે તો હદ થાય છે. મને જરા જાતને સંભાળવા દે. યાર – મહેબૂબ તો ગયો, બસ એના વિચારો બચ્યા હતા. હવે એ પણ છોડીને જઈ રહ્યા છે ! નિરાશાની આ પરાકાષ્ઠા છે. એમની વિદાય, પછી એમના વિષેના સપનાઓ, કલ્પનાઓની પણ વિદાય ! હવે બાકી શું રહ્યું ?
અહીં ગાલિબની, આ લેખમાળાની અને આપ સૌની પણ વિદાય લઈએ. આભાર !
લુત્ફ-એ-શેર શ્રેણીના બધા જ મણકા એક એક સાથે વાંચવા/ ડાઉનલોડ કરવા હાયપર લિંક પર ક્લિક કરો.
અત્યંત સુંદર લેખમાળા.અનેક શાયરોના અનેક નાયાબ શેર વાંચવા અને સમજવા મળ્યા….ખૂબ ખૂબ અભિનંદન…
લુત્ફ – એ – શેર season ૨ ની રાહ જોઈશું.