આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૮

પ્રવાસી યુ. ધોળકિયા

બ્રિટિશ શાસન કાળ અને તેની ભારતીય જીવન શૈલી પરની સૂક્ષ્મ અસરો

ભારતીય ઈતિહાસની આ દીર્ઘ લેખમાળાના છેલ્લા પડાવ પર આપણે આવી પહોંચ્યાં છીએ.

એ તો સર્વ વિદિત વાત છે  કે ભારતમાં મુગલકાળ દરમ્યાન વેપાર કરવા પ્રવેશેલી ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની બ્રિટિશ પેઢીએ મુગલ કાળની પડતીના સમય દરમ્યાન સામ, દામ, દંડ અને ભેદની નીતિને બખુબી અપનાવીને રાજકીય સત્તા પોતાના હાથમાં લઈ લીધી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટકર્તાઓએ અજબ લશ્કરી કાબેલિયત દર્શાવી પહેલાં ફ્રેંન્ચ પ્રતિસ્પર્ધીને મહાત કર્યા અને પછી ઇ. સ. ૧૭૫૭નાં પ્લાસીના યુદ્ધમાં અને પછી ઇ. સ. ૧૭૬૪નાં બકસારનાં યુદ્ધમાં બંગાળના મુસ્લિમોને હરાવીને રાજકીય શાસનનાં પ્રસ્થાનનાં મડાણનું પહેલું પગલું માંડ્યું.  ધીરે ધીરે આ ખાનગી કંપનીના વહીવટકર્તાઓના ભ્ર્ષ્ટાચારની વ્યાપક ફરિયાદો બ્રિટન પહોંચવા લાગી. પરિણામે, ઇ. સ. ૧૭૭૩માં કંપની સત્તા પર બ્રિટિશ સરકારે પોતાનો અંકુશ મુક્યો.  કંપનીના વડાને શાસક તરીકે હવે ગવર્નર અને ગવર્નર જનરલની પદવી મળવા લાગી.

આ પછી પણ  ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નબળાં પડેલાં મુગલ શાસનના બંગાળ, બિહાર, ઓરિસ્સા, સિંધ, પંજાબ અને મહારાષ્ટ્ર જેવા જુદા જુદા રાજકીય પ્રદેશો પર પોતાની પકડ જમાવવા લાગી. ધીરે ધીરે સમગ્ર ભારત પ્રદેશનું મહેસુલ ઉઘરાવવાની અને પછી રાજ્ય કરવાની સત્તાઓ પોતાને હસ્તગત કરી લીધી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ઇ. સ. ૧૭૭૩થી ૧૮૫૭ના ૮૫ વર્ષના સમયકાળ દરમ્યાન ૨૨ ગવર્નર / ગવર્નર જનરલોએ ભારત પર શાસન કર્યું.

ઇ. સ. ૧૮૫૭માં ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સૈનિકો તરફના દુર્વ્યવહાર ને પરિણામે સૌ પ્રથમવાર આ વિદેશી શાસનને ઉથલાવવા માટેના સ્વાતંત્ર્ય સંગ્રામનાં બ્યુગલ ફુંકાયાં. જોકે તેનામાં મૂળમાં ધાર્મિક લાગણીઓ કારણભૂત હતી. કંપનીના સૈનિકોમાં એવી દહેશત પેઠી કે તેઓ જે કારતુસને મોંઢાં વડે ખોલે છે તેના છેડા પર લગાવાતાં ગ્રીસમાં ગાય અને ડુક્કરનું માંસ મેળવવામાં આવ્યું છે. હિંદુઓ માટે ગાય અને મુસ્લિમો માટે ડુક્કર અતિ પવિત્ર હોવાથી પોતાનો ધર્મ ભ્રષ્ટ કરવાની આ જાણીજોઇને કરવામાં આવેલી યોજના છે એવી ભાવના સૈનિકોનાં મનમાં પ્રબળ બની. તેમાં સૈનિકોને મળતાં ઓછાં વેતનના અસંતોષે પણ ઉમેરો કર્યો. આ ધૂંધવાટ અચાનક જ એક ક્રાંતિના સ્વરૂપે ફાટી નીકળ્યો.

જોકે દિલી એકતા અને અસરકારક નેતાગીરીના અભાવને કારણે આ બધા ક્રાંતિવીરો વચ્ચે એકસૂત્ર વ્યૂહરચના ન હતી. પરિણામે, એક તબક્કે, શાસકોને સાવ જ વિપરીત સ્થિતિ સુધી લાવી દીધા છતાં  આ ક્રાંતિને સરિયામ નિષ્ફળતા મળી. આ સંગ્રામને બ્રિટિશરોએ અતિશય નિર્દયતાથી કચડી નાખ્યો. આ ક્રાંતિ સંગ્રામમાં મંગલ પાંડે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ, તાત્યા ટોપે, નાનાસાહેબ અને બેગમ હઝરત મહલ વગેરે પહેલ વહેલાં શહીદો તરીકે ઇતિહાસને પાને કોતરાઇ ગયાં.

આખરે બ્રિટિશ સરકારે કાયદો કરીને, ઇ. સ. ૧૮૫૮માં, ભારતને રાણી વિક્ટોરિયાનાં સીધાં શાસન હેઠળ મુકી દીધું. હવે ભારતનો વહીવટ ગવર્નર જનરલ / વાઇસરોયની પદવી ધારી શાસન વડાને સોંપાયો.  ઇ.સ. ૧૮૫૮થી ઇ. સ. ૧૯૪૭ સુધીનાં ૯૦ વર્ષ દરમ્યાન આવા ૩૨ શાસન વડાઓએ ભારત પર રાજ્ય ચલાવ્યું. ભારત પર રાજ્ય ચલાવનારા બ્રિટિશ શાસન વડાઓમાં વૉરન હેસ્ટિંગ્સ, કોર્ન વૉલીસ, વેલેસ્લી, વિલિયમ બેન્ટિક, ડેલહાઉસી, જ્હોન લૉરેન્સ, લીટન, રિપન, કર્ઝન, મીન્ટો, વૅવલ અને માઉન્ટબેટનનાં નામો જાણીતાં ગણાવી શકાય.

અહીં થોડું વિષયાંતર કરીએ.

મુસ્લિમોએ આપણા પર ૬૫૦થી વધારે વર્ષ રાજ્ય કર્યું. તેમનો સીધો ઘા આપણા ધર્મ પર પડ્યો. આજનું અખંડ ભારત ગણત્રીમાં લઇએ તો લગભગ ૩૦ પ્રતિશત હિંદુઓ અને બૌદ્ધોને મુસલમાન બનવાની ફરજ પાડવામાં આવી. બૃહદ ભારતના મલયેશિયા, ઈન્ડોનેશિયા અને દક્ષિણ-પૂર્વના આવા ધર્માંતર કરેલા મુસ્લિમોની સંખ્યા ઉમેરેવામાં આવે તો મુસ્લિમોની આજની વૈશ્વિક આબાદીનો આશરે ૫૦ પ્રતિશત ફાળો બૃહદ ભારતનો ગણી શકાય.

તેની સરખામણીમાં અંગ્રેજોએ  ભારત પર લગભગ ૨૦૦ વર્ષ શાસન કર્યું. તે કાળમાં અખંડ ભારતના લગભગ ૬૮ ટકા ભૂવિસ્તારો પર તેમનું શાસન હતુ. પાંચસોથી વધારે દેશી રાજ્યો, નેપાલ, ભૂતાન અને સિક્કિમ જેવા બાકીના ૩૨ ટકા ભૂવિસ્તારો પર બ્રિટિશ પોલિટિકલ એજન્ટ નીમીને આડકતરી રીતે પણ તેમણે શાસન કર્યું.

બ્રિટિશ શાસનનો સમય મુસ્લિમ શાસન કરતાં ઓછો હોવા છતાં તેના દ્વારા પશ્ચિમી સંસ્કૃતિએ ભારતીય જીવનનાં દરેક પાસાંને સ્પર્શતી અતિ સૂક્ષ્મ અને ઘાતક અસરો કરી છે. ખ્રિસ્તી મિશનરીઓને બ્રિટિશ સરકારે ક્યારે પણ જાહેરમાં ટેકો ન આપ્યો તેમ છતાં પોતાના ધર્મ પ્રત્યે હિંદુઓની આસ્થામાં દેખીતો ઘટાડો જોઈ શકાય છે.

આપણે આપણા વિષયના મુળ પવાહ તરફ પાછાં ફરીએ.

મુસ્લિમ શાસનકાળ દરમ્યાન ભારતની ખેતીપ્રધાન સંસ્કૃતિ અને અર્થ વ્યવસ્થામાં કોઈ  પણ પ્રકારનું પરિવર્તન થયું ન હતું. અહીંના ગૃહ ઉદ્યોગો અને હસ્ત કારીગરી પણ ખેતીમાંથી થતી આવક પર નિર્ભર હતી.  મુસ્લિમ શાસકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિનો સદંતર અભાવ હતો આ સમયકાળમાં કોઈ નવા ઉદ્યોગો ન સ્થપાયા.

જ્યારે યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિનો પ્રારંભ બ્રિટિશરોએ જ કરેલો. તેનું અનુકરણ કરીને ફ્રાન્સ, નેધરલૅન્ડ અને જર્મની જેવા દેશોએ આ ઔદ્યોગિકરણ અપનાવ્યું. પરંતુ બ્રિટિશ શાસકોને ભારતને ઔદ્યોગિક ક્રાંતિના કોઈ લાભ ન આપ્યા.  તેને બદલે તેઓએ અહીં ક્રય-વિક્રય પર આધારિત – Mercantile system  – વેપારી પદ્ધતિનો પ્રારંભ કર્યો. ભારતમાંથી તેઓ રૂ અને અન્ય કાચી પેદાશોને ખુબ જ સસ્તા દામોએ પોતાના દેશમાં લઈ ગયા. ત્યાં તેમણે તેનું પાકા માલમાં રૂપાંતર કરીને અતિ મોંઘા ભાવે ભારત અને અન્ય દેશોમાં વેચાણ કર્યું.

આમ કરવાથી ભારતના લાખો ખેડૂતો અને નાના-મોટા વ્યવસાય કરતી પ્રજાને વધારે કંગાળ બનાવી અને પોતે અઢળક ધન કમાવા લાગ્યા. જો બ્રિટનને ભારત જેવું શોષણપાત્ર સંસ્થાન ન મળ્યું હોત તો એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે ૩૦૦ને બદલે તેઓ વિશ્વ પર કદાચ ૩૦ વર્ષ પણ શાસન ન કરી શક્યા હોત. કલકત્તા, મુંબઈ, મદ્રાસ, બેંગલોર જેવાં મહાનગરો બ્રિટિશરોએ બાંધ્યાં પણ તાતા-બિરલાના અપવાદો સિવાય મોટા  કહી શકાય એવા કોઈ ઉદ્યોગો ન સ્થાપ્યા.

દાદાભાઈ નવરોજજીએ તેમનાં પુસ્તક Poverty and Un-British Rule in Indiaમાં દાખલા દલીલ અને આંકડાઓ આપીને સાબિત કર્યું કે બ્રિટનને ભારતની આર્થિક ગુલામીમાં જ રસ છે. તે અહીં કોઈ પણ મોટા ઉદ્યોગો સ્થાપવા જ નથી માગતું., અને પોતાની અમીરીની ઇમારત ભારતીયોને ગરીબ બનાવીને કરી છે. આપણે આગળ જોઈ ગયા તેમ બ્રિટિશરોની પોતાના તરફી વેપારી પદ્ધતિની આર્થિક નીતિથી મુગલકાળથી જ આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલા ખેડૂતો અને નાના વ્યવસાયકારો નાણાં ધીરધાર કરતા ભારતીય શોષણકારોના ચુંગાલમાં ફસાતા ગયા. દેવું ધીરવાની શરતો જ એવી હોય કે મોટા ભાગના દેણદારો દેવું ક્યારેય ચુકવી જ ન શકે. દેવું ન ચુકવી શકવાથી આ વર્ગ પોતાની જમીન અને અન્ય આવકના સ્રોતો ગુમાવતો ગયો. આખો દેશ આર્થિક રીતે પાયમાલ થઈ ગયો. એક વખત જે દેશ વિશ્વની પેદાશોના ૨૫થી ૩૩ ટકા પેદાશો ઉત્પન્ન કરતો હતો તેનો હિસ્સો, બ્રિટિશ શાસનકાળમાં, ફક્ત ૨થી ૩ ટકા થઈ ગયો.

આ જ સમયમાં ભારત પર કુદરત પણ રૂઠેલી રહી. બ્રિટિશ શાસનકાળ દરમ્યાન ભારતમાં અનેક દુકાળો પડ્યા. આમ પ્રાકૃતિક આપદાઓ, આ સમય દરમ્યાન થયેલાં યુદ્ધો અને બ્રિટિશ શાસનની શોષણ નીતિને કારણે લગભગ ૫થી ૭ કરોડ લોકો માર્યાં ગયાં. આપણાં આર્થિક શોષણનું જોર અત્યારનાં આર્થિક મૂલ્ય પ્રમાણે ગણવામાં આવે તો તે સંખ્યા ૪૩ ટ્રિલિયન ડોલર (આશરે ૪૩ લાખ કરોડ રૂપિયા) થાય.

પોતાનું શાસન ભારતમાં કાયમ રહે તે માટે બ્રિટિશ શાસકોએ અહીં હજારો કિ.મી.ની રેલ્વે લાઈનો, રસ્તાઓ, શાળાઓ વગેરેનાં નિર્માણ કર્યાં. તેઓએ તાર-ટપાલ વિભાગ અને સમગ્ર ભારત માટે એક જ પ્રકારનું વહીવટી તંત્ર સ્થાપ્યું. ભારતીયોને માનસિક ગુલામો તરીકે તૈયાર કરવા માટે કરીને મૅકૉલેએ રાજ્ય ભાષા તરીકે ફારસી ભાષાને બદલે અંગ્રેજી ભાષાનું પ્રચલન કરવાનું ઠરાવ્યું. સિવિલ પ્રોસીજર કૉડ, ક્રિમિનલ પ્રોસીજર કૉડ અને એવા અનેક કાયદાઓ ઘડ્યા. (એમાંના કેટલાય કાયદો આપણે ત્યાં હજુ પણ અસ્તિત્વ ધરાવે છે !) જોકે, વધતે ઓછે અંશે, ભારતીય પ્રજાને આ બધાંનો આડકતરો ફાયદો થયો. પ્રથમ વખત ભારતીયોને દેશની રાજકીય એકતા અને અંખંડિતતાનો ખ્યાલ સમજાયો. સમય જતાં જે પ્રજામાં રાષ્ટ્રીયતાની ભાવનામાં પરિવર્તિત થઈને દૃઢ થતો ગયો.

ઇ. સ. ૧૮૮૫માં એ. ઓ. હ્યુમ નામના બ્રિટિશરે ૧૮૫૭ જેવો રાષ્ટ્રીય સંગ્રામ ન થાય અને શિક્ષિત ભારતીયો પોતાની કોઈ પણ પ્રકારની માગણી શાંતિપૂર્વક રજૂ કરી શકે તે  માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી. આવા પ્રયાસોને લઈને બ્રિટિશ સરકારને ઇ .સ. ૧૯૦૯, ઇ. સ. ૧૯૧૯ અને ઇ. સ. ૧૯૩૫ માં ભારતીય શાસનની શાસકીય અને ધારાકીય સંસ્થાઓમાં ભારતીયોને સ્થાન મળે તેવી સંસ્થાકીય વ્યવસ્થાઓ પ્રસ્થાપિત કરવી પડી. અંતે, ઇ. સ. ૧૯૩૭માં પહેલી વાર, અહીં રાષ્ટ્રીય ચુંટણીઓ યોજાઈ, જેમાં, પ્રથમ વખત, રાષ્ટ્રીય પક્ષો તરીકે સાત પ્રાંતોમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને બે પ્રાંતોમાં મુસ્લિમ લીગને રાજકીય સત્તાઓ મળી.

આ કાળ દરમ્યાન ઇ. સ . ૧૭૭૬માં અનેક માનવ મૂલ્યો પર આધારિત એક એકમ તરીકે, એક રાજ્ય તરીકે  અમેરિકા પ્રસ્થાપિત થયું. ઇ. સ. ૧૭૮૯માં ફ્રાન્સમાં ક્રાંતિ થઈ. આમ લોકશાહીના પાયા મજબૂત થયા. શિક્ષિત ભારતીયોએ આ બધા પ્રવાહોને જાણ્યા. પરિણામે આ મૂલ્યો આધારિત પરિવર્તન ભારતમાં પણ કેમ ન લાવી શકાય તે પર વિચારતા થયા. નવજાગૃતિનો પ્રારંભ બંગાળમાં થયો. રાજા રામમોહનરાય, કેશવચંદ્ર સેન, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા ભારતીયોએ સતી પ્રથા. સ્ત્રીઓની  સમાજમાં અવદશા, બાળ વિવાહ, વિધવા વિવાહ, જડ જ્ઞાતિ પ્રથા જેવી સમાજમાં ઊંડે સુધી ઘર કરી ગયેલી સામાજિક પ્રથાઓ સામે આહલેક જગાવી. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આનંદમઠ નામક નવલકથામાં ‘વંદે માતરમ’ જેવું  રાષ્ટ્રગીત કક્ષાનું ગીત રચી સુતેલા ભારતીય સમાજને જગાડ્યો.

આ પછી મહારાષ્ટ્રમાં જ્યોતિબા ફૂલે અને લોકમાન્ય તિલક, ગુજરાતમાં દયાનંદ સરસ્વતી, ઉત્તર ભારતમાં સહજાનંદ સ્વામી વગેરેએ આપણા દેશમાં અનેક સામાજિક, રાજકીય અને ધાર્મિક સુધારણાઓ માટે પ્રયાસો આદર્યા. બંગાળમાં રામકૃષ્ણ પરમહંસે વિશ્વના સર્વધર્મની અનુભૂતિ કરીને સનાતન ધર્મની સર્વોપરિતાને સ્થાપિત કરી. તેમના વિચારોને વિશ્વભરમાં ફેલાવવા માટે કરીને સ્વામી વિવેકાનંદે  રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. ભારતીયોમાં રાષ્ટ્રિયતા જાગે તે માટે વિવિકાનંદ તેમના છેલ્લા શ્વાસ સુધી ઝઝુમતા રહ્યા. આ ઉપરાંત આર્ય સમાજ, પ્રાર્થના સમાજ અને સ્વામિનારાયણ સંપ્રદાય વગેરેની સ્થાપનાએ પણ જનજાગૃતિના આતશને પ્રજ્વલિત રાખ્યો.

ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું સુકાન પ્રારંભમાં ગોપાલકૃષ્ણ ગોખલે અને મહાદેવ ગોવિંદ રાનડે તેવા મવાળવાદી, શાંતિપ્રિય નેતાઓના હાથમાં હતું. તેમના પછીથી લોકમાન્ય તિલક, બિપિનચંદ્ર પાલ અને લાલા લજપતરાય જેવા જહાલવાદી, એટલે કે ઉગ્ર પગલાંઓ ભરવાની હિમાયત કરનારા, નેતાઓએ કોંગ્રેસનું સુકાન સંભાળ્યું. ઇ. સ. ૧૯૧૪માં યુરોપમા પહેલું વિશ્વયુદ્ધ લડાયું. બ્રિટિશ સરકારે ભારતીયોને પુછ્યા વિના જ આપણા દેશને આ યુદ્ધમાં જોતરી દીધો. બ્રિટિશ સૈન્યમાં કામ કરતા ભારતીય સૈનિકોને યુરોપનાં અનેક યુદ્ધક્ષેત્રો પર લડવા મોકલી દેવામાં આવ્યા. બ્રિટનને બચાવવા હજારો ભારતીય સૈનિકોએ પોતાના જાનનું બલિદાન આપ્યું.

યુદ્ધને કારણે, આપણા દેશમાં મોંધવારી એકદમ વધી ગઈ. સામાન્ય પ્રજાની રોજબરોજની જિંદગી અસામાન્યપણે આવી પડતી મુશ્કેલીઓનો ભોગ બનતી રહી. પરંતુ સંસ્થાનવાદે બ્રિટિશરોની સંવેદનશીલતા એટલી હદે બુઠ્ઠી કરી નાખી હતી કે આ બધાં પરિબળોની એ લોકોએ સરિયામપણે ઉપેક્ષા કર્યે રાખી અને કોઈ પણ પ્રકારની રાજકીય કે આર્થિક સુધારણાઓ માટે કોઈ જ પહેલ ન કરી.

આથી ભારતીય યુવાનોએ સ્વાતંત્ર્ય ચળવળની લગામ પોતાના હાથમાં લઈ ભારતના બ્રિટિશ શાસકો પર જાનલેવા હુમલા કર્યા. આ ઉગ્રવાદી યુવાન ક્રાંતિકારોમાં ચાપેકર બ્રધર્સ, જે બેનર્જી, શ્રી આયર, ભગતસિંહ, રાજગુરૂ, અને સુખદેવ જેવાઓનો સમાવેશ થાય છે . અંગ્રેજ સરકારે આ ઉગ્રવાદીઓને પકડી પકડીને ફાંસીને માંચડે લટકાવી દીધા. ચંદ્રશેખર આઝાદનું સરકારી દમનને કારણે ઈજાઓ થવાથી અપમૃત્યુ નિપજ્યું.

આ બધી ચળવળોની નોંધપાત્ર બાબત એ હતી કે  તેમાં સામાન્ય પ્રજાનો સીધો સંપર્ક ન હતો. હવે, મોહનદસ કરમચંદ ગાંધીના રાષ્ટ્રીય તખતા પર પ્રવેશ થવાથી,  બ્રિટિશ શાસન સામેની લડતનો એક અનોખો જ પ્રયોગ આદરાયો. તેની વાત હવે પછી….


ક્રમશ : ભાગ ૧૯ માં


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.