અંગત, છતાં સૌને પોતીકાં લાગતાં સંસ્મરણો

પુસ્તક પરિચય

 

(કયાં છે મારી નદી? -રતિલાલ બોરીસાગર)

પરેશ પ્રજાપતિ

રતિલાલ બોરીસાગર જાણીતા હાસ્યલેખક છે. તેમના પુસ્તક `ક્યાં છે મારી  નદી?`માં અંગત સંભારણાઓ સંવેદનાત્મક સ્વરૂપે રજૂઆત થયાં છે. અખંડઆનંદનાં દિપોત્સવી અંક માટે પહેલી વાર તેમણે પોતાનું બાળપણ જ્યાં વીત્યું, એ સાવરકુંડલાની આંબલી શેરી વિશે નિબંધ લખ્યો. આ ક્રમમાં આગળ વધતાં સાવરકુંડલાની નાવલી નદી તથા પોતાનું પ્રાથમિક શિક્ષણ આલેખતાં પ્રકરણો પણ લખાયાં. લેખકે અર્થોપાર્જન શરૂ કર્યું ત્યાં સુધીના તબક્કાને આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યો છે.

સામાન્યત: સહુને પોતાના બાળપણનું પાસું રોચક લાગતું હોય છે, જે રતિલાલ બોરીસાગરના કિસ્સામાં પણ છે. આ પુસ્તકમાં તેમના બાળપણની રમતો, સંધ્યાઆરતી ટાણે ઢોલ કે ઝાલર વગાડવા માટેની દોડાદોડ, ગરબા તથા રાસ વગેરેની ઉલ્લેખ કરતાં લેખક કહે છે કે બાળપણની રમતોનાં ચોક્કસ સ્થાન આજે પણ પોતે સહેજે ભૂલ વગર આંગળી મૂકીને બતાવી શકે તેમ છે! લેખકનું તેમના ગામ સાથેનું આત્મીય જોડાણ તથા ગામડાનું વાતાવરણ, વ્યક્તિઓ, વાર-તહેવાર અને પ્રસંગો વગેરેની રજૂઆત ઉપરાંત તેમના ઘડતરમાં અનુભવાયેલી ગામડાની હૂંફ અને પ્રેમનું આલેખન આ પુસ્તકને ખાસ બનાવે છે. કુટુંબની પાતળી આર્થીક પરિસ્થિતી વચ્ચે ગામડાની આગવી ઓળખ એવાં પ્રગાઢ સામાજિક બંધનની હૂંફથી વ્યક્તિનું ઘડતર કેટલું સરળતાથી તેમજ સાહજિકતાથી થતું જાય છે; તેની અનૂભુતિ વાચકને દરેક પાને થતી રહે છે.

પુસ્તકમાંના લખાણનો પ્રવાહ `પાણી ઢોળાય ને વહેવા માંડે` એટલો સહજ લાગે છે. લેખકના જણાવ્યા અનુસાર લખતી વખતે બાળપણથી લઇને શાળાજીવનના આલેખન દરમ્યાન તેમની પેન ક્યાંય અટકી નથી. રસાળતા સાથે કરાયેલું સાવરકુંડલાનું વર્ણન ઐતિહાસિક અને સાંસ્કૃતિક દસ્તાવેજની ગરજ સારે તેવું છે. એક સમયે વહેતી અને પૂરથી ભારે તારાજી લાવતી નાવલી નદી સાથે લેખકના બાળપણની એટલી યાદગીરીઓ જોડાયેલી છે કે આજની સૂકીભઠ નદી પર પુલ જોતાં `ક્યાં છે મારી નદી?`નો ચિત્કાર માત્ર લેખક જ નહીં, વાચક પણ અનુભવી શકે છે! વાચકના મનોજગતમાં નાવલી એટલી છવાયેલી રહે કે તેને પુસ્તકનું નામ પૂછતાં, સંભવતઃ `ક્યાં છે મારી નાવલી?` જ કહે!

બાળપણની વ્યાયામ તથા નાટ્યપ્રવૃત્તિ; શાળાજીવનની શરૂઆતસાથે વિદ્યાર્થીવત્સલ તથા શિક્ષણપ્રેમી શિક્ષકો, તેમના દ્વારા કરાતી મૌલિક શિક્ષાઓ, ભૂલથી કરાયેલી શિક્ષાનો પસ્તાવો; ઉપરાંત હજી પાચ-સાત દાયકા પહેલાં શિક્ષકો શુદ્ધ ઉચ્ચારો તથા જોડણીનો કેટલો આગ્રહ રાખતા અને શીખવતા તેની વાંચતી વખતે સુખદ અનુભૂતિ થાય છે. ખુદ શિક્ષણખાતું કેટલું સજાગ હતું તેનો પુસ્તકમાં એક પ્રસંગ છે; તે મુજબ, એક શિક્ષકની બદલી માંગતી અરજીને મંજૂર કરવામાં આવી, પરંતુ તેનો અમલ એક વર્ષ મોડો કરવાનો હુકમ એટલા માટે કર્યો કે તેમની અરજીમાં જોડણી ભૂલ હતી!

આજે માતૃભાષા ગુજરાતીની એટલી માઠી દશા છે કે, સમાચારપત્રોમાં આખા પહેલા પાન પરની જાહેરાતોમાં અક્ષમ્ય ભૂલો જોવા મળે છે; તેમાંય ચિંતાજનક બાબત એ છે કે કોઇને એ અજુગતું લાગતું નથી!

આર્થિક તંગી અનુભવતા પિતા, `હું ભીખ માંગીને પણ તને ભણાવીશ` કહી ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરતાં મોટાભાઇનાં ટૂંકા છતાં સચોટ અને સુંદર શબ્દચિત્રો આલેખાયેલાં છે, એવું જ લેખકની માતાના આલેખનમાં પણ છે. મકરસંક્રાંતિ ટાણે બ્રાહ્મણકર્મથી શરમ અનુભવતા લેખકને તેઓ મોકળા મને મુક્ત કરે છે. માતાના ખુલ્લા મનને એક નાનકડી ઘટના દ્વારા ઉજાગર કરવામાં આવ્યું છે. લેખકના દાદા અને પરદાદા મરજાદી હતા. તેમને પગલે તેઓનું કુટુંબ પણ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવધર્મી, તેથી આભડછેટ ચુસ્તપણે પાળતું. શાળામાં લેખકને એક દલિત વિદ્યાર્થી સાથે બેસવાનું થતું. કુટુંબીજનોને આની જાણ થતાં તેઓ લેખકે ઘેર આવે ત્યારે ફરજિયાતપણે તેમના શુદ્ધિકરણની વિધી કરતા. પરંતુ, નવમાં ધોરણમાં લેખકે મુન્શી પ્રેમચંદની `ઠાકુર કા કુઆઁ`ની કહાની બાને કહી સંભળાવી. એ સાંભળ્યા પછી કાયમ `આતમ સૌનો સરખો` બોલતાં બાએ લેખકના શુદ્ધિકરણનો આગ્રહ પડતો મૂક્યો!

લેખકે આલેખેલા ગામનાં અન્ય વ્યક્તિચિત્રો વાંચતી વખતે વાચક સતત સંવેદનાઓથી ઝંકૃત થતો રહે છે.

રતિલાલ બોરીસાગરે ઉચ્ચ અભ્યાસના પ્રસંગે વિષય પસંદગી અને પરીસ્થિતીઓ; ચટાપટાવાળો લેંઘો પહેરીને કોલેજ જવાનો પહેલો દિવસ, સાથે કૉલેજના વિદ્વાન શિક્ષકો દ્વારા અપાતા શિક્ષણની માહિતી પિરસતું વર્ણન, ફિલ્મો પ્રત્યે તેમનો ઝુકાવ તથા દેવઆનંદ સ્ટાઇલમાં વાળ ઓળવાની શૈલી વિશે પણ રસપ્રદ ઉલ્લેખ કર્યો છે. કૉલેજજીવનમાં તેમની છાપ ડાહ્યા, હોંશિયાર તથા શરમાળ વિદ્યાર્થીની હતી, પરંતું એક પ્રસંગે છાત્રાલયમાં બેજવાબદારીભર્યું વર્તન કરી બેસતાં તેમણે અનુભવેલી આત્મગ્લાનિ વાચકને હલબલાવી મૂકે છે.

આર્ટ્સનું પ્રથમ વર્ષ તેમણે ફર્સ્ટક્લાસ સાથે પાસ કર્યુ તે વર્ષે પિતા નિવૃત્ત થયા. મોટાભાઇની મનાઈ છતાં, કૌટુંબિક જવાબદારી સમજીને એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરવાનું નક્કી કરી લેખક શિક્ષક તરીકે નોકરી માટે ઇન્ટર્વ્યુ આપવા ગયા. ત્યાં તેમના કેટલાક છબરડાના પ્રસંગોએ વાચક પણ કવચિત મનોમન પ્રાર્થના કરતો થઈ જાય કે એમને નોકરી મળી જાય તો સારું!

એક સૂક્ષ્મ ભેદને કારણે લેખકે આ પુસ્તકને બે ભાગમાં વિભાજીત કર્યું છે, અન્યથા લખાણમાં ક્યાંય કૂદકો વાગતો નથી. ઉચ્ચ શિક્ષણના ઘટનાક્રમમાં કેટલીક માહિતીની ખરાઇ કે ચોકસાઇ માટે તેમણે અન્યોની મદદ મેળવી છે. તેથી લખાણની પ્રવાહિતા સહેજેય ખંડિત ન હોવા છતાં, ઉચ્ચશિક્ષણની કથાને ‘વિભાગ- 2’ તરીકે ઓળખાવ્યો છે.

પુસ્તકના પ્રારંભે કવિ આદિલ `મન્સૂરી`ની `મળે ન મળે…` ગઝલને સ્થાન આપીને લેખકે વતનનો ઝૂરાપો વ્યક્ત કર્યો છે. આ સંસ્મરણો લેખકનાં અંગત હોવા છતાં એટલાં સાહજિક છે કે, આંબલી શેરી તથા નાવલી નદી સહિત સમગ્ર સાવરકુંડલા તથા આલેખાયેલાં તમામ સાથે વાચકનું અનુસંધાન સહજપણે સધાય છે.

*** * ***

પુસ્તક અંગેની વિગતો:

પુસ્તકનું નામ : કયાં છે મારી નદી?

લેખક: રતિલાલ બોરીસાગર

પૃષ્ઠસંખ્યા : ‌142 (16+136)
કિંમત : ₹ 170.00
પ્રથમ આવૃત્તિ, 2021

પ્રકાશક :ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
ફોનઃ 079- 22144663; 092270 55777
વિજાણુ સંપર્ક: goorjar@yahoo.com


આ શ્રેણી માટે કોઈ પુસ્તક મોકલવા ઈચ્છે તો શ્રેણી સંપાદક પરેશ પ્રજાપતિને તેમના વિજાણુ સરનામા pkprajapati42@gmail.com પર સંપર્ક કરી પુસ્તકો મોકલવા વિનંતી.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.