ભગ્ન પાદુકા

કલમના કસબી : કનૈયાલાલ મુનશી

રીટા જાની

ગત અંકમાં આપણે મુનશીની કેટલીક નવલિકાઓ વિશે વાત કરી. જેમ સચિન તેંડુલકર ટેસ્ટ મેચ રમે, વન ડે રમે કે 20-20 રમે…..પ્રેક્ષકોને માટે તો એ રમત એક લ્હાવો જ હોય છે. મુનશી માટે પણ કંઇક એવું જ કહી શકાય. મુનશી ઐતિહાસિક નવલકથા લખે, પૌરાણિક નવલકથા લખે, સામાજિક નવલકથા કે નાટક લખે કે પછી એ નવલિકાઓ જ કેમ ન હોય….મુનશીને વાંચવા એક લ્હાવો છે.

આ વખતે વાત કરવી છે મુનશીની નવલકથા ‘ભગ્ન પાદુકા’ ની. નામ સાંભળતાં જ વાચકોના મનમાં અનેક પ્રશ્નોની વણઝાર ખડી થશે. એ કોની પાદુકા હશે… ભગ્ન છે તો અતિ પુરાતન હશે…ત્યાં કોણ આવતું હશે…એનું કંઈ રહસ્ય હશે… કથા ઐતિહાસિક હશે કે કાલ્પનિક …વગેરે વગેરે…તો આવો જાણીએ.

મુનશીએ 1948માં આ નવલકથા લખવાની શરૂ કરી ને ‘જન્મભૂમિ’માં ક્રમશ: પ્રગટ થયા પછી 1955માં પુસ્તકરૂપે પ્રગટ કરી. આ કથામાં ઇ.સ. 1300ની આસપાસના સમયખંડની ગુજરાતની તવારીખ પર આધારિત ઇતિહાસ, પાત્રો અને સામાજિક જીવનની વાત છે. સલ્તનત સમયના રીત રિવાજો સાથે મુસ્લિમોનાં ગૃહ અને સામાજિક જીવનનું જ્ઞાન કે અનુભવ તો મુનશીને ક્યાંથી હોય…તેથી મુનશી કહે છે કે નવલકથાકારની સર્જનશક્તિને કેવા પ્રકારની મર્યાદા છે તેનો આ નવલકથા લખતાં તેમને પૂરેપૂરો ખ્યાલ આવ્યો.

મુનશી પોતાની કથામાં માનવેતર પાત્રો પણ સર્જે છે. અહીં પણ યમુના નદીના કિનારે વડના ઝાડ નીચે ધૂળથી છવાયેલ ભગ્ન પાદુકા પર ઠંડા પ્રકાશના તણખા ઉડતા હોય, ત્યાં કોઈ ઠીંગણો માણસ પાદુકા પર ઊભો હોય, ચંદ્રકિરણોની બનેલી હોય એવી પારદર્શક,ગુજરાતી ઢબે પાટણની ચૂંદડી પહેરેલી, કપાળે સિંદૂર, આંખોમાં કાજળ, વાળમાં સિંદૂર, હાથો ગુલાલભર્યા હોય એવી અતિ સુંદર સ્ત્રી લાંબા વિખરાયેલા વાળ સાથે પાદુકા પર માથું ટેકવીને બેઠી હોય ને અચાનક અલોપ થઈ જાય એવા રહસ્યમય ઘટનાક્રમ સાથે કથાની શરૂઆત થાય છે. પછી આ પાદુકા પર આવતાં પાત્રો – દેવળદેવી, મલિક કાફુર અને ગજાનન પંડિતના મુખે આખી કથા કહેવાઈ છે.

કર્ણદેવ વાઘેલા સારો રાજકર્તા અને વીર યોદ્ધા હતો પણ તેનો સંસ્કારી બ્રાહ્મણ પ્રધાન એવો માધવ પ્રધાન વેર માટે મ્લેચ્છો સાથે મળી સમસ્ત દેશનું સત્યાનાશ વાળે છે. એ અદ્ભૂત વીરતાના સમયમાં કર્ણદેવ વાઘેલા રણ છોડી નાસી જાય છે. તેની રાણી કમલાદેવી પણ જૌહર કરવાના બદલે સુલતાનના જનાનામાં રહે છે, જે તે કાળની ક્ષત્રિય કુલપરંપરાથી વિપરીત છે.

સુલતાન અલાઉદ્દીન ખીલજી ક્રુર, ઘાતકી ને ખટપટિયો હતો. તેના દુશ્મનો પ્રત્યે તે નિર્દય હતો. એને ધર્મની પરવા ન હતી. કાફૂર અને ખુશરુ જેવા વટલાયેલા મુસલમાનોની મદદથી એ રાજ્ય ચલાવતો. રાજપૂતો ટેક રાખી પ્રાણાર્પણ કરતા ગયા. છેવટે તેઓ એમના સમાજના, રાજ્યનીતિના અને યુધ્ધકલાના દોષોના કારણે હાર્યા. આ વાત પણ મુનશીએ બખૂબી આ કથામાં સજીવન કરી છે.

મલિક કાફુર એ ઐતિહાસિક પાત્ર છે. એ અસલ હિન્દુ હતો ને પછી મુસ્લિમ બન્યો. એ ખ્વાજા હતો, હજાર દીનારે વેચાયેલો ખંભાતમાં રહેતો કોઈનો ગુલામ હતો, સાથે વિકૃત વાસનાથી લોકોને મોહિત કરનાર હતો. તેણે પોતાની મોહિનીથી અલાઉદ્દીનને પણ વશ કરેલો.

તે સમયે પ્રવર્તમાન ભયંકર સંઘર્ષનું દર્શન મુનશી દુઃખી, કચડાયેલી જનતા અને સ્વદેશભક્તોની દ્રષ્ટિએ કરાવે છે. તુર્કો અને અફઘાનોના આક્રમણના કારમા કાળમાં હિન્દુ યોદ્ધાઓ કપાઈ મૂઆ પણ તેમણે પોતાના ધર્મ, રીતિ કે ટેક ન છોડ્યા. યુદ્ધકલા અને વિનાશકતામાં કુશાણોને પહોંચી વળવાનું સામર્થ્ય ના ધરાવતા હોવાથી રાજવીઓ હાર્યા. છતાં સમસ્ત જનસમુદાયે અહિંસક બળથી વિદેશી અને વિધર્મીઓનો પ્રતિકાર કર્યો એટલું જ નહિ પણ ધર્મ, નીતિ ને સામાન્ય વ્યવસ્થા સાચવ્યાં. શાંતિના સમયમાં ભલે આપણને સંકુચિત લાગે પણ સ્વરક્ષણ અને પ્રતિરોધ કરવાના આશયથી ન્યાતવ્યવસ્થા સુદ્રઢ કરી.

આ કથાના નાયક, જેમની ભગ્ન પાદુકાના દર્શન થકી દેવળદેવી, મલિક કાફુર અને ગજાનન પંડિત કૃતાર્થ થાય છે, એ ગુર્જરભૂમિના નર શ્રેષ્ઠ,ગંગેશ્વર મુનિ ઉર્ફે બાડા મહારાજ છે. જ્યારે અલાઉદ્દીનના સૈન્યે ગુજરાત ફૂંકી મારવાની શરૂઆત કરી ત્યારે બાડા મહારાજ જેવા સાધુઓની પરંપરા વડે જ આપણા ધર્મ અને સંસ્કાર ટકી રહ્યા. નહિ તો ગુજરાતમાં ધર્મ ને સંસ્કાર આજે છે તેટલે અંશે કાયમ રહે તે અસંભવિત છે. બાડા મહારાજ રાજા અને લોકો બંનેને માર્ગદર્શન આપતાં. જેની અસર હેઠળ ઘોર વિનાશકતાની સામે લોકોએ અસહકાર, આત્મસમર્પણ ને સ્વસંસ્કારને વળગી રહેવા મક્કમતાના અજેય કોટ ચણ્યા. તેથી જ તો અત્યાર સુધી ધર્મ, સંસ્કાર, સાહિત્ય, પ્રણાલિકા, આદર્શ અને આત્મસિદ્ધિના માર્ગો સુરક્ષિત રાખ્યા. પોતાના સ્વમાન અને સ્વસંસ્કાર રક્ષ્યા.

આ નવલકથાનું આખું વહેણ જ વેદનાસભર છે. એનાં પર ઉગ્ર અને વ્યગ્ર વાતાવરણ હાવી થતું નજરે પડે છે. તેથી એમાં ઉલ્લાસ ને વિજયનો આનંદ આવી શક્યો નથી. અહીં વાચકને ચોતરફ નિરાશાના, ભયાનક, ઘૃણાભર્યા કે અધમ પાત્રો દેખાયા કરે છે. ‘ભગ્ન પાદુકા’ વાચકને એ યુગ તાદૃશ કરવામાં કામિયાબ રહે છે.

પાનખરના તૂટેલાં પર્ણો જ વાસંતી પુષ્પો તરફ દોરી જાય છે. નિરાશાની કાજળ ઘેરી રાત્રિઓ વચ્ચે જ આશાની ઉષાનો ઉદય થતો રહ્યો છે. માનવઇતિહાસ વિરોધાભાસોથી સભર રહ્યો છે. સત્ય, પ્રેમ, કરુણા તેના આદર્શો રહ્યા છે. પરંતુ યુદ્ધો, વેર અને ધિક્કાર તેમ જ શોષણની કહાનીઓ વચ્ચે થઈને જ આજનો માનવ સમાનતા અને વિશ્વબંધુત્વની વાતો કરતો થયો છે. વિનાશ એ નવસર્જનનું પ્રથમ ચરણ રહ્યું છે. શાંતિની શોધ યુધ્ધોની વિભિષીકાઓનો જ પરિપાક રહ્યો છે. સદીઓથી પાનખર આવતી રહી છે અને તેની સાથે જ વસંતના વાયરાનો અનુભવ થતો રહ્યો છે. આપણે ઇતિહાસને તટસ્થ સ્વરૂપે જોઈએ અને નવી વસંતની પ્રતિક્ષા કરીએ….


સુશ્રી રીટાબેન જાનીનો સંપર્ક janirita@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.