કવિતા અને આસ્વાદ : જૂનું પિયરઘર

: કવિતા :

જૂનું પિયરઘર

બ.ક. ઠાકોર

બેઠી ખાટે, ફરીવળી બધે મેડીઓ ઓરડામાં,
દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં;
માડી મીઠી, સ્મિત મધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી,
દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી;
સૂનાં સ્થાનો સજીવન થયાં, સાંભળું કંઠ જૂના;
આચારો કૈં વિવિધ ઢબના નેત્ર ઠારે સહુનાં;
ભાંડુ ન્હાનાં શિશુસમયનાં ખટમીઠાં સોબતીઓ,
જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ.

તોયે એ સૌ સ્મૃતિછબી વિશે વ્યાપી લે ચક્ષુ ઘેરી,
ન્હાની મોટી બહુરૂપી થતી એક મૂર્તિ અનેરી;
ચોરીથી આ દિવસ સુધીમાં એવી જામી કલેજે
કે કૌમારે પણ મુજ સરે બાળવેશે સહેજે!
બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી,
ત્યારે જાણી અનહદ ગતિ, નાથ મ્હારા, તમારી.

: આસ્વાદ :

અજિત મકવાણા

૧૪ પંક્તિના માપમાં, છંદના બંધારણમાં બંધાઈને ભાવાભિવ્યક્તિ કરવી એ થોડું અઘરું કાર્ય ગણાય. એમાંય જોઈતો શબ્દ જયારે છંદમાં બેસતો ન હોય ત્યારે તો કવિતા આયાસ જ બની રહેતી હોય છે. કવિકર્મ આમ સહેલું નથી હોતું. બ.ક.ઠા. સોનેટના સ્વરૂપને સાદ્યંત રજૂ કરી શકે છે અને છંદ પર તેમની હથોટી છે એની પ્રતીતિ એમનાં કાવ્યોમાંથી મળી રહે છે.

પ્રસ્તુત કાવ્ય ‘જૂનું પિયરઘર’ પિયરમાં આવેલી પરિણીત સ્ત્રીની આંતર-અનુભૂતિનું કાવ્ય છે. કાવ્યશીર્ષકમાં રહેલું ‘જૂનું’નો અર્થ પુરાણું-જૂનું-નવું નહિ એવો અભિધાત્મક નથી લેવાનો એ સ્પષ્ટતા કરવી રહી. ‘જૂનું’ એટલે અહિ પહેલાંનું – સમયના સંદર્ભમાં જૂનું. આવા જૂના-પહેલાંના ઘરમાં પરિણીત સ્ત્રી આવે છે, જ્યાં પહેલાં તે રહેતી હતી. ખાટ પર, હીંચકે બેસે છે ત્યાંથી કાવ્યનો ઊઘાડ થાય છે. ધ્રુવપંકિતમાં જ કવિત્વશક્તિનો પરિચય મળી રહે છેઃ

‘બેઠી ખાટે, ફરીવળી બધે મેડીઓ ઓરડામાં,’

અહીં બેસવાની ક્રિયા છે; ચાલુ વર્તમાનકાળ છે – બેઠી. આ એક શબ્દ કાવ્યના પાત્રનો નિર્દેશક પણ બની રહે છેઃ બેઠી એટલે સ્ત્રી છે, બેઠો અર્થાત્ પુરુષ નહિ. બેસવાની ક્રિયાની સાથે જ તરત જ આવતા બીજા શબ્દોઃ ‘ફરીવળી બધે’ બહુ સૂચક છે. ઘણાં વરસે આપણે કોઇ સ્થળે ફરીવાર જઇએ ત્યારે આપણે આંખ દ્વારા તો સ્થળનું નિરીક્ષણ કરીએ જ છીએ, મન પણ રઘવાટમાં બધે ફરીવળે છે, મસ્તિષ્કમાં સ્મૃતિઓ સળવળી ઊઠે છે. બેસવા સાથે આંખો ચકળવકળ થઇને આખા ઓરડામાં, મેડીએ બધે જઇ આવે એવો ભાવસંકેત હવે પછી સ્મૃતિની રજૂઆત હશે એવો નિર્દેશ કરે છે.

ભૂતકાળ માણસનો પીછો નથી છોડતો. માણસ વર્તમાનમાં ભલે જીવતો હોય – એનો તંત ભૂતકાળ સુધી લંબાયેલો હોય છે, બલકે ભૂતકાળ એ વર્તમાનનો આધાર હોય છે. એના ટેકે વર્તમાન ઊભો રહે છે. કાવ્યનાયિકા ખાટ પર બેઠી તો ખરી પણ વરસો પછી પિયરમાં આવી છે એટલે એને પોતાનો ભૂતકાળ સાંભરે છે, બાળપણ સાંભરે છે. તને સાંભરે રે.. મને કેમ કરી વીસરે રે.. કવિ કહે છેઃ ‘સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં;’ એની મેળે જ સ્મૃતિપડ ઊકલવા લાગ્યા. નાયિકા સ્મૃતિમાં-દિવાસ્વપ્નમાં શું જુએ છેઃ

‘માડી મીઠી, સ્મિત મધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી,’

માતા અને પિતાનું હૃદયંગમ રેખાચિત્ર એક જ પંક્તિમાં ઊપસી આવે છે. માતા માટે વિશેષણો ઓછાં પડે. અહિ એક જ વિશેષણથી ઓળખ આપી છેઃ મીઠી માડી. ‘માડી’ શબ્દમાં રહેલી મીઠાશ માણવાનો લહાવો લેવા જેવો છે. બોટાદકરનું કાવ્ય યાદ આવી જાયઃ મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ.. જ્યારે પિતા! એ તો ભવ્ય મૂર્તિ છે. દરેક બાળકમાં માતા-પિતાની છબિ હોય. એમાંય પિતા એટલે તો એને મન દુનિયાના સૌથી વધુ બુદ્ધિશાળી ને બળશાળી વ્યક્તિ. નાનાં બાળકો લડતાં હોય ત્યારે.. બન્ને બાળકો એકબીજાને એમ કહેતાં સંભળાયઃ ‘મારા પપ્પાને કહી દઇશ.’ આ આજની વાત નથી; કોણ જાણે કેટલા કાળથી બાળકો આ સંવાદ બોલતાં હશે! વળી, તરતની પંક્તિમાં આવતું દાદીનું પાત્ર બાળકો માટે ઘર-કુટુમ્બ માટે કેટલું વિશિષ્ટ હોય છે એ કહી આપે છે. બાળકો દાદા-દાદી પાસેથી જ સંસ્કારનું ભાથું વધારે બાંધતાં હશે, દાદા-દાદી આંગળીએ વળગાડી કે કાંખમાં તેડી આખો દિવસ ફર્યાં કરે ને રાત્રે.. પરીઓની ને રાક્ષસની ને વનની ને વાદળની ને રામાયણ કે મહાભારતની કથા-વાર્તા ચાલ્યા કરતી હોય… ચકા-ચકીની વાર્તા સાંભળીને જ સૂવાની ટેવ મોટા ભાગનાં બાળકોમાં પડી હશે… એવી દાદી નાયિકાની સ્મૃતિમાં જીવંત છેઃ

‘દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી.’

ઉંમરને કારણે કેડથી વાંકી વળી ગયેલી દાદીનું ચિત્ર આંખ સામે ખડું થઇ જાય. કાવ્યનાયિકાને બા-બાપુ-દાદી સાથે પોતાનાં નાનાં ભાંડુઓ ‘સોબતીઓ’-સખીઓ યાદ આવે છે. કવિએ બાળરમત સંતાકૂકડીનો સીધો નિર્દેશ કરવાને બદલે જુદી રીતે રમત રમવાની ક્રિયાને રજૂ કરી છે, જેમાં, એક જ પંક્તિમાંથી જુદા જુદા અર્થ નીપજે છે. આ બધાંની સાથેનાં ખટમીઠાં સ્મરણો, સંતાવાની રમત, એ સાથે જ એ બધાં જ વય બદલીને મોટાં થતાં જાય તે બધું જ યાદ આવે… કાવ્યનાયિકા પોતાને જ પોતાની આંખો સામે સ્મૃતિ રૂપે નાની-મોટી થતી નિહાળે છે. છેક બાળપણથી શરૂ થયેલી આ ફલેશબૅક જીવનસંધ્યા-મધ્યે સુધી – આજની આ ખાટ પર બેઠી તે ક્ષણ સુધીની જીવનચર્યા આંખ સામે ફિલમની પટ્ટી જેમ ફરી વળે છે.

‘ન્હાની મોટી બહુરૂપી થતી એક મૂર્તિ અનેરી’માં રહસ્ય પ્રગટે છે જે તરતની પંક્તિમાં પતિ પ્રત્યેના પ્રેમ સ્વરૂપે ઝળકે છેઃ ‘ચોરીથી આ દિવસ સુધીમાં એવી જામી કલેજે’. સોનેટની છેલ્લી બે પંક્તિ – ૧૩મી ને ૧૪મી – ચોટદાર હોય, સમગ્ર કાવ્યના નિચોડ રૂપ હોય, તેવું તેના સ્વરૂપલક્ષણમાં જોવા મળ્યું છે. આ પંક્તિઓ ‘બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઇ સારી, ત્યારે જાણી અનહદ્ ગતિ, નાથ મ્હારા, ત્હમારી.’ પ્રભુ-ઇશ્વર પ્રત્યેની આસ્થાનો નિર્દેશ કરે છે. ‘ચોરીથી આ દિવસ સુધીમાં એવી જામી કલેજે’માં પતિનો નિર્દેશ છે અને છેલ્લી પંક્તિઓમાં ‘નાથ’ શબ્દ આવે એટલે ઘણાને પતિનો અર્થ સમજાયો છે, એવું વાંચવા મળ્યું છે, પણ અનહદ્ ગતિ (સમયનું નિરાળાપણું) તો ઇશ્વર એકમાત્રનું જ હોય, અન્યનું નહિ.

કાવ્યમાં એક પ્રકારની ગતિ છે. મંદાક્રાંતા છંદમાં વહેતી આ કવિતાનો મિજાજ પણ સમયના અર્થમાં વેગભર્યો છે. કોઇ એક ઉંમરની સ્ત્રી પિયરમાં આવીને પોતાના બાળપણથી માંડી અબઘડી સુધીની દૃશ્યાવલિ સ્મૃતિના સહારે અનુભવે એટલો દીર્ઘકાળ આ કાવ્યમાં રસાત્મક રીતે રજૂ થયો છે, એ રીતે પણ વેગ છે – કથાવસ્તુનો વેગ. એની સાથે અનહદની ગતિ પણ નિરાળી છે, ઇશ્વરની છે એવું ‘નાથ મ્હારા, ત્હમારી’માંથી સહેજે સમજાય છે. સોનેટમાં કેટલાક શબ્દયુગ્મ, સમાસ માણવા જેવા છે. એની માત્ર યાદીથી જ સંતોષ લઇએ. કાવ્યનો આનંદ એના વાંચવામાંથી મેળવીએ એ વધુ સારું. સ્મૃતિપડ, સ્મિત મધુર, ભવ્ય મૂર્તિ, બાળ રાજી, સ્મૃતિછબી, જૂનું પિયરઘર આ શબ્દયુગ્મો મનમોહક છે, તો એમાંના કેટલાક કવિએ નિપજાવી કાઢેલા પણ છે. પંડિતયુગમાં ગુજરાતી ભાષાની લેખનશૈલી પણ આ કાવ્યમાં જોવા મળે છે. મારા, તમારી-માં ‘હ’ શ્રુતિનો ઊપયોગ મ્હારા, ત્હમારી શબ્દો સૂચવે છે.

(અજિત મકવાણા, સેકટર નં. ૧૩-એ, પ્લોટ નં. ૬૬૨-૨, ગાંધીનગર-૩૮૨૦૧૩ મો. ૯૩૭૪૬૦૬૫૫૪)

‘સાહિત્યસેતુ’માંથી સાભાર

Author: Web Gurjari

2 thoughts on “કવિતા અને આસ્વાદ : જૂનું પિયરઘર

  1. બ.ક.ઠાકોર એટલે સોનેટના શિરમોર કવિ. મને સોનેટનો ચસકો લગાડનાર કવિ. મંદાક્રાન્તા છંદમાં સરસ અભિવ્યક્તી.

Leave a Reply

Your email address will not be published.