લુત્ફ-એ-શેર: મણકો #૧૦૦

ભગવાન થાવરાણી

આશરે બે વર્ષના સફર પછી આખરે આવી ઊભા આ શૃંખલાના સોમાં મુકામ પર. અગાઉ ઉલ્લેખી ચૂક્યો છું તેમ શ્રેણીનો ૧૦૧ મો અને અંતિમ પડાવ શાયરોના શાયર અસદુલ્લાહ ખા ગાલિબ હશે, પહેલા હપ્તાની જેમ ! આમ, કુલ ૯૯ શાયરોને સમાવિષ્ટ કરતી આ શૃંખલાની આ શતકીય કડીમાં કયા શાયર અને એમના શેરોને પસંદ કરવા એ બાબતે અસમંજસ હતી. વિકલ્પો ઘણા હતા. મુબારક સિદ્દીકી, ફરાગ રોહવી, સરમદ સહબાઈ, શહરામ સરમદી, શૌકત વાસ્તી, સૈયદ રઝી તિરમિઝી, નાતિક લખનવી, નદીમ ભાભા, હાશિમ રઝા જલાલપુરી, મહબૂબ ખિઝાં, અતહર નફીસ, મહમૂદ સરોશ, મખ્મૂર દેહલવી, બેખુદ દેહલવી, મંઝર લખનવી અને શાહિદ સિદ્દીકી. 

મિત્ર, ચારાગર અને કવિ મુરબ્બી ડો .લલિત ત્રિવેદી સાથે અચાનક એક કવિ અને એમની એક ગઝલ અંગે વાત થઈ અને રાતોરાત ઉપરના શાયરોને મજબૂરન રદબાતલ કરી આ કવિને  આ કડીમાં લેવા પડ્યા. લલિતભાઈના આભાર સહિત આ કવિને ઓળખીએ. એમનું નામ અહમદ સલમાન. ૧૯૬૪ માં પાકિસ્તાનના કરાચીમાં જન્મ. વિશેષ પરિચયમાં ઊંડા ઉતરવાને બદલે એમના શેરો દ્વારા જ એમનાથી વાકેફ થઈએ . કવિતા શું છે, શું હોઈ શકે એની વ્યાખ્યા કરતા એમના બે શેર :

જો દિખ રહા હૈ ઉસી કે અંદર જો અન – દિખા હૈ વો શાયરી હૈ
જો કહ સકા થા વો કહ ચુકા હું જો રહ ગયા હૈ વો શાયરી હૈ

યે શહર સારા તો રૌશની મેં ખિલા પડા હૈ તો ક્યા લિખું મૈં
વો દૂર જંગલ કી ઝોંપડી મેં જો એક દિયા હૈ વો શાયરી હૈ

એક કડવું અને ચોંકાવનારું સત્ય એમની કલમથી કઈ રીતે મુખરિત થાય છે એ જુઓ :

સબ ને માના મરને વાલા દહશત – ગર્દ ઔર કાતિલ થા
માં  ને  ફિર ભી  કબ્ર પે ઉસકી રાજ – દુલારા લિખા થા

ત્રાસવાદી હોય કે ખૂની, માનો તો લાડકો જ હોય અને એના મને નિર્દોષ પણ !

એમનો અનોખો દ્રષ્ટિકોણ :

કુચલ કુચલ કે ન ફૂટપાથ કો ચલો ઈતના
યહાં પે રાત કો મઝદૂર ખ્વાબ દેખતે હૈં

અંતમાં એમની એક શિરમોર ગઝલના બે શેર :

વો  ગાંવ  કા  ઈક  ઝઈફ  દહકાં  સડક કે બનને પે ક્યૂં ખફા થા
જબ ઉન કે બચ્ચે જો શહર જા કર કભી ન લૌટે તો લોગ સમજે

શેરનું શબ્દશ: ભાષાંતર કેવળ એટલું કે ગામનો વયોવૃદ્ધ ખેડુત ગામની બાજુમાં બનતી પાકી સડકથી નારાજ શા માટે હતો એ ગામના લોકોને છેક ત્યારે સમજાયું જ્યારે ગામના યુવાનો એ જ સડક દ્વારા ગામ છોડીને શહેર ગયા અને ક્યારેય પાછા ન ફર્યા !

લોકોને, ગામને, આપણને કેટલીક વસ્તુઓ બહુ મોડી સમજાય છે અને એ સમજાય ત્યાં સુધીમાં એટલું મોડું થઈ ગયું હોય છે કે વસવસો કર્યા સિવાય કશું બાકી ન રહ્યું હોય ! આ વાત એક જૂદી ઘટના દ્વારા વ્યક્ત કરતો આ જ ગઝલનો મત્લો અને મારા જિગરમાં ખૂંપી ગયેલો કરપીણ શેર :

વો  જિન  દરખ્તોં  કી  છાંવ  મેં  સે મુસાફિરોં કો ઉઠા દિયા થા
ઉન્હીં દરખ્તોં પે અગલે મૌસમ જો ફલ ન ઉતરે તો લોગ સમજે ..

વનસ્પતિને પણ લાગણી, સંવેદના હોય છે એવું કહેવાય છે. અહીં કવિ નિર્લેપપણે બસ એટલું કહીને અટકે છે કે જે ઝાડના છાંયડા તળે સૂતેલાં નિર્દોષ વટેમાર્ગુઓને મવાલીઓ માનીને તગેડી મૂકવામાં આવ્યા હતા એ વૃક્ષો ઉપર પછીના વર્ષે ફળ ન બેઠા ત્યારે છેક લોકોને સમજાયું કે એ હકાલપટ્ટીથી મુસાફરોના મન દુભાયા હતા એ કરતાં વધારે તીવ્ર એ વૃક્ષોની નારાજગી હતી !

અન્યાયના પરિણામો દુરંગામી હોય છે.

આવતા શનિવારે આ શ્રેણીના અંતિમ મણકામાં ચચા ગાલિબ સંગાથે મળીએ.


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

2 thoughts on “લુત્ફ-એ-શેર: મણકો #૧૦૦

 1. અદભુત શાયર.. અદભુત ગઝલો…. અને પાકિસ્તાન હો કે ભારત…. આપણી લાગણીઓ …. પીડાઓ …
  લાચારીઓ . …. કોઇ ફર્ક નથી…

  1. બિલકુલ સાચી વાત !
   થોડાક વર્ષો પહેલાં એક ફિલ્મ આવેલી ‘ ક્યા દિલ્લી ક્યા લાહોર ‘.
   એમાં આવી જ વાત હતી..

Leave a Reply

Your email address will not be published.