ફિર દેખો યારોં
બીરેન કોઠારી
આપણા રોજિંદા વ્યવહારમાં અનેક જાતનાં ફોર્મ ભરવાં પડતાં હોય છે. આવાં ફોર્મમાં નામ સહિત અન્ય વિગતો ભરવાની આવે ત્યારે તેમાં લિંગની સામે સામાન્ય રીતે ‘પુરુષ’ અને ‘સ્ત્રી’ એમ બે જ ખાનાં હોય છે. આ બે ઉપરાંત સમલૈંગિક તેમજ અન્ય સમુદાયની જાતીય ઓળખને હવે તો કાનૂની માન્યતા મળી ગઈ છે, છતાં ફોર્મમાં ત્રીજો વિકલ્પ ભાગ્યે જ જોવા મળે છે. એ જોતાં તેની સાહજિક સ્વિકૃતિ હજી દૂરની વાત લાગે છે. આવી ‘ઈતર’ ઓળખ હજી સામાન્યપણે રમૂજનો અને તિરસ્કારનો વિષય મનાય છે. એવે વખતે હૈદરાબાદ લૉ યુનિવર્સિટીએ એક મહત્ત્વની પહેલ આદરવાની તૈયારી કરી છે. આ પહેલ પાછળ બનેલી ઘટના કંઈક આ મુજબની હતી.
સાતેક વરસ પહેલાં, હૈદરાબાદ લૉ યુનિવર્સિટીના એક સ્નાતકે પોતાના પ્રમાણપત્રમાં મૂકાતી કેવળ બે વિકલ્પ પૈકીની એકે ઓળખ ન લખવા માટે યુનિવર્સિટીના સત્તાધીશોને વિનંતી કરી હતી. યુનિવર્સિટીના સત્તાધીશોએ તેની વિનંતીનો સ્વીકાર કરીને તેના પ્રમાણપત્રમાં લિંગના ખાનામાં અંગ્રેજીના અક્ષરો એમ.એક્સ.’ લખવામાં આવ્યા હતા. પોતાની લૈંગિક ઓળખ જાહેર કરવા ન માંગતી હોય અથવા પોતે પુરુષ યા સ્ત્રી તરીકે ઓળખાવા ન માંગતી હોય એવી વ્યક્તિ માટે આ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે.
આ ઘટના પછી યુનિવર્સિટીએ સર્વસમાવેશક વાતાવરણ ઊભું કરવાના પ્રયત્નો આરંભ્યા અને
આ પ્રકારની વ્યક્તિઓ માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવાનું શરૂ કર્યું. યુનિવર્સિટીઓના ઈતિહાસમાં કદાચ આવી પહેલ સૌ પ્રથમ હોઈ શકે છે.
આ સંકુલમાં આવેલી ઈમારતો પૈકી એક ઈમારતનું આખું ભોંયતળિયું ‘એલ.જી.બી.ટી.ક્યૂ પ્લસ’ (સમલૈંગિક અને અન્ય) સમુદાયને ફાળવવામાં આવ્યું છે, જેમાં વિવિધ ખંડનો સમાવેશ થાય છે. આ માળ પર વૉશરૂમની સુવિધા તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. વિશિષ્ટ લૈંગિક ઓળખ ધરાવનારાઓના સમાવેશની વચગાળાની નીતિ અહીં હાલ અમલી છે, અને તેની સુયોગ્ય નીતિ ઘડાઈ રહી છે.
હવે પછી તેમના માટે અલાયદી હોસ્ટેલનું આયોજન પણ થઈ રહ્યું છે. યુનિવર્સિટીના ઉપકુલપતિ ફૈઝાન મુસ્તફાના જણાવ્યા અનુસાર આ સંકુલમાં તેઓ આ સમુદાયના લોકો માટે સલામત અને સર્વસમાવેશક વાતાવરણ ઊભું કરવા માંગે છે. એ મુજબ સંકુલમાં અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તેમણે આ સમુદાયના વિદ્યાર્થીઓને આગળ આવીને પોતાની લૈંગિક ઓળખ છતી કરવા જણાવ્યું છે.
‘લૈંગિક અને જાતીય લઘુમતિઓ માટે સમાવેશક શિક્ષણની નીતિ’નો મુસદ્દો યુનિવર્સિટીની ‘ટ્રાન્સ પૉલિસી કમિટી’ દ્વારા ઘડાઈ ગયો છે. એ અનુસાર આ સમુદાયના વિદ્યાર્થીએ પોતાની લૈંગિક કે જાતીય ઓળખ દર્શાવતું સ્વપ્રમાણિત લખાણ આપવું જ પૂરતું થઈ પડશે. કાનૂની, તબીબી કે અન્ય કોઈ પ્રમાણપત્રની જરૂર નથી. જન્મનું પ્રમાણપત્ર કે આધારકાર્ડ જેવા સરકારી દસ્તાવેજોમાં દર્શાવાયેલી ઓળખ સાથે તેને લેવાદેવા નહીં રહે. તમામ દસ્તાવેજોમાં પ્રચલિત ઓળખને બદલે આ સમુદાયના સભ્યની તેણે પ્રમાણિત કરેલી ઓળખ દર્શાવવામાં આવશે. સાથેસાથે પોતે ઘોષિત કરેલી ઓળખ જે હોય એ, નામ અને સંબોધન બદલવાનો વિકલ્પ આવા ઉમેદવાર પાસે રહેશે. આને કારણે હોસ્ટેલ યા અન્ય સ્થળે થતા ભેદભાવની સામે તેમને રક્ષણ પૂરું પાડી શકાશે. આ નીતિની સૌથી અગત્યની જોગવાઈ એ છે કે આ ઉમેદવારની પોતાની સંમતિ વિના કોઈ ત્રાહિત વ્યક્તિ ઉપરાંત તેમનાં માબાપ કે વાલીઓ સમક્ષ સુદ્ધાં તેમની ઓળખ જાહેર કરવામાં નહીં આવે. લૈંગિક ઓળખ આધારિત વસ્ત્રપરિધાન બાબતે પણ યુનિવર્સિટીનો કશો આગ્રહ નહીં રહે.
કોઈ વિદ્યાર્થી તબીબી સંક્રાતિકાળમાં હોય તેને પણ યુનિવર્સિટી વિવિધ રીતે સહાયરૂપ બનશે. બીજી પણ અનેક બાબતોનો આ નીતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રકારની નીતિ તૈયાર કરવાનો યુનિવર્સિટીનો હેતુ પોતાના તમામ ક્ષેત્રોમાં આ સમુદાયનું પ્રતિનિધિત્વ વધારવાનો છે. વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રાધ્યાપકો, અન્ય સહાયક કર્મચારીઓ, અભ્યાસક્રમ તેમજ વાંચનસામગ્રીનો તેમાં સમાવેશ થાય છે.
હૈદરાબાદ લૉ યુનિવર્સિટીનું આ પગલું નિ:શંકપણે પ્રશંસનીય છે, અને તેનો યોગ્ય અમલ થાય તો આ અતિ લઘુમતિ સમુદાય માટે આશીર્વાદરૂપ નીવડી શકે એમ છે. આવી પહેલ પછી તેનો અન્ય ક્ષેત્રે પણ પ્રસાર થાય એ જરૂરી છે. માત્ર યુનિવર્સિટી જ નહીં, સમાજનાં વ્યાપક ક્ષેત્રોમાં તે વિસ્તરવું જોઈએ. કેમ કે, આ સમુદાય સાથે સંકળાયેલા સામાજિક લાંછનની ભાવના તો જ દૂર થઈ શકશે અને એ બાબતે જાગૃતિ આવતી જાય તો કદાચ તેને માનસિક સ્વિકૃતિ મળી રહે. કાનૂની સ્વિકૃતિ ચોક્કસ જરૂરી, અને એ મળી ગયેલી છે. પણ કેવળ એટલું પૂરતું નથી. સામાજિક-માનસિક સ્વિકૃતિ મળે તો આ સમુદાયના લોકો પોતાની ઓળખ ઘોષિત કરતાં અચકાય નહીં. આ મામલે ભલભલા શિક્ષિત લોકોનું વલણ સુદ્ધાં વિચિત્ર હોઈ શકે છે, અને તેઓ આવી ઓળખને ‘નૈસર્ગિક’ને બદલે ‘શોખ’ યા ‘વૈભવ’ માનતા હોય એમ બની શકે. આપણા સમાજમાં જાતીયતા અંગેનાં ધોરણો અને વલણ દિન બ દિન સંકુચિત અને રાજકારણપ્રેરિત થઈ રહ્યાં હોવાનું લાગ્યા વિના રહે નહીં. પુરુષ અને સ્ત્રી વચ્ચેના સામાન્ય અને સ્વીકાર્ય સંબંધ બાબતે પણ અનેક અડચણો, અવરોધો અને પ્રતિબંધો જોવા મળે છે. આવા માહોલમાં સમલૈંગિક તેમજ અન્ય સમુદાયની સામાજિક સ્વિકૃતિ મુશ્કેલ ચોક્કસ લાગે, પણ તે અશક્ય નથી. હૈદરાબાદ લૉ યુનિવર્સિટીના સત્તાધીશો આ દિશામાં નોંધપાત્ર પહેલ કરવા બદલ અભિનંદનને પાત્ર છે. આશા રાખી શકાય કે વહેલામોડા પણ આ નીતિ વિવિધ ક્ષેત્રોમાં અમલી બને.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૪-૦૪ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)