શાણો સમાજ – એરિક ફ્રોમ : આપણે કેટલા શાણા? :: કેટલાક ઉપાયો અને તેમના લેખાજોખા

સમાજ દર્શનનો વિવેક

કિશોરચંદ્ર ઠાકર

જ્યારે જ્યારે સમાજમાં બીમારીનાં લક્ષણો દેખાયા છે  ત્યારે તેને માટેના ઇલાજો શોધવાના પ્રયાસો થયા જ છે. આ પ્રયાસો રાજ્યક્રાંતિ, સમાજવાદ, સમાજસુધારણા કે કોઈ ધર્મના અભ્યુદય સ્વરૂપે પણ થયા છે. પરંતુ પ્રયાસો કરનારાઓમાં સમાજની અસ્વસ્થતાના કારણો બાબતે એકવાક્યતા ન હતી. ઓગણીસમી સદીમાં રાજકીય સ્વતંત્રતાના અભાવને બીમારીનાં કારણ તરીકે જોવાતું. કાર્લ માર્કસને લાગ્યું કે માણસનું આર્થિક શોષણ થવાથી તેને પરાયાપણું લાગે છે. ટોલ્સ્ટોય અને તેમના જેવા બીજા વિચારકોને મત માણસનું નૈતિક અધ:પતન, તો વળી ફ્રોઈડના કહેવા મુજબ માણસની વૃતિઓનું  અતિશય દમન આ બધી ઉપાધીઓ માટે જવાબદાર છે.  નિદાન માટે અનેક પાસાઓને બદલે એક જ પાસાને ધ્યાનમાં લેવાથી પરિણામો તો વિપરીત જ આવ્યા છે. ફ્રે‌ન્ચ ક્રાંતિએ યુરોપને સમરાંગણમાં ફેરવી નાખનાર નેપોલિયન આપ્યો, માર્કસના સિધ્ધાંતમાંથી સ્ટાલિન જનમ્યો, ફ્રોઈડના સિદ્ધાંતોએ સ્વેચ્છાચારને પ્રોત્સાહન આપ્યું. એ જ રીતે  ખ્રિસ્તી ઉપદેશમાંથી એકાધિકારવાદી કેથેલિક ચર્ચ નિર્માણ પામ્યું.  લગભગ બધાજ ધર્મો સંસ્થાનું સ્વરૂપ પામ્યા અને  ધર્મના મૂળ ઉપદેશને બદલે જુદી જુદી રીતે પણ પડકારી ના શકાય તેવી સત્તા ભોગવવા લાગ્યા. આ રીતે ઉપચારો તો નિષ્ફળ થયા ઉપરાંત તેમાંથી અનિષ્ટો પણ જનમ્યાં.

આથી લેખક એ મત ઉપર આવ્યા કે સાચો ઉપાય બીમારીના બધા જ કારણોને એકબીજા સાથે  સાંકળવાનો છે. આ માટે  ઓદ્યોગિક અને રાજકીય માળખામાં તો પરિવર્તન કરવું જરૂરી છે. આ ઉપરાંત માણસના નૈતિક અને તાત્વિક દૃષ્ટિકોણમાં તથા તેનાં ચારિત્ર્ય સાથે તેની સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં પણ પરિવર્તન આવવું જરૂરી છે.

ઇલાજ કરતા પહેલા માનસિક  સ્વસ્થતા અંગેનો આપણો  ખ્યાલ સ્પષ્ટ હોવો જોઈએ. સૌ પ્રથમ તો માનવી પરાયાપણાથી પીડાતો ના હોવો જોઈએ. પોતાનું આગવું વ્યક્તિત્વ જાળવી પોતાની જાતને તે પ્રેમપૂર્વક જગત સાથે જોડશે તો આપોઆપ પોતાના માનવબંધુઓ સાથે એકાત્મતા અનુભવશે. તેના અંતરાત્મા પાસે વિવેક નામની એવી લગામ હોવી જોઈએ કે જે નિયંત્રણોને સ્વેચ્છાએ  સ્વીકારે. યાદ રાખીએ કે માનસિક સ્વસ્થતાના આ ખ્યાલો માત્ર આદર્શ તો  નથી જ, ઉપરાંત  તે ખ્યાલોને  બહારથી લાદવાના પણ નથી.  હકીકત તો એ છે કે માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી સુખ-સંવાદિતા-પ્રેમ- સર્જનાત્મક્તા વગેરે માટેની પ્રેરણા તો માણસની અંદર પડેલી જ છે. તક મળતા જ માણસમાં આ વૃતિઓ આપમેળે પ્રબળતાથી બહાર આવી જાય છે. પરંતુ આ સ્વાભાવિક પ્રેરણાને રૂંધી નખીને  ભ્રષ્ટ કરનાર તો છે બહારની પરિસ્થિતિઓ.

હવે આપણે સમાજને સ્વસ્થ કરવા માટે થયેલા ઉપાયો અને તેમના પરિણામો અંગે વાત કરીએ.

માર્કસના બહુચર્ચિત સમાજવાદ મુજબ ઉત્પાદનના સાધનો અને તેના વિતરણનું સામાજીકરણ કરીને અર્થતંત્રનું સ્વરૂપ  કે‌ન્દ્રિત અને આયોજિત કરવામાં આવશે તો ન્યાય અને બંધુત્વ આધારિત વર્ગવિહીન સમાજનું આપોઆપ નિર્માણ થશે. આ માટે જરૂરી છે  મજૂરોના હાથમાં સત્તા આવવી, તે પછી હિંસા દ્વારા આવે કે ચૂંટણી દ્વારા. જો કે રશિયાના અર્થતંત્રને માર્ક્સ અને એ‌ન્જલ્સે કલ્પેલા સમાજવાદનું મૂર્ત સ્વરૂપ માનવું એ ભૂલભરેલું છે તો પણ એક વાત તો સિદ્ધ થઈ જ ચૂકી છે કે આનાથી તો કામદારો માટે ખાનગી  માલિકને બદલે રાજ્ય નામનો વધારે એકહથ્થુ સત્તા  ધરાવતો નવો માલિક  જ ઊભો થાય છે.

ઇંગ્લે‌ન્ડનો મજૂરપક્ષ માર્કસવાદી સિદ્ધાંત પર રચાયેલો ન હોવા છતાં વ્યહવહારમાં તો તેણે કેટલાક ઉદ્યોગોનું સમાજીકરણ કરીને માર્ક્સના સિદ્ધાંત મુજબ જ પગલાં ભર્યાં છે. વળી આ માટે તેણે આશરો પણ શાંતિમય સાધનોનો જ લીધો હતો. આનાથી મજૂરોને એવા લાભો પણ મળ્યા છે જે મૂડીવાદી અર્થતંત્રમાં કદી પણ મળ્યા ના હોત. બ્રિટિશ પ્રજાજીવનમાં પણ તેણે કેટલાક મહત્વના સુખદ ફેરફારો આણ્યા છે. ઊડીને આંખે વળગે તેવી તો છે બ્રિટનની સ્વાસ્થ્ય માટેની સામાજિક સંરક્ષણની યોજના,  જેને કારણે બ્રિટનના કોઈપણ પ્રજાજનને બીમારીને કારણે પોતાનું જીવન અસ્તવ્યસ્ત થઈ જવાનો ડર રહ્યો નથી.

આમ છતાં લેખકના મત મુજબ તો રશિયા અને બ્રિટનનો મજૂરપક્ષ માનવજીવનમાં  માનવીય અર્થમાં પરિવર્તન લાવવામાં તો નિષ્ફળ જ નીવડ્યા છે. માર્કસે ઉત્પાદનનાં સાધનોનાં સમાજીકરણ ઉપર વધુ પડતો ભાર મૂક્યો હતો. તેની સમાજવાદની વ્યાખ્યા મૂડીવાદના પ્રત્યાઘાત જેવી બની રહી. તેમાં કામની પ્રક્રિયામાં શ્રમજીવીનું સ્થાન, કામની પદ્ધતિની તેનાં વ્યક્તિત્વ પર પડતી અસર વગેરે વિશે વિચારાયું ન હતું. પરંતુ બીજા કેટલાક સમાજવાદીઓનું તેના પરત્વે ધ્યાન ગયું અને તેમણે પારિવારિક સમાજવાદ(communitarian socialism)ની વાત કરતા એક એવાં ઔદ્યોગિક માળખાની કલ્પના કરેલી જેમાં કામ કરનાર દરેક વ્યક્તિ સક્રિય અને જવાબદાર ભાગીદાર હોય અને કામ વેઠરૂપ ન હોય. તેમણે માત્ર માલિકીના પ્રશ્ન પર ભાર મૂકવાને બદલે માણસ માણસ વચ્ચેના સામાજિક સબંધ પર  ભાર મૂક્યો હતો. સ્વાતંત્ર્યની  કલ્પના  રાજકીય સ્વતંત્રતા કરતા વધારે વ્યાપક કરતા તેમણે વિચારેલું કે એક સામાન્ય માણસની સ્વતંત્રામાં તેની કામ કરવાની સ્વતંત્રતાનો સમાવેશ પણ થવો જોઈએ. માણસને જ્યાં  સુધી એવી પ્રતીતિ ના થાય કે કામનો દોર પોતાના હાથમાં છે ત્યાં સુધી તે આર્થિક ગુલામી જ અનુભવશે. આપણે જો અવલોકન કરીશું તો જોવા મળશે કે એક મોટી કંપનીના સર્વોચ્ચ મેનેજર કે સરકારના મુખ્ય સચિવ કરતા ચાર રસ્તે બેઠેલો મોચી ભગત પોતાનાં કામ બાબતે વધું સ્વતંત્રતા ભોગવે છે. માણસની ગરીબાઈ પોતે બીમારી નથી પરંતુ બીમારીનું લક્ષણ માત્ર છે. તેને દૂર કરવા માટે શ્રમજીવીઓએ પોતાની જાતમાં વિશ્વાસ મૂકવો જોઈએ અને તેમણે  સુખસગવડતા કરતા પોતાની સ્વતંત્રતાને પ્રાધાન્ય આપવું જોઈએ. આનો અર્થ એવો નથી કે દરેક માણસ પોતાનો સ્વતંત્ર ધંધો જ કરે અને મોટા કારખાના માટે કોઇ કારીગર જ ન હોય. પરંતુ લેખક સૂચવે છે કે ઉદ્યોગનાં સંચાલનની બધી જ જવાબદારી તેમાં કામ કરતા માણસોને સોંપી દેવી જોઈએ. આ માટે તેમણે ઉદ્યોગ અને વેપારના જટિલ તંત્રને સમજી લેવું જોઈએ. તેઓ સમાજનાં આર્થિક ક્ષેત્રમાં મૂળભૂત પ્રતિનિધિ બનવા જોઈએ.

આ પ્રકારની વાત આપણને કોઈ શેખચલ્લીના તરંગ જેવી લાગવી સ્વાભાવિક છે કારણ કે મોટાભાગના  વિચારવાન માણસો એમ જ માને છે કે આધુનિક ઉદ્યોગની અંદર કામનો પ્રકાર જ એવો રસહીન અને યંત્રવત છે કે માણસનાં વ્યક્તિત્વને વિછિન્ન કરી નાખે છે. એથી તેઓ માને છે કે આટલા પ્રચંડ  ઉદ્યોગની બધી જ જવાબદારી તેના કામદારોને સોંપી શકાય નહિ. આ માટે તો આપણે જૂના જમાનાના ગૃહઉદ્યોગો તરફ પાછા ફરવું પડે. પરંતુ ઘડિયાળના કાંટા પાછા ફેરવવાનું શક્ય નથી કે પોસાય તેમ પણ નથી, વળી યાંત્રીકરણ  અને હવે તો યંત્રોના સ્વયંસંચાલન(automation)ને કારણે કામદારોએ વિશેષ કાંઇ ન કરતા એકાદ ચાંપ જ દાબવાની રહેશે. કામના કલાકો પણ ઘટી જશે. આથી   ફુરસદનો સમય એટલો બધો મળશે કે આપણને લાગે છે કે હવે કામદારોને સ્વર્ગનું સુખ મળશે.

પરંતુ ફુરસદને સુખ માનવાનો ખ્યાલ તો આપણા કામ પ્રત્યેના કંટાળામાંથી જનમ્યો છે. કંટાળો આપવા માટે કામ પોતે જવાબદાર નથી. તે તો આવે છે કામ પ્રત્યે આપણા રસના અભાવ અને તેમાંથી ઉત્પન્ન થતા અણગમામાંથી. જો કામને આપણે રસપ્રદ બનાવીએ તો કંટાળાને કોઈ સ્થાન નથી. એક સરખું(monotonous) કામ કરવાનું હોય ત્યારે તે આદત બની જાય છે. અને કોઈપણ આદત મુજબનું કામ કરવા માટે એકચિત્ત થવાની જરૂર નથી. હકીકત એ છે કે એકાગ્રતાપૂર્વક દિલ દઈને કરેલી કોઈપણ પ્રવૃતિ હંમેશા સ્ફુર્તિ બક્ષે છે. આપણા સૌનો અનુભવ છે કે એકાગ્ર થઈને રમવું પડતું હોવાથી પુષ્કળ શ્રમ પડતો હોવા છતાં ફૂટબોલ કે હોકીની રમત આપણને પ્રસન્નતા બક્ષે છે.

આ રીતે  કામદારોનું કામ એવું હોવું જોઈએ કે જેમાં તેનું ચિત્ત પરોવાયેલું રહે. માત્ર ચાંપ દાબવાનું કામ તો તેના ચિત્તને નવરું કરી દે છે.  પણ ચિતડુ તો નવરું રહી જ  ન શકે.  પછી તો એ ભાંગ પીધેલાની જેમ  દિવાસ્વપ્ન્નમાં રાચશે  જે માણસના માનસ માટે કોઈ રીતે નરવું  નથી.

એક એવી માન્યતા છે કે જો માણસને કામ કરવા માટેનું પ્રેરક બળ પૈસો, પ્રતિષ્ઠા કે સત્તા હોય તો તેને કામ રસપ્રદ લાગે. પરંતુ પૈસો, પ્રતિષ્ઠા કે સત્તા કામ કરવા માટેનાં  પ્રેરકબળો હોવા છતાં તેમની ઉપયોગિતા તો માણસનાં કામ પ્રત્યેના અસંતોષનું વળતર  વાળવાના પ્રયાસો પૂરતી  જ  છે. કદાચ તેનાથી માણસની કામ કરવા માટેની ઉત્સુક્તા વધે. પરંતુ તેનો અર્થ એવો જરા પણ નથી કે આ રીતે કરાતાં કામો માનસિક શાંતિ અને સ્વસ્થતા માટે અનુકૂળ છે. આપણે એ વાત ભૂલી જઇએ છીએ કે ઘણા પ્રેરક બળો માણસને કામ કરવા માટે પ્રેરી શકે તેવા હોવા છતાં તેના વ્યક્તિત્વ માટે હાનિકારક હોય છે.

તો પછી ઇલાજ શું હોઈ શકે? આ માટે લેખક ફ્રા‌ન્સના બોઈમો‌ન્ડુ નામના  એક ઘડિયાળના ખોખા બનાવવાનાં કારખાનાના એક પ્રયોગની વાત કરે છે જેને તેઓ આશાસ્પદ ગણાવે છે.  આ કારખાનામાં નિષ્ણાતોને  બદલે શેરીઓમાં ફરીને ત્રીસથી ઓછી ઉંમરના અને જુદી જુદી વિચરસરણી ધરાવતા બીનકુશળ  માણસો શોધી કઢાયા. તેમનામાં માલિક અને નોકર જેવો ભેદ રાખવામાં ન આવ્યો. તેમની સમક્ષ  આર્થિક તંત્ર ઊભુ કરવના ધ્યેયને બદલે સમૂહજીવનની એક પદ્ધતિ ખોળવાનું ધ્યેય રાખવામાં આવ્યું. તેમની સામાન્ય ભૂમિકાનો આધાર એવા નીતિશાસ્ત્રનો રાખવમાં આવ્યો જેમાં વિવિધ ધર્મોના નીતિ અંગેના ખ્યાલો સર્વસામાન્ય(common) હોય.

એ જ રીતે આ જ સમુદાયને કામ કરવા માટે 35 એકરનું એક ખેતર રાખીને તેમાં કામ કરવાનો પ્રયોગ પણ કરવામાં આવ્યો

પ્રયોગની વિગતમાં ઊંડે ઉતરવાને બદલે આપ્ણે તેનાં પરિણામો અંગે તેમાં સામેલ ભિન્ન ભિન્ન વિચારસરણી ધરાવતા માણસોનાં નિવેદનો જોઈએ જે કાંઈક અંશે પ્રયોગની સફળતા દર્શાવે છે.

ફ્રે‌ન્ચ સામ્યવાદી પક્ષના એક સભ્યે કહ્યું કે તેનાં કામથી અને સામુદાયિક જીવનથી તેની સંપૂર્ણ સ્વતંત્રતાની કલ્પના સાકાર બની છે. એક ભૌતિકવાદીના નિવેદન મુજબ તેને એક  નિરીશ્વરવાદી તરીકે લાગ્યું કે સહિષ્ણુતા એ માનવનો ઉત્તમ ગુણ છે. ઉપરાંત તેને પોતાનું વિચારસ્વાતંત્ર્ય પૂરેપુરું જાળવીને  પોતાની જ ફિલસુફીના ઊંડા અભ્યાસની તક મળી છે. એક કેથેલિક ખ્રિસ્તીને આ સમુદાય કોઈપણ ખ્રિસ્તી ઇચ્છે તેવો સમુદાય લાગ્યો.  પ્રોટેસ્ટ‌ન્ટ એવા એક અન્યને સમજાયું કે પોતાના સાથીદાર સાથે સંઘર્ષમાં આવ્યા વિના ક્રા‌ન્તિ સંભવે શકે છે. એક માનવતાવાદીના કહેવા પ્રમણે ૧૧ વર્ષની ઉંમરે તેણે દેવળ અને તેમાં શીખવા  મળતી  આધ્યાત્મિકતા છોડેલા પરંતુ આ સમુદાયમાં તેને માણસના નૈતિક અને આદ્યાત્મિકતાનો સાચો ખ્યાલ મળ્યો.

લેખક જણાવે છે કે બીજા સમુદાયોના આવા પ્રયોગોમાંથી પણ પરિણામો આ પ્રકારના જ આવ્યા છે. પરંતુ સવાલ ઊભો થવો સ્વાભાવિક છે કે નાનકડા સમુદાયના પ્રયોગો સમગ્ર સમાજને લાગુ પાડી શકાય કે નહિ? લેખક તેને અસંભવિત કહેવાને બદલે જણાવે છે કે ભલે મુશ્કેલ લાગતું હોય પણ  એક કારખાનામાં કામ કરતા હજારો માણસોને નાના નાના સમૂહોમાં વિભાજિત કરીને કામની ગોઠવણી કરી શકાય. એક રીતે કે‌ન્દ્રીકરણ અને વિકે‌ન્દ્રીકરણનો સમન્વય કરવો રહ્યો.

બીજી મહત્વની વાત લેખક કરે છે કે પોતાના કાર્યમાં એકાગ્રતા માટે જરૂરી છે કે   દરેકને પોતાના રસનું કામ મળવું જોઈએ. અને જો આ પ્રકારનું કામ ના મળે તો તેના ન્યુનતમ જીવનનિર્વાહની બાંહેધરી મળવી જોઈએ. આ સૂચન આપણને તરંગી ને વિચિત્ર લાગશે. પણ આજે આપણને આવશ્યક લાગતી બેકારો, બીમારો ને વૃદ્ધો માટેની યોજના પણ આજથી સો વર્ષ પહેલા તરંગી જ લાગી હશે ને!  બર્ટા‌ન્ડ રસેલે પોતાના પુસ્તક Proposed Roads to Freedom[1] માં દરેકને ન્યુનતમ જીવનનિર્વાહના ખ્યાલનું સમર્થન  કર્યું જ છે. આ માટેની કોઈપણ યોજના સામે આપણો મુખ્ય વાંધો એ હશે કે જો માણસને જીવનનિર્વાહની ખાતરી મળી જાય તો તે કશું કામ જ નહિ કરે અને આળસુ બની જશે. પરંતુ આ વિચાર તો એવી ખોટી માન્યતાને આધારે ઊભો થયો છે કે માણસ સ્વભાવે આળસુ છે. પરંતુ હકીકત એ છે કે જૂજ અપવાદોને બાદ કરતા બાકીના તો ન્યુનતમ કરતા વધારે આવક મેળવવા કામ કરવાનું જ પસંદ કરશે. આપણે એ ભૂલી જઈએ છીએ કે દરેક સમાજના ઉપલા વર્ગમાં એક મોટો સમૂહ હોય છે જે કશું જ કામ કરતો  નથી અને એશોઆરામ કરતો હોય છે. પરંતુ તેનો બોજ સીધેસીધો સરકાર પર પડતો  ના હોવાથી આપણે તેને ખર્ચ ગણતા નથી. પરંતુ પાઘડીનો વળ છેડે આવે જ છે. માણસની મૂળભૂત પ્રકૃતિ તો આળસુ નહિ પણ સ્વતંત્ર થવાની છે અને તેની ખરી સ્વતંત્રતા તો તેની મરજી મુજબનાં કામને  જ સ્વીકારવામાં છે.

બીજો સવાલ આ યોજના માટેના ખર્ચનો છે. પરંતુ આપણે ધારીએ છીએ તેના કરતા ઘણા ઓછા લોકો  આ  યોજનાનો લાભ લેશે, જેથી ખર્ચ પણ આપણા ધાર્યા કરતા ઘણું ઓછું આવવા સંભવ છે.  આમ છતાં ગમે તેટલું ખર્ચ થાય પણ તે યુદ્ધ અને  શસ્ત્રો માટેના  ખર્ચ કરતા ઘણું જ ઓછું હશે.[2]

અહીં સૂચવાયેલા ઇલાજો પૂરતા નથી જ.  તેની  બીજા અન્ય જેવા કે રાજકીય અને સાંસ્કૃતિક પરિવર્તનો પણ જરૂરી છે જેના વિષે આપણે હવે પછીનાં અને કદાચ છેલ્લાં પ્રકરણમાં વાત કરીશું.

[1] * આ પુસ્તકનો પ્રાધ્યાપક દિનેશ શુક્લએ ગુજરાતીમાં અનુવાદ ‘સ્વાતંત્ર્યના રાહ’ નામે કર્યો છે.

[2] ** આપણે ધારણા કરી શકીએ કે જો સમાજ માનસિક રીતે સ્વસ્થ બનશે તો યુદ્ધોની શક્યતા ઘણી ઓછી થઈ જાય જેથી તેની પાછળનો ખર્ચ પણ ઘટી જ જાય.


(ક્રમશ:)


શ્રી કિશોરચંદ્ર ઠાકરના સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in । મો. +91 9714936269

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.