નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૬૪

લેવાને બદલે આપવાનો આનંદ પણ અનુભવી જો

નલિન શાહ

બ્રીચકેન્ડી હોસ્પિટલમાં બે ઓપરેશનો પતાવી પરાગ વોર્ડન રોડના કન્સલ્ટિંગ રૂમમાં દાખલ થતાં જ ખુરશીમાં ફસડાઈ પડ્યો. જાણે બધી શક્તિ હણાઈ ગઈ ના હોય! પગ લાંબા કરી તેણે માથું પાછળ ઢાળી દીધું. એરકન્ડિશનર ચાલુ હોવા છતાં એ ઉકળાટ અનુભવતો હતો. ‘માનસી સાચું કહેતી હતી.’ એણે વિચાર્યું કે ‘શરીર અને મગજ બંનેને આરામની જરૂર હોય છે.’ અમેરિકામાં તો પર્વતારોહણ પણ કર્યું હતું. પણ આજકાલ ક્યારેક ક્યારેક બે સીડીઓ ચઢતાં પણ એ થાક અનુભવતો હતો.

એ જાણતો હતો કે વેઇટિંગ રૂમમાં પેશન્ટ્સ એની આતુરતાથી વાટ જોઈ રહ્યાં હતાં. ‘એ તો રોજનું થયું.’ એણે વિચાર્યું, ‘પણ એ ક્યાં સુધી?’ હજી તો અડધી ઉંમર બાકી હતી. ઉંમર તો વધ્યા જ કરવાની, પણ સમય પહેલાં બુઢાપો ના આવે એને માટે અત્યારથી તકેદારી લેવી જરૂરી હતી. માનસી પાસે પણ કામનો ઢગલો હતો, પણ એના હાવભાવમાં કે ચેહરા પર થાકના ચિહ્નો ક્યારેય નહોતા વર્તાતાં. વહેલી સવારે તે યોગનાં આસનો કરતી હતી, મોર્નિંગ વૉકમાં જતી હતી. ‘મેંદાની છે’ કહીને બ્રેડ કે કેકને હાથ નહોતી લગાવતી, તળેલી વાનગી કદી મોંમાં નહોતી મૂકતી, નાસ્તામાં ફળફળાદિ, જ્યુસ અને જમવામાં સલાડ અને ગરીબને છાજે એવું ને એટલું લેતી. છતાં કેટલી સ્ફૂર્તિ હતી એનામાં! એ મશ્કરીમાં પૂછતો કે શું લાંબું જીવવા માટે એ બધું કરી રહી હતી? ત્યારે જવાબમાં એ એટલું જ કહેતી કે જીવવા જેવું જીવવા માટે કરી રહી હતી.

ત્યારે એની વાતનું તાત્પર્ય એને ના સમજાયું, પણ હવે ખ્યાલ આવતો હતો કે જેને એ સફળતા માનતો હતો એ જ એની સૌથી મોટી નિષ્ફળતા હતી. શું હજી પામવાનું બાકી હતું? એની ચિંતામાં જે પામ્યો હતો એનો આનંદ લેવાનું પણ વિસરાઈ ગયું હતું. શું આટલા લાંબા અંતરે બે કન્સલ્ટિંગ રૂમ જરૂરી હતા? આટલી ભાગદોડ શાના માટે? એની ગણના હવે કરોડોપતિમાં થતી હતી. અલગ અલગ જગ્યાએ રોકાણ કરેલા પૈસાની કિંમત દિવસે દિવસે વધતી જતી હતી. પારિવારિક સંપત્તિ પણ કાંઈ ઓછી નહોતી. કોઈએ સાચું કહ્યું છે કે પ્રભુએ ઘણું ઘણાંને આપ્યું છે, પણ પૂરતું કોઈને જ નહીં, મને પણ નહીં. પણ હવે બહુ થયું. માનસીના વારંવારના ટોણા સહેવાતા નથી. એ સમજતી નથી કે માણસ કમાવાના સમયે નહીં કમાય તો ક્યારે કમાશે? અને કશ્યપ જો મેડિકલમાં જાય તો એના શિક્ષણ અને સેટઅપ માટે શું કિંમત ચૂકવવી પડશે એની તો કલ્પનાયે કરવી મુશ્કેલ હતી. પણ માનસીની વાત સાવ ખોટી તો નહોતી. એણે વિચાર્યું, ‘ઘણું કમાઈ લીધું; ક્યાંક તો થોભવું પડે. બસ, હવે બીજા દસ વરસ! પછી તદ્દન નિવૃતિ લઈ લઈશ. કામ સામેથી આવે તોયે નહીં કરું. મારી કમાણી હું ના ભોગવું તો એ શા કામની? માનસીને હવે રોકટોક કરવાનો મોકો નહીં આપું. પહેલી તારીખથી એના જેવો જ ખોરાક શરૂ કરીશ. અને સવારે વહેલા ઊઠી એની સાથે મોર્નિંગ વૉક પણ. ચેક-અપ પણ એની પાસે જ કરાવીશ. સાથે-સાથે બધા પેથોલોજિકલ ટેસ્ટ પણ કરાવી લઈશ.’

પરાગને આશ્ચર્ય થયું કે આટલા બધા મહત્ત્વના નિર્ણયો એણે એક સાથે ત્વરીત કરી લીધા, ને જો કરી જ લીધા તો માનસીને અત્યારે જ જાણ કરવી જરૂરી હતી એટલે પીછેહઠ કરવાનો મોકો ના રહે. એણે માનસીને ફોન કર્યો.

‘માનસી, મને વિચાર આવે છે.’

‘શું કહ્યું, તું વિચારે પણ છે?’

‘હા, મેં નિર્ણય કર્યો છે કે આવતી પહેલી તારીખથી તારા જેવો ખોરાક ને તારા જેવી પ્રવૃત્તિઓ ચાલવાની, યોગાની વગેરે શરૂ કરીશ અને દસ વરસ પછી તદ્દન નિવૃત્ત જીવનનો આનંદ માણીશ.’

માનસી કટાક્ષમાં બોલી, ‘આ તો એવી વાત થઈ કે દસ વરસ પછી લોભ છોડી દઈશ કે દસ વરસ પછી દારૂ કે સિગરેટને હાથ નહીં લગાવું અથવા દસ વરસ પછી સારો માણસ બનીશ. જે શક્ય હોય અને પાળી શકાય એટલું જ કરવું. તું ભલે રિટાયર નહીં થાય, પણ આ ભાગદોડ ને આ લોભ ઓછા કરે તો પણ બહુ છે. લેવાને બદલે આપવાનો આનંદ પણ અનુભવી જો. પણ જે કરે તે અત્યારથી, આ ઘડીથી આદર. ભવિષ્યમાં મોકાની વાટ ના જો.’

‘જોઈશ, વિચાર કરી જોઈશ. મૂકું છું.’ કહીને ટેલિફોન મૂક્યો.

રાતના નવ વાગ્યા હતા. હજી બે પેશન્ટ બાકી હતા. ‘એ તો રોજનું થયું. ક્યાંક તો થોભવું પડશે.’ એણે વિચાર્યું. ‘માનસી સાચું કહે છે, જે કરવું તે અત્યારથી જ કરવું. નિર્ણય જો યોગ્ય હોય તો એનો અમલ કરવા મુહૂર્ત જોવાની જરૂર નથી.’ એણે બેલ દબાવીને કર્મચારીને કહ્યું, ‘જે બાકી હોય એમને કહેજે કાલે આવે. મારે જવું પડે તેમ છે’ અને એ ઊભો થઈ ગયો. ટેબલ ઉપરથી બેગ અને ગાડીની ચાવી ઉઠાવીને તે બહાર નીકળી ગયો. લિફ્ટનું બટન દબાવવા જતો હતો અને યાદ આવ્યું કે માનસી પાંચ-છ માળ સુધી ઉપર જવા માટે કદી લિફ્ટનો ઉપયોગ નહોતી કરતી ને એને બે સીડીઓ ઊતરવા માટે લિફ્ટ જોઈએ છે! ‘ઝટ, જે કરવું હોય એનો અમલ અત્યારથી જ કરવો જોઈએ’ એણે મનોમન વિચાર્યું ને દાદર ઊતરી ગયો.

નીચે ઊતર્યો અને પરાગને યાદ આવ્યું કે સાંજે સિમલા ફોન કરવાનું ભૂલી ગયો હતો. ‘હવે તો બહુ મોડું થયું કહેવાય.’ એણે વિચાર્યું, ‘કાલે સાંજે આવીને પહેલું એ કામ કરીશ’ ને ગાડીનો દરવાજો ખોલ્યો. ગાડી સ્ટાર્ટ કરીને માનસીનો વિચાર આવતાં હસી પડાયું. ‘સારું છે કે માનસીએ હજી એમ નથી કહ્યું કે વોર્ડન રોડથી સાંતાક્રૂઝ પંદર કિલોમિટર ચાલીને આવવું. કદી એમ કહે તો પણ નવાઈ પામવા જેવું નથી.’ શક્ય હોય એટલું ચાલવાની માનસીની વર્ષો જૂની આદતથી એ પરિચિત હતો.

ચાર-પાંચ કિલોમિટરનું અંતર કાપતાં પરાગને સારો એવો સમય લાગ્યો. દિવસે દિવસે ટ્રાફિકની પરિસ્થિતિ વધુ વિકટ થતી જતી હતી. આવતાં દસ વરસમાં શું થશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. આટલા લાંબા અંતરે બે ઓપરેશન થિયેટર અને બે કન્સલ્ટિંગ રૂમ બિનજરૂરી હતાં. બધું ઘરની નજદીક જ હોય તો સમય અને શક્તિનો વ્યય ન થાય. એની ખ્યાતિના કારણે કાનની માત્રામાં કોઈ નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા નહીંવત્‌ હતી. ક્યાં સુધી આ ભાગદોડ કરતો રહીશ? મમ્મી, વગર કારણે માનસીને વગોવતી હતી. માનસી દરેક વાતમાં સાચી ઠરી હતી. હવે જાગ્યા ત્યાંથી સવાર. કાલે ને કાલે જ માનસી સાથે મસલત કરી નિર્ણય લઈશ. ભલે મમ્મીને ગમે કે ના ગમે. તબિયતના ભોગે થતી કમાણી શા કામની? બહુ કમાઈ લીધું. હવે જિંદગીની દિશા બદલવી જરૂરી હતી. દીકરાને ભણતો ને મોટો થતો જોવો એ પણ એક લ્હાવો હતો. ‘માનસી સાથે થોડા દિવસ સિમલા જઈ કશ્પયને મળી આવું. જોઉં તો ખરો કે મારી સ્કૂલમાં કેટલો સુધારો વધારો થયો છે.’ એણે મનોમન નિશ્ચય કર્યો.

વરલીના દરિયાકિનારે ટ્રાફિક નહોતો. એણે ગાડીની ગતિ વધારી. અચાનક પરાગની છાતીમાં શૂળ ભોંકાયું હોય એવી વેદના થઈ. એણે બ્રેક ઉપર પગ દબાવ્યો ને ગાડી બાજુમાં રોકી દીધી. આંખે અંધારાં આવ્યાં, સ્ટિયરિંગ પર માથું ઢળી પડ્યું અને પ્રાણ ઊડી ગયો.

*** *** ***

         રાત્રે પોલિસ સ્ટેશન પરથી ફોન આવ્યો. માનસીએ સાગરને જાણ કરી અને બંને હોસ્પિટલ પહોંચી ગયા. મોત રસ્તામાં થયું હોવાથી પોસ્ટમોર્ટમની વિધિ કરવી જરૂરી હતી. બીજે દિવસે દિવસના સમયે એ પત્યા પછી જ શરીરનો કબજો મળે તેમ હતો. મોડી રાત્રે તેઓ ઘેર આવ્યાં.

ધનલક્ષ્મી હજી અજાણ હતી. પરાગની જમવાની થાળી ટેબલ પર ઢાંકીને એ સોફામાં બેસીને એની વાટ જોતી હતી. ‘અગિયાર વાગ્યા, હજી ના આવ્યો!’ એને અચરજ થયું, ‘પેશન્ટમાં અટવાયેલો હશે બીજું શું!!’

ત્યાં જ નોકરે ખબર આપ્યા, ‘સાગરભાઈ ગાડી લઈને આવ્યા હતા એમની સાથે માનસીબેન ઉતાવળમાં ઊતરી ક્યાંક બાહર ગયાં છે.’ ધનલક્ષ્મીએ કશી પ્રતિક્રિયા આપ્યા વગર સાંભળી લીધુ. પરાગનું ના આવવું ને મોડી રાત્રે માનસીનું બહાર જવું એને સમજાયું નહીં.

 

 

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.