ફિલ્મસંગીતના નકશીકારો (૨૩) – રણજીત ગઝમેર – ‘કાંચા’

પીયૂષ મ. પંડ્યા

 શરૂઆત એક ફિલ્મી ગીત સાંભળીને કરીએ.

ફિલ્મ ‘હરે રામા હરે ક્રિશ્ના’(૧૯૭૧)ના સંગીતકાર રાહુલદેવ બર્મન આ ગીતની ધૂન માટે વિચારણા કરી રહ્યા હતા ત્યારે એમના સહાયક મનોહારિ સિંહ એક યુવાનને લઈને તેમની પાસે ગયા. યોગાનુયોગે તે સમયે નિર્માતા-અભિનેતા દેવ આનંદ પણ તે બેઠકમાં ઉપસ્થિત હતા. એ યુવાન પોતાની સાથે એક નાનકડું તાલવાદ્ય લઈને ગયો હતો. મનોહારિએ ઓળખ રણજીત તરીકે આપી અને જણાવ્યું કે તે નેપાળથી મુંબઈની ફિલ્મી સંગીતની દુનિયામાં નસીબ અજમાવવા આવ્યો છે. રાહુલે એને કોઈ નેપાળી તરજ સાથે એ તાલવાદ્ય વગાડવા કહ્યું. રણજીત નામના એ કલાકારે થોડા સમય પહેલાં પોતે બનાવેલી એક નેપાળી ધૂન સંભળાવી, જેના મુખડાના શબ્દો હતા, ‘કાંચા રે કાંચા’ અને સાથે પેલું તાલવાદ્ય પણ વગાડ્યું. ધૂન તેમ જ તાલવાદ્યના વિશિષ્ટ નાદથી ખુશ થઈ ગયેલા રાહુલદેવે એ યુવાનને બે દિવસ પછી પોતે રેકોર્ડીંગ કરવાના હતા ત્યાં આવવા કહ્યું. તે સૂચના મુજબ રણજીત બે દિવસ પછી ત્યાં પહોંચ્યો અને જઈને દંગ થઈ ગયો, કારણ કે તે સમયે કિશોર કુમાર અને આશા ભોંસલે આપણે ઉપર સાંભળ્યું એ ગીત રેકોર્ડ કરાવી રહ્યાં હતાં ! ફિલ્મની ઝળહળાટભરી દુનિયામાં મળેલો પ્રવેશ એ નવાગંતુક યુવાનને માટે કલ્પનાતિત હતો. રાહુલદેવે એને આવકારતાં કહ્યું, “આ તારી ધૂન પર આધારિત ગીત બન્યું! આજથી તારું નામ ‘કાંચા’ રહેશે.” અને એ સાથે રણજીત ગઝમેર ઉર્ફે કાંચા રાહુલદેવ તેમ જ સચીનદેવના અંતરંગ વર્તૂળના એક સભ્ય બની ગયા. આ નાતો છેક રાહુલદેવના અવસાન – ૧૯૯૪- સુધી ટકી રહ્યો.

 

રણજીત પોતાની સાથે જે નેપાળી તાલવાદ્ય લાવ્યા હતા તે દેખીતી રીતે ઢોલકની નાનકડી આવૃત્તિ લાગે. પણ, એને વગાડવાની પદ્ધતિ અને એનો નાદ ઢોલકથી અલગ પડે છે. ‘માદલ’ તરીકે ઓળખાતું આ તાલવાદ્ય નેપાળ અને આસપાસના વિસ્તારોમાં ખાસ્સું પ્રચલિત છે.

 

માદલનો નાદ જેમાં ખુબ જ સ્પષ્ટ સંભળાય છે એવું ફિલ્મ ‘ઘર’(૧૯૭૮)નું એક ગીત સાંભળીએ.

રાહુલદેવની તર્જ ઉપર બનેલા આ ગીતમાં પણ માદલ રણજીત ગઝમેરે વગાડ્યું હતું. નીચેની ક્લીપમાં એક કાર્યક્રમમાં અલગઅલગ સૂરમાં મેળવેલાં એક કરતાં વધુ માદલ (માદલતરંગ પ્રણાલી) ઉપર એ વાદનનું નિદર્શન કરી રહેલા રણજીત દૃશ્યમાન થાય છે.

દાર્જીલિંગનું ગઝમેર કુટુંબ પેઢીઓથી સુવર્ણ તેમ જ અલંકારોનો વ્યવસાય કરતું આવ્યું છે. આ કુટુંબમાં રણજીતનો જન્મ તા. ૩ ઓક્ટોબર, ૧૯૪૧ના રોજ થયો હતો. નાની વયે પિતાનું અવસાન થયું અને કિશોરાવસ્થા સુધીમાં તો માતા પણ ગુમાવી દીધાં. રણજીતને નાનપણથી જ ગાવા વગાડવામાં રસ પડતો રહેતો હતો, પણ કુટુંબના અન્ય સભ્યોનો અભિગમ તે  દિશામાં ન હોવાથી તે પોતાની પ્રગતીમાં બાધક બની રહે એવી ભીતિ તેમને રહેતી હતી. તેમ છતાંયે અભ્યાસકાળ દરમિયાન રણજીત કેટલાંક વાદ્યો, ખાસ કરીને તાલવાદ્યો વગાડતાં શીખી ગયા હતા. ઉપરાંત કોઈ કોઈ વાર ગમી જાય એવાં કાવ્યોને માટે ધૂન બનાવી લેતા હતા. તે સમયે દાર્જીલિંગમાં રેકોર્ડીંગ માટેની કોઈ જ સુવિધા ઉપલબ્ધ નહોતી, આથી બે-ચાર ધૂનો બની જાય પછી ધ્વનિમુદ્રણ માટે રણજીત કલકત્તા ખાતેના HMV સ્ટુડીઓમાં જતા હતા. તે સમયે ફિલ્મી સંગીતની દુનિયાના ખ્યાતનામ વા દક લુઈ બેન્ક્સના પિતા જ્યોર્જ બેન્ક્સ કલકત્તાની હોટેલોમાં બેન્ડનું સંચાલન કરતા હતા. બેત્રણ મુલાકાત પછી તેમણે રણજીતની ક્ષમતા પારખી અને તેમને પોતાની સાથે વગાડવા માટે નિમંત્ર્યા.

જ્યોર્જ બેન્ક્સ

એક સુખ્યાત સેક્સોફોનવાદક કે જે પછીથી રાહુલદેવ બર્મનના સહાયક બન્યા એવા મનોહારિ સિંહ તે સમયે કલકત્તા ખાતે કાર્યરત હતા. તેમની સાથે પણ રણજીતને થોડોઘણો પરિચય કેળવાયો. એકવાર મનોહારિએ રણજીતને નેપાળમાં નસીબ અજમાવી જોવા માટે સૂચન કર્યું. તે સૂચનનો ત્વરીત અમલ કરીને રણજીત નેપાળ પહોંચી ગયા. ત્યાં જઈને તેમણે કઠમંડુની વિવિધ હોટેલોમાં તેમ જ ત્યાંના રેડીઓ ઉપર પ્રસારિત થતા સંગીતના કાર્યક્રમોમાં જુદાં જુદાં વાદ્યો વગાડવાનું શરૂ કર્યું. રણજીતની ખ્યાતિ વધી અને તેમને એક સ્થાનિક શાળામાં સંગીતશિક્ષક તરીકે કામ મળ્યું. આગળ જતાં રોયલ નેપાળ એકેડેમીમાં પણ વગાડવા માટેના કરારો નિયમીત ધોરણે મળવા લાગ્યા.

એવામાં એકવાર મનોહારિ સિંહ કોઈ કાર્યક્રમ માટે કઠમંડુ ગયા અને ત્યાં તેમની મુલાકાત રણજીત સાથે થઈ. મનોહારિએ જણાવ્યું કે પોતે મુંબઈ ખાતે સ્થાયી થયા હતા અને ફિલ્મી સંગીતના ક્ષેત્રમાં સક્રિય હતા. થોડા ક્ષોભ સાથે રણજીતે પોતાને મુંબઈમાં તક મળે કે કેમ એમ પૂછતાં મનોહારિએ પ્રોત્સાહક જવાબ આપ્યો. શક્ય ત્વરાથી રણજીત કઠમંડુથી મુંબઈ પહોંચ્યા અને મનોહારિને મળ્યા. બીજે જ દિવસે સવારે રણજીતને લઈને મનોહારિ રાહુલદેવ બર્મન પાસે ગયા. આમ, તેમને પહેલવહેલી તક રાહુલદેવ થકી મળી.

આ ઘટનાના પરિણામે રણજીત રાહુલદેવ બર્મનના વાદ્યવૃંદનો કાયમી હિસ્સો બની ગયા. તે સંબંધ કેવળ વ્યવસાયિક ન રહેતાં મૈત્રીપૂર્ણ બની ગયો હતો.

રાહુલદેવના પ્રીતિપાત્ર હોવાથી રણજીત આશા ભોંસલે સાથે પણ ઉષ્માભર્યો સંબંધ ધરાવતા હતા. એક નેપાળી ફિલ્મમાં રણજીતના સ્વરનિયોજનમાં આશાએ ગીત પણ ગાયું હતું. એક કરતાં વધુ સ્ટેજ કાર્યક્રમોમાં પણ તેમની સાથે આશાએ હાજરી આપી હતી.

સંગીતક્ષેત્રે આધુનિકીકરણનો આજના જેવું ચલણી નહોતું થયું ત્યાં સુધી ગીતની સ્વરબાંધણી માટે સ્વરકારો તેમના સહાયકો અને કેટલાક ચુનંદા વાદકો સાથે નિયમીત ધોરણે બેઠક કરતા હતા. દિવસો સુધીની મથામણ પછી ગીતનો આખરી પીંડ બંધાઈ રહેતો. રાહુલદેવની આવી બેઠકોમાં રણજીત એક અનિવાર્ય સભ્ય તરીકે ઉપસ્થિત રહેતા હતા.

સચીનદેવ પણ અવારનવાર રણજીતને પોતાની આ પ્રકારની બેઠકોમાં બોલાવી લેતા હતા. એક બેઠકમાં રણજીતે તેમને પોતાની બનાવેલી એક નેપાળી ધૂન સંભળાવી. સચીનદેવને તે એટલી પસંદ પડી ગઈ કે એ ધૂનનો આધાર લઈને તેમણે ફિલ્મ ‘યેહ ગુલિસ્તાન હમારા’(૧૯૭૨)નું ગીત ‘ઓ તુશીમા તુશીમા’ બનાવ્યું. ધ્યાનથી સાંભળતાં ગીતની સાથે તાલ પુરાવતું લાક્ષણિક માદલવાદન કાને પડે છે.

રણજીતની ઓળખ મહદઅંશે એક માદલવાદક તરીકેની પ્રસ્થાપિત થઈ હતી. આ તાલવાદ્ય સાથે તેમણે કેટલાક પ્રયોગો પણ કર્યા. જેમ કે એક કરતાં વધારે માદલને અલગ અલગ સૂરમાં મેળવીને માદલતરંગ પ્રણાલી બનાવીને અમુક ગીતોમાં વગાડ્યું.

માદલતરંગ

સાથે તે ડ્રમ, મેટલોફોન, વાઈબ્રોફોન, ઝાયલોફોન, વાયોલીન તેમ જ ગીટાર જેવાં વાદ્યો પણ પૂરી કુશળતાથી વગાડી લેતા હતા.

વાયોલીનના સૂર મેળવી રહેલા રણજીત

કારકીર્દિનો મોટો ભાગ રાહુલદેવના વાદ્યવૃંદના એક અનિવાર્ય સભ્ય તરીકે વિતાવવા ઉપરાંત રણજીતે રાજેશ રોશન, રવીન્દ્ર જૈન અને બપ્પી લાહીડી જેવા સંગીતકારો સાથે પણ કામ કર્યું.

ફિલ્મ ‘1942: એ લવસ્ટોરી’ (૧૯૯૪)માં સંગીત આપ્યા પછી રાહુલદેવ અવસાન પામ્યા. તે પછી રણજીતે હિન્દી ફિલ્મી સંગીતના ક્ષેત્રમાં કામ કરવાનું ઓછું કરી નાખ્યું. જો કે જીવનનિર્વાહ માટે તેમણે કેટલીક નેપાળી ફિલ્મો માટે સંગીત તૈયાર કર્યું. સાથેસાથે ક્યારેક સ્ટેજ કાર્યક્રમોમાં હાજરી પૂરાવતા રહેતા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી વધતી જતી વયને લીધે તેમની વ્યસ્તતા ઘટી છે.

રણજીત ગઝમેરે યાદગાર માદલવાદન કર્યું છે તેવાં કેટલાંક ગીતો સાંભળીએ.

ફિલ્મ ‘યાદોં કી બારાત’(૧૯૭૩)માં રાહુલદેવે યાદગાર ગીતો આપ્યાં હતાં. તે પૈકીનાં બે ગીતો કે જેમાં રણજીતનું તાલવાદન પ્રભાવક રીતે કાને પડે છે ….

રાખી ઔર હથકડી (૧૯૭૨)નું આ ગીત ખાસ્સું લોકપ્રિય થયું હતું.

‘અજનબી’(૧૯૭૪)નું આ ગીત બે કારણથી રણજીતને માટે ખુબ યાદગાર બની રહ્યું છે. એક તો એ કે ગીતની ધૂનનાં મૂળીયાં નેપાળી સંગીતમાં મળે છે. બીજું કારણ એ છે કે આ ગીતના રેકોર્ડીંગ સમયે ફિલ્મી વાદકો અચાનક જ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. ફિલ્મના દિગ્દર્શક શક્તિ સામંત માટે એ જ સમયે આ ગીત રેકોર્ડ થઈ જાય તે અનિવાર્ય હતું. તેમણે સંગીતકાર રાહુલદેવને પોતાની લાચારી સમજાવી. દિગ્દર્શકનો સમય સાચવી લેવા માટે રાહુલદેવે માત્ર બે વાદકો – માદલ ઉપર રણજીત અને ગીટાર ઉપર ભૂપેન્દ્ર – નો સાથ લઈને ગીતનું ધ્વનિમુદ્રણ કરાવી લીધું. આ ચેષ્ટાથી રણજીતને અને ભૂપેન્દ્રને તેમના વ્યવસાયી સાથીદારો કે જે અંગત મિત્રો પણ હતા, તેમનો સારો એવો ખોફ વેઠવો પડ્યો હતો. મૂળ રેકોર્ડીંગમાં અન્ય વાદ્યોના સ્વર હડતાલ સમેટાયા પછી ઉમેરવામાં આવ્યા હતા.

૧૯૮૧ની ફિલ્મ ‘ઝમાને કો દીખાના હૈ’નું એક યાદગાર ગીત, જેમાં રણજીતનું માદલવાદન જાન ભરી દે છે.

ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’(૧૯૮૫)નું આ ગીત તે સમયે ખુબ જ લોકપ્રિય બન્યું હતું.

રણજીત ફિલ્મી વાદ્યવૃંદની દુનિયામાં એવે સમયે પ્રવેશ્યા જ્યારે હિન્દી ફિલ્મોના સંગીતનો સુવર્ણયુગ મનાતો સમયગાળો અસ્ત પામી રહ્યો હતો. તેમ છતાંયે તે ઢળતા સૂરજના અજવાળામાં સોનેરી ઝાંય ઝળહળતી હતી. હજી એક એક ગીત તૈયાર કરવા માટે સંગીતકાર તેમના સહાયકો, વાદ્યવૃંદ નિયોજકો અને પસંદગીના વાદકો સાથે વારંવાર બેઠકો કરતા હતા. રણજીતે એક કરતાં વધારે વાર કહ્યું છે કે બેઠકની પરંપરા લુપ્ત થઈ એ પછી ફિલ્મી સંગીતમાંથી આત્મા જ નીકળી ગયો છે. બાહ્ય કલેવર ખુબ જ રુડું-રૂપાળું હોઈ શકે તે બાબતે રણજીત સંમત છે.


નોંધ….

પ્રસ્તુત લેખ તૈયાર કરવા માટે યુ ટ્યુબ ઉપર ઉપલબ્ધ એવી (રાજ્યસભા ટીવીના ‘ગુફતગુ’ કાર્યક્રમના સૂત્રધાર) એસ.એમ. ઈરફાને રણજીત ગઝમેર સાથે કરેલી પ્રત્યક્ષ મુલાકાતનો મહદઅંશે આધાર લીધો છે. તે ઉપરાંત વધારાની માહિતી અને તસવીરો નેટ પરથી લીધી છે.


ગીતો યુટ્યુબ ઉપરથી સાભાર.

કોઈ જ સામગ્રીનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેની બાહેંધરી સહિત અહીં ઉપયોગ કર્યો છે.

તસવીરો અને માહિતી નેટ ઉપરથી સાભાર.

મૂલ્યવર્ધન…. બીરેન કોઠારી.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

4 thoughts on “ફિલ્મસંગીતના નકશીકારો (૨૩) – રણજીત ગઝમેર – ‘કાંચા’

  1. અજાણ્યા વાદ્ય અને તેના વાદનમાં માહિર કલાકાર વિશે આપે સરસ લેખ પ્રસ્તુત કર્યો છે, આભાર

  2. સરસ પરિચય અને વિગતો !
    ‘ हम दोनों दो प्रेमी ‘ ફિલ્મ ‘ अजनबी ‘ નું ગીત છે.

    1. આપનો આભાર. યોગ્ય સ્થાને ફિલ્મ ‘અજનબી’નો ઉલ્લેખ કર્યો જ છે.

  3. આવુંબધું જાણવાની ખૂબ મજા પડે છે પીયૂષ!

Leave a Reply

Your email address will not be published.