લુત્ફ-એ-શેર: મણકો # ૯૯

ભગવાન થાવરાણી

મૂળભૂત રીતે આ શૃંખલામાં આપ સૌને એવા શેરોનો પરિચય કરાવવાનો હતો જે મારી અડધી સદી  જૂની ડાયરીઓમાં શાયરના નામ વિના દર્જ છે. ગૂગલની ( અને रेख्ता નામક ઉર્દૂ શેરો-શાયરીના ખજાના-સમ સાઈટની ) કૃપાથી એ બધા શેરોના કર્તાઓની જાણ થઈ અને એ શાયરોની અન્ય રચનાઓની છાનબીનનુ પરિણામ એટલે આ શ્રેણી !

આ તલાશની આડપેદાશરૂપે જાણીતા શાયરોના એવા કેટલાક અજાણ્યા પણ અદ્ભુત શેરોની ઓળખ થઈ જે જાણી – માણીને બાગ – બાગ થઈ ઊઠીએ તો એવા કેટલાક સાવ અજાણ્યા શાયરો અને એમની બેનમૂન કૃતિઓની ઓળખ થઈ જેના થકી એ જાણ્યું કે આપણે કેટલું ઓછું જાણતા હતા ! આવા એક અજાણ્યા રહી ગયેલા પણ સાચા અર્થમાં માતબર શાયર એટલે રઈસ ફરોગ . અસલ નામ

મોહમ્મદ યુનુસ હસન, જન્મ મુરાદાબાદ ભારત અને નિધન કરાચીમાં ૧૯૮૨. (ફરોગ યાને જ્યોતિ, રોનક, પ્રચાર, ખ્યાતિ, ઉત્કર્ષ).  એમની સીધી અને સોંસરવી બાની જૂઓ :

મેરા ભી એક બાપ થા અચ્છા – સા એક બાપ
વો જિસ જગહ પહુંચ કે મરા થા વહીં હૂં મૈં

બાપ માટે તુંકારો કોઈકને અશિષ્ટ લાગે પણ તુંકારો તો ભગવાનને પણ કરીએ જ છીએ ને !  અહીં શાયરનો ભાર એ વાત પર છે કે ઉંમરના કે પ્રતિષ્ઠાના જે તબક્કે પહોંચી મારા પિતા અવસાન પામેલા, હું પણ બરાબર એ અવસ્થાએ છું. હવે શું થશે કે થઈ શકે એની કલ્પના આપણા ઉપર !

દરેક સંવેદનશીલ માણસ જે કશમકશ અનુભવે છે એ ફરોગ સાહેબની પણ છે :

અપને  હાલાત  સે  મૈં  સુલહ  તો  કર લૂં લેકિન
મુજ મેં રૂ – પોશ જો એક શખ્સ હૈ મર જાએગા

(રૂ – પોશ એટલે ગુપ્ત )

નાચીઝનો એક શેર આ જ વાત થોડીક નબળી રીતે કહે છે :

સ્વયં સાથે યુદ્ધો સતત મેં કર્યા છે
જગતથી સમાધાનો કરવાને ખાતર ..

ફરોગ સાહેબની જિંદાદિલી :

શહર મેં એક ઝરા સે કિસી ઘર કી ખાતિર

અપને સહરાઓં કો નારાઝ નહીં કર સકતે

(એક હર્યું – ભર્યું ઘર તો વસાવી લઉં પણ મારી ભીતરે ધરબાયેલા વિરાટ રણની અવગણના કેમ કરું ? )

એમની વિનમ્રતા :

રૂ – એ – ઝમીં  પે ચાર અરબ મેરે અક્સ હૈં
ઈન  મેં  સે  એક  મૈં  ભી હૂં ચાહે કહી હૂં મૈં

(પૃથ્વી પરના અબજો લોકો જેવો એક હું પણ !)

આધુનિક વિકાસની વિડંબના એમના શબ્દોમાં :

સફર સે લૌટ કે આએ તો દેખતે હૈં  ‘ ફરોગ ‘
જહાં મકાં થા વહાં રાસ્તોં કા જાલ – સા હૈ

અને એમની ભીતરે કેવળ રણ નહીં, હરિયાળી પણ છે :

સજ રહે હોંગે નાઝુક પૌધે ચલ રહી હોગી નર્મ હવા
તન્હા ઘર મેં બૈઠે – બૈઠે સોચ લિયા ઔર ઝૂમ લિયે

અંતે મને જે અત્યંત ગમી એ વાત :

આએગા મેરે બાદ  ‘ ફરોગ ‘ ઈન કા ઝમાના
જિસ  દૌર  કા  મૈં  હૂં  મેરે અશઆર નહીં હૈં ..

મારા શેર, મારા વિચાર, જે યુગમાં હું ભૌતિક રીતે જીવું છું એનાથી ઘણા આગળ છે. એમનો જમાનો પણ આવશે પણ ત્યારે હું નહીં હોઉં. હા સુક્ષ્મ રીતે હોઈશ , મારા વિચારોરૂપે.

અહમદ ‘ ફરાઝ ‘ સાહેબે લખેલું –

આજ હમ દાર પે ખીંચે ગએ જિન બાતોં પર
ક્યા અજબ કલ વો ઝમાને કો નિસાબોં મેં મિલે

(આજે જે વિચારોને કારણે અમને શૂળીએ ચડાવ્યા, કદાચ ભવિષ્યમાં આ જ વિચારસરણી કોઈક પાઠ્યક્રમનો હિસ્સો હોય !)

પોતાના જમાનાથી જેઓ સદીઓ આગળ હતા એમના થકી આપણે સૌ આબાદ છીએ.


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.