સફળતા ઉપલબ્ધિ છે, ગુલામી નહીં
નલિન શાહ
કશ્યપને સિમલા ભણવા મોકલવો ખાસ જરૂરી નહોતું. મુંબઈમાં પણ સારી સ્કૂલો હતી. પણ પહાડી વાતાવરણ સ્વાસ્થ્ય માટે વધુ લાભદાયક હતું અને બીજું ખાસ કારણ એને ધનલક્ષ્મીની સંગત અને એના વિચારોથી દૂર રાખવાનું હતું. બે વરસમાં એ એક પણ વાર મુંબઈ નહોતો આવ્યો. વેકેશનમાં માનસી થોડા દિવસ ત્યાં ગાળતી અને ત્યાર બાદ કોઈ ને કોઈ ટૂરમાં જવા ફરજ પાડતી અથવા દિલ્હી, ચંડીગઢ જેવી જગ્યાએ કોઈ મિત્રોની સાથે રહેવા પ્રેરતી. ધનલક્ષ્મી પૂછતી તો કહેતી કે ટૂર પણ શિક્ષણનો જરૂરી ભાગ હતો. પરાગ કુતૂહલવશ પુછપરછ કરતો હતો ત્યારે કહેતી ‘જ્યારે તારી પાસે સમય હોય ત્યારે કહેજે આપણે ત્યાં જઈ મળી આવશું અને વેકેશન હોય તો અહીં બોલાવશું. તું રાત્રે દસ પહેલાં આવતો નથી ને સવારે આઠ પહેલાં ચાલી જાય છે, તો એ અહીં આવે તોયે શું ને ન આવે તોયે શું?!’
‘શું કરું, હું મારી સફળતાનો ગુલામ થઈ ગયો છું.’
‘સફળતા ઉપલબ્ધિ છે, ગુલામી નહીં.’ માનસી સખ્તાઈથી બોલી.
‘તું લોભનો ગુલામ છે, સફળતાનો નહીં.’
‘તો શું આટલે દૂરથી મારામાં વિશ્વાસ રાખીને આવતા ધનાઢ્ય આરબ પેશન્ટ્સને નિરાશ કરું?’
‘મુંબઈમાં તું એક જ ડોક્ટર નથી. અને રહી તારામાં વિશ્વાસ ધરાવતા પેશન્ટ્સની વાત; તું તારા નામની સિફારસ કરતા ડૉક્ટરોને કમિશન આપવાનું બંધ કર પછી તારી સફળતાની વાત કરજે.’
‘એ તો એક ધંધો છે અને ધંધાના નિયમ જાળવવા પડે.’
‘તો કરે રાખ ધંધો, તારી સફળતાનાં બણગાં નહીં ફૂંક.’ બોલીને માનસી ડાઇનિંગ ટેબલ પરથી ઊભી થઈ ચાલવા માંડી ને ચાર ડગલાં ચાલી થંભી ગઈ ને પાછું ફરી બોલી, ‘પરાગ, મને આજકાલ તારાં લક્ષણ ઠીક નથી લાગતાં, તારે ચેક-અપની જરૂર છે. મારામાં વિશ્વાસ ન હોય તો બીજા ડૉક્ટર પાસે કરાવ, પણ વિલંબ કરવાની જરૂર નથી.’
‘શેના ઉપરથી કહે છે?’ પરાગે પૂછ્યું.
‘તારા ચહેરાની ચમક અને હલનચલનની સ્ફૂર્તિમાં કોઈ ઉણપ વર્તાય છે. શક્ય છે કે મારી શંકા નિરાધાર હોય, પણ તું ચાલીસ વટાવી ચૂક્યો છે એટલે શંકાનું નિવારણ કરવા પણ ચેક-અપ જરૂરી છે.’
‘જોઈશું.’ કહીને પરાગે વાત ટાળી દીધી. માનસી કાંઈ બોલ્યા વગર ચાલી ગઈ.
વહુ-દીકરા વચ્ચેનો આ સંવાદ ધનલક્ષ્મીથી ના જીરવાયો. માનસીના જતાં જ એ તડૂકી, ‘સાવ તોછડી છે. રૂઆબ તો જો! તું હજી જવાન છે અને સવારથી રાત સુધી કામ કરતાં થાકતો નથી ને મોટો ડૉક્ટર પણ છે ને પાછી તને ચેક-અપની સલાહ આપતાં શરમાતી પણ નથી. આવી રીતે જ બધા પેશન્ટ્સને ડરાવીને પોતાનું કામ કઢાવતી હશે.’
‘તું શું કામ જીવ બાળે છે, તું તારું કામ કર ને.’ પરાગે વાતને પૂર્ણવિરામ આપતાં કહ્યું.
‘લે, જીવ ના બાળું? તને નાનેથી મોટો કર્યો છે. સિમલા અને અમેરિકામાં ભણાવવા માટે પૈસા વેર્યા છે તારી પાછળ; ને આ તૈયાર ભાણું ખાવા આવેલી છોકરી મારી સામે તને તારાં લક્ષણના પાઠ આપે છે. હું કાંઈ આંધળી છું? મને દેખાતું નથી કે તું કેટલો તંદુરસ્ત છે? સવારથી સાંજ સુધી તું ગધ્ધાવૈતરું કરે છે ને એ બપોરે ચોપડીનાં થોથાં લઈને પથારીમાં પડે છે. આ તે કાંઈ કામ છોડીને ચોપડાં વાંચવાની ઉંમર છે? એ તો એની પાસે તારા જેટલું કામ નહીં હોય એટલે અદેખાઈ કરે છે તારી. તને ચેક-અપની સલાહ આપે છે. જાણે તું કાંઈ જાણતો જ ના હોય. ચેક-અપ તો એણે એના મગજનું કરાવવાની જરૂર છે. કોઈ માથા ફરેલા ડૉક્ટર પાસે.’ ધનલક્ષ્મી માટે સાઇકિયાટ્રિસ્ટ માથા ફરેલા ડૉક્ટરો હતા.
ધનલક્ષ્મી બે ઘડી લૂગડાના છેડાથી આંખો લૂછતી રહી પછી રડમસ અવાજમાં બોલી, ‘હવે મારાથી સહન થતું નથી. આ બધી જાહોજલાલી મારી સેવાઓનું ફળ છે અને આ નાસ્તિકે આવીને ઘર અભડાવ્યું છે. મને તો કંપારી છૂટે છે એ વિચારે કે આવી વહુની સાથે આયખું કાઢવાનું! ને તને પણ ડૉક્ટર જ મળી લગન કરવા માટે. પાછળ પડી હશે તારા પૈસા જોઈને, બીજું શું? ને પાછળ પડી હોય તોયે શું ભોળવાઈ જવાનું? ભોગવવું તો છેલ્લે મારે જ રહ્યું ને?’ કહીને ધનલક્ષ્મીએ લૂગડાનો છેડો આંખે દબાવ્યો.
પરાગ કાંઈ બોલ્યા વગર ચાલી ગયો.
એક અઠવાડીયું પરાગ કામમાં એટલો બધો અટવાયેલો રહ્યો કે માનસીની ચેતવણીને અમલમાં મૂકવાનો વિચાર સુધ્ધાં ના આવ્યો. રવિવારે બપોરે જમીને એણે ઘણો ખરો સમય ઊંઘવામાં ગાળ્યો. સાંજે પહેલી વાર માનસીએ સામે ચાલીને, ક્લબમાં ડિનર લેવાની વાત કરી. પરાગને એટલી બધી આળસ ચઢી હતી કે માનસીએ બહુ દબાણ ન કર્યું. એ જમીને વાંચતાં-વાંચતાં સૂઈ ગઈ, પણ પરાગે દિવસનો ઘણો ખરો સમય ઊંઘમાં ગાળ્યો હોવાથી રાત્રે એની ઊંઘ ગાયબ થઈ ગઈ હતી. સૂવાનો પ્રયત્ન કરવામાં એ પડખું ફેરવતો રહ્યો. એના મગજમાં વિચારો ચકડોળે ચઢ્યા હતા. કમાણીની બાબતમાં એ માનસી કરતાં ઘણો આગળ હતો, પણ માનસી જેવી પ્રતિષ્ઠા કદી પામી નહોતો શક્યો. માનસી બધી રીતે સંતુષ્ટ હતી, જ્યારે એના અસંતોષની કોઈ સીમા નહોતી. બંને સમવયસ્ક હતાં, છતાં માનસી, એની ઉંમરનાં પ્રમાણમાં, દસ-પંદર વરસ નાની હોવાનો ભાસ થતો હતો જ્યારે પરાગને જે હતો એના કરતાં દસ-પંદર વરસ મોટો હોવાનો ભ્રમ થતો હતો. સવારે માનસી કેટલી સ્ફૂર્તિ અને તાજગી અનુભવતી હતી, જ્યારે એ પોતે…! છેલ્લા કેટલાક મહિનાઓથી શારીરિક અને માનસિક અસ્વસ્થતા અનુભવતો હતો. આમ વિચારતાં વિચારતાં મોડી રાત્રે એને નીંદર આવી.
વહેલી સવારે રોજિંદી આદત પ્રમાણે નાહીધોઈને તૈયાર થઈ ગયો. ડાઇનિંગ ટેબલ પર બ્રેકફાસ્ટ કરવા બેઠો ત્યારે માનસી મોર્નિંગ વૉક માટે ગઈ હતી. આજે પહેલી વાર એને માનસીની ગેરહાજરી ખટકી. ‘મમ્મી, માનસી કેટલા વાગે આવે છે?’
‘એને બીજો ધંધો શું છે? સવારના પોરમાં ગઈ છે પગ ઘસવા. શું કામ હતું તારે?’
‘કશ્યપ સાથે સિમલા વાત કરવાનું મન થયું હતું. એને ખબર છે ને કે ક્યા ટાઇમે ફોન કરાય!’
‘લે, એ તો દર બે-ત્રણ દિવસે વાત કરે છે મોડી સાંજે. મેં પૂછ્યું હતું. એ કહેતી નથી તને?’
‘હા, પૂછું ત્યારે કહે છે.’
‘સાંજે તું જ કરી લેજે ને વાત તારા દવાખાનામાંથી. અત્યારે એ સ્કૂલમાં હોય. શું કાંઈ ખાસ કહેવાનું હતું?’
‘ના, કહેવાનું તો શું હોય. બહુ વખતથી વાત નથી કરી, કામમાં કાંઈ યાદ જ નથી રહેતું ફોન કરવાનું. એને પણ થતું હશે ને, પપ્પા ક્યારેય યાદ નથી કરતા!’
ધનલક્ષ્મીને અચરજ જરૂર થયું કે રોજ જવાની ઉતાવળ કરતો એનો દીકરો પત્નીની પૃચ્છા કરતો હતો ને દીકરાની વાત આદરીને બેઠો હતો!’
‘તું તારું કામ કર. એની ચિંતા કરવાની જરૂર નથી. હું છું ને એને સંભાળવાવાળી. એને કોઈ વાતે ઓછું નહીં આવવા દઉં.’
ધનલક્ષ્મીએ કશ્યપને સંભાળવાની વાત કેવળ પોતાનો અધિકાર દર્શાવવા કરી. મનોમન એ ગૂંગળાતી હતી, કારણ માનસી એને કશ્યપની બાબતમાં કોઈ પણ નિર્ણય લેવા નહોતી દેતી. વેકેશનમાં પણ કોઈ ને કોઈ બહાનું કાઢી એને મુંબઈ આવતાં રોકતી હતી. ક્યારેક ક્યારેક પોતે સિમલા જઈ મળી આવતી પણ ક્યારેય કેવળ કહેવા ખાતર પણ સાસુને સાથે આવવા નહોતું કહ્યું. ‘ભલે ને, ઘરમાં રસોયો અને નોકરચાકર હોય છતાં વરની ખાવાપીવાની ચિંતા કર્યા વગર સવારના ફરવા નીકળી પડે છે બધું મારા પર છોડી! ભોગવશે એનું કર્યું ક્યારેક ને ક્યારેક. મારે શું? કશ્યપ મોટો થશે, પરણશે ત્યારે ભાન આવશે કે વહુની શું ફરજ હોય?’
પરાગ બ્રેકફાસ્ટ પૂરો કરી ખુરશી પાછળ ઠેલી ઊભો થયો અને ધનલક્ષ્મી એના સાંત્વન ખાતર બોલી, ‘તું તારાં કામમાં ધ્યાન રાખ. બીજી કોઈ વાતે ચિંતા ના કર. હું છું હજુ બધું સંભાળવાવાળી.’
પરાગ સાંભળ્યું ન સાંભળ્યું કરી ચાલી ગયો.