તેરે બાદ – ૧

સુશ્રી પારુલ ખખ્ખર ગુજરાતી સાહિત્ય જગતમાં તેમની સંવેદનશીલ કાવ્યશૈલી માટે જાણીતાં છે. તેમની સામાજિક નિસબત સંબંધે લખાયેલી કવિતાઓ અનેક ભારતીય ભાષાઓ ઉપરાંત  અંગેજી , જર્મન અને તુર્કીમાં પણ અનુદિત થયેલ છે. તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયાં છે, અને અનેક કવિ સંમેલનોમાં તેમણે કાવ્યપાઠ રજૂ કર્યો છે.

કવિતા એ લાઘવની કળા હોવાને કારણે પારુલબહેનનો કવિત અતરફ ઝોક વધારે હોય તે સ્વાભાવિક છે, પણ તેથી તેમની સર્જન પ્રક્રિયા પદ્ય સુધી જ મર્યાદિત નથી રહી. તેઓએ વાર્તાઓ અને લેખો પણ લખ્યા છે.

વેબ ગુર્જરી પર એક કવિના મનમાં સ્ફુરતી ઉર્મિઓને વાચા આપતા તેમના દસ લેખો, દર મહિનાના પહેલા બુધવારના હિસાબે, પ્રકાશિત થશે, જે  પૈકી પહેલાં પાચ લેખ ‘તેરે બાદ’ શ્રેણીના અને પછીના પાંચ ‘મેરે બાદ’ શ્રેણીના રહેશે.

સુશ્રી પારુલબહેન ખખ્ખરનું સહર્ષ સ્વાગત છે.

પારુલબેનનો સંપર્ક parul.khakhar@gmail.com  વીજાણુ સરનામે થઈ શકે છે.

સંપાદન મડળ, વેબ ગુર્જરી


   તેરે બાદ – ૧

પારુલ ખખ્ખર

હા…તારા ગયા પછી પણ શ્વાસ ચાલે છે, લોહી આજે પણ ધમની અને શિરાઓમાં ફરે છે, નખને શેપ અપાય છે, અરીસામાં જોવાય છે, દ્રાક્ષ આજે પણ મીઠી જ લાગે છે અને લીંબુ એવું જ ખાટું ! ચા હજું પણ ડાર્ક ગુલાબી જ ભાવે છે અને થાળીમાં આવેલું દુધીનું શાક મોં પર મલકાટ લાવે છે…યેસ..આજે પણ ! ગુલમહોર પરથી લાલચટાક પાંદડીઓ ખરે છે…અને દિવસ થાય છે..સાંજ થાય છે..રાત થાય છે….અને ઋતુઓ બદલાય છે…અને….અને…અને….

એક મિનિટ !

સાહિબાન…મહેરબાન…કદરદાન…

જો આ બધું આમ જ ચાલતું હોય તો…’તેરે બાદ’ની  કિતાબનું અનમોલ પન્નું મારે શા માટે ચિતરવું જોઇએ?!!
પણ ના….એમ નથી જ !
આ તો ત્રિપરિમાણીય દ્રશ્ય છે…જે તમને દેખાય…જે મને દેખાય…અને જે હકીકતે હોય…એ ત્રણેય અલગ અલગ હોઇ શકે.
પ્રેમ તો આઇસબર્ગ…ઉપલી સપાટી પર માત્ર ૨૦% જ દેખાય ૮૦% તો અંદર રહે…સાવ અદ્રશ્ય.

દરેક ઘટના બહારથી સહજ લાગે…પરંતુ અંદર કેટલાયે ઇતિહાસ છૂપાવીને બેઠી હોય અને તેથી જ..બધું એમને એમ જ છે..પણ હકીકતે એમ નથી જ…અને આ શું કહેવાની વાત છે ખરી !

ખબર નહી કેમ…રોજ સવારે દીવા-બત્તી ટાણે એક હેડકી આવ્યા કરે છે તારા ગયા પછી.
વિષ્ણુ સહસ્ત્રનામની સાથે સાથે એક હજારએકમું નામ તારું પણ લેવાઇ જાય છે.
અરીસામાં હું મને શોધું છું અને દેખાવા લાગે છે તું.વાળની સફેદીમાં જાણે એક સંદેશો છૂપાયેલો મળી આવે છે કે અટકી જા અહિંયા જ..અને આંખો મિંચી લઇ છું. શું આને જ શાહમૃગવૃતિ કહેવાતી હશે !

કિચન એ જ છે,પ્લેટફોર્મ એ જ છે,ગેસ અને ચાની તપેલી પણ એ જ છે.ચા ઉકળતી રહે છે અને કોઇ વાસંતી વાયરો ગેસને ઓલવી નાંખે છે.ઉકળી ઉકળીને રાતીચોળ થયેલી ચા…પીવાયા વગર ઠરતી રહે છે અને ખૈર..પછી તો સિંકમાં ઢોળી દેવી પડે છે.

તારા ગયા પછી હવે સંજવારીમાં ચાંદલા નથી મળી આવતા…એ તો શિસ્તબધ્ધ રીતે રાતે પ્લાસ્ટીક પર ચિપકાવી દેવાય છે..સવારે નાહીને ફરી લગાવી દેવાય છે કપાળ પર…સૌભાગ્યચિહ્ન તરીકે ! એવું લાગે જાણે કશું જ એક્સપાયર નથી થયું માત્ર સંબધ સિવાય.

એક અજીબ વાત બની છે તારા ગયા પછી…પાણી જ નથી પી શકાતુ….હવે મુદ્દલ તરસ જ નથી લાગતી !.અને પાણી ન પીવાથી થતા અનેક રોગોનો ભોગ બની છું.

અને સ્માર્ટફોનની સ્માર્ટનેસ પણ કમાલ હોં ! બ્લોક થયેલ પરસન સાથે સ્નાન-સૂતકનો વહેવાર પણ ન રહેવા દે બોલો ! જો કે એસ.એમ.એસ.ના ભણકારા વાગે ક્યારેક…પણ એ તો માથું ધૂણાવીને ખંખેરી નાંખવાના.

ટી.વી.ની મ્યુઝીક ચેનલ જ માત્ર જોવાની…ધનધનાટ પાર્ટી સોન્ગ્સમાં ડૂબી જવાનું.અને ત્યાંથી સાવ કોરાધાકોર પાછા વળવાનું ! જ્યારે જ્યારે પેલું સોંગ આવે….’યે દુનિયા…યે દુનિયા..પિત્તલ દી….ઓ..બેબી ડોલ તું સોને દી’….ત્યારે કમબખ્ત આંસૂ ધડધડાટ વહેવા લાગે ! બહુ મુશ્કેલીમાં મૂકી દે આ આંસૂ…આવા સોન્ગ્સ પર તે કંઇ રડાતું હશે ! અને હું વિચારું કે એનાં શબ્દો પર કેમ કોઇનું ધ્યાન નહી ગયુ હોય ! આ પિત્તળાની દુનિયામાં સોનાની પૂતળીઓનું કોઈ મૂલ્ય નથી કરી શકતું.પિત્તળ માટે સોનું ગિરવે મૂકવા ચાલી હતી હું ! સાવ નાદાન…

તારા જવાથી એકાદ રસ્તો બંધ થયો કદાચ.પણ કંઇ કેટલીયે દિશાઓ ખૂલી ગઇ છે.કેટલાયે રસ્તાઓ લાલજાજમ બિછાવીને આમંત્રણની મુદ્રામાં ઉભા છે પણ યાર…હવે ચાલવું છે જ કોને ! પગ પર મણમણનાં વજનિયાં પડ્યા છે. ખબર નહી ક્યા ભવનો થાક છે કે  આગળ ચાલવા જ નથી દેતો. સાવ અંતરિયાળ..અધવચાળે બેસી જવાયું છે.

અઠવાડિયાનાં છ દિવસ એકસરખા આવે અને જાય. જે દિવસે બહુ બીઝી રહેવાય ત્યારે યાદ આવે કે આજે રવિવાર લાગે છે ! અને એકસાથે કેટલાયે રવિવારો ઝબકી જાય ચિત્તમાં ! ફરી માથું ધૂણાવી દઇ અને ખંખેરી નાંખુ…

રોજ સાંજ પડ્યે ચાલવા જવાનું, સંગીત સાભળવાનું, જ્યુસ પીવાનું અને મજ્જાની લાઇફ ! પણ હા, હવે એકલી ચાલવા નથી જતી એટલો જ ફરક પડ્યો છે તારા ગયા પછી.

આજે પણ બે વત્તા બે આંખોનું સાયુજ્ય તારામૈત્રક જ કહેવાય છે.
આજે પણ બે વત્તા બે હોઠોનાં સંયોજનમાં સભાનતા વિસરાઇ જાય છે.
આજે પણ બે વત્તા બે ભૂજાઓની ભીંસમા કોયલ ટહૂકે છે
અને અચાનક…
ત્યાર જ કોઇ હિમાલય સાદ પાડવા લાગે છે મને,

અને પછી હું હું નથી રહેતી.

તને સમજાય છે આ?

અને જો આ બધી બાબતોને ફરક પડ્યો કહેવાતો હોય તો, હા ચોક્કસ ફરક પડ્યો છે મારામાં…તારા ગયા પછી.

Author: Web Gurjari

2 thoughts on “તેરે બાદ – ૧

  1. સ્વજનની ચીર વિદાય પછીની બદલાયેલી દુનિયાની અનુભુતિને વાંચીને પારુલબેનનું સ્વાગત કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published.