આનંદ આશ્રમ (૧૯૭૭

ટાઈટલ સોન્‍ગ

બીરેન કોઠારી

હિન્દી ફિલ્મોમાં સંગીતની બે મુખ્ય શૈલી (સ્કૂલ) એટલે પંજાબી અને બંગાળી. પંજાબી શૈલીમાં તાલનું માહાત્મ્ય, જ્યારે બંગાળી શૈલીમાં ભાવપ્રવણતાનો પ્રભાવ વધુ જોવા (સાંભળવા) મળે. બંગાળી શૈલીની ગાયકીમાં પણ આ બાબત તરત ધ્યાને ચડે. પંકજ મલિકથી શરૂ કરીને છેક બપ્પી લાહિડી સુધીના ગાયકોમાં આ બાબત વત્તેઓછે અંશે સામાન્ય કહી શકાય. મન્નાડે, હેમંતકુમાર બંગાળી શૈલીની ગાયકીના બે ધુરંધર પ્રતિનિધિ ખરા, પણ તેમના જેવડું નહીં, છતાં નોંધપાત્ર પ્રદાન શૈલેષ મુખરજી, સુબીર સેન, દ્વિજેન મુખરજી જેવા ગાયકોનુંય ખરું. આવા જ એક ગાયક-સંગીતકાર હતા શ્યામલ મિત્રા.

શ્યામલ મિત્રા

શ્યામલ મિત્રાનું મુખ્ય કાર્યક્ષેત્ર બંગાળી ફિલ્મોનું રહ્યું, પણ ‘અમાનુષ’, ‘આનંદ આશ્રમ’, ‘સફેદ જૂઠ’  જેવી ફિલ્મો થકી તેમણે હિન્દી ફિલ્મોમાં હાજરી પુરાવી. આમાંની ‘અમાનુષ’ અને ‘આનંદ આશ્રમ’ બન્ને શક્તિ સામંત નિર્મિત-દિગ્દર્શીત હતી, તેમ જ બન્ને ફિલ્મો હિન્દી-બંગાળીમાં સમાંતરે રજૂઆત પામી હતી.

૧૯૭૭માં રજૂઆત પામેલી, શક્તિ ફિલ્મ્સ નિર્મિત, શક્તિ સામંત દિગ્દર્શીત ‘આનંદ આશ્રમ’ના મુખ્ય કલાકારો ઉત્તમકુમાર, શર્મિલા ટાગોર, અશોકકુમાર, મૌસમી ચેટરજી, ઉત્પલ દત્ત, રાકેશ રોશન વગેરે હતા. બંગાળી દિગ્દર્શક અને નવલકથાકાર શૈલજાનંદ મુખરજીની કથા પરથી બનેલી આ ફિલ્મનાં ગીતો ઈન્દીવરે લખ્યાં હતાં અને સંગીત હતું શ્યામલ મિત્રાનું.

 

આ ફિલ્મનાં કુલ છ ગીતો હતાં, અને જે તે સમયે ઠીક ઠીક લોકપ્રિય થયાં હતાં. મને રેડિયો સાંભળવાનો ચસકો લાગ્યો એ અરસામાં આ ગીતો ઑલ ઈન્ડિયા રેડિયોની ઉર્દૂ સર્વિસ પરથી પ્રસારિત ફરમાઈશી કાર્યક્રમમાં વારંવાર સાંભળવા મળતા. ‘રાહી નયે નયે રસ્તા નયા નયા’(કિશોરકુમાર), ‘સારા પ્યાર તુમ્હારા મૈંને બાંધ લિયા હૈ આંચલ મેં’ (આશા, કિશોર), ‘તુમ ઈતની સુંદર હો’ (યેસુદાસ, પ્રીતિ સાગર) ‘જબ ચાહો ચલી આઉંગી, પ્યાર સે બુલાકર દેખો’ (લતા), અને ‘તેરે લિયે મૈંને સબ કો છોડા તૂ હી છોડ કે ચલ દી’ (કિશોરકુમાર) પૈકીનાં પ્રથમ ત્રણ ગીતો ઘણાં જાણીતાં હતાં.

ઈન્‍દીવર

આ ફિલ્મના ટાઈટલ સોન્‍ગ તરીકે ખુદ શ્યામલ મિત્રાના સ્વરમાં ગવાયેલું ‘સફલ વહી જીવન હૈ’ ગીત મૂકવામાં આવ્યું હતું, જે કદાચ ફિલ્મના કેન્દ્રીય કથાવસ્તુને ઉજાગર કરે છે. આ ગીતમાં આમ તો એક જ અંતરો છે, અને મોટે ભાગે મુખડાનું જ આવર્તન થાય છે. શ્યામલ મિત્રાની બંગાળી શૈલીની ગાયકી મઝાની છે.

ગીતના શબ્દો આ મુજબ છે.

ख़ुशी बाँटते हैं अपनी
लेके जो औरों के ग़म
वही बनाते हैं दुनिया को
एक आनंद आश्रम

सफल वही जीवन है
औरों के लिए जो अर्पण है
सफल वही जीवन है
औरों के लिए जो अर्पण है
सफल वही जीवन है

प्यार न भूलेंगे सूरज का
हम सब धरतीवाले
मर मर कर देता है जीवन
जल जल के जो उजाले
प्यार न भूलेंगे सूरज का
हम सब धरती वाले
मर मर कर देता है जीवन
जल जल के जो उजाले
सफल वही जीवन है
औरों के लिए जो अर्पण है
सफल वही जीवन है
औरों के लिए जो अर्पण है
सफल वही जीवन है

ફિલ્મના અંતિમ દૃશ્યમાં મુખડાનું આવર્તન થાય છે.

અહીં આપેલી લીન્કમાં આ ગીત સાંભળી શકાશે.


(તસવીર નેટ પરથી અને લીન્‍ક યૂ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.