પીટરના નિયમો – સમસ્યા નિવારણમાં રત મનનું સાતત્યપૂર્ણ અને જોશભર્યું હાર્દ ચિંતન

મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંતો

મર્ફીનો નિયમ અને તેનાં વિવિધ સ્વરૂપો

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

પીટરના નિયમો પોતાના વ્યાવસાયિક જીવનમાં જ્યારે તે બરાબરના આવી ભરાણા હોય એ સમયની  સમસ્યાઓ અને તકોમાંથી પીટર ડિઆમાન્ડીસ[1]ને મળી આવેલા – સ્ફુરેલાં નિયમો, કે રૂઢપ્રયોગ સમાણાં સૂત્રો છે.

પીટર ડિઆમાન્ડીસ એક બહુખ્યાત ઉદ્યોગસાહસિક અને સફળ લેખક હોવાની સાથે એક પ્રભાવશાળી વક્તા પણ છે. તેમણે સ્થાપેલી અનેક કંપનીઓ પૈકી સૌથી વધારે જાણીતી કંપની X Prize Foundation છે જે સ્પેસ ફ્લાઈટ,ઓછાં ખર્ચાળ, મોબાઈલ તબીબી સાધનો,  કે સમુદ્રમાં ઢોળાયેલ ક્રુડ તેલની સફાઈ જેવા પડકારોનાં ઉપાયો ખોળી શકે તેવી શોધો માટેની  સ્પર્ધાઓ માટેનાં ઈનામો યોજે છે. તેઓ કુદકે ને ભુસકે વિકસતી ટેક્નોલોજિઓ પર  વિવિધ અભ્યાસક્રમો ચલાવતી સિંગ્યુલારિટી યુનિવર્સિટીના અધ્યક્ષ પણ છે. તેમનાં The Exponential Mindset Trilogyનાં ત્રણ પુસ્તકો- Abundance: The Future Is Better Than You Think[2], Bold: How to Go Big, Create Wealth, and Impact the World[3]. અને The Future is Faster Than You Think[4]   બેસ્ટસેલર રહી ચુકેલાં છે.

તેમની જ લખેલી પૉસ્ટ, How You Can Use Peter’s Laws, પરથી આપણે પીટરના નિયમો વિશે સંક્ષિપ્ત પરિચય કરીશું.

પીટરના મુળ નિયમ તરીકે ખ્યાત મુળ નિયમ – જે કંઈ ખોટું થઈ શકે તેમ છે તેને સુધારી લો -નો ઉદ્‍ભવ ‘ મર્ફીના નિયમની ઐસી તૈસી!’ના ભાવથી થયો હતો. તેમનો આ નિયમ પછીથી તેમણે જે કંઈ સર્જ્યું, ક્યાંકથી લીધું કે જે મેળવ્યું તેને સુધાર્યું તે બધાંની પાછળનું હાર્દ બની ગયું અને તેમને,’ ભવિષ્ય ભાખવાનો સૌથી સારો રસ્તો છે ભવિષ્ય જાતે જ ઘડવું.!‘, વિચારબીજના ચુસ્ત સમર્થક બનાવી દીધા.

સામે જો કોઇ પડકાર ન હોય તો ઊભો કરો‘ વિચારબીજના પણ તેઓ જબરા સમર્થક છે. બ્રિટિશ મેડીકલ જર્નલના એક અભ્યાસમાંથી નીકળેલ તારણ મુજબ ૫૫ વર્ષની ઉમરે નિવૃત્તિ લેનાર કરતાં ૬૫ વર્ષની વયે નિવૃત્તિ લેનાર વધારે લાંબું જીવે છે. પીટર ડીઆમાન્ડીસ આના પરથી એવું તારણ કાઢે છે કે જ્યારે આપણી સગવડનાં ક્ષેત્રની સીમાઓને ઓળંગીને જ્યારે બહાર નીકળીએ છીએ ત્યારે જ સંપોષિત ઈષ્ટતમ કાર્યસિધ્ધિ મેળવતાં રહી શકીએ  છે.

સામાન્ય રીતે આપણેને એવું જ શીખવાવામાં આવતું હોય છે કે જ્યારે બે વિકલ્પની પસંદગીનો સવાલ આવે ત્યારે એ બેમાંથી કયો એક પસંદ શી રીતે કરવો. સ્ટીવ જૉબ્સ, એલન મસ્ક કે રિચાર્ડ બ્રોન્સન જેવાં અનેક ઉદાહરણો છે કે જો યથોચિત રીતે અનેકવિધ વિક્લ્પો સાથે કામ લેવામાં આવે તો વિવિધ વિચારબીજને અરસપરસ ફલિત કરી, વિચારોનાં (કે સંસાધનોનાં કે સંપર્કોનાં) જાળને ફેલાવીને પ્રબળ વેગ પેદા કરી શકાય છે, અલગ અલગ ભાગોનો સરવાળો મૂળ કરતાં વધી જઈ શકે છે. માટે બે વિકલ્પ વચ્ચે પસંદગી કરવાની આવે તો બન્નેને પસંદ કરી લો.

નિષ્ણાત આપણને જણાવે કે અમુક વસ્તુ આપણે ચોક્કસપણે કેમ ન (જ) કરી શકીએ. કોઈ પણ બાબતના નિષ્ણાતને કોઈ પણ કામ કરી શકવાના સાર-અસારનો ચોક્કસ ખ્યાલ હોય. પરંતુ જ્યારે નિપુણતા અતિજ્ઞાનનાં સ્તરે પહોંચી જાય ત્યારે (કદાચ) તેમને એમ જ લાગે સામમેનાં માણસ માટે આ કામ કરવું મુશ્કેલ હશે, એટલે તે એ કામ કેમ (શી રીતે) કરી શકાય એ સમજાવવામાં પોતાની નિષ્ણાત ક્ષમતાને કામે લગાડવાને બદલે (તમારાથી) આ કામ નહીં જ થાય એની જ ધુન આલાપ્યા કરશે.

આ સંદર્ભે બે વિચાર-કથનો યાદ રાખવા જેવાં છે –

નાટ્યાત્મક શોધ જાહેર થતાં પહેલાં ના દિવસે તે વિચારબીજ પાગલપનનો તુક્કો કહેવાતો હોય છે. – SpaceShipOne માટે XPRIZE.પરનું $૧૦ મિલિયનનું ઈનામ જીતનાર બર્ટ રૂટન

આપણામાં પણ ‘પ્‍હો ફાટતાં પહેલાંનું અંધારૂં’ એવું કહેવાય જ છે !

હેન્રી ફોર્ડનું, તેમના કર્મચારીઓ વિશે, કહેવું છે કે : “મારો કોઈ કર્મચારી ‘નિષ્ણાત’ નથી. બહુ કમનસીબ બાબત છે કે અમે જાણી શક્યા છીએ કે પોતાને જેવો કોઈ  નિષ્ણાત માનવા લાગે એટલે તેને વિદાય કરવો સારો કેમ કે જેને પોતાનું કામ ખરેખર બરાબર ખબર છે તે પોતાને કદી નિષ્ણાત નહીં ગણે. જેને પોતાનાં કામની જાણ છે તેને ખબર છે કે હજુ કેટલું બધું કરવાનું છે. તે પણ સતત આગળ ધપે છે એટલે પોતે કામમાં કાર્યકુશળ છે તે વિચારવાનો પણ સમય જ તેની પાસે નથી. સતત આગળનું વિચારતાં રહેવાનું, વધારેને વધારે કરતા રહેવાનું વિચાર્યા કરવાનું, મનને કાયમ એ સ્થિતિમાં રાખે છે જ્યારે તે સંન્નિષ્ઠપણે એમ માને છે કે કંઈ જ અશક્ય નથી. પણ જેવું કોઈ ‘નિષ્ણાત’ મનોસ્થિતિમાં પ્રવેશ્યું એટલે મનને અસંખ્ય અશક્યતાઓ જ દેખાવા લાગે છે.”

+                                    +

પીટરના નિયમો : સાતત્યપૂર્ણ અને જોમવંતા મનનું હાર્દ ચિંતન

(લગભગ જુલાઈ ૨૦૧૧)

૧. જે કંઈ ખોટું થઈ શકે તેમ છે તેને સુધારી લો !!… મર્ફીના નિયમની ઐસી તૈસી!

૨. બે વિકલ્પ વચ્ચે પસંદગી કરવાની આવે તો બન્નેને પસંદ કરી લો!!

૩. અનેકવિધ પરિયોજનો અનેકવિધ સફળતાઓ લાવે છે.

૪. ઊંચેથી શરૂ કરો અને આગળની તરફ ધપો.

૫. પુસ્તકમાં કહ્યું છે તેમ જ કરો … બશર્તે તેના લેખક તમે હો !

૬. સમાધાન કરવાનૂં આવે તો, હજુ વધારે માગો.

૭. જો તે કરવા જેવુ જ હોય, તો પછી તેને હમણાં જ કરવું રહે.

૮. જો તમે જીતી શકો તેમ ન હો તો, નિયમો જ બદલી નાખો.

૯. જો તમે નિયમો ન બદલી શકો, તો તેમને અવગણો.

૧૦. ઉત્ક્રૂષ્ટતા વૈકલ્પિક નથી.

૧૧. સામે જો કોઇ પડકાર ન હોય તો ઊભો કરો.

૧૨. “ના” એટલે તો સીધું જ એક સ્તર ઊંચેથી ફરીથી શરૂ કરવું.

૧૩1 જ્યારે દોડી શકાય તેમ હોય ત્યારે ચાલો નહીં.

૧૪. નિયમાનુસાર ચાલતી તંત્રવ્યવસ્થાને પ્રમાણિક દૃષ્ટિકોણથી પડકારવી પડે, મુર્ખામી માટે ધીરજ રાખવી પડે, અને જરૂર પડે ત્યારે જડમૂળથી ઉખેડી ફેંકવી પડે.

૧૫. જ્યારે અસમંજસમાં હો ત્યારે : વિ  ચા  રો !

૧૬. ધીરજ સારો ગુણ છે, પણ સફળતા ન મળે ત્યાં સુધી ખંતથી વળગી રહેવું એ તો વરદાન છે.

૧૭. ચીચુડાટ કરતું પૈડું બદલી કાઢવામાં આવતું હોય છે.

૧૮. જેટલી ઝડપ રાખશો તેટલો સમય ધીમો ચાલશે અને તમે એટલું લાંબું જીવશો.

૧૯. ભવિષ્ય ભાખવાનો સૌથી સારો રસ્તો છે ભવિષ્ય જાતે જ ઘડવું.!

૨૦. કંઇક અને કંઈ નહીંનો ગુણોત્તર અનંત સંખ્યા છે.

૨૧. જેવું પ્રોત્સાહન પુરૂં પાડ્યું હશે તેવું પામશો.

૨૨. જો તમને એ અશક્ય દેખાતું હશે, તો તે હશે જ …. તમારા માટે.

૨૩. નિષ્ણાત આપણને જણાવે કે અમુક વસ્તુ આપણે ચોક્કસપણે કેમ ન (જ) કરી શકીએ.

૨૪. નાટ્યાત્મક શોધ જાહેર થતાં પહેલાંના દિવસે તે વિચારબીજ પાગલપનનો તુક્કો કહેવાતો હોય છે.

૨૫. જો તે સહેલું જ હોત તો કોઈએ પહેલાં જ કરી લીધું હોત.

૨૬. લક્ષ્ય નહીં નક્કી કરો ત્યાં સુધી તો દરેક વખતે ચુકતાં જ રહેશો.

૨૭. પોદળા પર પગ પડે તો ખરડાય, કઠણ જગ્યા પર પગ પડે તો રણકાર  થાય.

૨૮. કટોકટીનો વ્યય થવા દેવો તો અતિખરાબ કહેવાય.

૨૯. દુનિયાનું સૌથી કિંમતી સંસાધન જોમવંતુ અને પ્રતિબદ્ધ માનવ મન છે.

૩૦. વહેલી નિષ્ફળતા, વારંવાર નિષ્ફળતા!

૩૧. જે મપાય નહીં તે સુધારી શકાય નહીં


પ્રકાશાનાધિકાર, 1986, 2009, Peter H. Diamandis, સર્વ હક્ક સ્વાધીન # 14 અને #18 ટૉડ્ડ બી હૉઉલી દ્વારા અને #19 એલન કૅ પાસેથી લીધેલ

[1] My Name is Peter Diamandis

[2] Peter Diamandis & Steven Kotler on Abundance: The Future is Better Than You Think!

[3] How to Think Bigger: Thinking Big and Bold | Peter Diamandis

[4] Peter H. Diamandis: The Future is Faster Than You Think

Author: Web Gurjari

2 thoughts on “પીટરના નિયમો – સમસ્યા નિવારણમાં રત મનનું સાતત્યપૂર્ણ અને જોશભર્યું હાર્દ ચિંતન

Leave a Reply

Your email address will not be published.