ગધેડાની વસ્તીમાં અસામાન્ય ઘટાડો કેમ ચિંતા જન્માવતો નથી ?

નિસબત

ચંદુ મહેરિયા

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામે થોડા દિવસો પૂર્વે માદા ગર્દભોની સીમંતવિધિ  થઈ હતી. ભારતમાં ગર્દભની વસ્તીમાં જ્યારે અસામાન્ય ઘટાડો થયો છે ત્યારે હાલારી ગધેડા પ્રજાતિની એંસી માદાઓને ખાસ પ્રયત્નો કરીને ગર્ભવતી બનાવાય, તેની સીમંતવિધિ થાય અને તે પણ કોઈ સરકારી સહાય વિના, તે ખૂબ જ સરાહનીય છે.

તસવીર : નેટ પરથી

પશુ કલ્યાણ માટે ૨૦૦૧માં સ્થાપિત સંસ્થા’બ્રુક ઈન્ડિયા’ના તાજેતરના‘ધ હિડન હાઈડ’ રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં છેલ્લા એક દાયકામાં ગધેડાની વસ્તીમાં ૬૧.૨૩ ટકાનો ઘટાડો થયો છે. હવે દેશમાં ગધેડાની માંડ ચોથા ભાગની વસ્તી જ બચી છે. ૨૦૧૯ની વીસમી પશુ ગણતરી પરથી જણાય છે કે ૨૦૦૭માં ભારતમાં ૪.૪ લાખ ગધેડા હતા.,જે ૨૦૧૨માં ઘટીને ૩.૨ લાખ થતાં પાંચ જ વરસમાં ૨૩ ટકાનો ઘટાડો થયો હતો. ૨૦૧૯માં તો ૧.૨૦ લાખ જ ગધેડા બચ્યાં છે.. ઉત્તરપ્રદેશમાં ગર્દભની વસ્તી સૌથી વધુ ૭૧.૭ ટકા ઘટી છે. દેશમાં સૌથી ઓછો ઘટાડો(૩૯.૭૬ ટકા) મહારાષ્ટ્રમાં થયો છે. ગુજરાતમાં ૭૦.૯ ટકા ગધેડા ઓછા થતાં તે ગધેડાની ઘટતી વસ્તીવાળું દેશનું ત્રીજા ક્રમનું રાજ્ય છે. ૮૧,૦૦૦ના આંક સાથે ૨૦૧૨માં ગધેડાની વસ્તીમાં રાજસ્થાન મોખરે હતું. હવે ત્યાં ૨૩,૦૦૦ જ ગધેડા છે. ગુજરાતમાં એક દસકામાં ગધેડાની વસ્તી ૩૯,૦૦૦ થી ઘટીને ૧૧,૦૦૦ થઈ ગઈ છે.

મૂળે આફ્રિકી કૂળનું આ પ્રાણી મૂર્ખ,સરળ અને ભોળુ મનાય છે. ગરમ વાતાવરણમાં પણ નજીવા સૂકા ઘાસનો ચારો અને ઓછા પાણીથી જીવવાના બદલામાં નીચી મૂંડીએ તે કાળી મજૂરી કરે છે તેથી જ સામાન્ય વળતર માટેની સખત મજૂરી માટે ‘ગધ્ધાવૈતરું’ શબ્દ પ્રચલિત છે. એક વખત જોયેલો રસ્તો ગધેડાને પચીસ વરસ સુધી યાદ રહે છે. તોય તે બુધ્ધિહીન તરીકે વગોવાય છે. પુરાતત્વવિદોને ૨૦૦૨માં મિસ્ત્રના કાહિરાથી પાંચસો કિ.મી.દૂરના અબિહોસ નગરના શાહી કબ્રસ્તાનમાં ખોદકામ દરમિયાન દસ ગધેડાના કંકાલ મળી આવ્યા હતા. તેના સંશોધન પરથી પુરાતત્વવિદો એવા તારણ પર આવ્યા છે કે ગધેડા માનવીના બહુ પુરાણા મિત્ર છે વર્તમાન સમયે વિલુપ્તિના આરે આવી ઉભેલા ગર્દભ પાંચ હજાર વરસ પૂર્વે હયાત હતા. બાંધકામ, ઈટભઠ્ઠા, કોલસાની ખાણો, પર્યટન, ખેતી  વગેરેમાં ભારવાહક અને પરિવહનના સાધન તરીકે ગધેડાનો ઉપયોગ થાય છે.  મિસ્ત્રના ગર્દભ કંકાલોના ઘસાઈ ગયેલા હાડકાં, પગની  મચકોડ અને વાંકુ વળી ગયેલું  શરીર એ વાતની ગવાહી રૂપ છે કે આ અતિ સહનશીલ પ્રાણી પાસે માનવી હજારો વરસોથી ગધ્ધાવૈતરું કરાવતો આવ્યો છે.

વિશ્વમાં હવે ચાર કરોડ જ ગધેડા બચ્યા છે. ગધેડાની વસ્તીમાં થયેલો મોટો ઘટાડો માનવીની સ્વાર્થવૃતિનું પરિણામ છે. ચીનમાં પરંપરાગત દવાઓ બનાવવા ગધેડાની ચામડીનો ઉપયોગ થાય છે. મૃત ગધેડાની ચામડીને ઉકાળવાથી તેમાંથી નીકળતું જિલેટીન દવાઓ બનાવવા વપરાય છે. આ માટે ચીનને વરસે દહાડે ૪૮ લાખ ગધેડાની જરૂર પડે છે. તેથી ભારત સહિતના દેશોમાંથી ગેરકાયદેસર રીતે ગધેડા ચીન મોકલવામાં આવે છે. ગધેડાની વસ્તીમાં નોંધાયેલા અસાધારણ ઘટાડાનું આ મુખ્ય કારણ છે. ખુદ ચીનમાં ગધેડાની વસ્તીમાં ૭૬ ટકાનો ઘટાડો થયો છે. ૧૯૯૦માં ચીનમાં ૧.૧૦ કરોડ ગધેડા હતા જે ૨૦૧૭માં ઘટીને ૩૦ લાખ થઈ ગયા હતા.

ભારતમાં ગધેડાનું માંસ એનિમલ ફૂડની વ્યાખ્યામાં આવતું નથી. સરકારે તેને  અખાધ્ય ગણ્યું છે પરંતુ લોકોમાં તે કામોત્તેજનાવર્ધક અને દીર્ઘ આયુષ્યદાતા હોવાની ગેરમાન્યતા પ્રવર્તે છે.એટલે માંસ માટે ગધેડાઓની બેફામ કતલ થાય છે. આંધ્રમાં ગધેડાની વસ્તીના ઘટાડાનું કારણ આ છે. આંધ્રના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં ગધેડાના માંસનું મોટા પાયે વેચાણ થાય છે. માંસના વેપારી લગભગ પંદર-વીસ હજારમાં ગધેડો ખરીદે છે અને છસો રૂપિયે કિલોના ભાવે તેનું માંસ વેચે છે.  એટલે આંધ્રમાં હવે માત્ર ૪૬૭૮ જ ગધેડા છે.ગર્દભનું માંસ ભક્ષણ કરીને માનવી ચિરકામી કે ચિરંજીવ થયાના પુરાવા તો મળ્યા નથી પણ ગધેડા નામશેષ થવા આવ્યા છે.

જૈવ વિવિધતાના સંરક્ષણની દ્રષ્ટિએ ગધેડાની વસ્તીમાં ઘટાડો ચિંતાજનક છે. યંત્રવિજ્ઞાનના વિકાસથી ગધેડાનો હવે પહેલા જેવો માલવાહક અને સંચાર માટે ઉપયોગ રહ્યો નથી પણ તેનો અર્થ એ નથી કે તેના બીજા ઉપયોગ વિચારવાને બદલે તેને ખતમ કરી નાંખવો. ચીન ગધેડાની આયાત પર સાવ નજીવા કર લે અને તેનો મિત્ર દેશ પાકિસ્તાન તેની માંગપૂર્તિ માટે ઓકારામાં ડોન્કી બ્રીડિંગ ફાર્મ તથા લાહોરમાં ડોન્કી હોસ્પિટલ સ્થાપી ગધેડાની વસ્તી વૃધ્ધિ કરે તે આ સમસ્યાનું બીજું અંતિમ છે. પાકિસ્તાનમાં હવે દર વરસે ગધેડાની વસ્તીમાં એક લાખનો વધારો થાય છે.

સરેરાશ પચાસ વરસનું આયુષ્ય ધરાવતા ગધેડાને હવે માંડ પંદર વરસે જ ખોટા ઉપયોગ માટે મારી નંખાય  છે. એટલે તેના વસ્તીના ઘટાડાને સમતોલ કરવા રાષ્ટ્રીય ગર્દભ પ્રજનન યોજના અને નિકાસબંધી સહિતની સંરક્ષણ યોજના ઘડવી જોઈએ ગધેડાના ઉપયોગના અન્ય વિકલ્પો વિચારવા જોઈએ. રાષ્ટ્રીય અશ્વ અનુસંધાન કેન્દ્ર ,બિકાનેરે ગધેડાનો ઉપયોગ ઘાણીના બળદની જેમ કરીને વીજળી ઉત્પન્ન કરવાનો  સફળ પ્રયોગ કર્યો છે. દિલ્હીની સંસ્થા ગધેડીના દૂધની વિવિધ બનાવટો બજારમાં મૂકી રહી છે.ગધેડીનું દૂધ બીમાર બાળકો માટે ફાયદાકારક છે. ગધેડીના દૂધમાં ગાયના દૂધ કરતાં વધુ પ્રોટીન અને સુગર છે પણ ફેટ ઓછા છે એટલે ગધેડાને માલવાહકને બદલે દૂધાળા ઢોર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય દિલ્હીની સંસ્થા ગુજરાતના ઉપલેટા પંથકમાંથી ગધેડીનું દૂધ મેળવે છે. કોલકીમાં માદા ગર્દભની સીમંતવિધિ શાયદ તેને કારણે જ યોજાઈ હોઈ શકે છે.

ગીધ, ચકલી અને બીજા લુપ્ત થતા પશુ-પંખીને બચાવવા સરકાર અને સમાજે જે પ્રયાસો હાથ ધર્યા છે તેવા ગધેડા માટે હાથ ધર્યાનું જાણ્યું નથી. ગર્દભ અભયારણ્ય સ્થાપવા સસ્તા અને સરળ છે. પણ દેશમાં તો વાઘ-સિંહના અભયારણ્યોની બોલબાલા છે. જો દેશમાં વાઘ-સિંહની વસ્તી વધે તો તેની વધામણી પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને મંત્રીઓ આપે છે. પરંતુ ગધેડાની વસ્તી સાવ તળિયે પહોંચી છે તે જરાય ચિંતા જન્માવતી નથી.

સોળથી પચીસ વરસ વચ્ચેની ઉંમર ‘ગધ્ધા પચીસી’ ગણાય છે. હાલમાં ગધેડાની વસ્તીનો ઘટાડો એ જ ગાળાનો છે. માનવી તો ગધ્ધા પચીસી વળોટી જાય છે પણ ગધેડા કદાચ તેમાં જ ખતમ થઈ જવાની દહેશત છે. ગધેડાને ખતમ કરીને માનવી  ‘ગધેડે ગવાય’(ફજેત થાય) કે ‘ગધેડે ચડે’ (જાહેરમાં મૂરખ ઠરે) તે પહેલાં જાગવાની જરૂર છે. ગધેડાની વસ્તીમાં ઘટાડાની આ ચિંતા ઘણાંને માટે ‘ગધેડાને તાવ આવ્યા’ જેવી(અણગમતી અને અશક્ય) ‘હોંચી હોંચી’ હશે. પણ આ બાબતે સમયસર જાગવાની અને ચેતવાની જરૂર છે. નહીં તો આઠમી મે નો ‘વિશ્વ ગર્દભ દિવસ’ ઈતિહાસના પાનાંમાં જ રહી જશે.

Author: Web Gurjari

2 thoughts on “ગધેડાની વસ્તીમાં અસામાન્ય ઘટાડો કેમ ચિંતા જન્માવતો નથી ?

  1. આજની તો ખબર નથી પરંતુ ચાળીસેક વર્ષ પહેલા સ્પેનમાં ગધેડાનો સવારી કરવા માટે ઘણો ઉપયોગ થતો.

  2. ગુજરાતના પાટનગર ગાંધીનગરને બાંધવામાં ગધેડાનો અમૂલ્ય ફાળો છે. 1964થી 1972 સુધી લગભગ 400થી 500 ગધેડા રોજ રેતી ઈંટ લયી જયી
    બાંધકામમાં મદદરૂપ થયાં.આ લેખ એક એક નિર્દોષ પ્રાણીને બચાવવા સમાજનું ધ્યાન દોરે છે. આભાર.

Leave a Reply

Your email address will not be published.