સત્તાના સિંહાસનનો રૂઆબ

ચેલેન્‍જ.edu

રણછોડ શાહ

નિદાન

“ગઈ કાલે
લોકશાહીના
પેટમાં
સખત
દુ:ખાવો ઉપડયો.

ડૉકટરે
તપાસીને કહ્યું;
“પેટ’માં
સત્તાની ગાંઠ છે.”

ફિલિપ ક્લાર્ક

એક જમાનામાં પ્રત્યેક ગામમાં સમાજના શ્રેષ્ઠીઓનું એક વર્તળ બનેલું રહેતું. આ આગેવાનોનું કાર્ય સમાજોત્થાનનું રહેતું. તેઓ માત્ર અને માત્ર સેવાની ભાવનાથી પ્રેરાઈને સામાજિક જવાબદારીઓનું વહન કરતા. સમાજમાં તેમનો મોભો, માન, સન્માન એક અલગ પ્રકારનું રહેતું. તેઓ પણ નીતિ, મૂલ્ય અને સદ્‍ભાવનાની વાતો જ કરતાં તેવું નહીં, પરંતુ આચરણમાં પણ મૂકતા. ગામની પ્રત્યેક સમસ્યાનું તટસ્થ રીતે મૂલ્યાંકન કરી કોઈ પણ જાતના ભેદભાવ કે દબાણ વિના નિરાકરણ લાવતા. સૌ તેમને એક આદર્શ વ્યકિત (Role Model) તરીકે સન્માન આપતા. અંગત સ્વાર્થને બાજુ પર રાખી સમાજોત્કર્ષ માટે જે કરવું પડે તેનો તટસ્થતાપૂર્વક નિર્ણય કરતા. કયારેક તો નવો ચીલો ચાતરવાનો હોય તો તેની શરૂઆત સ્વથી કરતા. કયાંક પોતાના કુટુંબીજનોને કે મિત્રોને સહન કરવું પડે તો તે કરીને પણ ગ્રામોદ્વારના કાર્યમાં પોતાનું સર્વસ્વ હોમી દેતા. છેલ્લા થોડાક વર્ષોથી આવી વ્યકિતઓ દિવસે દીવો લઈને શોધવા નીકળવું પડે તેમ છે.

વર્તમાન સમયમાં રાજકીય, સામાજિક કે સરકારી આગેવાનો જેવા કે ધારાસભ્યશ્રી, સાંસદશ્રી, જિલ્લા પંચાયત કે નગરપાલિકાના પ્રમુખશ્રી, મેયરશ્રી, સમાહર્તા, પોલીસવડા કે જિલ્લાના વિવિધ સરકારી વિભાગના વડાઓ જે તે ગામના શ્રેષ્ઠીઓ જ છે. સૌ તેમનાથી પરિચિત હોય છે. તેમની પાસેથી એક આદર્શપૂર્ણ નીતિમત્તાયુકત વ્યવહારની અપેક્ષા હોય તે સ્વાભાવિક છે. આ બાબતે જે ઊણા ઊતરે છે તે પોતાની પ્રતિષ્ઠા અને છબીને વ્યકિતગત ધોરણે તો ઝાંખપ લગાડે જ છે પરંતુ સમગ્રપણે સમાજમાં નિરાશા અને હતાશાનું મોજું ફેલાવે છે. તેઓની અયોગ્ય રીતભાત અને વ્યવહાર સામાજિક જીવન ઉપર અને ખાસ કરીને યુવા વર્ગમાં નફરતની આંધી ફેલાવે છે. યુવાનો તમામ વસ્તુ ખાડે ગઈ હોય તેવો અનુભવ કરતાં દિશાશૂન્ય બની જઈ અયોગ્ય રસ્તે પ્રગતિ થઈ શકે તેવા ખોટા નિર્ણયના ભોગ બને છે.

થોડાક વર્ષો અગાઉ એક શાળામાં આનંદમેળાનું આયોજન થયું હતું. શાળામાં યોજાતી વિવિધ સહઅભ્યાસ પ્રવૃત્તિઓના ભાગરૂપે આ આયોજન હતું. શાળાના વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ આનંદમય વાતાવરણમાં એકબીજાની નજીક આવે તો બાળકોને સમજવામાં અનુકૂળતા રહે તે આનંદમેળાનો મુખ્ય હેતુ હોય છે. વાલીઓ જુદી જુદી વાનગીઓ બનાવી બાળકોની મદદથી તેનું વેચાણ કરે છે. આનંદમેળાની વ્યવસ્થા કરવાની જવાબદારી શાળાના આચાર્ય અને શિક્ષકો સેવાભાવનાથી નિભાવે છે. આ પ્રવૃત્તિ દરમિયાનના ખર્ચને પહોંચી વળવા માટે બે કે પાંચ રૂપિયા જેવી નજીવી રકમની ટિકિટ રાખી પ્રવેશ ફી લેવામાં આવે છે. અહીંયાં કોઈ કમાણીનો હેતુ હોતો નથી. પરંતુ અવૈધિક શિક્ષણના ભાગરૃપે વિદ્યાર્થીઓને વિવિધ કામગીરી શીખે તે તેની પાછળનું ઘ્યેય હોય છે.

આ શાળામાં જે તે સ્થળના જિલ્લા પોલીસવડાના બાળકો પણ અભ્યાસ કરતા હતા. સૌ મુલાકાતીઓ પ્રવેશ દ્વાર પાસેથી બે રૂપિયાની ટિકિટ લઈ આનંદમેળામાં પ્રવેશતા. શાળાના આચાર્યશ્રીના મમ્મી-પપ્પા પણ આ જ રીતે ટિકિટ લઈ પ્રવેશ્યા. પપ્પા પણ અગાઉ ઉચ્ચ સરકારી અધિકારી હતા જ. શિક્ષકોના કટુંબીજનોએ પણ ટિકિટ ખરીદીને જ આનંદમેળાનો આનંદ લૂંટયો. ત્યાર બાદ જિલ્લા પોલીસવડાનાં પત્ની પ્રવેશદ્વારે આવી પહોંચતા તેઓશ્રીને ટિકિટ ખરીદવાનું જણાવતાં તેઓ અત્યંત ગુસ્સે થઈ ગયા. તેઓએ પ્રવેશદ્વાર ઉપર ઉપસ્થિત શિક્ષકોને જણાવ્યું કે તેઓ આચાર્યશ્રીને અહીંયા બોલાવે. આચાર્યશ્રી પ્રવેશદ્વાર ઉપર આવ્યા ત્યારે મેડમે અવિવેકી ભાષામાં વાત કરીને ટિકિટ ખરીદ્યા વિના પ્રવેશ મેળવ્યો. આ પ્રસંગે તેમનાં બાળકો પણ તેમની સાથે જ હતા. આ પ્રકારના લોકો નગરશ્રેષ્ઠીઓની જવાબદારી નિભાવી શકે ખરા? નજીવી કિંમતની ટિકિટ નહીં લેવા પાછળ કયો ઉદ્દેશ હોઈ શકે? ઉપસ્થિત બાળકો તેમના આચાર્યશ્રી અને શિક્ષકને કઈ દૃષ્ટિથી જોશે? મેડમ પોતાના બાળકોને શું અને કયા પ્રકારનું શિક્ષણ આપવા માંગે છે?

આવો જ એક બીજો પ્રસંગ બન્યો હતો. જિલ્લાના વડાઓના પત્ની શિક્ષિત હોય અને તેઓ કોઈ સંસ્થામાં નોકરી (સેવા !) કરવાની ઈચ્છા ધરાવતા હોય તો સંસ્થા ના પાડવામાં સંકોચ અનુભવે તે સ્વાભાવિક છે. તેઓ કર્મચારીની પસંદગીના માપદંડો સ્વીકારવા કયારેક તૈયાર હોતા નથી. તેઓ પાસે જરૂરિયાતવાળી ડિગ્રી ન હોય તો પણ સંસ્થામાં નોકરી માટે દુરાગ્રહ રાખે છે. કદાચ કોઈ સંસ્થા સ્વીકારે તો સંસ્થાના નિયમોની જાળવણીનું કામ અત્યંત કપરું બને છે. તેમની અનુકૂળતાઓ જળવાઈ રહે તે બાબતે કાળજી રાખવાનું જણાવવામાં આવે છે. અધિકારીશ્રી સરકારી કામગીરી કરતા હોવાથી સૌ તેમની બદલીની આતરતાપૂર્વક રાહ જૂએ છે.

જાહેર પરીક્ષાઓમાં પણ અધિકારીઓનાં સંતાનોને અલગ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય તેવો કયારેક આગ્રહ રાખવામાં આવે છે. તેઓ ઉત્તરવહીમાં ઉત્તર લખાવવા માટે મદદ માંગતા નથી. ગેરરીતિ માટે પણ આગ્રહ રાખતા નથી. પરંતુ તેઓ અથવા તેમના કુટંબીજનો જે તે પરીક્ષાના સ્થળે જાય ત્યારે તેમના હાથ નીચે કાર્ય કરતા કર્મચારીઓ અગાઉથી સંસ્થામાં પહોંચી જાય છે. તેમના આગમનની સંસ્થાના વડાને માહિતી આપે છે. કયારેક સાહેબ જાતે અને સૌ કુટુંબીજનો પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચે છે. કોઈક અધિકારીશ્રી તો સંસ્થાના વડાની ખુરશીમાં સ્થાન ગ્રહણ કરી લે છે ! સંસ્થાના વડા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. સંસ્થાના ભાવાવરણ ઉપર પ્રતિકૂળ અસર પડે છે. અન્ય પરીક્ષાર્થીઓ વર્ગમાં પહોંચી જાય ત્યાર બાદ આ પરીક્ષાર્થીનો જે તે વર્ગમાં પ્રવેશ થતાં સૌનું ઘ્યાન તે તરફ જાય છે. વાતાવરણમાં બિનજરૂરી તાણ પેદા થાય છે.

રાજકીય, સામાજિક કે સરકારી આગેવાનોમાંથી કેટલાક તેમના સંતાનોને અયોગ્ય દિશામાં લઈ જઈ રહ્યા છે તેવું સ્વીકારવા તેઓ તૈયાર હોતા નથી. બાળકોને લાભ નહીં નુકશાન થાય છે. આ બાળકો મોટા થાય અને આવી વિશિષ્ટ સવલતો ન મળે ત્યારે મૂંઝાય છે. ક્યારેક અકળામણ અનુભવે છે. બિનજરૂરી મૂંઝવણભરી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. સમગ્ર જિંદગી માટે તેઓ પરાવલંબી બની જાય છે. તેઓ હોદ્દા ઉપર હોય ત્યારે તેનો તેમને અનુભવ થતો નથી. પરંત નિવૃત્તિ બાદ હાલત બદતર થઈ જાય છે.

એક શૈક્ષણિક સંસ્થામાં વર્ગખંડના બારણાંને સ્ટોપર નહોતી. વર્ગખંડના ચાર પંખામાંથી એક ચાલતો નહોતો. શૈક્ષણિક સંસ્થાઓમાં સમારકામ દરરોજ થાય તેવી વ્યવસ્થા ભાગ્યે જ હોય. સત્રના અંતે કે વેકેશન દરમિયાન આ કામ થઈ જાય. આ શૈક્ષણિક સંસ્થામાં જિલ્લાના એક ખાસ સરકારી વિભાગના વડાના સંતાનો અભ્યાસ કરતા હતા. સંતાનોએ ઘેર જઈને ફરિયાદ કરતાં વાલીએ બીજે દિવસે સુથાર અને વાયરમેનને મોકલી આપી સંસ્થામાં રૂઆબ જમાવવાનો પ્રયત્ન થયો. આ સંતાનોમાંથી સહન કરી લેવાનો ગુણ જતો રહેશે તો મોટા થતાં કેવી પરિસ્થિતિ થશે તેની આ સાહેબને કયાં ખબર જ છે? કયારેક આવું વર્તન રાજકીય કે સામાજિક નેતાઓનું પણ જોવા મળે છે. સરવાળે તેનું નુકશાન તેમને જ થાય છે તેવું તેમને સમજાય તો પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે.

સાચા અર્થમાં તો જિલ્લાના વડાઓ, વિવિધ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રગણ્યો અને અધિકારી-પદાધિકારીઓ સમાજના શ્રેષ્ઠીઓ છે. તેમનું જીવન અને કાર્ય તો અન્યો માટે પ્રેરણાદાયી અને ઉદાહરણીય હોવું જોઈએ. તેઓ સમાજ માટે આદર્શ (Role Model) હોવા જોઈએ. તેઓની વર્તણૂકમાં તટસ્થતા છલકાતી હોવી જ જોઈએ. તેઓ તો આદર્શરૂપ નીતિમત્તાનો ચીલો ચાતરનારા છે. વાડ ચીભડાં ગળે તેવી પરિસ્થિતિ શું યોગ્ય ગણાય ખરી?

આચમન:

આવનારા કાળની પહેચાન કાયમ રાખીએ,
વીત્યા સાથેનું અનુસંધાન કાયમ રાખીએ,
ખૂબ અંગત લાગણીઓ પણ ન ઓળંગે સીમા,
જાત પૂરતું એટલું સન્માન કાયમ રાખીએ.

શોભિત દેસાઈ

 


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


(તસવીર નેટ પરથી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.