નારીચેતનાનો ઉલ્લાસ કરતો, વેબ ગુર્જરીનાં સંપાદક , સુશ્રી રક્ષાબેન શુક્લ દ્વારા સંકલિત પુસ્તક ‘તેજસ્વિની’નાં વિમોચનનો, ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત, કાર્યક્રમ વિશ્વમહિલા દિન, તા. ૮ માર્ચ ૨૦૨૨, મંગળવારે સાંજે ૬.૦૦ કલાકે અમદાવાદ મેડિકલ એસોશિએશન હોલ, આશ્રમ રોડ ખાતે યોજાઈ ગયો.
શ્રી વિષ્ણુ પંડ્યાએ ‘નારી, તું ના હારી’ વિષય પર સુંદર વક્તવ્ય આપ્યું. જેમાં ‘સંઘર્ષો સામે નારી અડીખમ કેવી રીતે ઊભી રહી શકે’ની વાત કરી. બહુમુખી પ્રતિભા RJ દેવકી ‘આજની નારીની પ્રતિભા અને પડકાર’ વિશે વાત કરી. અકાદમીના યંગ અને ડાયનેમિક મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવે નારી સશક્તિકરણ વિશે વક્તવ્ય આપ્યું. કાર્યક્રમમાં લક્ષ્મી ડોબરિયા, મીનાક્ષી ચંદારાણા, દિવ્યા મોદી, ગોપાલી બુચ, રિન્કુ રાઠોડ, સ્નેહલ નિમાવત, જિગીષા રાજ વગેરે કવયિત્રીઓએ કાવ્યપાઠ કર્યો. જાણીતા ગાયિકા માયા દીપક નારીમહિમાનું ગાન રજુ કર્યું હતું.
‘તેજસ્વિની’ (ચરિત્રનિબંધ) – પુસ્તક પરિચય
રક્ષા શુક્લ
‘તેજસ્વિની’ પુસ્તક લખવું એ મારો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો.
આ પુસ્તકમાં ૨૦૨૧ની પદ્મ પુરસ્કૃત ૨૯ સન્નારીઓની સાહસી સફર આલેખાઈ છે. આ પ્રતિભાસંપન્ન ૨૯ વામાવિભૂતિઓ પર હું એકાદ વર્ષથી કામ કરી રહી હતી. એમાંય છેલ્લા ત્રણેક મહિનાથી તો રાતદિવસ આ પુસ્તકનું કામ ચાલતું હતું. આ સન્નારીઓની સાહસી સફર હવે પુસ્તકાકારે પ્રગટ થઈ શકી એનો અધધ આનંદ. પ્રતિષ્ઠિત સાહિત્યિક સંસ્થા ગુજરાત સાહિત્ય અકાદમીએ તેનું મનમોહક મુદ્રણ કર્યું છે. આખું દળદાર પુસ્તક રંગીન પૃષ્ઠોમાં નયનરમ્ય બન્યું છે.
ગોખથી હેઠા ઉતરો વ્હાલા, ત્યાં તો પથ્થર લાગો છો,
માનવરૂપ ધરો છો ત્યારે સાચા ઈશ્વર લાગો છો.
શૂન્ય પાલનપુરીની આ અરજી પ્રમાણે જગતમાં અનેક જગ્યાએ ઈશ્વર માનવરૂપે અવતરેલો છે. આ વિરલાઓ પોતાના માટે નહીં પણ સમાજ માટે જીવતા હોય છે. આવા વિશેષ લોકોને જ વર્તમાનને પોંખે છે અને ઈતિહાસ યાદ કરે છે. હરદ્વાર ગોસ્વામી સરસ લખે છે કે…
બીજા માટે જીવવું, ત્રીજા માટે શ્વાસ,
એવા જણને કાજ તો સમય લખે ઈતિહાસ.
સમાજની પણ એક જવાબદારી છે કે આવા ઈશ્વરદત્ત દેવદૂતોનું યોગ્ય સમયે સન્માન થાય. જો કે આવા વ્યક્તિત્વો સન્માનથી પર હોય છે પણ આપણે એમનું ગૌરવ કરી સજ્જ નાગરિક તરીકેની જવાબદારી નિભાવવી જોઈએ. ક્યારેક કોઈક જગ્યાએ અયોગ્ય માણસ પણ પૂજાતો હોય તો એની ચિંતા ન કરવી કારણ કે ઉત્તમ માણસોને તો માર્કેટિંગની જરૂર રહેતી જ નથી. એના સત્કાર્યની સુગંધની આપોઆપ જ ફેલાય છે. નીતિશતકમાં કહ્યું છે છે કે ‘एके सत्पुरुषाः परार्थघटकाः स्वार्थं परितज्य ये’. (સત્પુરુષો એ છે જે પરહિત માટે પોતાના સ્વાર્થનો જ ત્યાગ કરે છે)
ભારતરત્ન બાદ મળતું પદ્મવિભૂષણ સન્માન ભારતનું બીજું, પદ્મભૂષણ ત્રીજું અને પદ્મશ્રી ચોથું સૌથી મોટું નાગરિક સન્માન છે. ૨૦૨૧માં કુલ ૧૧૯ પદ્મ એવોર્ડ્ઝ આપવામાં આવ્યા જે અંતર્ગત ૭ પદ્મ વિભૂષણ, ૧૦ પદ્મભૂષણ અને ૧૦૨ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ એવોર્ડ્ઝમાં ૨૯ મહિલાઓ, ૧૦ ફોરેનર્સ, ૧૬ મરણોપરાંત અને ૧ ટ્રાંસજેન્ડર શામેલ છે. એક મહિલા તરીકે મને આ ૨૯ મહિલાઓની વાતો વધુ સ્પર્શી. ૨૦૨૧ના પદ્મ પુરસ્કારના નામો યોગ્યતાની દ્રષ્ટીએ એવા કે જે આમ જનતા માટે સહજ સ્વીકાર્ય રહ્યા. આમાંથી મોટાભાગની મહિલાઓ ખૂણેખાંચરે રહીને સમાજ માટે અદભુત કામ કરી રહી છે. આમાંની ઘણી મહિલાઓ તો એટલું સાયલન્ટલી કામ કરે છે કે તેઓ વિશે લખવા કલમ ઉપાડી તો વધુ મેટર મળે નહીં. પછી શરુ થયા મારા ખાંખાખોળા અને એક વર્ષની મહેનત પછી આ પુસ્તક તૈયાર થયું.
એવોર્ડઝમાં કલા, સમાજસેવા, વિજ્ઞાન, સાહિત્ય, ચિકિત્સા, શિક્ષણ, વ્યાપાર કે ખેલજગત ક્ષેત્રના મોટા નામો તો હોય છે જ પરંતુ ૨૦૨૧ના કેટલાક નામોએ દેશવાસીઓને સુખદ આશ્ચર્ય આપ્યું છે. આ નામો એવા છે જેના વિશે અગાઉ ભાગ્યે જ કોઈએ કંઈ સાંભળ્યું હશે. આ વિભૂતિઓને મીડિયામાં ભલે જગ્યા નહોતી મળી પરંતુ આ મુઠી ઊંચેરા લોકોના ઉમદા કામ અને યોગદાને તેમને ખરા અર્થમાં મહાનાયક બનાવ્યા છે. આવી ઉત્તમ વરણી માટે પસંદગી કમિટિને અભિનંદન આપવા રહ્યા. ૨૦૨૧ના આ પુરસ્કારો માનવતાના મૂળની સાવ નજીક છે. તળમાંથી આવનારા આ લોકોમાં ગરીબોની સેવા કરનારા, વનવાસી કલાઓને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરી માતબર દરજ્જો આપનાર, મફત શિક્ષણ માટે શાળાઓ ખોલી પછાત બાળકોને શિક્ષણ માટે પ્રેરિત કરનાર કે અંધશ્રદ્ધાના ઊંડી ગર્તામાં ડૂબેલાઓની અણસમજને જ્ઞાનના દીવાથી અજવાળનાર અનેક રત્નો છે. છેવાડાની આ મહાન વિભૂતિઓને દેશના સૌથી મોટા પદ્મ પુરસ્કારથી સન્માનિત કરી ભારત સરકારે એક ઉત્તમ ઉદાહરણ લોકો સમક્ષ મુક્યું છે. આ લોકો ચર્ચામાં રહ્યા વગર, ગુમનામીમાં ઓઢીને દેશ અને સમાજ માટે અપ્રતિમ કાર્ય અને સેવા કરી રહ્યા છે.
આ મહિલાઓ પાસે એક ચોક્કસ ધ્યેય છે અને કોઈ પણ ભોગે એને પામવાનું દ્રઢ મનોબળ છે. અહીં આલેખાયેલ તેજસ્વી નારીઓની અદમ્ય ભીતરી તાકાત અને અથાગ પરિશ્રમ વિશે વાંચતા મને લાગતું કે તેઓની એ દિલધડક સંઘર્ષગાથા લોકો સુધી પહોંચે તો નિરાશાની ગર્તામાં અટવાયેલી અનેક નાહિંમત મહિલાઓને આંગળી ચિંધ્યાનો સંતોષ પામી શકાય. મને તેમની વાતો, તેમનો સંઘર્ષ, તેમની મથામણ અત્યંત સ્પર્શી છે. વિપરીત સંજોગો સામે અકલ્પ્ય ક્ષમતા સાથે ઝઝૂમતી આ સ્ત્રીઓ અપરાજિતા છે. આ નારીઓ જમીન સાથે જોડાયેલી છે. ડાઉન ટુ અર્થ જીવતી આ નારીઓએ ડાઉન ટુ ટોપની યાત્રા કરી છે. કોઈએ સરસ કહ્યું છે કે ‘નારી નમણી નેહમાં, રણમાં શક્તિરૂપ, એ શક્તિના તેજને, નમતા મોટા ભૂપ.’
ઋગ્વેદમાં પણ નારીનું રાષ્ટ્રની અધિષ્ઠાત્રી અને બ્રહ્મવાદિની તરીકે નિરૂપણ કરવામાં આવ્યું છે. નારી વિધાતાની અદભૂત સૃષ્ટિ છે. ઈશ્વરની અમૂલ્ય દેણગી છે. વિવેકાનંદે કહેલું કે ભારતીય ઋચાની રચના કરનાર મોટાભાગે ભારતની સ્ત્રીઓ હતી. જો કોઈ નાનકડું પરિવર્તન પણ ઈચ્છતું હોય તો તેની શરૂઆત તેના પોતાના જ ઘર-આંગણાથી થવી જોઈએ. વિશ્વમહિલાદિન આવે ને મહિલાઓ ઉત્સાહથી થોડું હરખી લે એ પૂરતું નથી. દરેક મહિલાએ જાગૃત બની પોતાના હક્ક વગેરે સમજવા પડશે. એક સ્ત્રી શિક્ષિત અને સ્વસ્થ હશે તો જ રાષ્ટ્ર પણ મજબૂત બનશે. દેશની કાયાપલટ તો જ થશે. નારી વુમન તો છે જ પણ એ હ્યુમન પણ છે. રવિશંકર મહારાજ કહે છે તેમ સ્ત્રી અબળા નહીં પણ અતિબળા છે, સબળા છે.
અંધશ્રદ્ધાને બુદ્ધિથી સમજવી એટલે આમ તો લાકડાના ટુકડાને લોહચુંબકથી ઊંચકવા જેવું. પરંતુ અભણ છુટની દેવીએ આવું અસંભવ લાગતું ભગીરથ કામ હાથ પર લઈને ૫૦૦થી વધુ મહિલાઓને ન્યાય અપાવ્યો છે. ‘મિશન બીરુબાલા’ના સંસ્થાપક ૭૨ વર્ષના બીરુબાલા રાભા સત્યના અજવાળે લોકોને વાસ્તવ સમજાવી જાદૂ-ટોના અને મંત્ર-તંત્રના ભ્રમને તોડવા જાગૃતિની તલવાર વીંઝે છે. એક અનિચ્છનીય બાળક મનાતા હોવાથી બાળપણમાં ‘ચિંદી’ તરીકે ઓળખાતા સિંધુતાઈ સપકાલના સંઘર્ષ વિશે જાણીએ તો આપની બધી સંવેદનાઓ થીજી જાય. પરંતુ જીવનની એક નિર્ણાયક ક્ષણે સમાજ માટે કંઈક કરી છૂટવાની દ્રઢતા તેના જીવનને જબરદસ્ત વળાંક આપે છે. વાત્સલ્યને અનેક અનાથોમાં એકસરખું વહેંચવા માટે સિંધુતાઈએ પોતાની સગી પુત્રીને અનાથાશ્રમમાં મૂકી હતી. પોતાને તરછોડનાર પતિને મોટો પુત્ર માની, આશ્રમમાં રાખી સેવા કરનાર પણ આ જ જગદંબા હતા. ભીંત અને કાગળ પર ભીલોની પિઠૌરા કલાશૈલી જેવી સંસ્કૃતિને જીવંત કરનાર ભીલ કલાકાર ભૂરીબાઈ માટે સાનંદાશ્ચર્ય સાથે ગૌરવની વાત તો એ હતી કે ભોપાલના જે ભારતભવનમાં ભૂરીબાઈએ ઇંટો વહેવાની મજૂરી કરી હતી એ જ ભારતભવનના ૩૯મા સ્થાપનાદિન સમારોહમાં ભૂરીબાઈ મુખ્યઅતિથિ તરીકે સામેલ થયા હતા. ૯૪ નોટઆઉટ અને માત્ર બે ચોપડી ભણેલા ગુજરાતી મહિલા જસવંતીબેન જમનાદાસ પોપટે ભોજનને નોખી લહેજત આપતા લિજ્જત પાપડનો ૮૦ રૂપિયાની ઉધારીથી શરુ કરેલ ધંધો આજે ૪૫,૦૦૦ મહિલા વર્કર્સ સાથે ૧૬૦૦ કરોડ સુધી પહોંચ્યો છે. મિથિલા પેઇન્ટિંગના કલાકારના ઘરમાં કચરા-પોતા કરતા દુલારી દેવી આંગણામાંથી આકાશ સુધી વિસ્તરી અને મિથિલા કલાના ક્ષેત્રમાં પોતાની એક નોખી ઓળખ ઊભી કરી.
આ ઉપરાંત પંજાબની ભૂલાતી જતી ફૂલકારી કલાને જીવંત રાખનાર લાજવંતી દેવીની અથાગ મહેનત, પરંપરાગત જૈવિક એટલે કે ઓર્ગેનિક ખેતીની જુદી જુદી ટેકનિક્સ અને તેના ફાયદાઓ વિશે સેમિનાર અને કોન્ફરન્સમાં યુવાનોને જ્ઞાન આપતા ૧૦૭ વર્ષની ઉંમરે રોકિંગ દાદી આર. પપ્પમલ, પાંચ દિવસમાં બે વાર માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત બે બાળકોની માતા અંશુ જાનસેનપ્પા કે ગુરુમા કમલી સોરેન જેવી મહિલાઓના અનોખા અને અતુલ્ય પ્રદાનને આ પુસ્તક દ્વારા મારા વારંવાર પાયલાગણ.
આ બધી જ મહિલાઓએ શોધી કાઢ્યું છે કે તેઓ શા માટે જન્મ્યા છે, ઈશ્વર તેઓ પાસે શું કરાવવા માગે છે. તેઓની અદભુત નિષ્ઠા, કારમો સંઘર્ષ અને દ્ર્ઢ ઇચ્છાશક્તિ પાસે હું હંમેશા નતમસ્તક હતી. ‘No pain, No gain’નો મંત્ર પચાવી જીવન સાથે ઝૂઝતી અનેક મહિલાઓનો આ સંઘર્ષ મશાલ બની સૌ વાચકોને કર્મની કેડી બતાવશે એવી મને શ્રદ્ધા છે.
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.