વિસરાતું પત્રલેખન અને અવગણાતી સાંપ્રત સમસ્યાઓ

પુસ્તક પરિચય

પરેશ પ્રજાપતિ

પત્રવર્ષા: ડંકેશ ઓઝા

થોડાં વર્ષો પહેલાં ફોન કે ઇન્ટરનેટનું ચલણ સીમાડે પણ ડોકાતું નહોતું ત્યારે ભારતમાં સગાંસંબંધી સાથે સંપર્ક અને સંવાદનાં વ્યાપક અને સ્વિકૃત માધ્યમ તરીકે પોસ્ટકાર્ડનો દબદબો હતો. ભારે વ્યસ્ત રહેતા હોવા છતાં ગાંધીજીને મળેલા સેંકડો પત્રોનાં જવાબો તેમણે આપ્યા છે તે તેની મહત્તા દર્શાવવા પૂરતું છે. પત્રલેખનનું એક સુંદર પાસું ભારતનાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ઇંદિરાં ગાંધીને લખેલા પત્રો દ્વારા ઉજાગર થાય છે, પત્રોના માધ્યમથી નહેરુએ ઇંદિરા ગાંધીને વિશ્વનાં ઇતિહાસ તથા ભૂગોળદર્શનની ગળથૂથી પીવડાવી હતી. એક સમયે દેશ-વિદેશમાં નવાં મિત્રો બનાવતો, `પેનફ્રેન્ડશીપ` કહેવાતો પત્રવ્યવહાર ખાસ કરીને યુવાનોમાં ખાસો લોકપ્રિય નીવડ્યો હતો. પેપરમાં કે સામયિકમાં છપાયેલાં કોઇ ગમતાં કે અણગમતાં લખાણો અંગે લેખકોને પ્રતિભાવ આપવાના માધ્યમ તરીકે પોસ્ટકાર્ડનો ઉપયોગ હજી ઘણાંને યાદ હશે. આજે ડિજીટલ ક્રાંતિને કારણે પોસ્ટકાર્ડ તો જાણે ભૂલાયો જ છે, પરંતુ સાથે વાંચન અને પ્રતિક્રિયાનો સાહજિક ક્રમ પણ ખોરવાયો છે.

પુસ્તક પત્રવર્ષાનાં લેખક ડંકેશ ઓઝા સરકારી અધિકારી તરીકે કાર્યરત હતા, આથી તેની શિસ્તને કારણે તેમણે `બૃહસ્પતિ`ના ઉપનામે લેખન કર્યું છે. સાંપ્રત સમસ્યાઓના વિષયોનાં જાહેર લખાણોમાં એક જાગ્રત નાગરિક તરીકે તેઓ રસ લેતા. તેમની નજરે કોઇ પણ લેખક, સંસ્થા કે સમાચાર માધ્યમની ચૂક જણાય ત્યારે પોતાનો નાગરિકધર્મ ગણીને ચર્ચાપત્ર યા સંબંધિત વ્યક્તિને પત્ર લખતા હતા. જે તે લેખક કે સંસ્થા પણ તેનો જવાબ પાઠવવાનું તથા તેને જાહેરમાં લાવવાનું સૌજન્ય દાખવતાં. લેખકના જણાવ્યા મુજબ આ જવાબોએ તેમના ઘડતરમાં ઘણો ભાગ ભજવ્યો છે.

આ પુસ્તકમાં તેમની પત્રચર્ચાઓ ઉજાગર કરાઇ છે. વાચક મુદ્દો બરાબર સમજી શકે તે માટે જે-તે મહાનુભાવોના પ્રત્યુત્તરો સમાવવાની સાથે ડંકેશભાઈએ પોતે લખેલા પત્રનો સંદર્ભ પણ આપ્યો છે. આવા પત્રોમાં મોરારીબાપુ, મહેન્દ્ર મેઘાણી, સ્વામી સચ્ચિદાનંદ, સુમન શાહ, કાન્તિ ભટ્ટ, દિનકર જોશી, સુરેશ જોશી, રાધેશ્યામ શર્મા જેવી જાણીતી વ્યક્તિઓ સામેલ છે. સંબંધોની ગરિમા સાચવીને સ્વસ્થ ચર્ચા કેવી થાય અને કેવી થઇ છે તે આ પુસ્તકના માધ્યમથી જાણવા- સમજવા મળે છે. એમાંય યશવંત શુકલ સાથેનાં પત્રો ખાસ્સા રસપ્રદ છે. `નિરીક્ષક`માં આપેલા એક પત્રમાં ચર્ચાપત્રીની ઓળખ ન છુપાવવાની `નિરીક્ષકની` નીતિની સ્પષ્ટતા કરતાં યશવંત શુકલે લખ્યું હતું;`તેઓની સંમતિ હોય તો બૃહસ્પતિને બદલે ડંકેશ નામથી તેઓ છાપવા તૈયાર છે.` પરંતુ આટલું કહી વિરમી જવાને બદલે તેમણે સરકારી નોકરી કરનારને પણ વાણી સ્વાતંત્ર્યનો નાગરિક હક્ક હોવાની સ્પષ્ટતા કરી હતી. સાથેસાથે ભૂતકાળમાં આવાં જ કારણોસર ખુદને નોકરી છોડવી પડી હોવાના સ્વાનુભવથી માહિતગાર કરીને ઉત્સાહમાં આવા જોખમ ન ખેડવાની સુચારુ સલાહ આપીને પત્ર પાછો મોકલ્યો હતો. આ વાંચીને આશ્ચર્ય થાય કે ડંખ વગરના આવાં આદાનપ્રદાન પણ હોઇ શકે!

નામ કે ઉપનામ ક્યારે વપરાય, ક્યારે ન વપરાય, રેશનલ એપ્રોચ એટલે શું?, તે કેવો હોઇ શકે, કોઇ સંસ્થાને કેવી મર્યાદાઓ કનડી શકે તેવી વાસ્તવિકતાઓ પણ પત્રોમાં સુંદર રીતે ઉજાગર થાય છે.

છેલ્લે તેમના કુટુંબજીવન અને એકબીજા પ્રત્યેનાં ભાવદર્શન ઝીલતા તેમની દિકરીઓનાં પત્ર સામેલ કરવાની છૂટ લીધી છે. તેમના કહેવા મુજબ આ પુસ્તક ચર્ચાપત્રોનું નહીં, પણ પત્રચર્ચાનું છે.

આ પુસ્તક જાણે કે એક વિસરાયેલી સંસ્કૃતિનો દસ્તાવેજ બની રહે છે.

◙◙◙

ડંકનાદ: ડંકેશ ઓઝા

આ પુસ્તકમાં લેખક ડંકેશ ઓઝાના સમય-સમય પર સાંપ્રત સમસ્યાઓ અંગેનાં લેખો, તારણો તથા તેમના વિચારો સમાવિષ્ટ છે. આ પુસ્તકમાં બહુમતી અને કોમી એખલાસ, રાજકારણ અને રાજકારણીઓ, પત્રકારો અને પત્રકારત્વ, ધાર્મિક તેમજ રેશનલ- એમ વિવિધ વિષયો આવરી લેવાયા છે.

વિરોધ તથા વિરોધપક્ષ એ લોકશાહીના પ્રાણ છે. તેનું જતન કરવું ઘટે. તેમણે કેટલાક વિચારપ્રેરક પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે ઉઠાવેલા કેટલાક પ્રશ્નો પાંગળી લોકશાહી અને સંસદની અવદશા તરફ વાચકને વિચાર કરવા પ્રેરે છે. તેમનાં લખાણોમાં ખાસ કરીને યુવા પેઢીની બેદરકારી તથા લોકશાહી તથા પ્રત્યે વેદના ડોકાય છે.

કેટલીક છણાવટ સમાચારપત્રોમાં આવતી અતિશય જાહેરાતોની છે. લેખકોને સારા દામ અપાવનાર સારાં છાપાની ઓળખ ધરાવતા ‘દિવ્ય ભાસ્કરે `નો નેગેટીવ ન્યુઝ` કે ચકલી માટે માળાની ઝૂંબેશ ઉપાડી તેણે નવો ચીલો ચાતર્યાની સહર્ષ નોંધ લીધી છે. સાથે એ પણ નોંધ્યું કે અખબારની સાથે સંવત 2074નું એવું કેલેન્ડર મફત આપવામાં આવ્યું કે જેના પાને-પાને પ્રજાને ગેરમાર્ગે દોરતી જ્યોતિષ, મૂઠ, ચોટ, વશીકરણ, અઘોરી અને તાંત્રીક વિધીઓની જાહેરાત છે! તેમણે સકારણ ચિંતા જતાવી છે કે વર્ષના છેલ્લા દિવસ સુધી ઘરમાં તે સૌની નજર સમક્ષ રહે તો તેનો પ્રભાવ કેવો પડે? આજનું પત્રકારત્વ `સ્ટેનો` કક્ષાનું હોવાનું તેમનાં લખાણો પરથી અભિપ્રેત થાય છે.

પુસ્તકમાં આજની યુવા પેઢી માટે વિચારપ્રેરક ઘણું છે. દાખલા- દલીલોથી સમજાવટ છે. જેમ કે, એક સમયે ઇન્દિરા ગાંધી વિશે કહેવાતું હતું કે ‘ઇન્ડિયા ઇઝ ઇન્દિરા’ અને ‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા!’ પરંતું, કટોકટીના પગલા બદલ જનતાએ લોકશાહીની તાકાતનું ભાન કરાવતાં ઇન્દિરા ગાંધીને વિરોધપક્ષની પાટલીએ બેસાડ્યાં હતાં. તેઓનાં લખાણોમાં આજની પેઢીને ખાસ કરીને રાજકીય તથા ધાર્મિક મામલે કોઇના દોરવાયા દોરાવાને બદલે આગવી પોતીકી વિચારધારા અપનાવવાનું ઇજન છે. તેઓ સમજાવવા પ્રયત્ન કરે છે કે શાસન માટે બહુમતી જરૂરી, પરંતુ તેમનામાં આક્રમકતા ન હોવી જોઇએ, કવચિત થાય તો તેને રોકવી એ આપણી જવાબદારી છે.

કોઇ વ્યક્તિને કારણે પક્ષની વિચારધારા હાંસિયામાં ધકેલાય તે સરમુખત્યારશાહી ગણાય, આટલી સાદી વાત યુવાનો કેમ સમજતા નથી? અબુધ દશામાં આજનો યુવા માત્ર સમય પસાર કરવા છાપું વાંચે તે તેમને મન અક્ષમ્ય છે. હિંદુત્વ વિશે સાવરકરનાં વિધાનોનો સંદર્ભ આપીને તેમણે સમજાવટ આપી છે કે સાત રંગોને કારણે મેઘધનુષ સુંદર છે, તેમ હિંદની સુંદરતા વિવિધ ધર્મનાં લોકોમાં છે.

રાજકીય વિચારો ઉપરાંત આ પુસ્તકમાં જમણવારોમાં થતા અનાજના બગાડ તથા રુપાલની પલ્લીમાં વેડફાતા ઘી જેવા વિષયો પર વિચારમંથન છે. કવિ નાથાલાલ દવે, લાભશંકર ઠાકર, ઉમાશંકર જોશી જેવા સાહિત્યજગતના તથા આદિવાસીઓના ઉત્થાનના અભ્યાસી ડૉ. બી.ડી.શર્મા જેવા વ્યક્તિવિશેષો અંગે લખાયેલાં લેખો પણ આ પુસ્તકમાં છે. આભડછેટ વિશે તેઓ નારાજગી જતાવે છે, પરંતુ તેના વિરોધમાં મનુસ્મૃતિનાં પુસ્તકો કેમ બાળવા તે સવાલ પણ ઉઠાવે છે. પુસ્તકમાં કથાકાર મોરારીબાપુના રચનાત્મક પાસાંની છણાવટ છે તો રેશનલ હોવાની સમજ પણ છે. પુસ્તકમાં આવા કુલ 66 વૈવિધ્ય સભર અને વિચારપ્રેરક લેખોનો સંગ્રહ છે, જે વાચકમાં વિચારની જ્યોત પ્રગટાવી શકે એવા છે.

◙◙◙

 પુસ્તકો અંગેની માહિતી:

પત્રવર્ષા : ડંકેશ ઓઝા                        ડંકનાદ : ડંકેશ ઓઝા
પૃષ્ઠસંખ્યા : ‌ 124                                   પૃષ્ઠસંખ્યા : ‌ 216
કિંમત: ₹ 200                                       કિંમત: ₹ 300
પ્રથમ આવૃત્તિ, 2021                                પ્રથમ આવૃત્તિ, 2021

મુદ્રક: સમર્પણ મુદ્રણાલય                            મુદ્રક: સમર્પણ મુદ્રણાલય
પ્રકાશકઃસમ્વાદ પ્રકાશન, અડાલજ                   પ્રકાશકઃસમ્વાદ પ્રકાશન,

ડંકેશ ઓઝાવિજાણુ સંપર્ક: dankesh.oza20@gmail.com
પત્ર વ્યવહારનું સરનામું­: 6, સ્વાગત સીટી, મુ.પો. અડાલજ- 382 421


આ શ્રેણી માટે કોઈ પુસ્તક મોકલવા ઈચ્છે તો શ્રેણી સંપાદક પરેશ પ્રજાપતિને તેમના વિજાણુ સરનામા pkprajapati42@gmail.com પર સંપર્ક કરી પુસ્તકો મોકલવા વિનંતી.

Author: Web Gurjari

2 thoughts on “વિસરાતું પત્રલેખન અને અવગણાતી સાંપ્રત સમસ્યાઓ

  1. I fully agree with the review of the both the books of Mr. Dankesh Oza done by you. I enjoyed reading of review. I request you to send me your reviews in future on my email id please.
    Farooq Abdulgafar Bawani Rajkot
    Mo. No. +91 9879188179
    Email ID : bawanifarooq@gmail.com

Leave a Reply

Your email address will not be published.