કનૈયાલાલ મુનશીની નવલિકાઓ

કલમના કસબી : કનૈયાલાલ મુનશી

રીટા જાની

કનૈયાલાલ મુનશી એટલે ગુજરાતની અસ્મિતાના ઉદ્દગાતા,  ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા અને દેશહિત ચિંતક.  મુનશીના વિવિધ સ્વરૂપના સાહિત્યમાં આપણને તેમની  વૈયકિતક સંવેદનાઓ, ભાવનાઓ અને સ્વપ્નસૃષ્ટિ  શબ્દસ્થ થયેલી જણાય છે. પરંતુ ગુજરાતની સાહિત્ય-રસિક જનતામાં તેઓ નવલકથાકાર તરીકે, વિશેષ કરીને ઐતિહાસિક નવલકથાઓના સિદ્ધહસ્ત સર્જક તરીકે પ્રસિદ્ધ  છે. મુનશીનું સાહિત્ય  વિપુલ અને વૈવિધ્યસભર છે તો સબળ અને સમૃદ્ધ પણ છે. કાવ્ય સિવાય લગભગ બધા સાહિત્યપ્રકાર પર તેમણે હાથ અજમાવ્યો છે. તેમના સાહિત્યસર્જનને સ્વરૂપની દૃષ્ટિએ નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાય.

1. ઐતિહાસિક નવલકથાઓ.

2. સામાજિક નવલકથાઓ.

3. નવલિકાઓ

4. પૌરાણિક ઐતિહાસિક નાટકો

5. સામાજિક નાટકો

6.  આત્મકથા

7. જીવન ચરિત્ર

8. વિવેચન

9. નિબંધ

10. ઇતિહાસ

11. વ્યાખ્યાનો.

મુનશીનો સાહિત્યપ્રવેશ તેમની નવલિકા ‘મારી કમલા’ દ્વારા થયો. આમ મુનશીનું સાહિત્ય સર્જન નવલિકા સ્વરૂપે આરંભાયુ એમ કહી શકાય. તેમની નવલિકાઓની શૈલી,  વિષયનિરૂપણ  અને જીવન પ્રત્યેની દ્રષ્ટિએ બધી બાબતોમાં તત્કાલિન નવલિકા સાહિત્યમાં નવો ચીલો ચાતર્યો. ‘નવલિકાઓ’  એ મુનશીની ટુંકી વાર્તાઓનો પૂરેપૂરો સંગ્રહ છે. જે પહેલાં ‘મારી કમલા અને બીજી વાતો’ તરીકે પ્રકાશિત થયો. પછી તેમાં થોડી નવી વાર્તાઓ ઉમેરી એ જ સંગ્રહ ‘નવલિકાઓ’ ના નામથી પ્રકાશિત થયો.

નવલકથાકાર તરીકે પોતાનો ડંકો વગાડનાર મુનશી વાર્તાકાર તરીકે પણ પોતાની પ્રતિભા દર્શાવે છે.  મુનશી સમાજજીવનના દંભના આવરણો ચીરવા પોતાની નવલિકાઓમાં વ્યંગ, ઉપહાસ, કટાક્ષ અને વક્રદૃષ્ટિનો ઉપયોગ કરે છે. કેટલીક નવલિકાઓ ખૂબ રોચક અને રસિક પણ છે. ‘મારી કમલા’, ‘કોકિલા’, ‘મારી કામચલાઉ ધર્મપત્ની’ આ શ્રેણીમાં આવે.

‘મારી કમલા’ના વસ્તુમાં પરિસ્થિતિજન્ય કારુણ્ય નિષ્પન્ન થવાની શક્યતા છે, પણ લેખક તેનો તાગ કાઢી શક્યા નથી એવું વાચકને લાગે છે. તેમાં બે અનાથ, આધાર વિનાનાં, રઝળતાં પંખીડા સાથે મળે છે, સ્નેહથી ઉડે છે. તેને ગરીબી, અનીતિ, સ્વાર્થ અને અદેખાઈનું ગ્રહણ લાગે છે, ભેદના પડદા પડે છે. છેવટે દુનિયા કે દૂર્દૈવને દુશ્મન ગણી અંતે કમલા દેહ છોડે છે.

‘કોકિલા’ એ રહસ્યની, પ્રેમની, નવા યુગની સ્વાતંત્ર્યશીલ, બુદ્ધિવાદી નારીની કથા છે. આ એ યુગની વાત છે જ્યારે  વ્યક્તિત્વ વિનાનું ગરીબડાપણું સ્ત્રીઓનું ભૂષણ ગણાતું. શારીરિક શોખની જડ અભિલાષાઓ સંતોષવામાં પુરુષો મર્દાનગી સમજતા. ત્યારે કોકિલા જેવી સ્વતંત્ર અને ઉચ્ચ ભાવનાના વ્યોમમાં વિહરતી નારીને કેવા સમાજનો સામનો કરવો પડ્યો હશે તેની આ યુગની નારીને કદાચ કલ્પના પણ નહિ આવે.

‘મારી કામચલાઉ ધર્મપત્ની’ માં દૈવ યોગે ટ્રેનમાં ભેગા થયેલા બે પાત્રો વચ્ચે બાળકને કેળું આપવાની સામાન્ય વાતથી કેવો ભરમ સર્જાય છે અને પછી જે પ્રસંગો સર્જાય છે તેની હાસ્ય અને વ્યંગથી ભરપુર વાર્તા વાચકના મનનું રંજન કરી જાય છે.

‘એક સાધારણ અનુભવ’માં  એક આદર્શવાદી બાળક, જે મોટા થઈને અગ્રગણ્ય નેતા, ધાર્મિક સુધારક, દેશપ્રેમી નરરત્ન વીર કે પોતાના ધગધગતા શબ્દો અને અપ્રતિમ વકતૃત્વથી ભવિષ્યમાં કોઈ મોટો માણસ બનશે એવી સંભાવનાઓ ધરાવતો હતો, તે  રઘુનંદન પાશ્ચાત્ય સંસ્કૃતિના અલબેલા બજાર એવા મુંબઈ જઈને કેવો બદલાઈ જાય છે તેની વાત છે. તે સ્થૂળ સુખોને ઇષ્ટ માની, અધ:પતન તરફ આંખ આડા કાન કરી, ગરીબ છોકરીનો પ્રેમદ્રોહ કરી પૈસાની લાલચમાં આત્મદ્રોહ  કરી શેઠિયાની છોકરીને પરણી ગયો. કહેવાતી લાઇબ્રેરીમાં સાહિત્યના પુસ્તકોને બદલે અશ્લીલ સાહિત્ય ખડકાઈ ગયું છે. ધોડા અને કૂતરાઓની કાળજી છે પણ સારા કામ માટે વાપરવા પૈસા નથી. રઘુનંદનનો મિત્ર તેની સાહ્યબી જોઈ જતા સમયે કટાક્ષમાં કહે છે કે તેની પાસે બધું છે પણ તેની ભાવના, પુરુષાર્થના ઊંચા આદર્શ, ત્યાગ અને સેવાના શુદ્ધ સંકલ્પને માટે કોઈ જગ્યા નથી.

વીતેલા યુગના ચલચિત્ર ‘અનપઢ’ જેવી જ ઘટનાઓ સર્જાય છે નવલિકા ‘મારો ઉપયોગ’ માં. પુસ્તકના કીડા, પુસ્તકના નશામાં અખંડ એકાંત સેવતાં તત્વજ્ઞાની પ્રોફેસર શિવલાલ અને રૂપવાન, ફેશન પરસ્ત, આનંદી, સ્વચ્છંદી વિનોદવૃત્તિ ધરાવતી અનસૂયાના જીવનસંસારની ખાટીમીઠી વાતો વાચકને વિચારતો કરી દે છે. કોઈ પણ યુગમાં જીવન સંસારમાં બંને પૈડાં વચ્ચે તાલમેલ હોવો ખૂબ જરૂરી છે. બંનેના માનસિક સ્તરમાં જો આભ જમીનનો ફેર હોય તો  બંને દુઃખી રહેશે એ નક્કી છે. મુનશી આ વાત નાના નાના રોજબરોજના પ્રસંગોમાં સ્પષ્ટ કરે છે. રસઝરતી ફૂલવેલ જેવી  અનસૂયા અને સહરાના સૂકા રણ જેવા પ્રોફેસરનો ઘરસંસાર વાચકને પોતાના ઘર સંસાર માટે વિચારતા કરી દે છે. પહેલા પ્રોફેસર પત્નીની દરકાર કરતો નથી. ને પત્ની નાટક કરે છે કે તે કંટાળીને  ઘર છોડીને જતી રહે છે. તો પ્રોફેસરની સાન ઠેકાણે આવી જાય છે. પછી પત્ની રાજ કરે છે. અહીં કટાક્ષ છે કે ક્યાંય જીવનમાં બધું આદર્શ નથી હોતું.

‘એક પત્ર’ માં પણ એક કોડ ભરેલી શિક્ષિત કન્યાની સાસુના કોપ ને પતિના જુલ્મી બેદરકાર સ્વામિત્વથી રિબાઈને મરણ પથારીએથી લખાયેલ પત્રની વાત છે.

મુનશીની વિચારધારા પર પુરાણો અને પૌરાણિક પાત્રોને સ્પષ્ટ પ્રભાવ જોઈ શકાય છે. એક સામાજિક સંદેશ આપતી તેમની વાર્તા ‘શકુન્તલા અને દૂર્વાસા’ આ વાતનું પ્રમાણ છે. આજે ન્યુક્લીયર કુટુંબની સમસ્યા ઘણું મોટું રૂપ ધરીને ઊભી છે. આ સમસ્યાની શરૂઆત મુનશીના યુગમાં પણ થઈ ગયેલી. ડોકટર પુત્ર અને સ્વાર્થી મજામાં ભાન ભૂલેલી પુત્રવધૂ  પિતાતુલ્ય સસરાની અવગણના કરે છે. ડોકટર પતિ, મિત્ર સાથે કુછંદે ચડી સુંદર ઘરસંસારને આગ લગાવે છે. ત્યારે માબાપ પોતાના નાજુક ફૂલ સમા પુત્રની સારસંભાળ પણ ચૂકે છે ને તેને જાનથી ગુમાવે છે. ત્યારે બંનેની કેળવણી અને ઉર્મિઓ પાછી ઉભરાય છે. તેમને લાગે છે કે શકુન્તલાની જેમ તેને પણ શાપ લાગ્યો છે. પ્રાયશ્ચિત કરે છે. અહીં તો ખાધું, પીધું ને રાજ કીધું જેમ બંને પ્રાયશ્ચિત કરે છે. પણ આજે એવા અગણિત માતા પિતા છે જેમના સંતાનો ફરજ ભૂલી ગયા છે ને માબાપ રામભરોસે છે.

લાગે છે કે ક્યારેક આપણે સાગરના કિનારે ઉભા છીએ. સમુદ્રના મોજાં એક પછી એક આવી રહ્યાં છે. આપણે સમુદ્રના મોજાંની છોળો માણી રહ્યા છીએ. કોઈ પૂછે કે કયું મોજું મોટું અને કયું નાનું?

પ્રિય વાચક, મને લાગે છે કે આનંદની ક્ષણો તર્કવિશ્લેષણ માટે નથી. ફરીને બાળકની જેમ મોજાંની છોળો માણીએ. આપણે પણ વિવિધ નવલિકાઓ માણીએ.

મોજાં તો સાગરની પ્રકૃતિ છે…
આવતાં રહે છે, આવતાં રહેશે…
આપણે સજ્જ રહીએ,
આ પ્રકૃતિ – સાહિત્યસાગરને માણવા…

મળીશું આવતા અંકે….


સુશ્રી રીટાબેન જાનીનો સંપર્ક janirita@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “કનૈયાલાલ મુનશીની નવલિકાઓ

  1. તેમની નવલિકાઓ વિશે કશી ખબર ન હતી.. જાણ કરાવવા માટે આભાર.

Leave a Reply

Your email address will not be published.