શાણો સમાજ – એરિક ફ્રોમ : આપણે કેટલા શાણા? :: કેટલાક પૂર્વસૂરીઓનાં તારણો

સમાજ દર્શનનો વિવેક

કિશોરચંદ્ર ઠાકર

એરિક ફ્રોમ સ્પષ્ટતા કરે છે કે મૂડીવાદના (કુ)લક્ષણો બતાવનાર પોતે કાંઈ આદ્ય પુરુષ નથી, પરંતુ તેમણે કરેલી નવી વાત તે આ લક્ષણો સાથે*[1] પરાયાપણાનો સિદ્ધાંત જોડવાની. બાકી છેક ઓગણીસમી સદીમાં આ લક્ષણોએ હજુ બહાર દેખા દીધી ન હતી ત્યારે જ કેટલાક વિચારશીલ પુરૂષોએ તેની આગાહી કે આકલન કરેલાં. એમાના કેટલાકે પોતાનાં જે નિરીક્ષણો કે આગાહી કરેલાં તે અંગે આ પ્રકરણમાં વાત કરીશું.

શરૂઆત કરીએ સ્વીઝર્લેન્ડના રૂઢિચુસ્ત ગણાતા બર્કહાર્ડ (૧૮૧૮ થી ૧૮૯૭)થી. તેમણે 1876માં આગાહી કરેલી કે થોડા દસકાઓ પછી યુરોપમાં ભયંકર યુદ્ધો અને બળવાઓ દ્વારા લશ્કરી અને આર્થિક આપખુદીની સ્થાપના થશે. આ અગાઉ ૧૮૭૨માં તેમણે જણાવેલું કે રાજ્યો એવા લશ્કરશાહી બનશે કે જેના ઉપર ઉદ્યોગપતિઓનો કાબૂ હશે. મોટાં કારખાનાઓમાં થઈ રહેલા લોકોનાં કે‌ન્દ્રીકરણ પર અંકૂશ લાદવામાં નહિ આવે તો ગરીબાઈ અને પ્રગતિ બન્ને આગળ ધપવા માટે એકસાથે તાલબદ્ધ રીતે કૂચકદમ કરશે. તેમને  શક્યતા તો એવી દેખાઈ હતી કે લોકો કોઈ નેતાનું તેમજ પોતાનું શોષણ કરનારાનું જ શરણું લેશે અને એ શરણાગતિ લાંબાગાળાની હશે. પ્રજા તો  કોઈ તારણહારની શોધમાં જ રહેશે અને સિધ્ધાંતો સાથે તેને કોઇ લેવાદેવા નહિ હોય. પરિણામે આનંદદાયક વીસમી સદીમાં સત્તા પોતાનું બિહામણું માથું ફરીથી ઊચકશે.

બર્કહાર્ડની ઉપરોક્ત આગાહી આપણને યુરોપમાં ફાસીવાદ અને સ્ટાલિનવાદ રૂપે સાચી પડતી લાગી. પરંતુ ફ્રા‌ન્સના વિપ્લવાદી પ્રૂધોન (૧૮૦૯ થી ૧૮૬૫)કહે છે કે ભાવિ માટે ખતરો તો  એક સુગઠિત લોકશાહીનો છે. ઉપર ઉપરથી ભલે લાગતું હોય કે સત્તા લોકોના હાથમાં છે, પરંતુ ખરેખર તો તેમાં સત્તાનું કે‌ન્દ્રીકરણ થશે. પ્રચારની અસર એવી થશે કે વિચાર માત્રનો નાશ થશે ભલે ને પછી તે વ્યક્તિગત હોય કે સામૂહિક. લોકોને એવી  ગુલામી મળશે કે જેના પર**[2] સિદ્ધાંતના વાઘા પહેરાવ્યા હશે. તેમણે એવી આગાહી સુધ્ધા કરેલી કે મહાસત્તાઓ વચ્ચે મહાયુધ્ધનો આરંભ થશે, ભીષણ હત્યાકાંડો થશે અને શક્ય છે કે નવાયુગની સિદ્ધિઓને જોવા આપણે જીવતા નહી રહીએ.

અમેરિકામાં જે રીતે ઔદ્યોગિકરણ થઈ રહ્યું હતું તે જોઈને 1848ની ફેબ્રુઆરી ક્રાંતિમાં ભાગ લેનાર ફ્રે‌ન્ચ કવિ બોદલેરે(૧૮૨૧ થી ૧૮૬૭) તો જગતના અંતની આગાહી કરી હતી. અંત એટલે  ભૌતિક અંત નહિ પરંતુ પ્રજાની આધ્યાત્મિકતાનો અંત, કારણ કે આપણાં ભૌતિક જીવનને જ જીવન માનવાની સમજ ભૂલભરેલી છે. પોતાના વિકરાળ પંજા ફેલાવીને ધસી રહેલો યંત્રાસુર આપણી આધ્યાત્મિકતાનો નાશ કરશે. વાચક મિત્રો એટલું તો સમજી શક્યા હશે કે આ આધ્યાત્મિકતા એટલે પ્રચલિત ધર્મોનો કર્મકાંડ નહિ, પરંતુ જીવનના રહસ્ય અંગે સવાલો થવા અને તેનાં ઉકેલ માટે મથવું. સ્વાભાવિક છે કે આમ કરતા વ્યક્તિનું  પોતાના અંતરાત્મા સાથે જોડાણ  થાય અને તેનાથી પ્રાપ્ત થયેલી સંવેદનશીલતા વ્યક્તિને આપોઆપ તેનાં હૃદય સાથે જોડે છે. પરિણામે તે સમાજ સાથે  નિસ્બત ધરાવતો થાય. આપણે તેને માણસની સામાજિકતા પણ કહી શકીએ. બોદલેર કહે છે કે નવા યુગની પાશવિતા સામે આપણી સામાજિકતા ટકી શકશે નહિ. પરિણામે સર્વનાશ થશે. આ સર્વનાશ રાજકીય વ્યવસ્થામાં કે સામાન્ય પ્રગતિમાં નહિ દેખાય પરંતુ હૃદયની નિષ્ઠુરતા સ્વરૂપે જણાશે. સત્તાધીશો પોતાનું સ્થાન જાળવી રાખવા નિર્દયપણે એવા કરતૂતોનો આશરો લેશે જેમાં આપણે ભયભીત બન્યા સિવાય બીજું કશું કરી નહિ શકીએ.

ટોલ્સ્ટોય (૧૮૨૮ થી૧૯૧૦)જણાવે છે કે આપણી પાસે કોઈ ધ્યેય જેવું રહેશે નહિ. વીજળી, રેલ્વે તારટપાલ વગેરેનો ઉપયોગ પણ કોઈ ચોક્કસ હેતું વગરનો છે. છાપખાનાંઓ પુસ્તકો તો ખૂબ છાપશે, પરંતુ તેની પાછળ કોઈ ધ્યેય નહિ હોય. મોટા પ્રમાણમાં ખૂલી રહેલી હોસ્પિટલો આપણને લાંબુ જીવન તો આપી શક્શે પરંતુ તે જીવન શેના માટે છે તેનો ઉત્તર આપણી પાસે નહિ હોય. આપણી સભ્ય અને સંસ્કારી લાગતી જિંદગી મોટી ડીગ્રીઓ, ફેશનેબલ તથા નખશીખ સુઘડ દેખાવા માટે પહેરવામાં આવતા કપડાંઓ, દેશવિદેશના પ્રવાસો વગેરે જેવી ઉપલક બાબતોમાં જ સમેટાઈ જશે.

મૂડીવાદની સૌથી વધારે અસર અમેરિકામાં થઈ. બજારનું મહત્વ એટલું બધું વધી ગયું કે અમેરિકન વિપ્લવવાદી થોરોએ(૧૮૧૭ થી ૧૮૬૨) તો માણસનાં  જીવનને જ બજાર કહી દીધું! આ માટે તેમણે એક સરસ ઉદાહરણ આપતા કહ્યું, “એક વખત હું એક ખેતરમાં બેસીને મારી નોટબુક્માં નોંધ ટપકાવી રહ્યો હતો, એ જોઈને એક ખેડૂતે પૂછ્યું કે ‘શું તમે તમારો પગાર ગણો છોં?’! લોકોને આર્થિક ગતિવિધિ સિવાય કશું જ દેખાતું જ  નથી અને તે એટલે સુધી કે કોઈ માણસ અકસ્માતનો ભોગ બનશે તો લોકો તેના પર દયા ચોક્કસ ખાશે પણ તે એટલા જ માટે  કે તે આર્થિક ઉપાર્જન માટે પોતાનો કામધંધો નહિ કરી શકે.!”

બીજું એક ઉદાહરણ તેઓ આપે છે કે કોઈ વ્યક્તિ પ્રકૃતિપ્રેમથી પ્રેરાઈને જંગલ અને વનરાઇઓમાં ભમશે તો તે બેજવાબદાર રખડું ગણાશે. પરંતુ કોઇ માણસ પોતના ઉદ્યોગધંધા માટે જંગલો સાફ કરીને પર્યાવરણને ગંભીર નુક્શાન પમાડશે તો પણ તેનું એક સાહસિક ઉદ્યોગવીર તરીકે સન્માન થશે. પરંતુ થોરો કહે છે કે જો તમારી મહેનતથી તમને માત્ર અને માત્ર પૈસો જ મળશે તો તમારી મહેનત એળે ગઈ સમજવી. એ જ રીતે તમે તમારા નોકરને પગાર સિવાય બીજું કાંઇ ન આપી શકો તો સમજવું કે તમે તેને છેતરો છો. વળી તેમનું સૂચન એ પણ  છે કે તમે એવી વ્યક્તિને નોકરીએ રાખો જેને  માત્ર તેનાં વેતનમાં  જ રસ ન હોય પરંતુ પોતાનાં કામ પ્રત્યે પ્રેમ પણ  હોય.

થોરો આપણી રાજકીય સ્વતંત્રતાને લુખ્ખી સ્વતંત્રતા એ કારણે કહે છે કે તેમાં નૈતિક સ્વતંત્રતાનો અભાવ છે. પ્રજાની દયાજનક પરિસ્થિતિ વર્ણવતા તેઓ જણાવે છે કે તેના  પર***[3] લશ્કર અને રાજ્ય સહિત સમાજનો કારોબાર સંભાળતા મૂર્ખાઓ લાદવામાં આવે છે. માત્ર ભોતિક જીવનને જ અપાતા મહત્વને તેઓ એ શબ્દોમાં વર્ણવે છે કે આપણા આત્માને દાબી દેતો આપણો સ્થુળ દેહ આત્માનાં સત્વને કોરી ખાય છે.  બ્રિટિશ સમાજવાદી આર એચ ટોની(1880 થી 1962) તેમના એક પુસ્તકમાં લખે છે કે આજે માણસ ઉપર ઉપભોક્તાવાદે જમાવેલાં પ્રભુત્વના પાયા ઉપર જ મૂડીવાદ ઊભો છે. મૂડી અને મજૂરીના સબંધ અંગે  તેઓ કહે છે કે આપણા સમાજમાં બુદ્ધિશાળી લાગતો માણસ પણ એમ માનવાને લલચાય છે કે મૂડી મજૂરીને કામ આપે છે. પરંતુ આ ધારણા તો મૂડીની મૂર્તિપૂજા જેવી છે.  દેવની નિર્જીવ મૂર્તિ આપણને કશું પણ આપી શકતી નથી તો પછી  નિર્જીવ મૂડી મજૂરી કઈ રીતે આપી શકે? પરંતુ આવી ખોટી ધારણા ઉદ્યોગધાંધાને અને તેમાંથી નીપજતી મૂડીને જ સર્વસ્વ માનવાની સમજથી ઊભી થઈ છે. આપણે જો શ્રમ કર્યા વિના માત્ર બેઠા બેઠા જ ( માત્ર મૂડીના જોરે) લાભો લેવાની મનોવૃતિ ચાલું રાખીશું તો બીમાર  સમાજ જ ઊભો થશે.

અમેરિકન સમાજવાદી અને ફિલોસોફર લુ‌ઇસ મમફર્ડ(1895થી 1990)નું માનવું છે કે મૂડીવાદી સમાજની જરૂરિયાત એવો માણસ બનાવવાની છે કે જે પોતાની આગવી દૃષ્ટિએ જીવન જીવવા કે આત્મનિર્ભર બનવા માટે અસમર્થ હોય. તે ચૂં કે ચાં કર્યા વિના મૂડીવાદી સમાજનો દોરવ્યો દોરવાતો રહે. આવા પામર  માણસને  શિસ્તબદ્ધ અને નિરુપદ્રવી કહીને તેની પ્રશંસા કરવામાં આવશે. આ કાર્ય માટે ઉદ્યોગધંધાની જાહેરખબરનું તંત્ર, સર્વસત્તાધીશ સરકારોનું પ્રચારતંત્ર અને આયોજનતંત્ર સતત ધમધમાતાં રહેશે. પરિણામે બે પ્રકારના માણસો જ રહેશે એક ઘેટાઓ અને બીજા તેમને હાંકનારા. સ્પષ્ટ છે કે ઘેટાઓની વસ્તી ખૂબ મોટી જ હોય. છતાં સમાજ તો ચાલતો જ રહેવાનો ભલે ને પછી તે જૂઠ્ઠાણાઓ, આત્મછલના તથા પોકળતાની જાળમાં ફસાયેલો હોય.

જો કે કોઈ પણ ઘટના  પ્રત્યાઘાતો વિના રહી શકતી નથી અને પ્રબળ બની રહેલું યાંત્રીકરણ પણ તેમાં અપવાદ નહિ હોય. મમફર્ડ આ સંભવિત પ્રત્યાઘાતો બે સ્વરૂપે કલ્પે છે, કાં તો તે દિશાહીન બળવાઓ  કે આપઘાતના રૂપમાં હોય અથવા તો  કદાચ બીજો સાનુકૂળ પ્રત્યાઘાત એ પણ હોઈ શકે કે સમાજ નવજીવન પ્રાપ્ત કરે. પરંતુ અત્યાર સુધીમાં તો દિશાહીન બળવા કે આપઘાત  જ જોવા મળ્યા છે.

જર્મનીના કાર્લ માર્ક્સ(૧૮૧૮ થી ૧૮૮૩)તો મૂડીવાદના પ્રખર ટીકાકાર હતા અને મૂડીવાદની બીમારીનો ઇલાજ તેમણે વૈજ્ઞાનિક સમાજવાદમાં જોયેલો એ ખૂબ જાણીતી હકીકત છે. એથી (ઓછામાં ઓછું આ પ્રકરણમાં)  તેની વિગતમાં ન જતા ઉલ્લેખ માત્ર કરું છું.

વાચકમિત્રોને લાગશે કે આ બધા આકલનો તો સમાજવાદી ગણાયેલા વિચારકોના છે, વળી એરિક ફ્રોમની છાપ પણ ડાબેરીની છે. આથી કદાચ આ બધી ધારણાઓનો આધાર તેમનો પૂર્વગ્રહ હોઈ શકે. પરંતુ મૂડીવાદના પાકા સમર્થક અને રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવતા એ આર હેરોન પણ  ૧૯૪૮મા લખેલા એક પુસ્તક ‘why men work’માં કાંઇક આવી જ વાત  કરે છે. તેમના મતે જે માણસ ચિંતન, આદર્શ, સ્વમાન અને આત્મનિર્ભરતા વિનાનું જીવન જીવે છે તેણે માનવજીવનનાં આગવા તત્વોની હત્યા કરી કહેવાય અને આપણા જીવનમાં અને ખાસ કરીને કરોડો શ્રમજીવીઓના જીવનમાં માનવીના આ તત્વો મરી પરવાર્યા હોવાથી તેઓ આપઘાત જ કરી રહ્યા કહેવાય. દિમાગની વાત તો છોડો, પણ કામદારના હાથપગના નાનાં નાનં હલનચલનો પણ બીજાઓના દોરવ્યા થાય છે. પોતે મૂડીવાદના બહુ મોટા સમર્થક હોવા છતાં સમાજને ભગવાન ભરોસે છોડી દેવા માગતા નથી. આથી જ તેમણે કહ્યું કે લોકોને ઘેટાં બનાવવાને  બદલે તેમની બુદ્ધિનો વિકાસ કરવાની જવાબદારી તેમના માલિકોની, રાજ્યકર્તાઓની તેમજ શિક્ષણશાસ્ત્રીઓની છે. લોકશાહીની યથાર્થતા પણ આ પ્રકારના વિકસિત બુદ્ધિવાળા નાગરિકોના મત(vote)માં છે નહિ કે ઘેટાઓના મતમાં

સમાજશાસ્ત્ર સિવાયના અન્ય ક્ષેત્રોના વિદ્વાનો જેવા કે ધાર્મિક એવા આલ્બર્ટ સ્વીટઝર અને મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઈનના અભિપ્રાયો પણ આ પ્રકારના છે. આલ્બર્ટ સ્વીટઝરના મંતવ્ય અનુસાર આજનો લોકમત વર્તમાનપત્રો, સંસ્થાઓ અને નાણાના જોરે ઉભો કરીને એવા સાધનોથી જ જાળવી રાખવામાં આવે છે. ખરેખર તો કોઇ બાહ્ય પરિબળો કે બળજબરીનો આશરો લીધા વિના પ્રજાના પોતાના વૈચારિક અભિક્રમથી લોકમત ઉભો થવો જોઈએ. આઈનસ્ટાઈન કહે છે કે સમાજનું માળખું એવું છે કે માણસની સ્વાર્થી વૃતિઓને કાયમ પ્રોત્સાહન મળતું રહે છે. પરંતુ જીવનનો ખરો આનંદ તો સમાજની સુખાકારી માટે મથવામાં છે.

વાચકમિત્રો, આપણે સૌ એરિક ફ્રોમના આ બધા જ નિદાનો તેમજ આ પ્રકરણમાં જણાવેલા અન્ય મહપુરુષોના આકલનો સાથે  સહમત  ના પણ હોઈએ. છતાં આપણે સહેજ પણ વિચારીશું તો સમાજ ખોટા માર્ગે જઈ રહ્યો છે એમ તો લાગશે જ. હવે સવાલ એ ઊભો થશે કે તો ‘પછી તેનો ઇલાજ શો?’ નિ:શંકપણે આ ઇલાજ ચપટી વાગાડતાની સાથે જ થઈ શકે  તેવો ના જ હોય.  છતાં લેખકે  ઈલાજ તો બતાવ્યા જ  છે જેની વિગતવાર ચર્ચા હવે પછીના પ્રકરણમાં કરીશું


[1] * પુસ્તકના ગુજરાતી અનુવાદમાં કા‌ન્તીભાઈએ અનેક વાર  ‘પરાયાપણું’  શબ્દનો કરેલો પ્રયોગ તે મૂળ  અંગ્રેજી શબ્દ alienationનું ગુજરાતીમાં ભાષાંતર કરવા કરેલો પ્રયાસ છે. ‘પરાયાપણા’ને આપણે યંત્રવાદની અસરમાં માનવીનો  પોતાની જાત સાથેનો નાતો તૂટી ગયો તે અર્થમાં લઈશું.

[2] ** લોકશાહી દેશોમાં રાષ્ટ્રવાદનો સિદ્ધાંત એક વાઘો જ કહી શકાય.

[3] *** થોરો પોતે લશ્કર અને યુદ્ધના વિરોધી હોવાથી તેમણે રાજ્યને કર ભરવાનો ઇ‌ન્કાર કરેલો એ ખૂબ જાણીતી વાત છે.


(ક્રમશ:)


શ્રી કિશોરચંદ્ર ઠાકરના સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in । મો. +91 9714936269

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.