કાં તો રાશિ બદલી દે કાં તો સાસુ
નલિન શાહ
વિલે પારલેનાં અદ્યતન નર્સિંગ હોમમાં માનસીએ બાબાને જન્મ આપ્યો. બાબો કે બેબી એને કોઈ ફર્ક નહોતો પડવાનો, પણ ધનલક્ષ્મીનો હરખ ના સમાયો. સંપત્તિના વારસની લાલસા હતી એ પૂરી થઈ હતી અને એનો શ્રેય કેવળ એણે એના ભગવાનને આપ્યો. પહેલી વાર એની આકાંક્ષા ફળીભૂત કરવા માટે એને માનસી પર હેત ઉભરાયું. રોજ સાંજે આવીને એ બાબાને નીરખી જતી હતી. ઇન્ફેક્શન લાગવાના ડરથી માનસી એને કોઈને લેવા નહોતી દેતી. પરાગ સવારનાં ઓપરેશનો પતાવી થોડી વાર આવી જતો. માનસી માટે ઘરના પૌષ્ટિક ખોરાકની જવાબદારી રાજુલે ઉઠાવી હતી. દિવસમાં સારો એવો સમય એ માનસી સાથે ગાળતી ને ધનલક્ષ્મીના સાંજના આવવાના સમય પહેલાં ચાલી જતી. ‘કોના જેવો લાગે છે?’ એ પૂછતી ત્યારે માનસી ઠાવકાઇથી એટલું જ કહેતી, ‘કોના જેવો લાગે છે એ એટલું મહત્ત્વનું નથી જેટલું કોના જેવો થશે એ છે.’ અને બંને ખડખડાટ હસી પડતાં.
માનસીએ નામ સૂચવવાનું કહ્યું ત્યારે રાજુલે પૂછ્યું, ‘રાશિ શું આવી છે?’
‘રાશિ ગમે તે હોય, બધા રાશિ પરથી નામ પાડી શું ઉકાળે છે? છતાં રાશિ પરથી કોઈ યોગ્ય નામ મળે તો વાંધો નથી. એની દાદી ખુશ થશે.’
ધનલક્ષ્મીએ કહ્યું, ‘મિથુન રાશિ આવી છે, તો ક, છ ને ઘ પરથી કોઈ સારું નામ શોધી રાખજે.’
‘વિચાર કરી જોઈશ.’ માનસીએ કહ્યું.
‘મને તો કોઈ મોડર્ન નામ જોઈએ. ઇંગ્લિશ હોય તો વધુ સારું. મોટો થઈને ફોરેન જશે ત્યારે ત્યાંના લોકોની જીભે ચઢવું જોઈએ ને. જો ને, અમારા ગામનો જમનાદાસ અમેરિકામાં જીમ્મી થઈ ગયો ને ગંગાદાસ ગોગી થઈ ગયો. તો આપણે અત્યારથી જ તકેદારી લેવી સારી. કોણ જાણે છે કોઈ ગોરી મેમ લઈ આવે તો એને પણ બોલતાં ફાવવું જોઈએ ને!’
માનસીને હસવું આવ્યું. વિચાર્યું, ‘હજી તો ભેંસ ભાગોળે ને છાશ છાગોળે’ જેવી વાત છે.
‘હું તો અત્યારથી જ પ્રભુને વીનવું છું કે એને જલદી મોટો કરે અને એ અમેરિકાથી ડૉક્ટર થઈને આવે ને બાપના હાથ નીચે કેળવાઈને એક્સ્પર્ટ થઈ જાય.’ ધનલક્ષ્મીએ આશા પ્રગટ કરી.
સાંભળીને માનસીનું મન ખાટું થઈ ગયું. દીકરાનું ડૉક્ટર તરીકેનું વલણ એના બાપના જેવું થવાના વિચારે એને કંપારી આવી. બીજી પળે વિચાર્યું, ‘જોઈશું, ત્યારની વાત ત્યારે. જો થશે તો ડૉક્ટર આસિત જેવો દાનવીર. એના બાપ જેવો દાનવ થાય તો એક પ્રામાણિક વ્યવસાયને લજાવવા જેવું થાય ને મારી નાનીના આત્માની અવગતી થાય એ જુદું.’
બીજે દિવસે રાજુલે આવતાવેંત પૂછ્યું ‘કઈ રાશિ આવી?’
‘મિથુન રાશિ.’
‘ક, છ ને ઘ’ ઉપરથી નામ વિચાર.’
‘બહુ આસાન છે.’ રાજુલે આંખનો મિચકારો કરી કહ્યું, ‘કરસનદાસ, છગનલાલ. લે કરન. અહીં તારી ગામડિયણ સાસુને પસંદ આવે એવાં છે ને કોઈ પૌરાણિક નામ જોઈએ તો ઘટોત્કચ પણ સારું છે. ભીમનો દીકરો તો ખબર છે ને?’
‘અરે, એને તો ઇંગ્લિશ નામ જોઈએ છે.’
‘એ તો એની તીતલી જેવી સહેલીઓ જ સુચવી શકે.’ રાજુલ બોલી, ‘ક અક્ષરમાં તો ઘણાં નામ મળે પણ ઘ ને છ માં કોઈ આકર્ષક નામ મળવાં મુશ્કેલ છે.’ માનસીએ કહ્યું.
‘તો એક કામ કર.’ રાજુલે ગંભીરતાથી કહ્યું, ‘કાં તો રાશિ બદલી દે કાં તો સાસુ, બેમાંથી એક.’
‘પછી તું કહેશે કે છોકરો બદલી દે.’
‘સાચે જ સંબંધો બદલવાનું શક્ય હોત તો હું તો સૌથી પહેલાં બેમાંથી એક બહેન બદલી દેતે.’ રાજુલ હળવાશથી બોલી, પણ માનસીએ ગંભીરતાથી કહ્યું,
‘રાજુલ, વાસ્તવિકતા સ્વીકારવી જ રહી. જિંદગીમાં આ અદલાબદલી શક્ય હોત તો જેટલું સારું થાત એટલી જ મુશ્કેલીઓ પણ ઊભી થાત.’
‘એ તારી વાત સાચી છે.’ રાજુલે વિષાદમય સ્વરમાં કહ્યું, ‘ગઈ કાલ ગુજરી ગઈ, આજ આપણી સામે છે ને આ મોજૂદા સંબંધો જ આપણી આવતીકાલનું નિર્માણ કરશે.’
****
ધનલક્ષ્મીના સાંતાક્રુઝના બંગલાની જગ્યાએ સાત માળનું આધુનિક સગવડવાળું અને માર્બલ ફ્લોરિંગથી સુશોભિત મકાન તૈયાર થઈ ગયું હતું. સાગરની દેખરેખ હેઠળ બંધાયેલા મકાનની ભવ્યતા નિહાળી ધનલક્ષ્મીને બંગલો તૂટવાનો અફસોસ ના રહ્યો. આજુબાજુનાં ઊંચાં મકાનોની વચ્ચે બંગલો શોભત પણ નહીં. સાતમો માળ પરાગ અને માનસી માટે હતો. છઠ્ઠા માળે ધનલક્ષ્મી હતી. સર્વન્ટસ ક્વાર્ટસ અને રસોઈની વ્યવસ્થા પણ ધનલક્ષ્મીના છઠ્ઠા માળના ફ્લેટમાં જ રાખ્યાં હતાં.
બાળકને લઈ માનસીએ પહેલી વાર નવા ફ્લેટમાં પ્રવેશ કર્યો. છઠ્ઠે દિવસે નામકરણ વિધિ ધનલક્ષ્મીએ એના પોતાના ફ્લેટમાં યોજવાનું સૂચન કર્યું. એ બહાને એના ફ્લેટની ભવ્યતા લાગતાં વળગતાંઓ સામે છતી થાય. રાજુલના હૃદયમાં ધનલક્ષ્મી પ્રત્યે હવે કોઈ દ્વેષની ભાવના ખાસ નહોતી રહી છતાંયે ધનલક્ષ્મીના ફ્લેટમાં પગ નહોતી મૂકવા માંગતી. માનસી એની દ્વિધા સમજતી હતી એટલે એણે કેવળ સુનિતાને જ આમંત્રી હતી.
માનસીએ પોતે જ પસંદ કરેલું ‘કશ્યપ’ નામ એણે સાસુને જણાવ્યું. ધનલક્ષ્મીએ નાક ચઢાવ્યું. ‘ભવિષ્યમાં ભણવા એ અમેરિકા જશે ત્યારે ફોરેનવાળા ‘શ્ય’નો ઉચ્ચાર કેવી રીતે કરશે?’
‘એ એ લોકોનો પ્રોબ્લેમ કહેવાય, આપણો નહીં. પ્રેસિડન્ટ કેનેડીની પત્નીનાં મા-બાપે એમની દીકરીનું નામ રખતી વખતે આપણો વિચાર કર્યો હતો કે એમની દીકરી જેકલિનના નામનો ઉચ્ચાર આપણે ખોટી રીતે જેક્વીલાઈન કરશું?’
ધનલક્ષ્મીને કાંઈ પલ્લે ના પડ્યું. માનસી એના વિચારમાં મક્કમ રહી. ફોઈ તો કોઈ હતી નહીં એટલે ચાર છોકરીઓએ બાળકને ઝોળીમાં સુવાડી ‘ઓળી ઝોળી પીપળપાન’ ત્રણ વાર ગાઈને ‘કશ્યપ’ નામ જાહેર કર્યું. એક પાટલા પર કાપડ પાથરી લાલ શાહીનો ખડિયો, પેન ને કોરો કાગળ મૂક્યાં હતાં. જેમાં રાત્રે વિધાતા આવી બાળકનાં ભવિષ્યના લેખ લખવાની હતી. ધનલક્ષ્મીએ એની પોતાની પસંદગી શું, અંગ્રેજી નામ કેમ જાહેર કર્યું જે એની સહેલીઓએ પ્રશંસાયુક્ત શબ્દોમાં વધાવ્યું.
બાળકની સંભાળ માટે સુનિતાએ મહિલા આશ્રમમાંથી એક સુરક્ષિત અને અનુભવી મહિલાની જોગવાઈ કરી આપી હતી એટલે માનસીએ પોતાનું કામ શરૂ કરવામાં કોઈ અડચણ ન અનુભવી. એણે ચોખ્ખા શબ્દોમાં સાસુને તાકીદ કરી હતી કે બાળકની સારવારની બાબતમાં માથું નહીં મારવું અને એને પૂછ્યા વગર કોઈ પણ દેશી નુસખા અજમાવવા નહીં. ધનલક્ષ્મી સમસમીને ચુપ રહી. બને ત્યાં સુધી એ માનસીના ફ્લેટમાં જવાનું ટાળતી હતી અને માનસીની ગેરહાજરીમાં બાઈને બાબાને લઈ નીચે આવવાનું કહેતી હતી.
માનસી સંપૂર્ણ રીતે સ્વતંત્ર હતી. રસોઈની સગવડ ધનલક્ષ્મીના ફ્લેટમાં હોવાથી એના વ્યવસાય સિવાયની બીજી કોઈ જવાબદારી એને માથે નહોતી. પરાગને વોર્ડન રોડથી ચૌદ પંદર કિલોમીટરના અંતરે આવેલા સાંતાક્રુઝ આવતાં ખાસ્સો સમય વીતી જતો હતો, ખાસ કરીને ટ્રાફિકના કારણે. દિવસે દિવસે અરબી પેશન્ટ્સની માત્રા વધતી જતી હોવાથી પરાગને ઘરે આવતા ઘણું મોડું થઈ જતું હતું.
એના ખાવાપીવાનું ધ્યાન રાખવા નોકર-ચાકરો હતા એટલે ધનલક્ષ્મીને કોઈ ચિંતા નહોતી. દીકરાની વધતી જતી ખ્યાતિ અને પ્રગતિ એને માટે અભિમાન લેવા જેવી વાત હતી. માનસી જ્યારે એના શારીરિક સ્વાસ્થ્યની બાબતમાં ટકોર કરતી ત્યારે પરાગ પાસે એક જ જવાબ હતો કે સર્જનની કારકિર્દી ફિઝિશ્યનની કારકિર્દી કરતાં ટૂંકી હોય. જ્યારે હાથમાં ધ્રુજારી સર્જાશે ત્યારે પોતે જોખમકારક ઓપરેશનો નહીં કરી શકે એ સમયે શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવાની ફુરસદ વધુ હશે. ‘કામ મારી પાસે સામે ચાલીને આવે છે તો એનો લાભ શાને જતો કરું? તારી તો બડબડ કરવાની આદત છે. મમ્મી તો કશું કહેતાં નથી!’ માનસી એક કરડી નજર નાખી ચુપ રહેતી. એ જાણતી હતી કે જ્યાં કેવળ પૈસાનું વર્ચસ્વ હોય ત્યાં બીજી કોઈ વિચારશક્તિને અવકાશ નથી હોતો. જ્યારે પરાગે હંમેશ મુજબ એક જ વાત ઉચ્ચારી કે એની કમાણી કેવળ કશ્યપના ઉજ્જવળ ભવિષ્ય માટે હતી ત્યારે માનસીથી સહન ના થયું, ‘ બસ, બહુ થયું’ બોલીને ઊભી થઈ ગઈ, ‘એની કેળવણી માટે મારી કમાણી પૂરતી છે. એનું ભવિષ્ય એના વિચારો ને માનસિક વલણ ઘડશે, તારા પૈસા નહીં.’
‘મેડિકલ એજ્યુકેશન કેટલું ખર્ચાળ છે ખબર છે ને?’
‘સારી રીતે જાણું છું કે ડૉક્ટર તરીકે અપનાવાતી ગેરરીતિઓને વાજબી ઠેરવવા આ એક બહાનું સારુ છે.’
‘મેડિકલ પ્રેક્ટિસ સારી રીતે સેટઅપ કરવા માટે કેટલા લાખ જોઈએ એ તને ખબર નથી?’
‘મારા માનવા પ્રમાણે એ કેવળ વેપાર જ હોય તો એ પણ જાણવું જરૂરી છે કે વેપાર માલની ગુણવત્તા પર અવલંબે છે, શોરૂમની ભવ્યતા પર નહીં.’ કહીને માનસી ચાલી ગઈ.
મા-દીકરો એની પીઠ પાછળ તાકતાં રહ્યાં. એને પડકારવાની બંનેમાંથી એકેની હિમ્મત નહોતી.