ફિલ્મસંગીતના નકશીકારો (૨૨) અમૃતરાવ કાટકર

પીયૂષ મ. પંડ્યા

અચાનક કોઈ પૂછે કે ‘રેસોરેસો’ શું ચીજ છે? તો મોટા ભાગના લોકો વિચારશે કે એ એકાદી વિદેશી વાનગીનું નામ હોવું જોઈએ. પણ, હકિકતે રેસોરેસો એક અનોખું એવું ઉપતાલવાદ્ય/Side Rhythm Instrument છે! ફિલ્મી વાદ્યવૃંદોમાં તબલાં, ઢોલક, નાળ, મૃદંગ, ડ્રમ, બોન્ગો, કોન્ગો અને પખવાજ જેવાં મુખ્ય તાલવાદ્યો સાથે વિવિધ પ્રકારનાં વિશિષ્ટ ઉપતાલવાદ્યોનો ઉપયોગ થતો રહે છે. એ પૈકી ખંજરી, મંજીરાં, સ્ટીક્સ, ડમરૂ અને ઝાંઝ જેવાં થોડેઘણે અંશે જાણીતાં ઉપરાંત વિવિધ પ્રકારનાં પ્રયોગાત્મક વાદ્યોનો ઉપયોગ થતો રહે છે. એમાંનાં કેટલાંક વિશે અગાઉ આ શૃંખલામાં કેરસી લોર્ડ વિશેના તેમ જ હોમી મુલ્લાં વિશેના લેખમાં લખાયું છે. આજની કડીમાં એક વધુ ઉપતાલવાદ્ય અને એના વાદકનો પરિચય….

રેસોરેસો મૂળભૂત રીતે આફ્રીકામાં ઉદભવેલું તાલવાદ્ય છે. વાંસના કે પછી અન્ય લાકડાના પોલા નળાકાર વડે બનેલા એકથી દોઢ ફૂટ લંબાઈના ટૂકડાની સપાટી ઉપર નિયત અંતરે વલયો ઉપસાવવામાં આવે છે. હવે તો ધાતુના નળાકાર પણ ઉપયોગે લેવાય છે. સપાટી પરનાં આવલયો ઉપર અન્ય ધારદાર ચીજ ચોક્કસ આવર્તનમાં ઘસવાથી ઘેરો તાલબધ્ધ અવાજ નીપજાવાય છે.

આટલા પ્રાથમિક પરિચય પછી એક ગીત સાંભળીએ.

ફિલ્મ પડોસન (૧૯૬૮)ના આ ગીતમાં રેસોરેસોનો બહુ પ્રભાવક ઉપયોગ કરાયો છે. ટાઈમર ઉપર ધ્યાન આપીને સાંભળતાં જોઈ શકાય છે કે ૦.16 થી કેસ્ટો મુખરજી સાવરણા સાથે દાંતિયો ઘસીને તાલબધ્ધ એવો ખાસ અવાજ ઉત્પન્ન કરે છે. એ અવાજ રેસોરેસોનો છે. એ અવાજના જનક હતા અમૃતરાવ કાટકર. ફિલ્મમાં હલકી ફૂલકી રમૂજનો આશય હોવાથી સાવરણો બતાવાયો છે, પણ અસલ ગીત માટે તો અમૃતરાવે ઉપર બતાવ્યું છે એવું સાધન ઉપયોગે લીધું હશે. નીચેની છબીમાં એમના હાથમાં તે જોઈ શકાય છે.

મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાનકડા કસ્બામાં જન્મેલા અમૃતરાવની કારકીર્દિની શરૂઆતની વિગતો અપ્રાપ્ય છે. ખુબ જ ઉમદા તબલાવાદક તરીકે તે યુવાવયમાં જ જાણીતા થવા લાગેલા. યોગ્ય તકની શોધમાં તેમણે પહેલાં પૂના અને પછી મુંબઈ ખાતે નિવાસ કરવાનું પસંદ કર્યું. નસીબજોગે રાહુલદેવ બર્મનની સાથે કામ કરી રહેલા મારુતિરાવ કીર (આ શૃંખલાની ૧૯મી કડી) સાથે અમૃતરાવનો પરિચય કેળવાયો. તેમની વાદનક્ષમતાથી પ્રભાવિત થયેલા કીરે અમૃતરાવને પોતાની સાથે રાહુલદેવના વૃંદમાં જોડાઈ જવા બોલાવી લીધા. આમ, તેમને ૧૯૬૨માં એક સ્વતંત્ર સ્વરકાર તરીકે ઉભરી રહેલા રાહુલદેવ સાથે કામ કરવાની અમૂલ્ય તક મળી ગઈ.

એ સમયગાળામાં રાહુલદેવ પિતા સચીનદેવ સાથે પણ ખાસ્સી સક્રીયતાથી જોડાયેલા હતા. એક વાર સચીનદેવે પોતે સ્વરબાંધણી કરી રહ્યા હોય એવે સમયે સતત સાથ આપે એવા સક્ષમ તબલચીની માંગણી કરી. રાહુલદેવે એ માટે અમૃતરાવ ઉપર પસંદગી ઉતારી. આમ, ૧૯૬૩થી એ યુવાન મહારથી સંગીતકાર એવા પિતા સાથે પણ જોડાઈ ગયો. આ પછી એને પાછું વાળીને જોવાનો વખત આવ્યો જ નહીં. અમૃતરાવ બર્મન પિતા-પુત્રના નિકટના વાદ્યકારોની મંડળીના કાયમી સભ્ય બની ગયા. એ સમયનો એમનો નિત્યક્રમ બહુ વ્યસ્ત બની રહેતો હતો. સવારે તે સચીનદેવે બનાવેલી ધૂન સાથે વિવિધ તાલની અજમાયશ કરે અને પછી મારુતિરાવ ત્યાં આવે. એ સમયે મોટા ભાગે બાસુ ચક્રવર્તી અને મનોહારિસિંહ પણ હાજર હોય એવું બનતું. એ બધા મળીને અમૃતરાવે અજમાવ્યા હોય  એ પૈકીના અમુક તાલને પસંદ કરતા. છેવટે સચીનદેવની ઉપસ્થિતિમાં જે તે ધૂન માટેના તાલની આખરી પસંદગી થતી. ઉલ્લેખનીય છે કે ૧૯૬૮ની ફિલ્મ ‘આરાધના’નાં બધાં જ ગીતોને તાલબધ્ધ કરવામાં અમૃતરાવનો બહુ મોટો ફાળો રહ્યો હતો. અમૃતરાવના ખુદના મુખે એ વાત અહીં સાંભળી શકાશે.

 

આવી રોજીંદી બેઠક પૂરી થયે અમૃતરાવ રાહુલદેવ સાથે રીહર્સલ કરવા પણ જતા. સમર્પિત ભાવનાથી કોઈ પણ કામ માટે હંમેશાં તૈયાર રહેવાની તેમની વૃત્તિ હતી. ઉપરાંત સરળ તેમ જ હસમુખા સ્વભાવ થકી અમૃતરાવ સંગીતકારોમાં અને વાદક  સાથીદારોમાં ખુબ જ ઝડપથી સ્વીકાર્ય અને પ્રિય બની રહ્યા.

સરેરાશ ભારતિય ધારાધોરણ કરતાં અમૃતરાવનો શારીરિક બાંધો ઘણો મજબૂત હતો. આ કારણથી સાથી કલાકારો એમને પ્રેમથી પહેલવાન તરીકે સંબોધતા. ફ્રાંકો વાઝ નામના એક ડ્રમ વાદકના જણાવ્યા પ્રમાણે કોઈ કોઈ વાર ગીતની તૈયારી ચાલી રહી હોય ત્યારે હળવાશ માટે તેઓ અમૃતરાવની પીઠનો ઉપયોગ તાલ વગાડવા માટે કરતા! આમ, તૈયારીની ગંભીર ક્ષણોમાં સાથે મનોરંજન પણ મળી રહેતું.

ફિલ્મ ‘જ્વેલ થીફ’(૧૯૬૭)ના ગીત ‘હોઠોં પે ઐસી બાત’ના રેકોર્ડીંગ માટેની આખરી તૈયારી ચાલી રહી હતી તેવે સમયે સચીનદેવ બર્મનને અચાનક સ્ફુર્યું કે એક ચોક્કસ મકામ ઉપર જો મોટા કદની ઝાલરનો અવાજ ઉમેરવામાં આવે તો એ બહુ અસરકારક નીવડશે. એમણે સહાયકોને કોઈ પણ રીતે આ માટેની વ્યવસ્થા ઉભી કરવાનું કહ્યું. નસીબજોગે શંકર-જયકિશન બાજુના જ એક સ્ટુડીઓમાં પોતાનું રેકોર્ડીંગ કરી રહ્યા હતા. એમની પાસે તપાસ કરતાં વિશાળ ઝાલરની વ્યવસ્થા તો થઈ ગઈ. પણ, એને વગાડવા માટે જરૂરી એવો હથોડો ન મળી શક્યો. હવે શું કરવું એની મૂંઝવણ  અનુભવી રહેલા રાહુલદેવને અમૃતરાવે કહ્યું કે પોતે હાથથી હથોડાનું કામ લઈ, ઝાલર વગાડી લેશે. અને ખરેખર, એમણે એ સફળતાપૂર્વક કરી બતાવ્યું. આ માટે એમણે કેટલી તાકાત અજમાવવી પડી હશે એનો અંદાજ નીચેની તસવીર જોઈને આવી શકશે, જેમાં એક માણસ વિશાળ ઝાલર ઉપર હથોડાથી પ્રહાર કરીને એને વગાડે છે.

હવે એ ગીત માણીએ.

આ સંગીતકાર પિતા-પુત્ર સાથે અમૃતરાવે ઘણાં ગીતોમાં તબલાં ઉપર સંગત કરી. એમાંનાં કેટલાંક માણીએ.

૧) ફિલ્મ ‘ગાઈડ’ (૧૯૬૫)નું ગીત ‘અલ્લાહ મેઘ દે પાની દે’.

૨) ફિલ્મ ‘કિતાબ’ (૧૯૭૭) નું ગીત ‘ધન્નો કી આંખોં મેં’.

૩) ફિલ્મ ‘ગોલમાલ’(૧૯૭૯)નું શિર્ષકગીત.

૪) ૧૯૭૬ની ફિલ્મ ‘મહેબૂબા’નું ગીત ‘મેરે નૈના સાવન ભાદોં’.

આ ઉપરાંત ફિલ્મ ‘બહારોં કે સપને’(૧૯૬૭)નાં બધાં જ ગીતોમાં અમૃતરાવનું તબલાવાદન હતું.

૧૯૬૭ આસપાસના સમયગાળામાં તે સમયે નવુંનવું આવેલું આફ્રીકન તાલવાદ્ય રેસોરેસો રાહુલદેવ બર્મનના ધ્યાનમાં આવ્યું. સંગીતમાં અવનવા પ્રયોગો કરવા માટે સદાયે તત્પર એવા રાહુલદેવ એના ઉપયોગની શક્યતા ચકાસવા લાગ્યા. તે સમયે એમને ૧૯૬૮ની ફિલ્મ ‘પડોસન’ માટે સંગીત તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સાથીદારો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ લેખની શરૂઆતમાં મૂકેલા ગીત ‘મેરે સામનેવાલી ખીડકી મેં’ માટે આ ઉપતાલવાદ્યનો ઉપયોગ કરવામાં આવ્યો, જે અમૃતરાવે વગાડ્યું હતું. આ પ્રયોગની સફળતા પછી રેસોરેસો અને અમૃતરાવ એકબીજાના પર્યાય બની ગયા એમ કહીએ તો એમાં કોઈ અતિશયોક્તિ નથી. ત્યાર પછીની અનેક ફિલ્મોનાં સંખ્યાબંધ ગીતોમાં અમૃતરાવનો રેસોરેસો પરનો કસબ માણવા મળે છે.

૧) ફિલ્મ ‘કટી પતંગ’(૧૯૭૧)નું ગીત ‘મેરા નામ હૈ શબનમ’

૨) ‘ બોમ્બે ટુ ગોવા’(૧૯૭૨)નું ગીત ‘દિલ તેરા હૈ મૈં ભી તેરી હૂં સનમ’

૩) ૧૯૭૨ની ફિલ્મ ‘જવાની દીવાની’નું ગીત ‘જા ને જાં ઢૂંઢતા ફીર રહા’

૪) ૧૯૭૨ની જ ફિલ્મ ‘અમર પ્રેમ’નું ગીત ‘ચિનગારી કોઈ ભડકે’

૫) ૧૯૭૩ની ફિલ્મ ‘યાદોં કી બારાત’નું ચુરા લિયા હૈ તુમ ને જો દિલ કો’

૬) ફિલ્મ ‘સાગર’ (૧૯૮૫)નું ગીત ‘સચ મેરે યાર હૈ’

 

આ ઉપરાંત યુ ટ્યુબ ઉપર એવાં અનેક ગીતો મળી આવે છે, જેમાં અમૃતરાવનું વગાડેલું રેસોરેસો કાન પર પડે છે.

લાંબા અરસા સુધી કાર્યરત રહેલા આ કલાકારનું અવસાન ૧૫ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ થયું એક અંદાજ મુજબ ત્યારે એમની ઉમર ૮૦ વર્ષ કરતાં વધુ હતી.

અમૃતરાવનું ફિલ્મસંગીતમાં પ્રદાન તેમણે વગાડેલા ઉપતાલવાદ્યના તાલ જેવું છે. એ ઝટ કાને ન પડે, પણ એ ન હોય તો અધૂરપનો અહેસાસ થાય.


નોંધ……
તસવીરો અને માહિતી નેટ ઉપરથી સાભાર.
વીડિઓ ક્લીપ્સ એનો વ્યવસાયીક ઉપયોગ નહીં થાય એની બાહેંધરી સહ યુ ટ્યુબ ઉપરથી સાભાર.
મૂલ્યવર્ધન…. બીરેન કોઠારી.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

1 thought on “ફિલ્મસંગીતના નકશીકારો (૨૨) અમૃતરાવ કાટકર

  1. એક બિલકુલ અજાણ્યા વાજિંત્ર, તેના બજવનારા અને તેનો ફિલ્મી સંગીતમાં થયેલા ઉપયોગ પર રસપ્રદ અને  માહિતી સભર લેખ બદલ લેખકને દાદ આપવી પડે. આભાર 

Leave a Reply

Your email address will not be published.