“ખેતી વ્યવસાય” નું ઊંજણ “પશુપ્રેમ”

કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

ખેડૂત વાડીના દરવાજે દાખલ થાય અને વાડી માહ્યલા પાલતુ પશુઓમાં પ્રેમનો ઊભરો ન અનુભવાય તો તેટલી તેની પશુઓ પ્રત્યેની આત્મિયતા ઓછી ! દરવાજાથી ઘણે દૂર હોય ત્યાં જ માલિકના આવવાનો અણસાર અને એની ગંધ પાલતુ જાનવરો પારખી લેતા હોય છે. ચાર આંખ ભલેને ભેળી ન થઇ હોય છતાં પોતા પ્રત્યે પ્રેમાળ એવી માલિકની હાજરી માત્રથી પશુઓ હરખાઇ જતા હોય છે. હરખ વ્યક્ત કરવાની રીત ભલેને દરેકની જુદી જુદી હોય- જેમકે ગાય-બળદ હોય અને ખીલે બાંધેલ ન હોય તો ભાંભરડો દઇ નજદીક દોડી આવે, માલિકના હાથ-પગ ચાટવા મંડી જાય, અને અશ્વ હોય તો હાવળ દઇ આગલા પગના ડાબલાથી જમીન ખોતરવા લાગી જાય ! જ્યારે શ્વાન વળી ઊંહ…..ઉંહ….ઉંહ ના ઉંહકારા કરી પગમાં આળોટણ કરવા માંડે, પણ પ્રેમની માત્રા સૌની એક એકથી સવાઇ ચડિયાતી ભળાતી હોય છે.

આ સાંભળી ઘણાના મનમાં એ પ્રશ્ન થવાનો જ કે ખેતીના ઉત્પાદનને અને આવા ગાય-બળદ કે ઘોડા-કુતરાની સાથેના લાગણીસભર વર્તાવના વેવલાવેડાને વળી શી લેવાદેવા ? જોજો આવો અભિપ્રાય બાંધવામાં રખે ઉતાવળ કરી બેસતા ! ખેતીના ઊંડા અભ્યાસીઓ એવું કહે છે કે “ ખેતી એક એવો વ્યવસાય છે કે જેમાં સજીવો દ્વારા જ આખો તાણોવાણો બંધાયેલો છે. જૂઓને ! બીજ જીવતું, છોડ અને ઝાડ જીવતા, તેમાં નુકશાન કરતી અને લાભકારી બન્ને પ્રકારની જીવાતો જીવતી, કામ કરનાર પશુઓ અને મજૂરો પણ જીવતા જ ! આ બધાની ખોરાકની પસંદગી,રૂચી અને ગમા-અણગમાઓ પણ અલગ અલગ હોવાના જ ! એટલે જ તો ધંધામાં બધી જગ્યાએ કોઇ એક જ નિયમ લાગુ થતો નથી.જ્યાં જેવી પરિસ્થિતિ અને જ્યાં જેવું પર્યાવરણ- ત્યાં તેના અલગ અલગ કાર્યક્રમો ! તેથીસ્તો એકબીજા જીવોનો અંદરો અંદરનો  જેટલો સલુકાઇભર્યો વ્યવહાર એટલો ખેતંનફામાં વધારો.”

એટલે જ ભાર દઇને કહેવું પડે છે કે નરી આંખે ન દેખાતાં એવા ઝીણાં જીવડાં અને બેક્ટેરિયા પણ પોતાથકી સારી-માઠી અસરો ઉપજાવી શકતા હોય તો પછી ગાય-બળદ કે ઘોડા-કુતરાં જેવા પાલતુ પશુઓ- એક, કે જે માલિકના પ્રેમનો પ્રસાદ પામી કાયમખાતે પૂરા પ્રસન્ન રહેતા હોય ! અને બીજા, કે જેની – ખેડૂતની એકધારી ખીજ અને હડધૂત વર્તનના ભોગ બની પીઠ આખી સોટી-પરોણાના મારથી સુજી રહેતી હોય ! તમે જ વિચાર કરો, તે બન્નેનો વળતો પ્રતિભાવ શું એકસમાન તો નહીં જ હોવાનો ને !

દા. ત. વાવણીનું કામ ચાલતું હોય અને બળદ ક્યારેક વિસરચૂકથી ચાસ જરા વાંકો થાય તેમ ચાલી નાખે, ત્યારે તેને “ફોહલાવી”, હળવા અવાજથી “પાધરો” બોલીએ એટલે એની સમજમાં આવી જાય અને તેણે જે બે ડગલાં હમણા ભૂલભરેલાં ભર્યાં હતાં તેનો ખ્યાલ આવી જાય, અને તેની સાચી દિશા એ પકડી જ લેવાનો હોય. પણ એટલી જરા સરખી યે ધીરજ રાખ્યા વિના ફડૂહ…..દઇને પરોણી તેના બરડા પર જીંકી દઇએ, તેથી તો એ ખાટો અને ધૂવાંફૂવાં થઇ રહે અને કેટલીય વાર સુધી આડો-અવળો ડગલા ભર્યાકરે છે. ચાસનો નાનો સરખો વાંક જે “પાધરો” શબ્દ બોલવા માત્રથી સુધરી જાત તે ‘સોટી’, ‘સરપટું’ કે ‘આર’ અને બિહામણા ‘હાંકલા’દ્વારા બીજા પાંચ નવા વાંક પાડવાની બળદને ફરજ પાડે છે.

તમે જોયું હશે કે ગાય કે ભેંશ જેવા જબરા જાનવરનું અડાણ દૂધના ભરાવાથી ફાટ ફાટ થતું હોય પણ તે એક સોટી તેના બરડામાં સબોડવાથી કે બે વહમા હાંકલાથી આંચળની બહાર નથી નીકળતું. તે માટે તો તેનું પ્રસન્ન ચિત્ત, તેનાબચ્ચા પ્રત્યેનું વાત્સલ્ય અને દોહનારનું જાનવર પ્રત્યેનું લાગણીભર્યું વર્તન જ “પ્રાહવો” મૂકવા- અડાણ આંચળના દૂધના બંધ ઢીલાકરવા,કહોને આંચળના અંદરના ભોગળ ખોલવા સક્ષમ બનતું હોય છે.

એ નો એ જ અશ્વ માંદાકે ઘાયલ અસવારને રેઢેરેઢો આપમેળે ઘેર લાવ્યાના દાખલા ક્યાં નથી સાંભળ્યા આપણે ! એનું એ જ કુતરું વાડી કે માલિકના રક્ષણકાજે પોતાના જાનની પરવા કરતું નથી. અને એનુ એ જ કુતરું માલિકની ઓળખાણને ઐસીતૈસી કરી –“ડાંસિયું” દઇ, બચકું ભરી પીંડીએ ચોટી, લોહીલુહાણ કરી શકે છે. જેની જેવી ક્ષમતા ! કોની સાથે કેવો વ્યવહાર કરવો અને ધંધામાં તેની કેવી અસરો મેળવવી તે ખેડૂતે પોતે નક્કી કરવાનું રહે છે.

ઉત્તમ ચાવી રોજીંદી મુલાકાત =    કહેવાનું એવું નથી કે દરેકે દરેક પાલતુ પ્રાણી પાસે રોજેરોજ જવું અને મળવું ફરજિયાત છે. પણ એટલું કહેવાનું તો જરૂર મન થાય કે દિવસ દરમ્યાન એકાદીવાર તો જાનવર સામું આપણી માલિક તરીકેની માયાળુ અને અભ્યાસુ દ્રષ્ટિ જવી જોઇએ. જેનાથી ઉત્તમ એવા બે પરિણામો  મેળવી શકીએ છીએ.

[1] જાનવરની સ્થિતિનો ખ્યાલ આવે =  કોઇ જાનવર થોડું સાજુ-માંદું હોય તો તેની રુંવાટી કાળોંઢી ગઇ હોય, કોઇ લૂલૂ-લંગડાતું હોય, કે કોઇના મોઢામાંથી લાળ પડતી હોય, કોઇ વળી નીરણ ન ખાતું હોય કે ન વાઘોલતું હોય અને અણોહરું થઇ એકબાજુ ઊભું હોય તો આપણી મુલાકાતમાં નજરે ચડી ગયા વિના રહેતું નથી.

વળી કોઇ જાનવરની વિશિષ્ટ સ્થિતિ- જેમકે કોઇ વોડકું, ખડિયું, કે વેતરાઉ ગાય-ભેંશ હીટ-ગરમીમાં હોય, અરે ! કોઇ ગાય કે ભેંશ વિયાંવાની તૈયારી રૂપે શૂળાતી હોય એવા કિસ્સા પણ જો પશુઓની મુલાકાતનો સમય કાઢતા હોઇએ તો તરત નોંધ થઇ જાય અને એને અગ્રતાક્રમ આપી યોગ્ય સારવાર ટાણાહર કરાવી શકાય. આ સિવાય પણ માલઢોર ભૂખ્યા-તરસ્યા છે ?  કોઇને તડકો લાગે છે ?  ઠંડી લાગે છે ?  તેની નીચે વધુ પડતું ભીનું છે ? વગેરે બાબતો-પરિસ્થિતિઓની ખરી જાણ કાંઇ પશુઓ પોતે કાગળ પર અરજી લખીને તો આપણને કરી શકવાના નથી ? એટલે રોજીંદી મુલાકાતથી આવી બધી પરચૂરણ વિગતો મળી જતી હોય છે. અને  જરૂરી પગલા લેવાનું આસાન બની રહેતું હોય છે.

[2] પશુના સ્વભાવ જાણી શકાય =  વૃક્ષો અને માણસોની જેમ પશુઓમાં પણ દરેકના વ્યક્તિગત ગમા-અણગમા, ખાવા-પીવાની અનોખી ઢબ, ખોરાકની પસંદગી, એકબીજા જાનવર સાથે રહેવાની ફાવટ, નારાજગી, પાટુ કે માથું મારવાની કૂટેવ, બીજાને બટકું ભરી જવા જેવા અપલખણ, સ્વભાવનું ઠંડાપણું કે ‘ફર…’ કહે ત્યાં ફરંગટી ખાઇ જાય તેવી તેજીલી પ્રકૃતિ વગેરેની ઊંડી જાણકારી- કહોને જાનવરની સાચૂકલી ઓળખ માલિકને મળી જતી હોય છે. અને અવાર નવારના તેની સાથેના મિલનથી જાનવરના મનમાં આપણા પ્રત્યે પોતાપણાનો જે ભાવ જાગૃત કરી શકીએ છીએ તે આપણા પ્રત્યેની ફરજ બજાવવામાં તેને બળવર્ધક બની રહે છે. કહો જોઇએ ! ખેડૂતે આપેલા પશુપ્રેમનો બદલો ખેતીના ઉત્પાદનમાં મળે કે ન મળે ?

                            જાનવરને આપણા પ્રત્યેના ભાવ જગાડવાના વધુ તરીકા

          આપણને કોઇ સગા-સ્નેહી મળે અને જે આનંદ થાય તેની સરખામણીમાં પશુઓ તરફથી મળતો નિર્વ્યાજ પ્રેમાનંદ અનેકગણો બળુકો હોય છે. અને એની પ્રતિતિ તો પશુઓ સાથેનો પ્રેમભર્યો પ્રત્યક્ષ વ્યવહાર જ કરાવી શકે !  તમે બરાબરની ઝીણી નજરે નિરખજો ! જ્યાં ખેડૂત અને ખેતી ઉપયોગી પાલતુ પ્રાણીઓ અરસપરસના સ્નેહપાશમાં બંધાયેલા હશે ત્યાં તેની ખેતીધંધાની ભાત્ય જુદી પડ્યા વિના રહેશે નહીં ! ચાલો જાનવરને આપણા પ્રત્યેના ભાવ જગાડવાની રીતોની વિગતમાં ઉતરીએ.

[1] બુચકારીને પાસે બોલાવવું =    માલિક અને પાલતુ જાનવરની ચાર આંખ્ય ભેળી થયા ભેળું જાનવરતો ઇચ્છતું જ હોય છે કે માલિક ક્યારે મને બોલાવે ! આપણે તેને ગાય-ભેંશ હોય તો ‘શ્યામલી’, ‘સરિતા’, ‘ટીલી’, ‘ભગર’, ‘કુંઢી’, કે બળદ હોય તો ‘જાડિયો’, ‘ભીલો’ ‘જીવરો’ જેવા જે નામે વારંવાર બોલાવવાની જે ટેવ પાડી હોય તે નામ દઇ, ખીલે બાંધેલ ન હોય તો પાસે બોલાવવું જોઇએ. અને છુટું ન હોય તો આપણે તેની પાસે સામેથી જઇ, મોઢે-માથે હાથ ફેરવી નામથી બોલાવવું જોઇએ. તમે ખાસ માર્ક કરજો, કે કે જ્યારે આપણે તેને  ખાસ નામ લઈ આપણી પાસે આવવાનું પ્યારભર્યું  નિમંત્રણ આપતાં હોઇએ છીએ ત્યારે તો તે ખૂબ પ્રસન્ન થઈ હરખાતું હરખાતું આપણી પાસે આવતું હોય છે.અને તેની ખાસ વિશિષ્ટ અદાથી તેનો રાજીપો વ્યક્ત કરવા આપણા હાથ-પગ ચાટવાલાગે કે આપણી સાથે તેનું મોં કે શરીર ઘસવા લાગી જાય છે અને ક્યારેક તો રીતસર આપણી સાથે વાતો કરતું હોય તેમ ખુશાલીના અવાજો કરવા લાગી જતું હોય છે.આ હદયભીના પ્રેમનું વર્ણન નહીં અનુભૂતિ જ થઈ શકે ભાઇ !

[2] હાથલો કરવો =     જાનવર જ્યારે આપણને ચાટવા અને આપણી સાથે એનું ડીલ ઘસવા લાગે ત્યારે આપણે તેને મોઢે, માથે, ડોકે, શરીરે હાથ ફેરવી પંપાળવું જોઇએ. વળી ક્યારેક ક્યારેક આ માટે ખાસ સમય કાઢી ગાય, ભેંશ,બળદ કે અશ્વ જેવા પ્રાણીઓને હાથમાં “હાથલો” [ હાથના પંજાઉપર પહેરી શકાય તેવી કાથીની ગુંથેલી થેલી] પહેરી, થોડું દબાણ આપીને એના શરીર માથે ઘસવો જોઇએ. જેથી તેનાશરીર ઉપરથી કેટલોક મેલ દૂર થાય અને માંદી રુંવાટી ખરી પડે. તેનાશરીરે ચોટેલા લોહી ચૂસનારા જીવાણું ખરી પડે. લાણ, ઇતરડી, કથીરી, ગીંગોડા અને ભેંશ પાડરું જેવાને જૂ [ટોલા]  જેવા જાનવરના આઉ તથા પગ અને પેટના સાંધાની જગ્યાએ, કાન અને કાનના મૂળમાં તથા આવી આળી ચામડી વાળી જગ્યાઓમાં ચાંચ ખુંપાડી દઈ, ત્યાંજ વળગી રહી, અવિરતપણે લોહી ચૂસ્યા કરતા હોય છે.ક્યારેક હાથલાના દબાણથી આવી જીવાતો દૂર ન થાય તો હાથથી વીણી લેવી જોઇએ. કોઇ જાનવર જરા વધારે ખારું-કંટુ હોય અને વિણવા દેવાની ધીરજ ન ધરે તો સીતાફળનાબીજ, લીંબોળીના મીંજ કે તેના તેલનો ખડ કરવાથી પણ જીવાતોના મોઢાં પાકી ખરી પડે તેવા ઇલાજો કરવા જોઇએ.

ખેડૂતોમાં કહેવત છે કે “ દુબળા ઢોરને બગાઇઓ જાજી”. બગાઇ એ એક એવું ઉડતું ફરતું જીવડું છે કે જે ખાસ કરીને ગાય,બળદ, કુતરું, ઘોડા વગેરેની ચામડીમાં ચાંચ ખુંચાડી-ચટકો ભરી લોહીચૂસ્યા કરે છે. જાનવર પોતાની પુંછડી દ્વારા તેને ઉડાડવાના ઘણા પ્રયત્નો કરે તો પણ તે નકટું જીવડું જાનવરનો પીછો છોડતું નથી. જો કે થોડા તેજીલા અને શરીરે તંદુરસ્ત જાનવર પાસે ઓછી ઢુકતી હોય છે.પણ નબળા અને થોડા ઢીલા-એદી સ્વભાવના પશુઓને શોધી કાઢી તેને વધુ ચૂસી ખાતી હોય છે. રાતના લાઇટના અજવાળામાં તેને આંજીદઈ, પકડી લઈ, તેના ત્રાસમાંથી મુક્તિ અપાવવી જોઇએ. હવે તો એવી દવા શોધાઇ ગઈ છે કે જાનવરની પીઠ પર તેની લીટીદોરી દેવાથી કે દવાના ટીપાંની ધાર દોરી દેવા માત્રથી આખા શરીર પરથી આવો અસો દૂર થઈ જાય છે, જરૂર પડ્યે એનો ઉપયોગ પણ કરી શકીએ.

[3] ધમારવું =   “ધમારવું” એટલે નવરાવવું. ભેંશોને તો હોય છે પાણી બહુ વહાલું ! તેને તો અંદર બેસી આખેઆખી નાહી શકે તેવી ખાડા-બાથની સગવડ કરી દીધી હોય તો ખૂબ ફાવે ! ઉનાળાના ગરમીના દિવસોમાં શરીર માથે હાથ ફેરવતા ફેરવતા ઠંડુ પાણી રેડતા રહેવાથી તે ખુબ પ્રસન્નતા અનુભવે છે.આપણે બધા બળદ,ધોડી કે કુતરાને ક્યારેક ક્યારેક ધમારતા હોઇએ છીએ પણ ગાયને ક્યારેય નવરાવતા નથી હોતા.તો શું ગાયોને પરસેવો વળી અસોશી નહીં થતી હોય ? તેને પણ અવાર-નવાર ચોખ્ખા પાણીથી ધમારતા રહેવાથી તેના શરીર પરથી મેલ અને જીણો અસો દૂર થઇ તેના શરીર પણ ચોખ્ખા અને  સ્ફુર્તિલા બની જાય છે, અને દરેક જાનવર પોતાની રીતે સેવા વધુ આપવામાટે ક્ષમતા બક્ષતું બની જાય છે.

[4] વિશિષ્ટ શણગાર સજાવીને =   ભલે કાયમ ખાતે નહીં, પણ ક્યારેક ક્યારેક પ્રસંગોપાત જાનવરને વિશિષ્ટ શણગાર જેવાકે બળદને ડોકે ઘૂઘરમાળ, શરીરે રંગબેરંગી ઝૂલ, માથા ઉપર મથરાવટી, મોઢે મોડિયો, શીંગડા ફરતા શિંગરોટિયા, અને પગમાં ઝાંઝર પહેરાવવાથી બળદની અદા અને મિજાજ બદલી જતા હોય છે. એવું જ અશ્વોમાં પણ તેનો વિષિષ્ટ શણગાર તેનામાં ઔર સ્ફૂર્તિ પૂરી દેતો હોય છે.કોઇ સંસારત્યાગી સંત કે સંસારની શરૂઆતકરનારા વરરાજાના ફુલેકા-સામૈયામાં આવા શણગારો કરી પાલતુ પશુઓ પાસેથી પ્રસંગને વધુ દેદિપ્યમાન બનાવવાનું એટલે જ આપણા પૂર્વજોએ ગોઠવ્યું હશે ને !

આપણે ખેતી કરતા ખેડૂતો અને દૂધનો વ્યવસાય કરનારા પશુપાલકોએ કાયમ આપણા વ્યવસાયમાં ઉપયોગી પશુઓ સાથે જીવંત વ્યવહાર રાખવો જ પડવાનો છે, તો પછી પશુથી અળગા અળગા રહીને શુંકામ ?  એની સાથે આત્મિયતા ભર્યો વ્યવહાર જ કરીએ અને એની સાથે એવા ઓતપ્રોત બની જઇએ કે જેથી એને આપેલા પ્રેમનો બદલો એ પણ એટલાજ પ્રેમથી જ આપણને પરત કરી શકે !


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.