એસ્બેસ્ટોસઃ મેડિકલ એન્ડ લીગલ આસ્પેકટસ – લેખક બૅરી કૅસલમેન

વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી

જગદીશ પટેલ

લેખક  બૅરી કૅસલમેનનાં પુસ્તક – ‘એસ્બેસ્ટોસઃ મેડિકલ એન્ડ લીગલ આસ્પેકટસ’ -ની પાંચમી આવૃત્તિ1 મારા હાથમાં છે જે મને એના લેખકે ૨૦૧૯માં મેં વોશિંગટનના એમના નિવાસસ્થાને એમની મુલાકાત કરી ત્યારે મને ભેટ આપી હતી. આ પુસ્તક વિષે  હું પહેલાં જાણતો જ હતો અને તે મેળવવાની મને લાલસા હતી જ પણ ખરીદવી આપણને પોસાય નહી.

૧ જાન્યુઆરી, ૧૯૮૪ને રોજ એની પહેલી આવૃત્તિ પ્રકાશીત થઇ હતી. તે બતાવે છે કે તે કેટલી ઉપયોગી અને લોકપ્રિય છે. એમેઝોન પર જોતાં વપરાયેલી ૧૯૯૦ની આવૃત્તિના રૂ..૪,૯૨૦/- બતાવે છે!

આ પુસ્તક એસ્બેસ્ટોસનો ઉપયોગ કઇ રીતે શરૂ થયો અને જે ઉદ્યોગોમાં તેનો વપરાશ હતો તે ઉદ્યોગોએ તેના જોખમોની માહિતી કઇ રીતે દબાવી છુપાવી રાખી તેનો ઇતિહાસ રજુ કરે છે. આ પુસ્તકે બીજા લેખકોને આ વિષય પર લખવા પ્રેરિત કર્યા છે. આ પુસ્તક આ વિષય પરનું ગોલ્ડ સ્ટાન્ડર્ડ કહેવાય છે. એસ્બેસ્ટોસનો વિશ્વકોશ પણ કહી શકાય. જે લોકો એસ્બેસ્ટોસના વિષયે કામ કરે છે તેની પાસે આ પુસ્તક હોવું અનિવાર્ય ગણાય.

એસ્બેસ્ટોસની કામદારોના આરોગ્ય પર પડતી અસરો વિષેના જ્ઞાનનો વિકાસ શી રીતે થયો તેનું એક ચિત્ર આ પુસ્તક રજુ કરે છે. એસ્બેસ્ટોસ અંગે કાનૂની લડાઇ લડતા વકીલો માટે પણ આ બહુ જ ઉપયોગી પુસ્તક છે, તો એસ્બેસ્ટોસ માટે કાયદા અને નીતિ ઘડનારાઓ માટે પણ કીમતી જણસ છે.

૧૧ પ્રકરણમાં વહેંચાયેલું આ પુસ્તક ૮૩૩ પાનાનું છે. તે પછી પાંચ પરિશિષ્ટ છે જેમાં બીજા ૩૪ પાનાં ઉમેરતાં કુલ ૮૬૭ પાનાંનું આ પુસ્તક દળદાર નહી તો બીજું શું કહેવાય

એસ્બેસ્ટોસને કારણે ફેફસાંનો રોગ એસ્બેસ્ટોસીસ થાય તેના ઇતિહાસ વિષે પહેલું પ્રકરણ છે જે ૪૦ પાનાંનું છે. તો બીજું તેના સંપર્કને કારણે થતા કેન્સર વિષે છે. ૯૧ પાનાંમાં જે માહિતી આપી છે તે જો કે હજુ અધૂરી લાગે! આગળ આપણે વિગતો જોઇશું. પહેલાં પુસ્તકનું વિહંગાવલોકન કરી લઇએ. ત્રીજા પ્રકરણમાં વળતર સંબંધી વિગતો આપી છે જે ૮૧ પાનાંમાં છે. ચોથા પ્રકરણમાં સંપર્કના પ્રમાણ પર કાનૂની મર્યાદા બાંધવાના ઇતિહાસની વિગતો ૧૦૧ પાનાંમાં મુકી છે. પાંચમા પ્રકરણમાં ૫૧ પાનાંમાં એસ્બેસ્ટોસના વિવિધ ઉત્પાદનોની માહિતી છે. છઠ્ઠા પ્રકરણમા ૫૯ પાનાંમાં એસ્બેસ્ટોસના ઇન્સ્યુલેશન તરીકેના ઉપયોગના વિકલ્પો માટેની વાત કરી છે. સાતમા પ્રકરણના ૧૬ પાનાંમાં કામદારો ન હોય તેવા લોકોને થયેલી અસરો વિષેની વાત કરી છે. આઠમા પ્રકરણમાં બ્રેકનું સમારકામ કરતા કામદારોમાં વ્યાપ્ત એસ્બેસ્ટોસ સંબંધી રોગો વિષે વાત કરી છે. નવમા પ્રકરણમાં ૧૬૭ પાનાંમાં એસ્બેસ્ટોસની ચીજોનું ઉત્પાદન કરતી કંપનીઓની વિગતવાર માહીતી આપી છે. દસમા પ્રકરણના ૬૭ પાનાંમાં એસ્બેસ્ટોસની ઝેરી અસરોનો અભ્યાસના ઇતિહાસની વિગતો આપવામાં આવી છે. ૧૧મા અને છેલ્લા પ્રકરણના ૧૦૯ પાનાંમાં પડકારો વિષે વાત કરાઇ છે.

ડો.થોમસ માન્કુસો આવકાર આપતાં કહે છે કે એક વાર તબીબી રીતે એ વાત પ્રમાણિત થઇ જાય કે અમુક રોગ અમુક ચીજને કારણે થાય છે તેમ છતાં તે પછી તે માટે વળતર માટે તેને સરકાર દ્વારા સ્વીકાર કરી નીતિ અને કાયદો ઘડીને અમલ મુકવાના કામમાં ઘણો વિલંબ થતો હોય છે. કાયદો ન હોય તેનો અર્થ એ તો નહી જ કે કેન્સર થવાનું અટકી જાય. એસ્બેસ્ટોસના અનુભવમાંથી એ શીખ મળે છે કે જોખમી કે ઝેરી રસાયણના ઉત્પાદકોની એ જવાબદારી બને છે કે તેઓ સમાજને જોખમમાં ન મુકે. જયારે તેઓ આ જવાબદારી ચૂકી જાય છે ત્યારે તે પછીના દાયકાઓમાં તે કારણે માનવીય અને આર્થીક કટોકટી સર્જાય છે. વળી એક વાર કાયદો ઘડાઇ જાય તેથી પતી જતું નથી. વ્યવસાયિક, સરકારી અને ઔદ્યોગિક સંસાધનો વગર અને કાનૂની અને નૈતિક નિશ્ચય કે નિર્ધાર વગર કાનૂની જોગવાઇઓના અમલ શકય નથી. રસાયણોની માનવ આરોગ્ય પર પડતી અસરોના પુરતા અભ્યાસ વગર જ દર વર્ષે સેંકડો રસાયણોનો ઉપયોગ શરૂ કરી દેવાય છે કારણ તેના અભ્યાસ માટે જરૂરી ઇન્ડસ્ટ્રીયલ હાયજીન, વિષશાસ્ત્ર (ટોકસીકોલોજી) અને ઔદ્યોગિક તબીબી શાસ્ત્રના નિષ્ણાતો પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ નથી. જાણીતા અને અજાણ્યા જોખમો અંગે હજારો અભ્યાસ નહી થાય ત્યાં સુધી તેને કારણે થતા નુકસાનનો સાચો અંદાજ સમાજને નહી આવે. વળી માત્ર અભ્યાસો કર્યે પણ નહી ચાલે. લોકોને માહિતી આપવા અને રોગ થતા અટકાવવા પગલાં પણ ભરવાં પડશે.

પોતાની પ્રસ્તાવનામાં બેરી કેસલમેન કહે છે કે એસ્બેસ્ટોસ અને જાહેર આરોગ્યનો સર્વગ્રાહી ઇતિહાસ રજુ કરવાનો આ પ્રયાસ છે. પણ જેટલું ખબર છે તે બધું જ અહીં નથી અને જે થયું છે તે તો તેથી પણ ઓછું રજુ થયું છે. સમય જશે તેમ ઐતિહાસિક પૃષ્ઠભુ ઉઘડતી આવશે. આવી માનવસર્જીત કટોકટી ફરી નહી જ સર્જાય એવી આશા રાખવાનું પણ વધુ પડતું ગણાશે. કામદારો, પર્યાવરણ અને સમાજના રક્ષણ માટેના કાયદાઓના અમલનો બળુકો વિરોધ સમાજના સૌથી શક્તિશાળી બળો કરતા હોય છે. સમાજમાં જે શક્તિનું સંતુલન આજે જોવામાં આવે છે તે જોતાં ઉદ્યોગોનું વર્તન બદલાવાનું ખરું? એવો અણીયાળો સવાલ એ પુછે છે. કંપનીઓ, સરકારો અને વ્યક્તિઓના વર્તન તો એના એ જ રહે છે.

પહેલા પ્રકરણની શરૂમાં જ એ કહે છે કે એસ્બેસ્ટોસના જોખમોના સ્વીકારના જૂનામાં જૂના અહેવાલો ઇશુના સમયના એટલે કે બે હજાર વર્ષ જુના છે! રોમન ઇતિહાસકાર પ્લીનીએ એસ્બેસ્ટોસથી બચવા ગુલામો દ્બારા માસ્ક તરીકે મુત્રાશયની પાતળી પારદર્શક ચામડીના ઉપયોગનું વર્ણન કર્યું છે. ગુલામોના જીવનના રક્ષણ માટે રોમનોએ રેસ્પીરેટરનો ઉપયોગ શરૂ કર્યો. પણ વીસમી સદી સુધીના ગાળામાં તે પછી એસ્બેસ્ટોસને કારણે કોઇ રોગ થતા હતા કે નહી તે વિષે કશું લખાણ મળતું નથી. ૧૮૭૦માં શરૂ થયેલા આધુનિક એસ્બેસ્ટોસ ઉદ્યોગનો ઝડપથી વિકાસ થયો. એસ્બેસ્ટોસના ગરમી અને રસાયણો સામે ટકી રહેવાના ગુણને કારણે ઇન્સ્યુલેશન, અગ્નિરોધક ચીજો, ઉંચા તાપમાનમાં કામ કરનારા માટેના કપડાં અને બીજા અનેક ઉપયોગો વિકસ્યા. સદીના અંતમાં જ તે કારણે થતા ફેફસાંના રોગ વિષે માહિતી મળવા છતાં ૧૯૨૦  સુધી તે માટે કોઇ પગલાં લેવાયાં નહી.

૧૮૯૭માં વિયેનાના તબીબે લખ્યું કે એસ્બેસ્ટોસનું કપડું વણવાનું કામ કરનારા કારીગરોને ફેફસાંના જે રોગો જોવા મળે છે તે પછી તેનું કારણ એસ્બેસ્ટોસ શ્વાસમાં જવાનું જ છે તે અંગે કોઇ શંકા રહેતી નથી. બ્રિટનમાં કારખાનાના મહિલા નિરીક્ષકે આ બાબત પહેલી વાર ધ્યાન દોર્યું. તેમણે પોતાના અહેવાલમાં જણાવ્યું કે એસ્બેસ્ટોસ ઉત્પાદન પ્રક્રિયામાં રોકાયેલા કામદારોના આરોગ્ય પર જોખમ તોળાતું હોવાને કારણે ૧૮૯૮માં આ બાબત વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. તેમણે નોંધ્યું કે એસ્બેસ્ટોસનું કપડું બનાવવાની પ્રક્રિયા અત્યંત ઘૂળભરી હતી. ૧૯૦૬ સુધીના અહેવાલોમાં તે આ બાબત લખતાં રહ્યાં. (આ બધું વાંચતાં એવા સવાલો પણ આવે છે કે આપણા દેશના તબીબો પાસે વિશાળ અનુભવ હોવા છતાં એ લોકો કેમ આવી સામાજીક નિસ્બત દાખવી શકતા નહી હોય? કેમ કશું લખતા નથી? ફેકટરી ઇન્સપેકટરો પાસે પણ બહોળો અનુભવ હોય છે પણ એમના પણ કોઇ અહેવાલ આપણને મળતા નથી જેથી શ્રમજીવીઓની દશાનો સમાજને ખ્યાલ આવે. શું જ્ઞાતિપ્રથા જવાબદાર છે? માલીકો, તબીબો, ઈન્સપેકટરો અમુક જ્ઞાતિના મોટાભાગે હોય અને શ્રમજીવીઓ નીચી કે પછાત ગણાતી જ્ઞાતિના હોય તે કારણ હશે?) પોતાની દરેક મુલાકાત સમયે તેમને કામદારોની બીમારી અને મોત વીશે માહિતી મળતી. નોકરી છોડી ગયેલા કામદારોના આરોગ્ય પર સંશોધન કરવાની તેઓ ભલામણ કરતાં. ૧૯૦૬માં ડો.મોન્ટેગ્યુ મરે બ્રિટનની વળતર અંગેની સંસદીય સમિતિ સમક્ષ એસ્બેસ્ટોસીસને કારણે થયેલા એક મૃત્યુની રજુઆત કરી હતી. તે કામદાર એસ્બેસ્ટોસના કપડાનું ઉત્પાદન કરતી મીલમાં કાર્ડીંગ રૂમમાં કામ કરતો હતો અને ૩૩ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો હતો. ૧૪ વર્ષ પહેલાં તે આ મીલમાં બીજા ૧૦ સાથીઓ સાથે મજૂરી કરવા જોડાયો હતો તે પૈકીના બીજા ૯ના મોત થયા હતા અને એ છેલ્લો હતો! તેના પોસ્ટમોર્ટમમાં ટીબીના જંતુ દેખાયા ન હતા તેથી એસ્બેસ્ટોસને કારણે મૃત્યુ થયાનો આ પહેલો પુરવાર થયેલો બનાવ હતો. ફ્રાંસની આવી કાપડ મીલમાં ૧૬ મોત થયાના અહેવાલ હતા અને ઇટાલીમાં એસ્બેસ્ટોસની ખાણ અને સ્પીનીંગ મીલમાં ૩૦ કામદારોના મોતના અહેવાલ આપ્યા હતા. ૧૯૧૮માં અમેરિકાની વીમા કંપનીના એક અધીકારી હોફમેને જણાવ્યું કે ૧૩ પૈકી ૯ કામદારોના મોત ૪૫ વર્ષની ઉંમર પહેલાં થઇ ગયા.

૧૯૨૪થી બ્રિટીશ મેડીકલ જર્નલમાં એસ્બેસ્ટોસને કારણે થતી અસરો અંગેના સંશોધન લેખો પ્રગટ થવા શરૂ થઇ ગયા તે કારણે ઝડપથી જાગૃતિ આવતી ગઇ. ૧૯૩૦ સુધીમાં તો વિશ્વના ઘણા દેશોમાંથી અહેવાલો પ્રગટ થવા શરૂ થઇ ગયા. ૧૯૨૪માં બ્રિટીશ પેથોલોજીસ્ટ ડો.કુકે પોતાના એક દર્દીને ટીબી ઉપરાંત એસ્બેસ્ટોસ શ્વાસમાં જવાને કારણે ફાઇબ્રોસીસ થયાની વાત કરી. આ દર્દી નેલી નામની એક યુવતી હતી જેણે ૧૩ વર્ષની ઉંમરથી ટર્નર બ્રધર્સના એસ્બેસ્ટોસ કારખાનામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ૧૩ વર્ષ સળંગ કામ કર્યા પછી ૨૬ વર્ષની ઉંમર પછી તેણે વચ્ચે વચ્ચે કામ કર્યું અને ૩૧ વર્ષની ઉંમરે તે કામ કરવાને તદ્દન અશકત થઇ ગઇ ત્યાં સુધી કર્યું. ૧૯૨૨માં ન્યુબોલ્ડ એપ્રુવ્ડ સોસાયટીએ ટર્નર બ્રધર્સ પાસે આ બાઇને કામદાર વળતર ધારા હેઠળ વળતર ચુકવવા માગણી કરી. સોસાયટીએ જણાવ્યું કે તબીબી પ્રમાણપત્રને આધારે આ બાઇને એસ્બેસ્ટોસની ઝેરી અસર થઇ છે. કંપનીએ કહ્યું કે કાયદા હેઠળ વળતરપાત્ર હોય તેવા રોગોની યાદીમાં આવા કોઇ રોગનો સમાવેશ થતો નથી. કંપનીએ પોતાની વીમા કંપનીને લખ્યું કે, “અમને લાગે છે કે આ બનાવમાં કોઇપણ જાતની જવાબદારી સ્વીકારવાનું આપણે માટે અત્યંત ભયજનક સાબીત થશે. આ દાવાનો ઇન્કાર કરવામાં આપણે આપણી તમામ શક્તિ કામે લગાડવી જોઇએ. નેલીને નેશનલ હેલ્થ ઇન્સ્યુરન્સ સીસ્ટમ કે માલીક કોઇ પાસેથી ન તો વળતર મળ્યું ન સારવાર માટે કોઇ મદદ. નેલી સીધી કંપનીમાં ગઇ અને વિનંતી કરી કે તેને બે, અઢી મહીનાથી કોઇ વેતન મળ્યું નથી અને તેને પોષક આહારની સખત જરૂર છે પણ પોતે ખરીદી શકતી નથી તેથી તેને થોડી મદદ કરવી. કંપનીએ ન કરી.

(ગયા મહિનામાં અમે થાન ગયા ત્યાં અમને ગીતાબેન વાણીયા મળ્યા. તેમના પતિ સીરામીક કારખાનામાં કામ કરતા. તેમને સીલીકોસીસ થયો અને ફેફસાં ખલાસ થયાં. સીલીકાને કારણે કીડની પણ ખરાબ થાય છે તેવા ઉલ્લેખો તબીબી સાહિત્યમાં જોવા મળે છે પણ તેવા દર્દી જોવા મળતા નથી. આ ભાઇની બંને કીડની પણ ખરાબ થઇ ગઇ અને ડોકટરે કહ્યું કે કોઇ તમને કોડની આપે તો બચી જવાય. ગીતાબેનના ટેસ્ટ થયા અને તે કીડની આપી શકે તેમ હતાં. એક તબીબે તેમને ચેતવ્યા પણ ખરાં કે ફેફસાં સાવ ગયાં છે તેથી કીડની આપશો તો પણ બચવાના નથી તો શા માટે કીડની આપો છો? પતિએ જીદ કરી અને રડયા કે તું જ મને બચાવી શકે તેમ છે. આ લાગણીના આવેશમાં ગીતાબેન પોતાની એક કીડની પતિને આપી. પછી પતિનું થોડા સમયે અવસાન થયું અને ગીતાબેન હવે એક કીડની સાથે જીવવાની પીડા ભોગવે છે. હવે, પતિ જયારે બીમાર હતા ત્યારે ગીતાબેને કંપનીના માલિક પાસે જઇને મદદની યાચના કરી તો તેમને હડધુત કરવામાં આવ્યા અને કોઇ મદદ આપી નહી. એ જ બહાનું કે તમને આપું તો બીજા પણ માગે અને ખોટી પ્રથા પડી જાય! ઇ.એસ.આઇ.કાયદો થાનને લાગુ પાડયો તેને ૩૩ વર્ષ થયા છતાં આ કામદારોને તેનો લાભ અપાતો નથી. તેનું અવસાન થતાં તેના પતિએ કંપની પાસે અંતીમવિધિ માટે મદદ માગી તે પણ કંપનીએ એમ કહીને ન આપી કે તેથી ખોટી પ્રથા પડી જશે!)

કોરોનરની તપાસના અહેવાલ અખબારોમાં પ્રગટ થયા બાદ ૧૯૨૪માં કેસ ડો.કુક પાસે મોકલવામાં આવ્યો. ૩૩ વર્ષની ઉંમરે નેલીનું અવસાન થયું તેમાં એસ્બેસ્ટોસનો ફાળો હોવાની શકયતા બાબત તેમને પુછવામાં આવ્યું. નેલીની સારવાર કરનાર ડો. વોલ્ટર જોસે જણાવ્યું કે દર વર્ષે એસ્બેસ્ટોસમાં કામ કર્યું હોય તેવા ફેફસાંના રોગના દસ, બાર દર્દીઓ તેમની પાસે આવતા હોય છે. જો કે આ બધાનું કોઇ પરિણામ નેલીના કુટુંબને વળતર મળે તે દિશામાં આવ્યું નહી. ૧૯૩૫ સુધીમાં તો એસ્બેસ્ટોસ સાથે સીધું કામ કર્યું હોય તેવા કામદારોને એસ્બેસ્ટોસીસ નામની ગંભીર બીમારી થાય છે તે વાતનો વ્યાપક સ્વીકાર થયો હતો. એક વર્ષ કરતાં ઓછો સમય કામ કર્યું હોય તેવા લોકોમાં પણ રોગ થતો હોવાનું દેખાયું હતું. એસ્બેસ્ટોસની ગમે તેટલી વધુ ઘૂળમાં કામ કરતા હોવા છતાં શરૂમાં રોગના કોઇ લક્ષણ દેખાતા ન હોય પણ ધીમે ધીમે લક્ષણો દેખાવા લાગે અને કામ છોડયા પછી પણ રોગ તો વધતો જ જતો હોવાનું સ્પષ્ટ થયું. અને ફેફસાં નબળાં પડયા પછી ફેફસાંને ચેપ લાગવાની શકયતા પણ વધી જતી હતી. એસ્બેસ્ટોસને કારણે થતા ફેફસાંના કેન્સરનો પહેલો કેસ જાહેર થયા પહેલાં જ ડો.મેરવેધરે એસ્બેસ્ટોસ પર પ્રતિબંધ મુકવાની ભલામણ કરી હતી! (જેનો આજે એક સદી કરતાં વધુ સમય બાદ પણ ભારતમાં સ્વીકાર થયો નથી). પહેલું પ્રકરણ તો આખું રસપ્રદ માહિતીથી ખીચોખીચ  ભરેલું છે. શું લખવું અને શું છોડવું તે સમજાય નહી કારણ બધું જ મહત્ત્વનું લાગે!

બીજું પ્રકરણ એસ્બેસ્ટોસને કારણે થતા કેન્સરનો ઇતિહાસ છે. જર્મનીમાં ૧૯૩૮માં સંશોધકોએ આ વાત પર પ્રકાશ પાડયો. ૧૯૪૩ સુધીમાં તો સમગ્ર દેશમાં તેનો સ્વીકાર થયો અને તેને માટે વળતરની કાનૂની જોગવાઇ કરી. ૧૯૪૦ સુધીમાં બ્રિટન અને અમેરિકાના નિષ્ણાતોએ પણ એવો જ મત વ્યકત કર્યો. અમેરિકામાં એક કંપનીના અધિકારીએ સંશોધન કરનાર તબીબને બોલાવી સંશોધનમાંથી કેન્સરનો ઉલ્લેખ કાઢી નાખવા જણાવેલું અને તબીબે તે વાત હિંમતભેર કોર્ટંને જણાવેલી. ૧૯૭૪માં બ્રિટનના ફેકટરી ઇન્સ્પેકટરના વાર્ષિક અહેવાલમાં કેન્સરના આંકડા જાહેર કર્યા હતા. સીલીકોસીસ પીડીતો અને એસ્બેસ્ટોસનો સંપર્ક હોય તેવા કામદારો વચ્ચે મોટો ફરક એ હતો કે એસ્બેસ્ટોસીસ થયો હોય તેમને કેન્સર પણ થતું પણ સીલીકોસીસમાં એવું ન હતું. ૧૯૫૦ના હ્યુપરના અહેવાલ પછી મોટાભાગના એ વાત માનતા થઇ ગયા હતા કે એસ્બેસ્ટોસ કેન્સરજનક છે પણ જે રહ્યાસહ્યા હતા તે પણ ૧૯૫૫ના ડોલના અહેવાલ પછી માનતા થઇ ગયા. (જો કે ભારતમાં સરકારી અધિકારીઓ હજુ આંતરરાષ્ટ્રીય બેઠકોમાં કહેતા હોય છે કે ભારતમાં એસ્બેસ્ટોસને કારણે થતા રોગોના કોઇ આંકડા નથી તેથી અમે એની સામે કોઇ પગલાં લેવા માગતા નથી).

વળતર અંગેના પ્રકરણનો સાર એવો છે કે શરૂમાં તો કામદારો દાવો જ કરતા ન હતા. જયારે દાવા થવા માંડયા ત્યારે કંપનીઓનો વ્યુહ એવો હતો કે વીમો ખરીદી લો, વકીલો રોકો અને વળતરની રકમ બને તેટલી ઓછી ચૂકવો. હવામાં એસ્બેસ્ટોસનું પ્રમાણ ઓછું કરવામાં થનાર ખર્ચ કરતાં આ ખર્ચ ઓછો હતો.

એક બાજુ કોર્પોરેટ લોભ, લાલચ અને બીજી બાજુ કામદારો અને દર્દીઓની મજબૂરી, સરકારોની નિષ્ક્રિયતા સાથે જ તબીબોની સંવેદનશીલતા, મહેનત અને પ્રામાણિકતાને કારણે તેમજ કેટલાક ઝુજારુ લોકોનો અવિરામ સંઘર્ષ — એની આ કથા છે. વિકાસ કોનો અને કયા ભોગે? કોને શું મળ્યું? આ લોહીઝાણ ઇતિહાસમાંથી આપણે શીખવા જેવું શું અને આપણે શું કરીશું એવા બધા સવાલો મોં ફાડીને ઉભા છે. તમને જવાબ મળે તો કહેજો. અમારા જેવા લહિયાઓને તો વાચકો મળવા મુશ્કેલ છે અને વારંવાર સવાલ આવે કે આ મહેનત કોના માટે અને શું પરિણામ આવશે. ગીતાનો નિષ્કામ કર્મયોગ મારે ગળે ઉતરતો નથી. તમારે તમારા કામનું સતત મુલ્યાંકન કરવું જ જોઇએ અને કઇ રીતે વધુ પરિણામદાયી થવાય તેનું મંથન કરવું જોઇએ.


1 AsbestosMedical and Legal Aspects – Authors : Barry I. CastlemanStephen L. Berger | Publisers : Aspen Law & Business, 1996


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Author: Web Gurjari

3 thoughts on “એસ્બેસ્ટોસઃ મેડિકલ એન્ડ લીગલ આસ્પેકટસ – લેખક બૅરી કૅસલમેન

  1. જગદીશભાઈ, આટલી અઢળક માહિતીનો દસ્તાવેજ ઘણાને કામ આવશે.

  2. Thank you very much for such informative article, India has become the world’s second largest market of asbestos and the industry is worth an estimated $1 billion and growing. There are more than 100 asbestos manufacturing plants that employ 300,000 workers who in turn support millions more. Government data shows that asbestos use has grown by more than 80 percent in the past decade.
    JFYI

Leave a Reply

Your email address will not be published.