મકરંદ દવે અને કુંદનિકા કાપડીયા- વિકાસપથ પર બે પ્રાણનું મળવું (ભાગ- ૨)

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

(ગયા સપ્તાહના હપ્તાથી આગળ )

મકરંદભાઇના જીવનની પળેપળમાં, વિચારોમાં, વાણીમાં અને અંતરમાં અધ્યાત્મ વણાઈ ગયેલું તત્વ હતું. એમના જીવનને એથી જુદું પાડીને જોઇ જ ના શકાય. એ કહેતા કે શ્વાસને જીવનથી જુદો શી રીતે પાડશો? લોહીના પરિભ્રમણને કેમ જુદું પાડશો? એમના જીવનનાં એમના નાનામોટા કાર્યોમાં અને વિચારોમાં અધ્યાત્મનો પૂટ વણાઈ ગયેલો છે એને જુદાં પાડીને જોવામાં જીવનવિહિનતા લાગે છે. અધ્યાત્મ તો એમના પ્રાણ સાથે, જીવનના બધા પ્રવાહ સાથે એકરૂપ થયેલું તત્વ છે.

બહુ જ નાની વયથી પોતે એક સતત જિજ્ઞાસા સેવતો પ્રાણ હોય, જે સુંદરતાને ઝંખતો હોય, જે કોઈ પરમતત્વ જેવું કોઈ હોય એને પ્રાપ્ત કરવા મથતો હોય એવું એમને લાગ્યા જ કરતું હતું. સતત રીતે એમાં એમનાં માતા-પિતાનો બહુ મોટો ફાળો છે. કુટુંબના આધાર સમા હતા બંને.

વજેશંકર માસ્તર (દવે) તરીકે ઓળખાતા એમના પિતાજીએ સળંગ 35 વર્ષ સુધી ગોંડલની કન્યાશાળામાં શિક્ષક તરીકે એકધારી નોકરી કરી. એમનું નામ આખા ગોંડલ પંથકમાં બહુ ઇજ્જતથી લેવાતું. એ એટલા ગૌરવશાળી વ્યક્તિ હતા કે ખુદ રાજવી પણ એમને માન આપતા. એ એક જ એવા કર્મઠ શિક્ષક હતા કે જેમને નિવૃત્તિ પછી રાજ્ય પૂરા પગારનું પેન્શન આપતું. ગામની મોટી ઉંમરની બહેનો વર્ષો સુધી પુત્ર મકરંદને એના પોતાના નામથી નહીં, પણ ‘વજેશંકર માસ્તરના છોકરા’ તરીકે ઓળખતી. માતા વજીબહેન એટલે કે વ્રજકુંવરબહેનની પણ એવી જ મૂર્તિ લોકોના મનમાં સ્થપાઇ રહી હતી.

જેતપુરમાં મકરંદના બનેવી બાબુભાઈ પ્રાણજીવનભાઈ વૈદ્યનું દરબારગઢની પાસે ત્રણ માળનું મકાન. બહુ નાની વયથી મોટીબહેન દયાબહેનના લાડકવાયા મકરંદભાઇ પોતાનાં એ બહેન સાથે એમનાં સાસરે જેતપુર જતા. દયાબહેન મજાકમાં કહેતાં કે મને તો મારી બાએ મકરંદને આપી દીધો છે. તરુણ મકરંદને ગિરનારનું અનહદ આકર્ષણ એટલે ત્રીજા માળની બારીમાંથી એ ગિરનારને જોયા જ કરતા. ગોંડલમાં પણ સાંઢિયા પુલ પાસેથી ગિરનારદર્શનને એ આકંઠ પીધા કરતા.

ગોંડલમાં એમના પાડોશી કવિ ગજેન્દ્ર ગુલાબરાય બૂચ હતા. એ મકરંદથી વીસ વર્ષ મોટા હતા. અંગ્રેજીના પ્રાધ્યાપક હતા અને મકરંદ માત્ર પાંચ વર્ષના હતા ત્યારે કવિ ગજેન્દ્ર અવસાન પામ્યા હતા.એ પછી થોડા જ મહિને 1927માં એમનો એક માત્ર કાવ્યસંગ્રહ ’ગજેન્દ્ર મૌક્તિકો’ પ્રગટ થયો હતો. કવિ તરીકે એમનું પૂરું મુલ્યાંકન થયું નહોતું, પણ એમનો એ સંગ્રહ પાડોશી હોવાના કારણે જરી મોટા થયા પછી મકરંદના હાથમાં આવ્યો અને કાવ્યસંસ્કાર દૃઢ થયા. વિશેષ તો એમાંનું ગિરનાર દર્શનનું કાવ્ય તો એમને બહુ ગમી ગયું અને વારંવાર એને ગણગણતા રહેતા. જેમ કે ‘ક્ષિતિજમાં નવ મેઘ સમો રમે/ નજરમાં નિતરે દિનરાત નેહ/અહીં ઊભો પડછંદ પહાડ/ નમન હો કરવા ગિરનારને’. ગોંડલમાં એ જ્યારે સાંજે બહાર જેતપુરની સડકે ફરવા જતા ત્યારે ક્ષિતિજ ઉપરથી કાળું વાદળ પોતાના પગની ગતિ ધીરે ધીરે ઉપર આવતું હોય એવો ગિરનાર એમને ભાસતો. ગજેન્દ્ર બૂચનો એ કાવ્યસંગ્રહ પછી તો કોઇ લઇ ગયું હતું, પણ વર્ષો પછી એની એક નકલ કવિ અનિલ જોશીએ એમને આપી ત્યારે એ પ્રસન્ન પ્રસન્ન થઇ ગયા હતા.

મકરંદદવેના હસ્તાક્ષર: લેખક પર આવેલા પત્રો

ગોંડલમાં નાગરવાડાની પાછળની ગોપાલ ભટ્ટની શેરીમાં મામાના મકાનમાં મકરંદભાઇનો પરિવાર રહેતો  હતો. મામી બહુ મીઠા કંઠે ખૂબ જ સારાં પદો અને કિર્તનો ગાતાં હતાં. બાજુના લતામાં પણ રાસ-ગરબા બહુ મધુર કંઠે ગવાતાં. એ ગવડાવનારીઓમાં એક ખવાસણ બહેન પણ હતી. રંગુભાભી એમનું નામ હતું. એ પણ મકરંદભાઇના એક કુટુંબીજનની જેમ એ આ બ્રાહ્મણ પરિવારની સાથે જ રહેતાં. એ જુનવાણી જમાનામાં પણ એ વિધવા રંગુભાભી પોતાના એક બાળક સાથે આ બ્રાહ્મણ પરિવારમાં હળીભળી ગયાં હતાં. પાસ-પાડોશમાં પણ એ વિષે કોઇ ટિકાટિપ્પણ ન થતી. એ રંગુભાભી બહુ મીઠી હલકથી ગીતો ગાતાં અને સાથે ઢોલક પણ બહુ સરસ વગાડતાં. બાળ મકરંદ તેમનાં શબ્દોને બહુ એકચિત્ત થઇને પોતાની ચેતનામાં ઉતારતા.  મોટા  થયા પછી એક વાર એમણે આ વિષે એક વાર લખ્યું હતું.

‘આ સુની સુની રાત મહીં, કોઈ ઢોલક હજુ બજાવે છે.
ને ઉજ્જડપાના ફળિયામાં
એ સૂતાં પ્રેત જગાવે છે.

(એ પછી બીજી ઘણી કડીઓ છે, પુસ્તક ‘મકરંદ-મુદ્રા’ પૃષ્ઠ ૨૩)

કહી દઉં એ કોના કામણ છે?
રે, આમ તો સાવ અભાગણ છે.
આમ તો રંગુ ખવાસણ છે.
દુખિયારી રંગુ ખવાસણ છે.
પણ ઢોલક પર એની થાપી
કેવો તો કે’ર મચાવે છે !
આ સૂની સૂની રાત મહીં
કોઇ ઢોલક હજુ બજાવે છે.’.

એનો તાલ, એનો લય, એની જે તળપદી ભાષા છે અને એના શ્રવણમાં ઘોળાયેલા સંસ્કારો મકરંદના મન પર ઝીલાતાં ગયાં અને એનાં સર્જકતળમાં ઊંડે સુધી ઉતરતાં ગયાં. એ કણબીપાની શેરી, ત્યાંના સીધા સાદા માણસો, એમની ભાષા, ત્યાંના સુથાર પાડોશીઓ, રાધીમા, પૂરીમા, કડવીમા, એ બધાએ પહેલેથી બાળ મકરંદને આ સંસ્કારો ટોયા. પિતાજી સંસ્કૃતનો અભ્યાસ કરતા. શ્લોકો રટતા એટલે એ સંસ્કાર એમને પિતા પાસેથી મળ્યા. ઘરગથ્થુ ગીતો, લોકગીતો, કાવ્યો એ બધાના ઘુંટેલા રસની બનેલી એક ગળથુથી તેમણે પીધી. અને કાળાંતરે એ બધું એક રસાયણ થઇને એમનામાં ઉતર્યું અને એના ફાલ રૂપે મબલક કાવ્ય રચનાઓ રૂપે અવતરી અને એણે ગુજરાતી સાહિત્યને ન્યાલ કરી દીધું.

નાનપણમાં એ જોડકણાં પણ લખતા. કુટુંબમાં વાતાવરણ સાહિત્યનું હતું જ. જેતપુરના બાબુભાઇ પ્રાણજીવન વૈદ્ય વેરે પરણાવેલાં મોટાં બહેન દયાબહેનને સાહિત્યનો જબરો શોખ હતો.  બા પોતે સરસ કીર્તનો ગાતાં. મકરંદનાં મામી સાથે એ ‘ધ્રુવાખ્યાન’ પણ ગાતાં. બાળક મકરંદને પણ નાનપણથી ધ્યાન કરવાનો નાદ લાગ્યો હતો અને ઘરની પાસે જૂઇની એક વેલની નીચે છાંયડે બેસીને ઘણી વાર એ ધ્યાનમાં પણ બેસી જતા. તેમના ભાઈ વસંતભાઇ, અને ભાભી એ વખતે ‘કુમાર’ મંગાવતાં. બન્ને સાહિત્યના શોખીન હતાં. એટલે રાતે બધા સાથે ઘરગથ્થુ બેઠક જમાવતાં. એ વખતે ઘરમાં એમને ‘બાબુ’ કહેતા. ફરમાઇશ થતી ‘બાબુ, આનો અર્થ સમજાવ તો જરા !’

મકરંદ એનો અર્થ સમજાવીને પોતે પણ એક જોડકણું રચી કાઢતા.

‘કેવી ખીલી આજે ચાંદની, તારા શણગાર કાજે, ફૂલ વિણી તે માળા કરી,
ચંદન કરી તે કંઠે ધરી’

પણ રીતસર કાવ્ય કહી શકાય એવી પંક્તિ ઉંમરના કયા તબક્કે, કયા વર્ષે ફૂટી એ એમને યાદ નથી આવતું.

**** **** ****

આઝાદીની ચળવળ વખતે 1942માં જ એમણે કોલેજ છોડી દીધી હતી. પછી બધું થાળે પડ્યું તોય કોલેજ ગયા જ નહીં. પોતે કોઈ બહુ તેજ્સ્વી વિદ્યાર્થી ન હતા. કોલેજના વર્ગો પણ  ભાગ્યે જ ભર્યા.એમાં બહુ રસ જ ન મળે. કોઈએ એમને શોધવા હોય તો એણે લાયબ્રેરીમાં આવવું પડે.

કોલેજકાળ દરમિયાન રહેવાનું ભાઇ મનુભાઇ સાથે ભાડાના મકાનમાં. મનુભાઇ જુદા જ મિજાજનું વ્યક્તિત્વ ! એ એન. સી.સી.(નેશનલ કેડેટ કોર્પ્સ)માં હતા. બન્નેના મિત્રોની એમને ત્યાં આવનજાવન રહેતી. મકરંદભાઇના મિત્રો થોડા સાહિત્યરંગી, પણ મનુભાઇના મિત્રો થોડા કડકાઈવાળા આવતા.

૧૯૪૩-૪૪ હશે. વીસ-બાવીસ વર્ષની ઉંમર હશે.

‘કુમાર’માં દેશળજી પરમાર હતા. ગોંડલના બચુભાઈ રાવત એમના મિત્ર. દેશળજી મારફત બચુભાઈ સાથે જુવાન મકરંદનો પરિચય થયો. એ દિવસોમાં મકરંદે નાનાં જીવનચરિત્રો લખવાનાં શરૂ કર્યાં અને કાવ્યો પણ. બચુભાઈને પસંદ પડ્યા. એમણે જ સામેથી મકરંદને કહ્યું કે તમે આવી જાઓ ‘કુમાર’માં. એ રાજી થઇ ગયા. કારણ કે, મનમાં એક સપનું પણ હતું કે ‘કુમારે’ આપણને નાનપણથી આટલું બધું વાચનભાથું આપ્યું છે. તો હવે આપણે પણ તેને કંઈ આપીએ. એ વિચારના ધક્કે એ ‘કુમાર’માં જોડાયા. કામ શરુ કર્યું. પણ બહુ જલ્દી ભ્રમનિરસન થયું. ત્યાં માટે રાખેલી અપેક્ષાઓ પાર ઉતરી ન લાગી. એમાં જોડાયા ત્યારે મનમાં હતું કે હું તો ગોંડલથી આવેલો ગામડાગામનો છોકરો ! આ તો સરસ શહેરી સામયિક છે, માસિક છે. એમાં સંસ્કારમ્-સુન્દરમ્ જેવું કાંઇક આપીશું. આ કરશું-કાંઇક તે કરશું. પણ એ કંઇ ફળીભુત થાય તેવાં એંધાણ ન વરતાયા. બલકે થોડાઘણાં જે સપનાં હતા તેનો પણ  ત્યાં  જ અંત ભળાયો. મકરંદ પહેલાં ત્યાં અશોક હર્ષ હતા. એમની ખાલી પડેલી જ્ગ્યાએ જ એમણે કામ શરુ કર્યું. પણ થોડા જ વખતમાં તેમને લાગ્યું કે હું અહીંયા કંઇક આપવા અને મારો પણ વિકાસ કરવા આવ્યો છું, પણ એ તક તો અહિં દેખાતી જ નથી ! એમની મહેનત વૃથા જતી લાગી. જીવ રેડીને એ કોઇ જીવનચરિત્રો લખે પણ પછી એ કદી પ્રગટ થાય જ નહીં. અને આવું બધું થયું ત્યારે એમને એમ લાગ્યું કે હવે આમાં કોઈ અંકુર ફૂટે એમ લાગતું નથી. કદાચ બચુભાઈની કોઈ મર્યાદા હશે. એ ઘણા કાર્યશીલ, પ્રગતિશીલ માણસ હતા એ સાચું પણ એ પણ જે હૃદયની ઉષ્મા કે  લાગણીનો અભાવ સાલી રહ્યો. લાગ્યું કે હું આ સંસ્થામાં હું કામ કરું  છું. નિમંત્રણથી જ આવ્યો છું પણ અહીં મારું શોષણ થઇ રહ્યું છે. ! જ્યારે એમ લાગે કે આ શોષણ થઈ રહ્યું છે ત્યારે સજાગ માણસે તો એનો વિરોધ કરવો જ જોઇએ. એટલે થોડા વખત પછી ‘કુમાર’માંથી છુટા થયા. ત્યારે આવકની બીજી કોઈ જોગવાઇ ન હતી કે ન હતા ગાંઠે થોડાઘણા પણ પૈસા !

નોકરી છોડીને તરત ‘કુમાર’ કાર્યાલયની નજીક રાયપુર દરવાજા ગયા ત્યારે મનમાં ચચરાટ તો હતો જ. પણ તોય ત્યાં મોટી માનવમેદની જોઇને મનમાં એક પંક્તિ આવી :

‘સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.’

બેશક, આ પરથી એટલું તો સમજાયું તો હતું જ કે નોકરી છૂટી ગઈ છે. બીજી કોઈ સગવડ નથી, સાધન નથી, નિરાશા  વ્યાપતી જાય છે પણ તો ય કવિતા ક્યાંથી આવે છે ? અને કાળા ઘનઘોર વાદળો વચ્ચે પણ કબજો કેવી રીતે લઈ લે છે મનનો ! એમને પ્રતિત થયું કે કવિતા કોઈ અમાનવીય તત્વ છે.

આગળ જતાં એ આખું કાવ્ય પછી આમ  ઉતરી આવ્યું. એના થોડા અંશ. (પૂરા કાવ્યમાં એ પછી બીજી ઘણી કડીઓ છે,પુસ્તક ‘મકરંદ-મુદ્રા’ પૃષ્ઠ ૨૩ ).

‘સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.
જ્યારે પડે ઘા આકરા.
જ્યારે વિરૂપ બને સહુ,
ને વેદનાની ઝાળમાં
સળગી ઊઠે વન સામટાં,
ત્યારે અગોચર કોઈ ખૂણે
લીલવરણાં, ડોલતાં, હસતાં, કૂંણા
તરણાં તણું ગાણું, મુખે મારે હજો.

ત્યાંથી છૂટીને થોડો સમય ‘ભારતી સાહિત્ય સંઘ’માં કામ કર્યું અને પછી ‘હરિજન સેવક સંઘ’ના પાક્ષિક ‘સંગમ’ નું અલ્પ સમય માટે સંપાદન સંભાળ્યું. એ પછી તરત જ મેઘાણી સાથે ‘ઉર્મી-નવરચના’માં કામ કરવાનું શરૂ કર્યું. મેઘાણી‘સાહેબ’નો પરિચય તેમને અગાઉ થઇ ચુક્યો હતો. ‘ઉર્મિ-નવરચના’ માસિકપત્ર હતું અને મેઘાણીસાહેબ એનું સંપાદન કરતા હતા પણ તે રાણપુર છપાતું હતું. એટલે એના કામ માટે મકરંદભાઇએ રાણપુર જઇને દસ પંદર દિવસ રોકાવાનું જરૂરી બનતું. મેળેમેળ એ દિવસોમાં બાબુભાઇ વૈદ્ય-દયાબહેન પણ રાણપુરમાં હતાં. મેઘાણી બોટાદથી આવતા ત્યારે તેમને ત્યાં ઘણીયે વાર જમવા પણ આવતા. આમ દરરોજ મળવાનું થતું. તેમની ઉંમર ત્યારે મહેન્દ્ર મેઘાણી કરતાં છ-સાત મહિના જ મોટી હતી. એટલે એ મકરંદને પુત્રવત જ ગણતા. અને એમના નવાં રચેલાં કાવ્યોનું પરામર્શન પણ કરી આપતા. પણ તોય ત્યાં પણ ખાસ ગોઠ્યું નહિં, કારણમાં એ જ ! સંસ્થા દ્વારા શોષણ ! ‘ઉર્મિ-નવરચના’માં તેમનો પગાર ભૈયા કરતાં પણ ઓછો હતો. એ પણ સહન કર્યા પછી એમને લાગ્યું કે જે જગ્યાએ પોતાને લાગે કે અહીંયા આપણી સ્વતંત્રતા પર કાપ મુકાય છે અને પ્રામાણિકતાભર્યો નિર્મળ વ્યવહાર દેખાતો નથી તો પછી પરિણામ ગમે તે આવે, પણ ત્યાંથી છોડી દેવામાં જ ફકીરી છે.

‘ઉર્મિ-નવરચના’ માંથી મકરંદભાઇની વિદાય પછી તો બધું જયમલ્લ પરમાર જ સંભાળવા લાગ્યા. (જો કે, એનું વિધિવત સંપાદન તો એમણે સંભાળ્યું છેક ૧૯૬૭માં, એ પહેલાં તો ‘કલ્યાણયાત્રા’નું સંભાળતા હતા.)

૧૯૪૭માં એ નોકરી છોડીને મિત્ર મધુસુદનના કહેવાથી એમની સાથે જ મુંબઈ ગયા. ત્યાં એની સાથે જ રૂમ રાખીને રહ્યા. ત્યાં એમણે જોયું કે આ તો દોડતી રહેતી મોહમયી નગરી છે. લોકો અહીંયા તો કોઈને કોઇ વસ્તુ મેળવવા પાછળ ભટકે છે, ભમે છે. એટલે અહીં તો માત્ર રહેવા કરતાં ટકી રહેવું એ જ મહત્વનું છે. નહિં તો આ બેશુમાર ભીડ આપણને અનેક દિશાઓમાં ખેંચી જશે. ત્યાં એમણે પહેલું કાવ્ય લખ્યું.

’મન હો મારા સહુ દોડે ત્યાં,
એકલું થોભી જા.’

એમના ‘સંજ્ઞા’ શિર્ષકના કાવ્યસંગ્રહમાં (અને ‘મકરંદ-મુદ્રા’માં પૃષ્ઠ 8 ઉપર )આ કાવ્ય છે. એ એમનું પહેલું કાવ્ય હતું. ‘થોભી જવું’ એટલે આપણી ભીતર એક સતત જાગતો ચોકીદાર બેઠો છે એની આલબેલથી થંભી જવું તે. એટલે કે વ્યર્થ દોટથી મુક્ત થઇ જવું. એ ચોકીદાર એટલે એમના માતાપિતાના પૂર્વના સંસ્કાર. મુંબઇ હતું એટલે એમના બધા મિત્રો ખાતા-પીતા હતા. પણ તેઓ પણ જુવાન મકરંદની  આમન્યા રાખતા હતા.

એક વખત એક વિચિત્ર ઘટના ઘટી. એમનો એક મિત્ર એમને કહે કે ’ આજ તો તું આવને આવ અમારી સાથે રેસના ગોલ્ફમાં ! મઝા આવશે.’

મકરંદભાઇએ કહ્યું : ‘હું જુગાર રમતો નથી અને જોવા પણ જતો પણ નથી’

થોડીક શાબ્દિક ચર્ચા પછી બોલાચાલી પણ થઇ. સામો મિત્ર જરા નશામાં હતો. દિમાગની સમતુલા ગુમાવી દીધી. એણે કાચનો એક ગ્લાસ લઈને પોતાના માથામાં માર્યો. કહ્યું : ‘આજે તો તું ન આવે તો હું આત્મહત્યા કરીશ. જો, જો, તું જોઇ લે.’

મકરંદભાઇએ હથિયાર હેઠાં મુકી દીધાં : ‘એવું ન કરતો, ભાઈ, ચાલ આવું છું.’

સાથે ગયા એટલાથી એ મિત્રના તંતનો અંત ન આવ્યો, બોલ્યા : ‘ચાલ, તું જે ઘોડો ચીંધે એના ઉપર દાવ લગાવું.’

મકરંદભાઇએ મનમાં જે આવ્યું તે ઉચ્ચારી દીધું : ‘પેલો કાળો ઘોડો છે તેના ઉપર ખેલો.’

એણે એ ઘોડા પર જ બાજી લગાવી અને તે ખરેખર વિનમાં આવ્યો !

એ વખતે તો એ મિત્ર વિનમાં આવ્યા અને ખૂબ પૈસા મળ્યા. પણ બીજી વખત પણ મકરંદભાઇને સાથે લઇ ગયા ને બીજી વખત પણ એમની ટીપ પર જ રૂપીયા લગાડ્યા અને એ વખતે એણે તો બધાય ગુમાવી દીધા. ત્યારે એ બોલ્યા : “ હવે તને કોઈ દિ’ લેવો જ નથી. “

એ પછી સંજોગોની ઘટમાળ એમને રાજકોટ લઇ ગઇ. 1946-47નો અરસો. તાજી આઝાદીના દિવસો હતા. રાજકોટના બાબુભાઇ નરોત્તમદાસ શાહે દાંડીકુચના દિન તરીકે ઉજવાતા દિવસ, 1947 ના માર્ચની 12 મીએ નવું અખબાર ‘જયહિંદ’ શરુ કર્યું હતું અને એના તંત્રી તરીકે લીધા હતા મકરંદભાઇના બનેવી એવા પૂરા સાહિત્યરંગી અને લેખક એવા બાબુભાઇ વૈદ્યને. મકરંદભાઇ એના ઉપતંત્રી બન્યા અને એના એ અખબાર અંતર્ગત ‘પરમાર્થ’ નામનું ધર્મ અને અધ્યાત્મ તરફના વિષયનું એક માસિક પણ થોડા સમય પછી શરુ કર્યું હતું. મકરંદભાઇએ ગોંડલ રહ્યે રહ્યે પણ એને પોતાના સંપાદન હેઠળ એનો મૂળ મુદ્રામંત્ર જાળવીને પણ એને સાહિત્યનો સ્પર્શ આપી દીધો અને એને સધ્ધર માસિક બનાવી દીધું. (એ માસિક આજ લગી ચાલે છે.)

પણ ‘જયહિંદ’ની નોકરી હજુ થોડોક જ સમય કરી. એ પછી તંત્રી બાબુભાઇ  વૈદ્ય અને માલિક બાબુભાઇ  શાહ વચ્ચે કોઇ બાબતે તીવ્ર મતભેદ થયો. એમાં બાબુભાઇ વૈદ્યે તંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું. એ સાથે મકરંદભાઇએ પણ.

ત્યારે એમણે એક કાવ્ય લખેલું.

’સાચની પડખે રહીને ઝૂઝતાં
આપણે પળવાર પણ ખસવું નથી.’
સંકટો, દુ:ખો, પધારો સ્વાગતમ !
લેશ પણ આ માર્ગથી ચસવું નથી.’
અને ફરી મુંબઇ !

ત્યાં એક ક્વાર્ટરમાં એ રહેતા હતા. એ છેલ્લું મકાન હતું અને દરિયાનાં ભયંકર મોજાં ત્યાં પછડાતાં પછડાતાં આવતાં હતાં. પણ એનો એમને ડર નહોતો. એ તો દરિયાના તીવ્ર આગ્રહી હતા. દરીયાને જોઇને  એમને દરિયામાં દોડી જવાની ઈચ્છા થઇ આવતી. એક એક મોજું આવે અને એમને ભીંજવીને જતું રહે એથી તો પ્રસન્નતા વ્યાપી જતી.

પલળી જવાની આ જે તીવ્ર ઝંખના જે હતી તે થોડી ક્ષણોમાં જ એમને એમની ચેતનાની સામે પાર ખેંચી જતી. જાણે અંદર સુધી પરમ શાંતી છવાઈ જતી. બીજો જ માણસ એમનામાં જાગતો. એ પણ એમનો જ બીજો ચહેરો લાગતો. એ બીજા ચહેરાવાળાને એ સુબેદાર પણ કહેતા અને સલાહકાર પણ. દિવસમાં અનેકવાર એનો સાક્ષાત્કાર એમને થયા કરતો.

(એ પછીની એમની આધ્યાત્મિક વાતો લખવાનું મેં અહીં મુનાસિબ માન્યું નથી કારણ કે એ બહુ વિગતે અને વળી મકરંદ દવેની પ્રત્યક્ષ મુલાકાત પર આધારિત એક લાંબા આલેખરૂપે (સ્વ) સુરેશ દલાલે ઇમેજ પ્રકાશન (જે હવે સક્રિય નથી) દ્વારા સાલ ૨૦૦૩માં પ્રકાશિત પુસ્તક ‘મકરંદ-મુદ્રા’માં સમાવી લીધી છે. એ પુસ્તકની પ્રાપ્તિની પૃચ્છા માટે મકરંદભાઇના ભત્રીજા શ્રી વિમલ દવેનો ફોન 99098 22904 સંપર્ક સાધી શકાય. પરંતુ આ લેખ સાથે (સ્વ) કુન્દનિકાબહેન સાથેની મારી પ્રત્યક્ષ મુલાકાત પર આધારિત એક વિશેષ આલેખ જોડી રહ્યો છું, જે આવતા સપ્તાહે પ્રકાશિત થશે.-લેખક)


(ક્રમશ: )


લેખકસંપર્ક
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

5 thoughts on “મકરંદ દવે અને કુંદનિકા કાપડીયા- વિકાસપથ પર બે પ્રાણનું મળવું (ભાગ- ૨)

  1. ખૂબ સરસ લેખ કાવ્ય રચના ઓ વાંચવા ની ગમી.

  2. ખૂબ સરસ વડીલ, આગલા હપ્તાની રાહ જોઈ રહ્યા છીએ, આભાર

Leave a Reply

Your email address will not be published.