क़ैद में गुज़रेगी जो उम्र
परवीन शाकिर
क़ैद में गुज़रेगी जो उम्र बड़े काम की थी
पर मैं क्या करती कि ज़ंजीर तिरे नाम की थी ॥
जिस के माथे पे मिरे बख़्त का तारा चमका
चाँद के डूबने की बात उसी शाम की थी ॥
मैं ने हाथों को ही पतवार बनाया वर्ना
एक टूटी हुई कश्ती मिरे किस काम की थी ॥
वो कहानी कि अभी सूइयाँ निकलीं भी न थीं
फ़िक्र हर शख़्स को शहज़ादी के अंजाम की थी ॥
ये हवा कैसे उड़ा ले गई आँचल मेरा
यूँ सताने की तो आदत मिरे घनश्याम की थी ॥
बोझ उठाते हुए फिरती है हमारा अब तक
ऐ ज़मीं-माँ तिरी ये उम्र तो आराम की थी ॥
અનુવાદ
– હિતેન આનંદપરા
કપાઈ જેલમાં જે જિંદગી બહુ કામની હતી
કરું હું શું કે જંજીરો તમારા નામની હતી
આ મારા ભાગ્યનો તારો જે મસ્તક ઉપર ઝળક્યો
ડૂબી જવાની ઘટના ચંદ્રની એ જ શામની હતી
બનાવીને હલેસાં હાથના સારું કર્યું છે મેં
તૂટેલી હોડી નહીંતર તો મને ક્યાં કામની હતી
એ વારતા કે બધ્ધી સોય જ્યાં નીકળીય પણ ન’તી
ફિકર સૌને એ કુંવરીના થનાર અંજામની હતી
હવા મારા આ પાલવને ઉડાવી ગૈ કઈ રીતે ?
કે આવી છેડવાની ટેવ મારા શ્યામની હતી
હજીયે આપણો બોજો ઉઠાવીને ફરી રહી
ઓ ધરતી મા! આ તારી ઉમ્ર તો આરામની હતી.
(‘લયસ્તરો’માંથી સાભાર..)
ઉપરોક્ત અનુવાદ કાવ્ય સંદર્ભે પરવીન શાકીર વિશેના કવયિત્રી રક્ષાબહેન શુક્લના એક લેખમાંથી થોડો અંશ ઃ
પરવીન શાકિરના એક આલ્બમમાં કબીરના દોહાઓ પણ શામિલ કરાયા હતા ત્યારે ગુલઝારે કહ્યું હતું કે ‘એક નશા પર બીજો નશો ન કરવો જોઈએ, અહીં કબીર સાથે પરવીન પણ છે’. બંનેએ એમના સમયમાં ઉત્તમ કામ કર્યું છે. બંનેએ હિન્દુ-મુસ્લિમ એકતા-એખલાસનો જાણ્યે અજાણ્યે જયવારો કર્યો છે. પાકિસ્તાનની આ મશહૂર શાયરાના વિશે કહેવાય છે કે એમણે જ્યારે ૧૯૮૨માં સેન્ટ્રલ સુપીરિયર સર્વિસની લેખિત પરીક્ષા આપી ત્યારે એમની જ કવિતા વિષે એક સવાલ પૂછાયો હતો. એ જોઇને પરવીનજી આત્મવિભોર થઈ ગયા હતા. પરવીનનો અર્થ ‘આકાશગંગા’(ઝુમખું) અને શાકિરનો અર્થ ‘કૃતજ્ઞ’ થાય છે. પરવીનનું હુલામણું નામ ‘પારા’ હતું. ૧૪ મી ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ ખેંચાયેલી ‘રેડક્લિફ રેખા’ને (ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમારેખા) તેમના ફૂલ જેવા કોમળ હૃદયે ક્યારેય સ્વીકારી નહોતી. એટલે જ તેમની કવિતાની મહેક ભૌતિક સરહદોને ઉવેખીને સર્વત્ર મઘમઘતી રહી છે. પરવીનની રચનાઓએ પાકિસ્તાનને જ નહીં પરંતુ હિન્દુસ્તાનના સાહિત્યિક વાતાવરણને પણ મહેકાવી દીધું છે. પરવીને પોતાના સાહિત્ય પ્રવેશ વિશે એક મુલાકાતમાં એમ કહ્યું હતું કે “હું બહુ નાની હતી પણ મને એ ખબર હતી કે શબ્દ મને આકર્ષિત કરે છે. શબ્દનો ધ્વનિ, તેની ખુશ્બૂ, તેનો સ્વાદ હું અનુભવી શકતી હતી. પરંતુ આ બધું શબ્દના અભ્યાસ સુધી જ સીમિત હતું. એ વિચાર ઘણો પાછળથી આવ્યો કે કદાચ હું શબ્દ લખી પણ શકું છું.”
૧૯૭૭માં પહેલો કાવ્યસંગ્રહ ‘ખૂશ્બુ’ પ્રકાશિત થયો ત્યારે એની પ્રસ્તાવનામાં પરવીને લખ્યું છે કે ‘जब हौले से चलती हुई हवा ने फूल को चूमा था तो ख़ुशबू पैदा हुई.’. પરવીન એક પણ વાર હિન્દુસ્તાન નથી આવ્યા છતાં કૃષ્ણપ્રેમની કવિતાઓ લખે છે. ભારતની સંસ્કૃતિથી અજાણ હોવા છતાં કૃષ્ણને એ સાવ ઓળખે છે. એમની ગઝલોમાં એમની કૃષ્ણપ્રીતિ અનેક રીતે અનુભવી શકાય છે. પ્રેમલક્ષણા ભક્તિમાં તરબોળ દયારામમાં જોવા મળતો ગોપીભાવ પરવીનમાં પણ જોઈ શકાય છે. કૃષ્ણ સાથે રિસાઈને અબોલા લીધા પછી કૃષ્ણથી ક્ષણવાર પણ દૂર ન રહી શકતા દયારામ ‘શ્યામ રંગ સમીપે ન જાઉં’ કાવ્યમાં કહે છે કે ‘દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે પલક ના નિભાવું’. પરવીન પણ ગોપીભાવે જ પ્રશ્ન કરે છે,,, ‘अब तो जलका ही आँचल बनालू, पेड़ पर क्यों चुनरिया सुखाई ?’ એમની ખૂબસુરતી અને ગઝલની કમનીયતાનું મિશ્રણ થતું ત્યારે મુશાયરામાં વાહ વાહના સિક્કા ઉછળતા હતા. એવું કહેવાય છે કે પરવીન ‘પાકિસ્તાનની મીરાં’ છે. તો જ એ આવું લખી શકે કે ‘ये हवा कैसे उड़ा ले गई आँचल मेरा, यु सताने की आदत तो मेरे घनश्याम की है’.
વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-
સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com